નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિની મુલાકાત વખતે એમનો પ્રોટોકોલ સાચવવામાં નહીં આવ્યો હોવાનો વિવાદ હવે વધુ વકર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર એક બીજા સામે બાંય ચઢાવી રહ્યા છે. દાર્જીલીંગના ડીસ્ટ્રીક્ટ મીજીસ્ટ્રેટની માગણી કેન્દ્ર સરકારે કરી હતી. મતલબ કે એમને ડેપ્યુટેશન પર મોકલવા માટેનું સૂચન કેન્દ્ર સરકારે કર્યું હતું. જોકે રાજ્ય સરકારે એમને દિલ્હી મોકલવાનો ઇન્કાર કરી દીધો છે. આ કારણે વિવાદ વધ્યો છે. રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ સચવાયો નહીં હોવાને કારણે કેન્દ્ર સરકારે દાર્જીલીંગના મનિષ મિશ્રા અને બીજા એક અધિકારીને ડેપ્યુટેશન પર બોલાવવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રપતિના કાર્યક્રમની જવાબદારી મનિષ મિશ્રા પાસે હતી. એમને ત્રણ દિવસમાં દિલ્હી રીપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. એમ મનાય છે કે જવાબદાર અધિકારીઓને દિલ્હી બોલાવીને એમને શીક્ષા આપવાની યોજના બનાવવામાં આવી હતી.
ભવિષ્યના યુદ્ધ માટે ભારતની નવી રણનીતિ
બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને ભવિષ્યમાં યુદ્ધના જોખમોને જોતા ભારતે પોતાની સુરક્ષા રણનીતિને વધુ મજબૂત કરવાનું નક્કી કર્યું છે. રક્ષા વિઝન - ૨૦૪૭ દસ્તાવેજમાં રસાયણીક, જૈવીક, રેડિયોલોજીકલ અને પરમાણુ એટલે કે સીબીઆરએનના જોખમોને ગંભીર પડકાર ગણવામાં આવ્યા છે. આ દસ્તાવેજમાં આવા હુમલાઓથી બચવા માટેના આધુનિક સુરક્ષા ઉપાયો તૈયાર કરવાની સલાહ આપવામાં આવી છે. આ પ્રકારના હુમલા થાય તો સૈન્ય અને સુરક્ષા એજન્સીઓની પ્રતિક્રિયા કઈ રીતે મજબૂત બની શકે એ વિશે પણ ચર્ચા થઈ છે. વિઝન દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે હવે યુદ્ધ પરંપરાગત રીતે લડાશે નહીં. આધુનિક સમયમાં સામૂહિક વિનાશ થઈ શકે એવા હથિયારોનો ખતરો મોટો છે. ખાસ કરીને જૈવીક જોખમને સૌથી મોટો પડકાર ગણવામાં આવ્યો છે. આવા હુમલાઓ અદ્રશ્ય હોય છે અને એમને ઓળખવા મુશ્કેલ બની જાય છે.
સંકટ છતા મોટાભા બનવા માટે ભારતની બાંગ્લાદેશને મદદ
નિષ્ણાંતો નુકતેચીની કરી રહ્યા છે કે ભારતની હમણાની વિદેશનીતિ સમજવી મુશ્કેલ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલના પૂરવઠા સામે સંકટ ઉભુ થયું છે. હોર્મૂઝ ખાડીમાંથી ઓઇલ ટેન્કરો પસાર નહીં થઈ શકતા હોવાને કારણે વિશ્વના મોટા ભાગના દેશો મુશ્કેલીમાં છે. આપણા પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવમાં પણ ઇંધણ માટે મારામારી છે. ભારતમાં દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી રીફાઇનરીઓ છે. સંકટમાં આવેલા પડોશી દેશોએ ભારતને ઇંધણ આપવાની આજીજી કરી હતી. નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોએ ભારતની મદદ માંગી હતી. પીગળી ગયેલા ભારતે બાંગ્લાદેશને પાંચ હજાર ટન ડીઝલ તાત્કાલીક પહોંચાડયું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે બાકીના પડોશી દેશોને પણ ભારત ઓઇલનો જથ્થો આપે એવી પૂરી શક્યતા છે.
ગોવા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો અકબંધ
ગોવામાં આવતે વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે એ પહેલા રાજધાની પણજીની નગરપાલિકાની ચૂંટણીને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ ચૂંટણીમાં ભાજપ સમર્પિત પેનલએ ભારે બહુમતીથી જીત મેળવીને એવો સંદેશો આપ્યો છે કે હજી પણ પક્ષ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં છે. ૩૦ બેઠકોમાંથી ભાજપે ૨૭ બેઠકો પર જીત મેળવી છે. પણજી નગર નિગમ એટલે કે સીટી કોર્પોરેશન ઓફ પણજી (સીસીપી)ની ચૂંટણીમાં મંત્રી અતાનાસીઓ મોનસેરાતેના નેતૃત્વમાં ભાજપ તરફી પેનલએ જીત મેળવી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકરના પુત્ર ઉત્પલ પારીકરની પેનલને ફક્ત ત્રણ બેઠકો મળી હતી. ભાજપ આને વિકાસની રણનીતિ કહે છે, પરંતુ હકીકત એ છે કે વારંવાર રાજ્ય સરકારના કૌભાંડો બહાર આવતા રહે છે. નબળા વિરોધપક્ષને કારણે ભાજપને ફાયદો થાય છે.
કોંગ્રેસના બે ટોચના નેતાઓ વચ્ચે ખુલ્લેઆમ ટનાટની
કોંગ્રેસના બે નેતાઓ શશી થરૂર અને મણીશંકર ઐયર બહુ બોલકા છે. તેઓ પોતાના વિચાર બેબાકપણે પ્રદર્શિત કરે છે. થોડા સમયથી શશી થરૂર નરેન્દ્ર મોદીના ચાહક હોય એ રીતના નિવેદન આપે છે જેને કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓ એમનાથી નારાજ છે. બીજી તરફ મણીશંકર ઐયર હવે જાહેરમાં કોંગ્રેસ હાઇકમાન્ડ વિરુદ્ધ નિવેદનો આપે છે અને ટીકા કરતા રહે છે. હવે આ બંને નેતાઓએ એકબીજા સામે વાધો પડયો છે. કોંગ્રેસ હમણા ભારતની વિદેશ નીતિની આકરી ટીકા કરે છે. ભારતની વિદેશ નીતિ બાબતે આ બંને નેતાઓ આપસમાં બાખડયા છે. આ બંને નેતાઓએ ખુલ્લો પત્ર લખીને એક બીજાને સંકજામાં લેવાની કોશિષ કરી છે. થરૂરે ઇરાન બાબતે જે કહ્યું એ ઐયરને પસંદ આવ્યું નહોતું. ઐયર એટલા અપસેટ થઈ ગયા કે એમણે સવારે ત્રણ વાગ્યે ઉઠીને શશી થરૂરને ખુલ્લો પત્ર લખ્યો. ઐયરે એમ પણ કહ્યું હતું કે એમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં શશી થરૂરને મત આપીને મોટી ભૂલ કરી હતી. સામે શશી થરૂરે પણ ઐયરને વળતો જવાબ આપ્યો છે.
એકાએક તૂર્કીએ ભારતના વખાણ કેમ કર્યા
ઘણા સમયથી તૂર્કીને ભારત સામે વાંધો છે. ઓપરેશન સિંદુર વખતે પણ તૂર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. હવે તૂર્કીએ એકાએક નીતિ બદલીને ભારતના વખાણ કર્યા છે. તૂર્કીના નેતા અહમેત ઉનાલ ચેરીકોઝએ કહ્યું છે કે, એશિયામાં ભવિષ્યની સ્થિરતા વિવિધ દેશો કઈ રીતે પોતાની નીતિ નક્કી કરે એના પર આધારીત છે. ચેરીકોઝએ દિલ્હીમાં આયોજીત ૧૦મી 'સીનર્જીયા કોન્કલેવ'માં ભાષણ આપતા કહ્યું હતું કે, એશિયા વૈશ્વિક આર્થિક વિકાસનું કેન્દ્ર હોવા ઉપરાંત જમીની રાજનેતિક પરિવર્તનનું પણ મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. એશિયામાં સ્થિરતા માટે જરૂરી તાકાત ભારત પાસે છે. એમણે કહ્યું હતું કે, આજે એશિયા વૈશ્વિક વિકાસનું એન્જિન છે. એશિયાના દેશોની સ્થિતિ અવસર પણ પેદા કરે છે અને જોખમ પણ. એશિયાના દેશોએ કૂટનીતિ નક્કી કરવી જોઈએ. દરેક દેશ વચ્ચે સ્પર્ધા હોય એ સામાન્ય વાત છે. પરંતુ આ સ્પર્ધા સંઘર્ષમાં પરિવર્તિત થવી જોઈએ નહીં.'


