mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કવિતાને જેલમાં ધકેલીને ભાજપ કેસીઆરને ભિડાવશે

Updated: Sep 16th, 2023

કવિતાને જેલમાં ધકેલીને ભાજપ કેસીઆરને ભિડાવશે 1 - image


નવીદિલ્હી: દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી કવિતાને ઈડીએ શુક્રવારે પૂછપરછ માટે હાજર થવા સમન્સ આપેલું પણ કવિતા હાજર ના થયાં. તેના બદલે કવિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં સુપ્રીમ કોર્ટે ૨૬ સપ્ટેમ્બર સુધી સમન્સ નહીં બજાવવા ફરમાન કરીને કવિતાને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ઈડીએ ૨૬ સપ્ટેમ્બર સુધી કવિતાને કંઈ નહીં કરાય એવી ખાતરી આપી છે.

સૂત્રોનો દાવો છે કે, તેલંગાણામાં આ વરસના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કવિતાને જેલભેગાં કરીને કેસીઆરના પરિવાર સામે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉભો કરવાની ભાજપની યોજના છે. ભાજપ કેસીઆર સામે વંશવાદ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકે જ છે. કવિતાની ધરપકડ થાય તો ભાજપને કેસીઆર સામે વધુ એક હથિયાર મળી જાય.

દિલ્હી એક્સાઈઝ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા મનિષ સિસોદિયા સહિત ઘણાં મોટાં માથાં અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે.

'ઈન્ડિયા'ના નેતાઓ માટે ગાઈડલાઈન બનાવાશે

ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાના ભાગીદાર પક્ષો એકબીજા સામે આક્ષેપબાજીમાંથી ઉંચા આવતા નથી તેના કારણે ભાજપને આ સંઘ કાશીએ નહી પહોંચે એવું કહેવાનો મોકો મળી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, ઈન્ડિયાની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. તેમાં સાથી પક્ષોના નેતાઓ માટે એક ગાઈડલાઈન બનાવવાની તરફેણ કરાઈ છે. કમિટીના સભ્યોનો મત હતો કે, ભાજપ વિરોધી પક્ષોએ પોતાની શક્તિ ભાજપ સામે પ્રહાર કરવા માટે ખર્ચવાની હોય તેના બદલે અંદરોઅંદર લડવામાં ખર્ચીને ભાજપને ફાયદો કરાવી રહ્યો છે.

ઈન્ડિયાના નેતાઓનું માનવું છે કે, સાથી પક્ષોમાં કકળાટ ના થાય એ આ કારણે પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા સહિતનાં જે રાજ્યોમાં મોરચાના સભ્ય એવા વિપક્ષો સામસામે છે ત્યાં છેલ્લે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે. સાથી પક્ષોના નેતાઓએ આ વાત સમજીને જીભ પર લગામ રાખવી જોઈએ.

કાશ્મીરમાં શહાદત, ભાજપના

જી-૨૦ જશ્ન મુદ્દે ટીકા

જી ૨૦ સમિટની સફળતાનો ભાજપના મુખ્યાલય પણ જશ્ન મનાવાયો એ મુદ્દે ટીકા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલામાં ભારતીય લશ્કરના ત્રણ જવાનો શહીદ થયા એ ઘટના વચ્ચે ભાજપ ઉજવણીમાં વ્યસ્ત હતો એ બદલ તેની ટીકા થઈ રહી છે. કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સવાલ કર્યો છે કે, જે દિવસે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની શહાદત થઈ તે જ દિવસે જી-૨૦ની સફળતાનો જશ્ન ભાજપ મુખ્યાલયમાં કેમ મનાવાયો ?  કોંગ્રેસના પવન ખેરાએ બે ફોટા મૂકીને લખ્યું છે કે, સરહદ પર આપણી સેનાના ત્રણ અધિકારીઓની શહાદતના દુઃખદ સમાચાર આવી રહ્યા હતા ત્યારે ભાજપના મુખ્યાલયમાં બાદશાહ માટે ઉત્સવનો માહોલ હતો. 

મ.પ્ર.માં તોમર વર્સીસ સિંધિયા જંગ ઉગ્ર બન્યો

મધ્ય પ્રદેશમાં બે કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ટકરાવના કારણે ભાજપમાં ચિંતા છે. ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે બંને નેતા સામસામે આવી ગયો છે. ભાજપ હાઈકમાન્ડે  નરેન્દ્ર સિંહ તોમરને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિટીના કન્વીનર છે તેનો લાભ લઈને તોમર પ્રાદેશિક નેતાઓને બોલાવી બોલાવીને બેઠકો કરી રહ્યા છે પણ આ બેઠકોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થકોની બાદબાકી કરાઈ રહી હોવાથી સિંધિયા અકળાયેલા છે.

તોમર સિંધિયાના કાર્યક્રમમોમાં પણ હાજર રહેતા નથી. તાજેતરમાં ભિંડની જન આશીર્વાદ યાત્રા કે ગ્વાલિયરમાં પ્રિય બહેનોના ખાતામાં પૈસા જમા કરાવવાવા સહિતના કાર્યક્રમમાં સિંધિયા કેન્દ્રસ્થાને હોવાથી નરેન્દ્રસિંહ તોમર દૂર રહ્યા હતા.

ભાજપના નેતા માને છે કે, તોમરનું વલણ ભાજપને નુકસાન કરાવશે કેમ કે  જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમગ્ર ગ્વાલિયર-ચંબલમાં પ્રભાવ છે જ્યારે તોમરનો પ્રભાવ મર્યાદિત વિસ્તાર અને મતબેંક પર છે.

ભાજપના મુખ્યમંત્રીની પત્નીને ક્રેડિટ સબસિડીનો વિવાદ

આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાનાં પત્નીની કંપનીને કેન્દ્ર સરકારે ૧૦ કરોડ રૂપિયાની ક્રેડિટ સબસિડી આપી હોવાના આક્ષેપોના કારણે ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ દાવો કર્યો છે કે, સરમાનાં પત્નીની કંપનીને નિયમોને કોરાણે મૂકીને કેન્દ્ર સરકારે દસ કરોડ રૂપિયા આપ્યા છે.

સરમાએ સામે દાવો કર્યો છે કે, પોતાની પત્નીને કેન્દ્ર સરકાર તરફથી એક પણ રૂપિયો મળ્યો હોવાનું સાબિત થાય તો પોતે રાજકારણ છોડી દેવા તૈયાર છે અને જે સજા કરાય એ સજા ભોગવવા પણ તૈયાર છે. સરમાએ ગોગોઈ સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી પણ આપી છે. સામે ગોગોઈએ સરમાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતાઓ કરવાના બદલે વિધાનસભામાં હાજર થઈને ખુલાસો કરવા પડકાર ફેંક્યો છે.

સરમાનાં પત્નીની કંપનીને કોરોના કાળમાં સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો અને ઉંચા ભાવે ખરીદી કરાઈ હોવાનો વિવાદ પણ ચગ્યો હતો.

પવારની ફાઈલો ફડણવિસ તપાસશે, એનસીપીમાં ધૂંધવાટ

મહારાષ્ટ્રમાં અજીત પવારને અંકુશમાં રાખવા માટે એકનાથ શિંદેએ આપેલા આદેશના કારણે એનસીપીમાં ધૂંધવાટ છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંજૂર કરેલી ફાઈલોને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તપાસીને ક્લીયર કરે પછી આ ફાઈલોને શિંદેના ટેબલ પર મુકવામાં આવશે. પહેલાં દેવેન્દ્ર ફડણવીસ અને પછી એકનાથ શિંદે એમ બે જણા અજીત પવારની ફાઈલો ચકાસે તેનો અર્થ એ થયો કે, અજીત પવારને ફડણવિસની નીચે ગણવામાં આવી રહ્યા છે એવું એનસીપીના નેતા માને છે.

સૂત્રોનું કહેવું છે કે, ભાજપના કેટલાક નેતાઓની ફરિયાદ બાદ પવાર પર નિયંત્રણ લદાયાં છે. તાજેતરમાં રાજ્ય ભાજપના કેટલાક નેતા લોન લેવા માટે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મળ્યા ત્યારે સહકારી ક્ષેત્રમાં લોન માટે લાદવામાં આવેલી કડક શરતો અંગે ફરિયાદ કરી હતી. આ શરતો અજિત પવારના મંત્રાલય દ્વારા લાદવામાં આવી હતી. શિંદેના ફરમાન બાદ પવારના મંત્રાલયનો આદેશ પાછો ખેંચાયો પણ તેની અસર વર્તાઈ છે.


Gujarat