નવીદિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત -પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને કારણે વાતચીત અટકી ગઈ છે. એમ મનાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની તરફેણમાં નથી. જોકે નવાઈ લાગે એ રીતે છેલ્લા થોડા દિવસોમાં ભારતની અંદર કેટલીક અગત્યની અને પ્રભાવશાળી વ્યક્તિઓએ પાકિસ્તાન સાથે ફરીથી વાતચીત શરૂ કરવાની વકીલાત કરી છે. આમા ભૂતપૂર્વ સેના પ્રમુખ અને ભૂતપૂર્વ રોના વડા ઉપરાંત આરએસએસના નેતા પણ સામેલ છે. આરએસએસમાં નંબર બે ગણાતા દત્તાત્રેય હોસબાલેએ કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. એમનું માનવું છે કે તણાવ છતાં રાજદ્વારી સંબંધો, વાણીજ્ય વ્યવહાર અને વિસાની પ્રક્રિયા જેવી બાબતો બંધ થવી જોઈએ નહીં. એમણે અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ પણ આપ્યું હતું કે વાજપેયી બસ લઈને લાહોર ગયા હતા. હોસબાલેના નિવેદનની નવાઈ ભાજપમાં પણ કેટલાકને લાગી રહી છે.
મમતાના ખાસ આઇએએસ અધિકારીને શુભેંદુએ આપી મોટી જવાબદારી
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય સચીવ નંદીની ચક્રવર્તીને મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ પણ મહત્વની જવાબદારી આપી છે. આ નિર્ણય પુરવાર કરે છે કે મમતા બેનર્જીએ પોતાના શાસન દરમિયાન યોગ્ય અધિકારીઓને પસંદ કર્યા હતા. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, સરકાર બદલાતા ઉચ્ચ અધિકારીઓ પણ બદલાઈ જાય છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પછી નંદીની ચક્રવર્તીને બદલવામાં આવ્યા હતા. હવે ફરીથી નંદીની ચક્રવર્તીને ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓ સીધા મુખ્યમંત્રીને જવાબદાર રહેશે. શુભેંદુ અધિકારીએ એમને અલગ જવાબદારી સોંપી છે. વિકાસકાર્યોને ઝડપી બનાવવા માટે નંદીની ચક્રવર્તીનો ઉપયોગ થશે. સૌથી પહેલું કામ બાંગ્લાદેશ સરહદે કાંટાના તારનું ફેન્સીગ કરવાનું છે. આ કામ માટે બીએસએફને જમીન આપવાની કામગીરી ઝડપી બનાવવા માટે નંદીની ચક્રવર્તીને સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસે મોદીને 'મોંઘવારી મેન' ગણાવ્યા
પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા પછી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરીને જનતા પર બોજો નાખ્યો છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી તરત જ મોદીએ વસુલાત શરૂ કરી છે. કોંગ્રેસે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, 'મોંઘવારી મેન' મોદીએ ફરીથી લોકોને આંચકો આપ્યો છે. પેટ્રોલ - ડીઝલ ઉપરાંત સીએનજીની કિંમતમાં પણ વધારો થયો છે. ચૂંટણી પુરી - મોદીની વસૂલાત શરૂ. આ ભાવ વધારો એવા સમયે થયો છે કે જ્યારે દુનિયા પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે ઉર્જાની સંકટનો સામનો કરી રહી છે. હોર્મૂઝ ખાડીની નાકાબંધીને કારણે પરિસ્થિતિ વધુ વકરી છે. સરકાર એક તરફ કહે છે કે ઇંધણની કોઈ અછત નથી છતાં ભાવ વધારો કેમ થયો?
સનાતન ધર્મ વિશેના નિવેદનોથી વિવાદ વકર્યો
એમ લાગે છે કે તામિલનાડુમાં ડીએમકેના નેતાઓ હાર પછી પણ સુધરવા માંગતા નથી. ડીએમકેના નેતા ઉદયનીધિ સ્ટાલીનએ તામિલનાડુ વિધાનસભામાં સનાતન ધર્મ માટે કહ્યું હતું કે સનાતન ધર્મનો સફાયો કરી નાંખવો જોઈએ. ત્યાર પછી ઉદયનીધિ સ્ટાલીનની ટીકા દેશભરમાં થઈ હતી. હવે ઉદયનીધિ સ્ટાલીને બેકફૂટ પર જઈને સ્પષ્ટતા કરી છે કે એમનો મતલબ વર્ણ વ્યવસ્થા ખતમ કરવાનો હતો જે લોકોને ઉંચ-નીચમાં વહેંચે છે. વર્ણ વ્યવસ્થા ખતમ કરવાનો મતલબ એ નહીં કે કોઈ મંદીર નહીં જાય. એનો મતલબ છે કે બધાને સરખા અધિકાર મળવા જોઈએ. સ્ટાલીન પછી ટીવીકેના એક ધારાસભ્યએ પણ સનાતનીઓને ખતમ કરી દેવા જોઈએ એવું નિવેદન કર્યું હતું. તામિલનાડુના નેતાઓના વિરોધમાં દેશભરના સનાતનવાદીઓ એક થઈ ગયા છે. જમણેરી પક્ષ ભાજપને આવા નિવેદનોને કારણે ફાયદો થાય છે. હિન્દુ ધ્રુવીકરણ ભાજપ તરફે રહે છે.
વીસીકેએ બળવાખોરોને મંત્રી બનાવવા સામે વાંધો લીધો
વિદુથલાઈ ચીરૂથાઈગલ કાચી (વીસીકે)ના મહામંત્રી ડી રવિકુમારએ એઆઇએડીએમકેથી અલગ થયેલા ધારાસભ્યોને વિજયની કેબીનેટમાં મંત્રી બનાવવાના વિચાર સામે વાંધો લીધો છે. એમણે કહ્યું હતું કે, આ બાબતે રાજકારણની નૈતિકતા અને આચરણ સાથે ગંભીર સવાલ જોડાયેલા છે. એમણે કહ્યું હતું કે, 'એઆઇએડીએમકેના મહામંત્રી ઇકે પલાની સ્વામીને પાર્ટીના વ્હીપ નક્કી કરવાનો અધિકાર છે. પક્ષનો આદેશ ધારાસભ્યોએ માન્ય રાખવો જ જોઈએ. એ માટે ૨૫ ધારાસભ્યોએ પક્ષના સૂચનની વિરુદ્ધ જઈને ટીવીકે સરકારના પક્ષમાં મતદાન કર્યું હતું. એમની સામે પક્ષ ફેરબદલ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. રવિકુમારે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે કાયદો એમને હમણા મંત્રી બનતા રોકી શકે નહીં, પરંતુ નૈતિકરૂપે એ કરવું ખોટું હશે.
મમતાનો પક્ષ તૂટી શકે છે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી મમતા બેનર્જીના પક્ષ ટીએમસીમાં ધમસાણ ચાલુ થયું છે. ટીએમસીના લોકસભા સાંસદોમાંથી કેટલાક મમતા બેનર્જીથી નારાજ છે. કારણ એ છે કે મમતાએ લોકસભામાં મુખ્ય વ્હીપ તરીકે કાકોલી ઘોષ દસકીદારની જગ્યાએ કલ્યાણ બેનર્જીની નિમણૂક કરી છે. કેટલીક મહિલા સાંસદો પણ બળવાના મૂડમાં છે. પક્ષમાં મોટી તડ પડવાની પણ શક્યતા છે. કલ્યાણ બેનર્જી પર મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરવાના આરોપ છે. બળવાના મૂડમાં મહિલા સાંસદો વધુ છે. લોકસભામાં ટીએમસીના ૨૮ સાંસદ છે જેમાંથી ૧૧ મહિલા છે. ગયા વર્ષે સાંસદ મહુવા મોઇત્રા સાથે જાહેરમાં થયેલી તૂતૂ મેમે પછી એમને વ્હીપ તરીકે હટાવવામાં આવ્યા હતા. મહુવા મોઇત્રાએ પીનાકી મિશ્રા સાથે કરેલા લગ્ન બાબતે કલ્યાણ બેનર્જીએ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.
કરકસર મામલે શરદ પવાર મોદીની સાથે
નરેન્દ્ર મોદીના કટ્ટર રાજકીય હરીફ મનાતા શરદ પવારે કરકસર બાબતે અલગ સ્ટેન્ડ લીધું છે. કરકસર કરવાની નરેન્દ્ર મોદીની અપીલ પર એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું હતું કે, મોદીની અપીલને ગંભીરતાથી લેવાની જરૂર છે. નેતાઓએ આ બાબતે દેખાડો કરવો જોઈએ નહીં. જે લોકો પોતાનો કાફલો નાનો કરી રહ્યા છે એમણે દેખાડો કરવાની જરૂર નથી. ૧-૨ દિવસની બચત કરવાનો અર્થ નથી. આ બચત હંમેશ માટે કરવી જોઈએ. વડાપ્રધાને એક ઓલ પાર્ટી મીટીંગ બોલાવવી જોઈએ, કારણ કે દેશમાં પરિસ્થિતિ ગંભીર છે. ચૂંટણી વખતે સત્તાધારી પક્ષે ફ્યુલ બચાવવા માટે કેમ વિચાર્યું નહીં? ફ્યુલ બચાવવા માટે આટલો લાંબો સમય કેમ લીધો? વડાપ્રધાનની અપીલ પરથી લાગે છે કે પરિસ્થિતિ ગંભીર છે.


