Get The App

દિલ્હીની વાત : સોનિયા-રાહુલ સામે થયેલી ચાર્જશીટનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરશે

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સોનિયા-રાહુલ સામે થયેલી ચાર્જશીટનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરશે 1 - image

નવીદિલ્હી : ઇડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાથી કોંગ્રેસ હવે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના પ્રવક્તાઓએ નેશનલ હેરલ્ડની સંપત્તી કબજે કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બદલાની રાજનીતી ગણાવી છે. કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું છે કે, આ ફક્ત એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ લોકશાહીમાં વિરોધપક્ષને નાબુદ કરવાનું કાવતરુ છે. નેશનલ હેરલ્ડની શરૂઆત પંડીત જવાહરલાલ નહેરુએ ૧૯૩૮માં કરી હતી. નેશનલ હેરલ્ડે અંગ્રેજો વિરૂદ્ધ લડત ચલાવી હતી. આજે પણ કોંગ્રેસ પક્ષ નેશનલ હેરલ્ડના સિદ્ધાંતો પર ચાલે છે. શાસક પક્ષ કોંગ્રેસને ડારવવાની કોશિષ કરે છે, પરંતુ અમે ડરવાના નથી.

તમિલનાડુમાં ભાજપ માટે ગઠબંધન છતાં કપરાં ચઢાણ

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નઇની મુલાકાતે જઈને એઆઇએડીએમકે સાથે ગઠબંધન કરી આવ્યા છે. છેલ્લા ૭૮ વર્ષમાં કયારે પણ તામિલનાડુએ ભાજપની ઘાસ નાખ્યું નથી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન તામિલનાડુની અસ્મિતા પર ભાર આપી રહ્યા છે. રાજકીય નીરીક્ષકોનું માનવું છે કે તામિલનાડુના મતદારોએ કદી હિન્દુવાદી વિચારધારાને સ્વીકારી નથી. વડાપ્રધાન મોદીએ તામિલનાડુના મતદારોને ખુશ કરવા માટે મોટી યોજનાઓ જાહેર કરી છે. તામિલનાડુમાં ભાજપ પાસે દ્રવિડ આંદોલનના સ્થાપક પેરિયાર કે ડીએમકેના સ્થાપક અન્નાદુરાઈ જેવા કોઈ દિગ્ગજ નેતા નથી. એઆઇએડીએમકેને પણ જયલલિતાની ખોટ સતાવે છે.

ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી

બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઇલેકશન કમિશનર ઓફ ઇન્ડિયા (ઇસીઆઇ)એ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી કમિશને રાજ્યના ૨૦૦થી વધુ બુથ લેવલ એજન્ટોને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. બુથ લેવલ એજન્ટો દિલ્હી સ્થિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડેમોક્રસી એન્ડ ઇલેકશન મેનેજમેન્ટ (આઇઆઇઆઇડીઇએમ)માં રાષ્ટ્રીયસ્તરના ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. બિહારમાં અગાઉ ૨૦૨૦માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી જીત્યા પછી નિતિશકુમારે વારંવાર ગઠબંધનો બદલ્યા હતા. આ વર્ષની મુખ્ય ઘટના બિહાર વિધાનસભાની ચૂંટણી છે.

2047 સુધીમાં ફળો,  શાકભાજીનો વપરાશ ચાર ગણો વધશે

વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની કુલ ખાદ્યમાંગ હમણા કરતા બે ગણી વધી જશે. ફળો, શાકભાજી જેવા પોષક તત્વોવાળા ખાદ્ય પ્રદર્થો અને પશુ ઉત્પાદનોની માંગ ચાર ગણી વધવાની શક્યતા છે. 'નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ એન્ડ પોલીસી રીચર્સ' (આઇસીએઆર-એનઆઇએપી)એ કરેલા સંશોધન પ્રમાણે ઝડપથી વધતી માંગને કારણે ખેતી લાયક જમીનનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. ખેતી લાયક જમીન ૧૮ કરોડ હેક્ટરથી ઘટીને ૧૭.૬ મિલિયન હેક્ટર થઈ શકે છે. નિષ્ણાતોની સલાહ છે કે, પરંપરાગત અનાજને વધુ પોષણયુક્ત અને વૈવિધ્યસ્તર બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ. ૨૦૪૭ સુધીમાં ભારતની વસ્તી ૧૬૦ કરોડ સુધી પહોંચી શકે છે.

મુર્શિદાબાદ હિંસાના પીડિત પરિવારોએ ઝારખંડ અને માલદામાં શરણ લીધું

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે પીડિત પરિવારો મુર્શિદાબાદથી ભાગી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો ઘરબાર છોડીને બીજે જઈ રહ્યા છે. સૌથી વધુ પીડિતો ઝારખંડના પાકુડ જિલ્લામાં પહોંચ્યા છે. બાકીના પીડિતોએ માલદાની રાહત શીબિરોમાં શરણ લીધું છે. જાન બચાવવા માટે મુર્શિદાબાદથી ભાગેલા શરણાર્થીઓની હાલત ખૂબ કફોડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી એમને કોઈ રાહત મળી નથી. પીડિતો પર એસીડથી હુમલા થયા છે અને એમને જીવતા સળગાવી નાખવાની કોશિષો પણ થઈ છે. મોટા ભાગના પીડિતોની તમામ ઘરવખરી લૂંટી લેવાઈ છે. રાજકારણીઓ આ બાબતે રાજકારણ રમવામાં વ્યસ્ત છે ત્યારે કેટલાક એનજીઓ પીડિતોની મદદે પહોંચ્યા છે.

રાજ ઠાકરેની એકનાથ શિંદે સાથેની મુલાકાત ચર્ચાસ્પદ બની

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પક્ષની સ્થાપના પછી આજ સુધી વારંવાર એમનું રાજકીય સ્ટેન્ડ બદલતા રહે છે. રાજ ઠાકરેના ટીકાકારો કહે છે કે, એમની રાજકીય વિચારધારા સ્થિર નહીં હોવાથી પક્ષના કાર્યકરો પણ એમનાથી વિમુખ થઈ ગયા છે. રાજ ઠાકરે હવે એકાએક મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણ ઉપર રાજ ઠાકરેનો કોઈ પ્રભાવ નહીં હોવાથી કેટલાકને નવાઈ લાગે છે કે એકનાથ શિંદે ઠાકરેને શા માટે મળ્યા. એકનાથ શિંદેએ જોકે કહ્યું છે કે, હું રાજ ઠાકરેને બાળા સાહેબ ઠાકરેના સમયથી ઓળખું છું. અમે સાથે કામ કર્યું છે અને ઘણા સમયથી અમે મળી શક્યા નહોતા. દરેક મુલાકાતનું રાજકીય કારણ શોધવું જરૂરી નથી. રાજકીય નીરિક્ષકો જોકે કહી રહ્યા છે કે રાજકારણમાં કારણ વગર વિરોધીઓ એક બીજાને મળતા નથી.

બજારમાં ત્રણ ડઝન પ્રતિબંધિત દવાઓ વેચાઈ રહી છે

દેશના અલગ અલગ ભાગોમાં કોઈપણ જાતની તપાસ વગર નિયમોને અવગણીને પ્રતિબંધીત દવાઓના લાયસન્સ આપી દેવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓને લાયસન્સ આપતા પહેલા દવાઓની સુરક્ષા કે અસર વિશે તપાસ કરવામાં આવતી નથી. આશરે ત્રણ ડઝન કરતા વધુ પ્રતિબંધીત દવાઓ ભારતના બજારમાં વેચાઈ રહી છે. આ દવાનો ઉપયોગ તાવ, ડાયાબીટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને ફેટી લિવર જેવી સમસ્યા માટે થઈ રહ્યો છે. આ આખો કિસ્સો એફડીસી સાથે સંકળાયેલો છે. જે દવાઓને બે કે તેથી વધુ વિવિધ દવાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તે એફડીસી શ્રેણીમાં આવે છે. આ માહિતી કેન્દ્રીય એજન્સીની એક તપાસ દરમિયાન બહાર આવી છે. ફાર્મા કંપનીઓ માને છે કે, લાયસન્સ એમને રાજ્ય સરકાર દ્વારા અપાતું હોવાથી તેઓ ખોટુ કરી રહ્યા નથી.

સીમાંકન મુદ્દે કોંગ્રેસ સંતુલન જાળવવા સમિતિ બનાવશે

સીમાંકનનો વિવાદ ચાલી રહ્યો છે. દક્ષિણના રાજ્યોને ઓછી બેઠકો મળશે અને ભાજપની જ્યાં મજબૂત પક્કડ છે એવા હિન્દીબેલ્ટને નવા સીમાંકનમાં વધુ બેઠકો મળશે એવી એક પ્રચલિત થિયરી રજૂ થઈ રહી છે. દક્ષિણના રાજ્યોમાં પણ નવા સીમાંકનને લઈને અત્યારથી જ વિરોધ શરૂ થયો છે. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને દક્ષિણના રાજ્યોમાં આ બાબતે એકતા લાવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. હવે કોંગ્રેસે પણ એક સેન્ટ્રલ સમિતિ બનાવવાની વિચારણા શરૂ કરી છે. કોંગ્રેસ નિષ્ણાતોની એક પેનલ બનાવશે, જે સીમાંકનના પેચીદા પ્રશ્નને સમજશે અને રાજ્યો પ્રમાણે શું સ્થિતિ હોઈ શકે તેનો અભ્યાસ કરશે. વસતિના આધારે સીમાંકન થતું હોય તો એવો ક્યો રસ્તો કાઢવો જોઈએ કે જેથી દક્ષિણના રાજ્યોનું લોકસભા-રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ઘટે નહીં એ અંગે વિવિધ વિકલ્પો તલાશવામાં આવશે.

મમતા બેનર્જીએ પહેલીવાર નીતિશ-નાયડુની આકરી ઝાટકણી કાઢી

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલી વખત આક્રમક તેવરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુની આકરી ઝાટકણી કાઢી હતી. વક્ફ સુધારા બિલ બાબતે નીતિશ-નાયડુએ ભાજપની સરકારનું સમર્થન કર્યું તેનાથી નારાજ મમતા બેનર્જીએ કહ્યું કે આ બંને પોતાની સત્તા ટકાવી રાખવા માટે તમારો બલિ ચઢાવી દેશે. મમતા બેનર્જીએ પહેલી વખત નીતિશ-નાયડુની આટલી આકરી ઝાટકણી છે. અગાઉ ક્યારેય મમતા બેનર્જી આ બંનેથી આટલા નારાજ થયા નથી.

ઈડીની ચાર્જશીટઃ કોંગ્રેસને વિપક્ષોના સમર્થન મુદ્દે અખિલેશ સક્રિય

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરલ્ડ કેસમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી તે બાબતે વિપક્ષોએ ખાસ સમર્થન કરતા નિવેદનો આપ્યા નથી. જેમણે આપ્યા છે એમાં અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ મુખ્ય છે. આ કેસમાં મોટાભાગના વિપક્ષો અવઢવમાં છે. કોંગ્રેસ આ બાબતે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરશે. તે વખતે કોંગ્રેસ ઈચ્છે છે કે વિપક્ષોનું પણ સમર્થન મળે તો શક્તિ પ્રદર્શન થાય અને તેની યોગ્ય રીતે નોંધ લેવાય, પરંતુ હજુ સુધી ખાસ માહોલ દેખાયો નહીં. હવે અખિલેશ યાદવે વિપક્ષી નેતાઓને ફોન કરીને સોનિયા-રાહુલને આમાં સમર્થન આપવાની વિનંતી શરૂ કરી છે. એમાં કેજરીવાલથી લઈને મમતા બેનર્જી સુધીના નેતાઓનો સમાવેશ થાય છે. ઈન્ડિયા ગઠબંધન મળીને દેખાવો કરે તો એકતા બતાવી શકાય એવું કોંગ્રેસનું માનવું છે.

લાલુની સમજાવટથી માયાવતીએ  ભત્રીજા આકાશ સામે સમાધન કર્યું

માયાવતીએ એક સમયે ભત્રીજા આકાશ આનંદને પોતાનો રાજકીય ઉત્તરાધિકારી જાહેર કરી દીધો હતો, પરંતુ આકાશની શંકાસ્પદ ગતિવિધિના કારણે પહેલાં સાઈડલાઈન કરાયો અને લોકસભાની ચૂંટણી વખતે તમામ હોદ્દા પરથી હટાવી દેવાયો. એ પછી થોડા દિવસ પહેલાં તો પક્ષમાંથી જ હાંકી કાઢ્યો. એ પછી આકાશ આનંદને અન્ય પાર્ટીઓમાં ઓફર આવતી હતી એનેય માયાવતીએ અટકાવી દીધી હતી. માયાવતી લડી લેવાના મૂડમાં હતા, પરંતુ લાલુ પ્રસાદ યાદવે માયાવતીને સમજાવ્યા હતા કે પરિવારમાં જે પ્રશ્ન હોય એ ઉકેલી લેવો જોઈએ. કારણ કે આંતરિક લડાઈથી ભાજપને ફાયદો થશે. અખિલેશ યાદવના પરિવારમાંથી અપર્ણાને ભાજપે પાર્ટીમાં લીધા એનું ઉદાહરણ પણ લાલુએ આપ્યું હતું. આખરે માયાવતી માની ગયા હતા.

ભાજપે દિલ્હીમાં લઘુત્તમ મજૂરી વધારી, બિહાર પર નજર

દિલ્હીમાં ભાજપની સરકારે મજૂરોનું લઘુત્તમ વેતન વધાર્યું છે. અકુશળ મજૂરોનું માસિક વેતન ૧૮૪૫૬, અર્ધકુશળ મજૂરોનું વેતન ૨૦૩૭૧ અને કુશળ કામદારોનું ૨૪૩૫૬ રૂપિયાનું વેતન નક્કી કરાયું છે. બધામાં સરેરાશ પાંચથી એક હજાર સુધીનો વધારો થયો છે. આ વધારા પાછળ ભાજપની લાંબાંગાળાની યોજના છે. બિહારના સેંકડો મજૂરો દિલ્હીમાં કાર્યરત છે. લઘુત્તમ વેતન વધતા તેમને સીધો ફાયદો થશે. મજૂરોમાં પાર્ટીની ઈમેજ સુધારીને ભાજપ બિહારની ચૂંટણીમાં તેનો ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારના મેનિફેસ્ટોમાં પણ આ વેતન વધારવાની ખાતરી આપશે.