રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ વિદેશ પ્રવાસે જઈને બરાબર ફસાયા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જપાન અને સાઉથ કોરિયાના પ્રવાસે ગયા છે. એમના આ પ્રવાસને કારણે ભાજપ માટે નવુ સંકટ ઉભુ થયું છે. ૧૧ વર્ષ પહેલા રાજસ્થાનના ભરતપુરમાં થયેલી હિંસા બાબતે ભજનલાલ શર્માની ધરપકડ થઈ હતી. ભજનલાલને હિંસાના કેસમાં જામીન મળ્યા હતા. જામીનની શરતોમાંથી એક શરત એવી હતી કે, ભજનલાલ વિદેશ યાત્રા કરી શકે નહીં. કોંગ્રેસે આ મામલે જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી છે કે, ભજનલાલ શર્માએ જામીનની શરતનો ભંગ કર્યો હોવાથી એમના જામીન રદ કરીને એમની સામે કામ ચલાવવામાં આવે. ભજનલાલ ભારત પાછા આવશે ત્યારે વિદેશ પ્રવાસે જવાની ખુશીનો નશો ઉતરી ગયો હશે.
ઉ. પ્રદેશમાં ૨૯ આઇએએસેની એક સાથે બદલી, દિલ્હીથી દોરીસંચારની ચર્ચા
ઉત્તર પ્રદેશમાં ૨૯ આઇએએસ અધિકારીઓની રાતોરાત બદલી થવાથી ઘણાને નવાઈ લાગી છે. મેરઠ, પ્રયાગરાજ અને જોનપુર - મુઝફ્ફર નગર જેવા જિલ્લાઓના ડિસ્ક્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટની બદલી પણ કરી નાખવામાં આવી છે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે ભાજપના એક ટોચના નેતાએ દિલ્હીમાં બેસીને આઇએએસ અધિકારીઓની બદલી નક્કી કરી હતી. આ બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નારાજગીને પણ ધ્યાનમાં લેવામાં આવી નહોતી. કેટલાક જિલ્લાના ડીએમ તો યોગીના ખાસ ગણાતા હતા. એમને પણ બદલવામાં આવ્યા છે. હમણા તો યોગી સમસમીને બેસી રહ્યા છે. ભવિષ્યમાં જોઈએ શું થાય.
જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે હરિયાણાનો પ્રવાસ નક્કી કરી નાંખ્યો
અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ પણ જોસમાં આવી ગયા છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. આપ સાથે જોડાણ કરવા માટે કોંગ્રેસના નેતાઓ તૈયાર નહોતા. અરવિંદ કેજરીવાલ મૂળ હરિયાણાના છે અને હરિયાણા જઈને તેઓ આક્રમક પ્રચાર કરશે તો કોંગ્રેસના મતમાં ગાબડુ પડી શકે એમ છે. કેટલાક રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, આપે હરિયાણાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખીને આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવ્યો છે. જોકે આપના નેતાઓ ભાજપના ઉમેદવારો સામે વધુ આક્રમક રહેશે એમ મનાય છે. હરિયાણામાં કેજરીવાલ રોડ શો અને નુક્કડ સભાઓ કરશે.
ડોડામાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ
૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં જમ્મુના ડોડા મતવિસ્તારમાં ભાજપને પહેલી વખત સફળતા મળી હતી. જોકે હવે ૧૦ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ છે. ૨૦૧૪ સુધી ડોડા જિલ્લામાં વિધાનસભાની બે બેઠકો, ડોડા અને ભદ્રવાહ હતી. આ બંને બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે નવા સિમાંકનને કારણે ડોડા અને ડોડા પશ્ચિમ બેઠકો વધારાની ઉમેરાય છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે જોડાણ થયું છે, પરંતુ ડોડાની સીટ પર બંને પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. ડોડા પશ્ચિમની બેઠક પર હિન્દુ મતદારો ૬૫ ટકા જેટલા હોવા છતાં અહીંના ૧૬ ટકા દલિત મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એમ મનાય છે. ભાજપ અહીં વિકાસના નામે મત માંગી રહ્યો છે, પરંતુ સ્થાનિક મતદારોને કોઈ વિકાસ નજરે ચઢતો નથી.
બિહારમાં તેજસ્વી યાદવ સતત જનસંર્પક કરી રહ્યા છે
તેજસ્વી યાદવ ભલે પિતા લાલુ પ્રસાદને કારણે રાજકારણમાં આવ્યા, પરંતુ હવે તેઓ પોતાની ઓળખ બિહારમાં ઉભી કરી રહ્યા છે. બિહારમાં તેઓ વારંવાર પ્રવાસ કરતા રહે છે. હમણા જ એમણે દરભંગામાં પક્ષના કાર્યકર્તાઓ સાથે બે દિવસ કાર્યક્રમ કર્યો. આ બે દિવસો દરમિયાન તેજસ્વીએ ૧૦ વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓને બોલાવી એમને માર્ગદર્શન આપ્યું હતું. સંપૂર્ણ મિથિલાંચલ વિસ્તારમાં ફરીથી પક્ષની સ્થિતિ મજબૂત કરવા માટે તેજસ્વીએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. કાર્યકર્ર્તાઓ મતદાર સુધી પહોંચીને તેજસ્વી યાદવએ બિહાર માટે શું કર્યું છે એની જાણકારી પહોંચાડશે. તેજસ્વી મતદારોને વચન આપે છે કે જો ૨૦૨૫માં એમની સરકાર બનશે તો મિથિલાંચલના વિકાસ માટે 'મિથિલાંચલ ડેવલોપમેન્ટ ઓથોરીટી' (એમડીએ) બનાવશે.
હડતાળ કરી રહેલા ડોક્ટરો વિપક્ષનો હાથો હોવાનો પુરાવો તૃણમુલના નેતાએ આપ્યો
પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી જુનિયર ડોક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે આ બાબતે તૃણમુલ કોંગ્રેસના સિનિયર નેતા કૃણાલ ઘોષએ એવો દાવો કર્યો છે કે મમતા બેનર્જીને બદનામ કરવા માટે કેટલાક વિરોધીઓ જુનિયર ડોક્ટરોને હાથો બનાવી રહ્યા છે. ઘોષે કહ્યું કે એમની પાસે આ વાતનો પુરાવો પણ છે. ઘોષે કહ્યું કે, 'મારી પાસે એક ઓડિયો ક્લિપ છે. આ ક્લિપમાં ડાબેરી પક્ષના યુવા સેનાના એક સભ્ય અને બીજા કટ્ટર ડાબેરી સંસ્થાના નેતા વચ્ચેની વાતચીત છે. આ બંને જણા એવું આયોજન કરી રહ્યા છે કે, ધરણા પર બેઠેલા ડોક્ટરો પર હુમલો કરવો. ડોક્ટરો પર હુમલો થશે એટલે તરત જ આ માટે સત્તાધારી પક્ષને જવાબદાર ગણાવી તોફાનો શરૂ કરાવી દેવા.' ઘોષના આ ધડાકા પછી બંગાળ પોલીસે પેલા બે નેતાઓ સામે કેસ દાખલ કર્યો છે.
હરિયાણામાં કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ હુડાને તમામ સત્તા આપી
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીની રણનીતિ તૈયારી કરવાની તમામ સત્તા ભૂપેન્દ્રસિંહ હુડાને આપવામાં આવી છે. ૯૦ બેઠકોમાંથી ૭૮ બેઠકો પર હુડાએ પસંદ કરેલા ઉમેદવારો ચૂંટણી લડશે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્રસિંહ હુડાની સલાહને અવગણવાથી હરિયાણામાં કોંગ્રેેસની હાર થઈ હતી. કોંગ્રેસ હાઇકમાન્ડે એટલે જ આ વખતે નક્કી કર્યું કે, હુડાની સલાહ પ્રમાણે જ તમામ નિર્ણયોે લેવા. હરિયાણામાં રણજીત સુરજેવાલા, કુમારી સૈલજા અને હુડા એમ ત્રણ જૂથ છે. હરિયાણા કોંગ્રેસની જૂથબંધી વિધાનસભાની ચૂંટણીમાં નડે નહીં એ માટે જાટ નેતા ભૂપેન્દ્રસિંહ હુડા પર દાવ લગાડવામાં આવ્યો છે.
* * *
સિદ્ધારામૈયાનો આઠ સીએમને આમંત્રણનો
હેતુ પોતાની મહત્તા વધારવાનો
રાજકીય વિશ્લેષકોના મતે કર્ણાટકના મુખ્ય મંત્રી સિધ્ધારામૈયાએ કેન્દ્ર દ્વારા વેરાના અન્યાયી વિનિમય બાબતે બેંગલુરુમાં વધુ આવક ધરાવતા રાજ્યોના મુખ્ય મંત્રીઓને આમંત્રિત કરવાનો હેતુ વડા પ્રધાન મોદીનો સામનો કરવા રાજ્યના વડા તરીકે પોતાને સ્થાપિત કરવાનો છે. તેમના મતે આ પગલાથી સિદ્ધારામૈયા સામે આંતરિક જોખમ ઓછું થશે.
પ્રશાંત કિશોરનું બિહારમાંથી દારૂબંધી ઉઠાવી લેવાનું વચન
બીજી ઓક્ટોબરે પક્ષના સ્થાપના દિવસની ઉજવણી અગાઉ જન સુરજના ચીફ અને ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજકરણી બનેલા પ્રશાંત કિશોરે શનિવારે તેમનો પક્ષ ચૂંટાઈ આવશે તો માત્ર એક કલાકમાં બિહારમાંથી દારૂબંધી હટાવી લેવાનું વચન આપ્યું હતું. તેમના મતે દારૂબંધી નિરર્થક છે અને તેનાથી રાજ્યને દર વર્ષે રૂા. ૨૦ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે દારૂ માફિયા અને અધિકારીઓ ગેરકાયદે વેપારમાંથી કરોડોની આવક રળી રહ્યા છે.
તાજના ગૂંબજમાં ગળતર બાબતે ઓવૈસીનો એએસઆઈ પર કટાક્ષ
તાજ મહલના મુખ્ય ગૂંબજમાંથી પાણીના ગળતરના વાયરલ થયેલા વીડિયોનો પ્રતિસાદ આપતા એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સામે હેરિટેજ સ્થાપત્યનું સંરક્ષણ કરવામાં નિષ્ફળ જવા બાબતે કટાક્ષ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે એએસઆઈ તાજ મહલમાંથી કરોડોની આવક કરે છે પણ ભારતીય સંસ્કૃતિના પ્રતીકનું રક્ષણ નથી કરી શકતા. તેમણે ઉમેર્યું કે આ જ સંસ્થા વક્ફ બોર્ડ પાસેથી જાળવણીના મુદ્દે સ્થાપત્યોનો કબજો મેળવવાની માગણી કરે છે. ઓવૈસીએ કહ્યું દસમી ફેલ થયેલા પીએચડી માટે અરજી કરી રહ્યા છે.
ભાજપ, બીઆરએસ દ્વારા રેવન્થના પીપલ્સ ગવર્નન્સ ડે કાર્યક્રમની ટીકા
ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર સરકાર ૧૭ સપ્ટેમ્બરે લિબરેશન ડેની ઉજવણી કરે છે જ્યારે તેલંગણની અગાઉની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) એ દિવસે એકતા દિવસ ઉજવે છે. પણ હવે તેલંગણમાં સત્તામાં રહેલી કોંગ્રેસ આ દિવસની પ્રજા પાલન દીનોત્સવમ તરીકે ઉજવણી કરશે. ડેક્કનમાં આ દિવસ અતિશય મહત્વનો છે પણ તેમાં કોમવાદી રંગ પણ છે. રાજ્યનો દરેક પક્ષ તેની અલગ રીતે ઉજવણી કરે છે. વિપક્ષો બીઆરએસ અને ભાજપ મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીની અપીલ સામે વાંધો ઉઠાવી રહ્યા છે, અને દિવસના નામકરણ પાછળના તેમના તર્ક પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યની મુખ્ય સચિવે આપેલા આદેશ મુજબ સીએમ હૈદરાબાદમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે જ્યારે અન્ય મંત્રીઓ જિલ્લા મુખ્યાલયમાં ધ્વજ ફરકાવશે.
- ઇન્દર સાહની