Get The App

દિલ્હીની વાત : અઝરબૈજાનના દુશ્મન આર્મેનિયાને ભારત મિસાઇલ સિસ્ટમ આપશે

Updated: May 16th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : અઝરબૈજાનના દુશ્મન આર્મેનિયાને ભારત મિસાઇલ સિસ્ટમ આપશે 1 - image

નવીદિલ્હી : ભારત - પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે તૂર્કીએ પાકિસ્તાનને ભારત પર હુમલા માટે દ્રોણ આપ્યા હતા. તૂર્કીના મિત્ર દેશ અઝરબૈજાનએ પણ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન કર્યું હતું. હવે વળતો ફટકો મારવા માટે ભારતે આવતા જુલાઈ મહિનામાં આર્મેનિયાને આકાશ મિસાઇલ સિસ્ટમ આપવાનું છે. પાકિસ્તાન સામે ભારતએ કરેલી સ્ટ્રાઇકમાં ભારતએ આકાશ મિસાઇલ સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અઝરબૈજાન અને તૂર્કી ભારતના મિત્ર આર્મેનિયાને સતત ડરાવી રહ્યા છે. ભારત આર્ર્મેનિયાને મદદ કરી રહ્યું હોવાથી અઝરબૈજાન એવા આક્ષેપ કરે છે કે, ભારત આગને ભડકાવી રહ્યું છે. ભારત અને આર્મેનિયા વચ્ચે ૨૦૨૨માં હથિયારોને લઈને કરાર થયા હતા. આર્મેનિયા ભારત પાસેથી એર ડિફેન્સ સિસ્ટમના ૫૦ યુનિટ ખરીદશે.

રાષ્ટ્રપતિએ સુપ્રીમના ચુકાદા અંગે પૂછયું 'શું કોર્ટ પાસે આવી સત્તા છે'

૮મી એપ્રિલે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને વિધાનસભામાં પસાર થયેલા બીલોને ચોક્કસ સમય મર્યાદામાં મંજૂરી આપવી પડે. થોડા દિવસો પહેલા ઉપરાષ્ટ્રપતિએ આ ચૂકાદાની ટીકા કરી હતી. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ સુપ્રિમ કોર્ટના ચૂકાદાની આકરી ટીકા કરી છે. રાષ્ટ્રપતિએ આ ચુકાદાને બંધારણીય મૂલ્યો અને વ્યવસ્થાથી વિપરીત ગણાવ્યું છે. મુર્મૂનું કહેવું છે કે, સુપ્રિમ કોર્ટે બંધારણીય મર્યાદાનો ભંગ કર્યો છે. બંધારણના આર્ટીકલ ૧૪૩ (૧) અંતર્ગત રાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટ પાસે ૧૪ બંધારણીય પ્રશ્નોના જવાબો માંગ્યા છે. સુપ્રિમ કોર્ટની જે બેન્ચે ચુકાદો આપ્યો હતો એ બેન્ચમાં જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ આર મહાદેવનનો સમાવેશ થતો હતો.

વિદેશ મંત્રીને મળતી ઝેડ કેટેગરીની સિક્યુરીટી કેવી હોય છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલી તાણ પછી એસ જયશંકરની સિક્યુરીટી વધારવામાં આવી છે. એસ જયશંકરને હવે બુલેટપ્રુફ કાર આપવામાં આવી છે. જયશંકરને પહેલેથી જ ઝેડ કેટેગરીની સિક્યુરીટી આપવામાં આવી હતી. હવે તેમની સલામતી વધારવામાં આવી છે. જયશંકરના દિલ્હીના રહેઠાણની આસપાસ પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. જયશંકરની સુરક્ષા માટે પહેલેથી જ ૩૩ કમાન્ડો ખડે પગે હાજર રહે છે. ઝેડ કેટેગરીની સુરક્ષામાં ઓછામાં ઓછા ૪ થી ૬ એનએસજી (નેશનલ સિક્યુરીટી ગાર્ડ) કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ હોય છે. આ કેટેગરીની સલામતીમાં પર્સનલ સિક્યુરીટી ઓફિસર (પીએસઓ), સર્વેલન્સ સ્ટાફ અને ૮ જેટલા સ્ટેટીક આર્મ્ડ ગાર્ડનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ટીકીટ બાબતે અખિલેશે ફોર્મ્યુલા તૈયાર કરી

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષ બાકી છે. આમ છતા સમાજવાદી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. સપા પોતાના નેતાઓ અને પદાધિકારીઓના કામકાજનું મૂલ્યાંકન બુથસ્તરે કરશે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ આ બાબતે પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. 

કોને ટીકીટ આપવી અને કોની ટીકીટ કાપવી એની રણનીતિ તૈયાર થઈ ગઈ છે. અખિલેશ યાદવએ સ્પષ્ટ કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં જે વ્યક્તિ બુથસ્તર પર સક્રિય હશે અને પક્ષને મજબૂત બનાવવા કામગીરી કરી હશે એમને જ ટીકીટ આપવામાં આવશે. પક્ષ તરફથી તમામ જિલ્લા અને શહેરની કમિટિઓને કડક સૂચના આપી દેવામાં આવી છે.

પાકિસ્તાનમાં આતંકવાદીઓના સમર્થકોની ખુલ્લેઆમ રેલી

કરાંચીમાં હજારો કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓએ પાકિસ્તાનના સમર્થનમાં રેલી કાઢી હતી. આ રેલીમાં લશ્કર - એ - તૈયબા અને અહલે સુન્નતવાલ જમાતના આતંકવાદીઓ હાજર રહ્યા હતા. આ બંને સંગઠનને આતંરરાષ્ટ્રીયસ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે. 

ઓપરેશન બનાયન - ઉન - માર્સૂસની ઉજવણી કરતી રેલીમાં આતંકવાદી નેતાઓ બુલેટપ્રુફ કાચ પાછળ ઉભા રહ્યા હતા. આ આતંકવાદીઓએ ખુલ્લેઆમ ભારતને ધમકી આપતા ભાષણો કર્યા હતા. આ રેલીનું આયોજન પાકિસ્તાનની દીફા-એ-વતનના વડા મૌલાના ફઝલુર રહેમાનએ કર્યું  હતું. દીફા-એ-વતન કાઉન્સીલ પોતાને પાકિસ્તાનનું ધાર્મિક અને રાજકીય સંગઠન ગણાવે છે. હકીકતમાં તેના સભ્યો ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિમાં સક્રિય છે.

જાવેદ અખ્તર પાકિસ્તાન લશ્કરના વડા મુનીર પર ભડક્યા

કવિ અને લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાન લશ્કર સામે ફરીથી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. 

જાવેદે કહ્યું છે કે, ભારતે કદી પાકિસ્તાનના નાગરીકોનું ખરાબ ઇચ્છયું નથી. ત્યાની સરકાર ખરાબ હોય એમા લોકોનો વાંક નથી. જાવેદે પાકિસ્તાન સેનાના જનરલ આસીમ મુનીર પર પોતાનો ગુસ્સો કાઢયો હતો. જાવેદ અખ્તરનું કહેવું છે કે મુનીરે ખૂબ જ અસંવેદનશીલ ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં એમણે હિન્દુઓને ગાળો આપી હતી. 

જાવેદ અખ્તરે પાકિસ્તાનને એની કાયરતા પણ યાદ અપાવી હતી કે જ્યારે યુદ્ધ પછી પોતાના જ સૈનિકોની લાશ મુકીને તેઓ ભાગી ગયા હતા. જાવેદે એક મુલાકાતમાં કહ્યું હતું કે, 'કોઈપણ દેશ એક સરખો હોતો નથી. એ જ રીતે કોઈપણ દેશના નાગરીકો સરખા હોતા નથી.'

ભારત - પાકિસ્તાન મામલે કોંગ્રેસે શશી થરૂરના નિવેદનોને અંગત ગણાવ્યા

ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા પછી કોંગ્રેસના સાંસદ શશી થરૂર સતત સમાચારમાં રહ્યા છે. શશી થરૂરએ આપેલા દરેક ઇન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારની તરફદારી કરી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ શશી થરૂર કદાચ ભાજપમાં જોડાઇ શકે છે. સતત ચર્ચાથી ઘેરાયેલા કોંગ્રેસ હાઇકમાન્ડે આ બાબતે એવો ખુલાસો કર્યો છે કે દરેકને પોતાની વાત કરવાની સ્વતંત્રતા છે. શશી થરૂરે ભારત -પાકિસ્તાન વચ્ચેના તણાવ બાબતે તમામ મર્યાદા ઓળંગીને નિવેદનો આપ્યા છે. હાઇકમાન્ડે એમને કહ્યું છે કે, પોતાના અંગત અભિપ્રાયો કરતાં તેઓ પક્ષનો અભિપ્રાય રજૂ કરે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે પણ કહ્યું હતું કે, થરૂરની ટીપ્પણી સાથે પક્ષ સહમત નથી.

બિહારની ચૂંટણીઓ માટે હરિયાણા ભાજપની તૈયારીઓ 

બિહારની વિધાનસભાની ઓક્ટોબર નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને રાજદની આગેવાની હેઠળના મહાગઠબંધન વચ્ચે જોરદાર ચૂંટણી જંગ ખેલાવાનો છે. જનતાદળ(યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી( રામવિલાસ પાસવાન) , હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાએ ભાજપની આગેવાની હેઠળ બિહારમાં ૨૪૩ બેઠકોમાંથી ૨૨૫ બેઠકો જીતી લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 

હરિયાણા ભાજપે પણ મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળ રાજ્યમાં વસતાં બિહારીઓના મત અંકે કરવાના પ્રયાસોમાં કોઇ કસર છોડી નથી. ખૂબ આયોજનપૂર્વક ઘડવામાં આવેલી રણનીતિ અનુસાર હરિયાણામાં વસતા બિહારી મતદારોનો ડેટાબેઝ તૈયાર કરી મતદાનના દિવસે તેઓ બિહાર તેમના વતનમાં જઇ મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વસતાં બિહારીઓને રિઝવવા માટે છઠ પૂજાના આયોજકો દ્વારા તેમનો સંપર્ક કરીને અને બિહારી દિવસની ઉજવણી કરવાનું આયોજન થઇ રહ્યું છે. બિહારમાં એનડીએની વિજયની તકો વધારવા માટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત વ્યૂહરચનામાંથી પ્રેરણા મેળવી આ વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. 

હરિયાણાના બાવીસ જિલ્લાઓમાં વસતાં બિહારી મતદારોને રીઝવવા લશ્કરી શિસ્તથી આયોજન કરવામાં આવી રહ્યું છે. સૈનીના મિડિયા કો-ઓર્ડિનેટર અશોક છાબરાએ જણાવ્યું હતું કે ભાજપના નેતા અમરજિત સિંહની આગેવાની હેઠળ સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. તેમની સાથે પક્ષના મહામંત્રી ડો. અર્ચના ગુપ્તા પણ આ ઝુંબેશની આગેવાની કરી રહ્યા છે. અમરજિતસિંહ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.  

કેરળ કોંગ્રેસે મોદીની ટીકા કરી વિવાદ ઉભો કર્યો 

ભાજપે સોમવારે ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને ચમકાવવા દસ દિવસ દેશમાં તિરંગા યાત્રાઓ યોજવાની જાહેરાત કરી એ પછી કેરળ કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી કે, તિરંગાનું કદ નાનું હશે અને મોદીનું કદ મોટું હશે.બહેતર છે કે આને ઓપરેશન રેસ્ક્યુ પાપા જી યાત્રા કહેવામાં આવે. બીજી એક પોસ્ટમાં ૨૦૧૩માં આવેલી મલયાલી કોમેડી ફિલ્મ ઓરૂ ઇન્ડિયન પ્રણયકાંડની ક્લિપ શેર કરવામાં આવી છે. જેમાં યુવાન રાજકારણીની ભૂમિકા ભજવતો એક્ટર ફહદ ફાસિલ પોલીસના લાઠીચાર્જથી બચવા વિરોધ સ્થળેથી ભાગી જાય છે. આ નાસતાં પાત્રને ભક્ત ગણાવી પોસ્ટમાં જણાવાયું હતું કે સંઘ પરિવારે અગાઉ દાવો કર્યો હતો કે લશ્કરની કાર્યવાહીમાં બહું વાર લાગતી હોઇ તેમણે ઇલાઇટ ટ્રેનિંગ ફોર્સ તૈયાર કર્યો છે જે ત્રણ જ દિવસમાં તૈયાર થઇ જાય છે. પણ જ્યારે ખરી જરૂર પડી ત્યારે બધાં ચૂપ બેસી રહ્યા હતા. 

૧૧ મેના રોજ વડાપ્રધાન વાઘ સાથે બેઠાં હોય તેવી તસવીર મુકી પોસ્ટ કરવામાં આવી હતી  કે અસલી વાઘથી ચેતજો, કાગળના વાઘથી નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી હોય કે રાજકીય મુદ્દો કેરળ કોંગ્રેસના એક્સ હેન્ડલ પર બધાંની નજર હોય છે. આ એકાઉન્ટના ૧.૪૨ લાખ ફોલોએર્સ છે. શાસક ભાજપ અને વડાપ્રધાન મોદીને નિશાન બનાવી આ હેન્ડલ પર મીમ્સ અને વિડિયો મુકવામાં આવે છે. દુનિયાભરમાં વિવિધ દેશોમાં વસતાં સાત મલયાલીઓની ટીમ દ્વારા આ હેન્ડલનું સંચાલન થાય છે. આ એક્સ હેન્ડલ કેરળ કોંગ્રેસના ડિજિટલ મિડિયા સેલનો એક હિસ્સો છે. 

-ઇન્દર સાહની