નવીદિલ્હી : ભારતમાં જ્યારે અમેરિકા, ચીન કે રશિયા જેવા દેશોના વડાઓ આવે છે ત્યારે આવા નેતાઓ જે શહેરની મુલાકાત લેવાના હોય છે ત્યાંની ગરીબી અને ગંદકી છૂપાવવા પ્રયત્નો થાય છે. આપણે માનતા હતા કે આવા ભેજાબાજ ફક્ત નરેન્દ્ર મોદી જ છે. જોકે હવે ખબર પડી છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ 'મોદીવાળી' કરે છે. ટ્રમ્પે પોતે કબુલ કર્યું છે કે, મોદી સહિત વિદેશના નેતાઓ જ્યારે અમેરિકા આવે છે ત્યારે વોશિંગ્ટન ડીસીની ગંદકી, ટેન્ટ અને ગ્રાફેટી છૂપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. શહેર ચોખ્ખુ રહે એ માટે પણ અધિકારીઓને કહેવામાં આવે છે કે જેથી અમેરિકાની રાજધાની સુંદર અને સુરક્ષીત દેખાય. વોશિગટન ડીસીના મેયર મ્યુરીઅલ બાઉઝરને સફાઇ બાબતની જવાબદારી સોંપવામાં આવે છે.
ભાજપનું શાસન ઔરંગઝેબના સમય કરતા પણ ખરાબ
આજકાલ મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના નામે ચાલુ થયેલા રાજકારણ પર બ્રેક લાગી રહી નથી. સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કર્યાં ત્યારે થયેલો વિવાદ માંડ શાંત થયો છે અને હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે ઔરંગઝેબના નામે બીજો બોમ્બ ફોડયો છે. રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતા પણ વધુ ખરાબ છે. રાજ્યમાં ખેડૂતો, બેરોજગારો અને મહિલાઓ આત્મહત્યા કરી રહ્યા છે. આ આત્મહત્યા માટે ભાજપ જવાબદાર છે. ઔરંગઝેબને મર્યાને ૪૦૦ વર્ષ થઈ ગયા છે. એમને ભૂલી જાવ. શું મહારાષ્ટ્રના ખેડૂતો ઔરંગઝેબને કારણે આત્મહત્યા કરે છે? જો મોગલ શાસકોએ અત્યાચાર કર્યા હોય તો હમણાની સરકાર શું કરી રહી છે?
પ. બંગાળના વિરભૂમમાં હિંસા, પરિસ્થિતિ તણાવભરી
હોળીના તહેવાર દરમિયાન પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસા ભભૂકી ઉઠી છે. નંદીગ્રામ બ્લોક-૨ના અમદાબાદ ક્ષેત્રમાં હોળીનો તહેવાર મનાવી રહેલા લોકો પર હિંસક હુમલો થયો હતો. કેટલીક મૂર્તિઓની તોડફોડ કરવાનો આક્ષેપ પણ થયો છે. બરૂઇપુર, જાદવપુર અને મુરશીદાબાદ સહિત આખા રાજ્યમાં હિંસક ઘટનાઓ બની રહી છે. એવો આક્ષેપ થાય છે કે મમતા બેનર્જીની પોલીસે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. અફવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સેઠીયા શહેરની પાંચ ગામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ મામલે ભાજપ અને ટીએમસીના નેતાઓ એક-બીજા પર આક્ષેપો કરી રહ્યા છે.
કચરા સંકટ મામલે ધારાસભ્યો બ્લેકમેલ કરે છે : શિવકુમાર
કર્ણાટકના બેગ્લુરુ શહેરમાં આજકાલ સફાઈ કામગીરી અટકી પડી છે. શહેર આખુ કચરાથી ભરાઈ ગયું છે અને કચરો ઉપાડતા વાહનો રસ્તા પર અટકી ગયા છે. આ બાબતે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે ગંભીર આક્ષેપ કર્યો છે. શિવકુમારના કહેવા પ્રમાણે કેટલાક રાજકીય પક્ષોના ધારાસભ્યો બેંગ્લુરુ કચરા સંકટ બાબતે સરકારને બ્લેકમેલ કરી રહ્યા છે. આ ધારાસભ્ય વિકાસ નિધિના ફંડમાંથી ૮૦૦ કરોડ રૂપિયા માંગી રહ્યા છે. શિવકુમારના કહેવા પ્રમાણે શહેરની કચરા નિકાલની વ્યવસ્થાને કેટલાક માફિયા નિયંત્રીત કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓને ઉશ્કેરીને કામ કરતા રોકવામાં આવે છે જેને કારણે બેંગ્લુરુ શહેર કચરાથી ગંધાઈ ઉઠયું છે. સફાઈની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોએ એક કાર્ટેલ રચી છે.
ફિલ્મોના હિન્દી ડબિંગથી કમાણી કરનારા જ હિન્દીનો વિરોધ કરે છે
છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર અને તમિલનાડુ વચ્ચે ભાષા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન તમિલનાડુ પર હિન્દુ ભાષા થોપવા સામે વિરોધ કરી રહ્યા છે. આ વિવાદની વચ્ચે જનસેના પક્ષના પ્રમુખ અને આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણએ નિવેદન આપ્યું છે. કલ્યાણએ ભારતની વિવિધ ભાષાઓની રક્ષા કરવા પર જોર આપતા કહ્યું છે કે, દેશના ફક્ત બે નહીં, પરંતુ તામિલ સહિત અનેક ભાષાઓની જરૂર છે. હિન્દીનો વિરોધ કરનારાઓની ટીકા પણ એમણે કરી હતી. પવન કલ્યાણએ કહ્યું હતું કે જે લોકો હિન્દીનો વિરોધ કરે છે તેઓ તામિલ ફિલ્મોને ડબ કરીને હિન્દી ફિલ્મોને રીલીઝ કરવાની પરવાનગી પણ આપે છે.
છેતરપિંડીના કેસમાં ધારાસભ્યને મદ્રાસ હાઈકોર્ટમાંથી રાહત
તમિલનાડુની નીચેની કોર્ટે પાપનાશમના ધારાસભ્ય એમ એચ જવાહીરૂલ્લાહ તેમ જ બીજા ચારને છેતરપિંડીના કેસમાં ગુનેગાર ઠેરવ્યા હતા. આ બાબતે આરોપીઓ મદ્રાસ હાઇકોર્ટમાં ગયા હતા. મદ્રાસ હાઇકોર્ટે પણ નીચેની કોર્ટનો ચુકાદો યોગ્ય ગણાવ્યો હતો. જસ્ટીસ પી વેલ મુર્ગનએ જવાહીરૂલ્લાહ, એસ હૈદરઅલી અને જીએમ શેખએ કરેલી અરજીઓ ફગાવી દીધી હતી. જોકે હાઇકોર્ટે આરોપીઓને સુપ્રિમ કોર્ટમાં જઈ શકે એ માટે ચુકાદા પર સ્ટે આપ્યો હતો. જવાહીરૂલ્લાહ એમએમકેના નેતા છે. ૨૦૦૩ના વર્ષમાં સીબીઆઇએ જવાહીરૂલ્લાહ અને એના સાથીદારો સામે કેસ દાખલ કર્યો હતો. કોઇમ્બતુર મુસ્લિમ રાહત ફંડના નામે એક સંસ્થા બનાવીને આરોપીઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ હતી.
સોનાની દાણચોરીના કેસમાં રાન્યા રાવની તકલીફ વધી
કન્નડ અભિનેત્રી રાન્યા રાવ કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કરવા માટે જેલમાં છે. તપાસનીશ અધિકારીઓ માનસીક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ રાન્યા રાવએ કરી હતી. એમ લાગે છે કે રાન્યા રાવની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. રાન્યા રાવે જામીન માટે કરેલી અરજી પણ કોર્ટે નકારી કાઢી છે. રાન્યા રાવના સાથી ગુનેગારની પૂછપરછ ડીઆરઆઇના અધિકારીઓ કરી રહ્યા છે અને રાન્યા રાવ સામેના બીજા પુરાવાઓ પણ મળી રહ્યા છે. રાન્યાનો બીજો એક સાગરીત રાજુ પણ જેલમાં છે રાજુ અને રાન્યાએ સાથે મળીને ૧૬ વખત સોનુ ભારત લાવ્યા હતા. ડીઆરઆઇએ મની લોન્ડ્રીંગ બાબતે રાન્યા રાવના રહેઠાણ ઉપર દરોડા પાડયા છે.
ભાજપે દક્ષિણમાં બચાવ માટે સહયોગીઓને ઉતાર્યા
દક્ષિણ ભારતના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિ સામે જે રીતે વિરોધ વધ્યો છે તે જોતાં ભાજપે દક્ષિણના નેતાઓને જ નવી શિક્ષણ નીતિના બચાવમાં ઉતારવાનો વ્યૂહ ઘડયો છે. તેના ભાગરૂપે પહેલાં તમિલનાડુના પૂર્વ સીએમ ઓ પનીરસેલ્વર પાસે નવી શિક્ષણ નીતિનો આડકતરો બચાવ કર્યો હતો. હવે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને મેદાનમાં ઉતાર્યા છે. પવન કલ્યાણ એનડીએના સહયોગી છે. અગાઉ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ પણ હિન્દીના વિરોધને રાજકીય ગણાવ્યો હતો. તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ પણ એવું કહ્યું હતું કે રાજ્યના જે નેતાઓ વિરોધ કરે છે એમના સંતાનોને બધી ભાષા આવડે તે માટે પ્રયાસો થાય છે. ભાજપ હાઈકમાન્ડે ઉત્તરના નેતાઓને ખાસ એમાં આડેધડ નિવેદનો ન આપવાની તાકીદ કરી છે.
સપા-બસપાની જાતિ આધારિત વસતિ ગણતરીના માગ
ઉત્તર પ્રદેશમાં બસપાના સ્થાપક કાંશીરામની જન્મજયંતી નિમિત્તે માયાવતીએ તેમને અંજલિ આપી ને સાથે સાથે પાર્ટીના રાજ્યભરના નેતાઓને સંબોધિત કર્યા. એ વખતે તેમણે રાજ્યમાં બિહારની જેમ જાતિ આધારિત વસતિ ગણતરી કરાવવી જોઈએ એવી માગણી કરી હતી. એને હવે અખિલેશ યાદવનો ટેકો મળ્યો છે. બસપા અને સપાના નેતાઓમાં હવે એટલો મનમેળ નથી. બંને પાર્ટીઓ એકબીજાને નિશાન બનાવે છે. અગાઉ એકબીજાના સહયોગી રહી ચૂકેલા આ પક્ષો હવે જુદી જુદી રીતે ચૂંટણીઓ લડે છે. પરંતુ દલિત વોટબેંક બંને પાસે હોવાથી માયાવતીની માંગણીને અખિલેશે યોગ્ય ગણાવી હતી. કાંશીરામની જન્મજયંતીએ રાહુલ ગાંધીએ પણ તેમની પ્રશંસા કરીને અંજલિ આપી હતી.
હરિયાણામાં કોંગ્રેસનો જનાધાર ઝડપભેર ઘટયો
હરિયાણામાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો પછી હાઈકમાન્ડ ચિંતિત છે. હરિયાણા કોંગ્રેસ માટે નવું ગુજરાત બનવાના રસ્તે છે. કોંગ્રેસનો જનાધાર સતત ઘટવા માંડયો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને બેઠા થવાની તક હતી, પરંતુ આંતરિક વિખવાદના કારણે હાથમાં આવેલી બાજી સરકી ગઈ હતી. ભાજપે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલીને એન્ટી ઈન્કમબન્સીમાંથી બચવાનો જે રસ્તો કાઢ્યો હતો એ કારગત નીવડયો હતો. એ પછી પાલિકાની ચૂંટણીમાં ેપણ ભાજપનો જોરદાર વિજય થતાં હવે કોંગ્રેસ માટે નવેસરથી રાજ્યમાં જનાધાર ઉભો કરવાનો પડકાર સર્જાયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યના સંગઠનમાં મોટાં પરિવર્તનો કરે તેવી શક્યતા છે.
ત્રણ ભાષાની શિક્ષણનીતિ અંગે ઘણાં રાજ્યોમાં મૂંઝવણ
૨૦૨૦ની નવી શિક્ષણનીતિ લાગુ પાડવાના મુદ્દે હવે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. ખાસ તો તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોમાં હિન્દી ભાષાને ફરજિયાત ભણાવવાનો વિરોધ વધતો જાય છે. એ રાજ્યો ત્રીજી ભાષાનો વિરોધ કરીને એક માતૃભાષા અને બીજી અંંગ્રેજી એમ બે ભાષાના મોડલની તરફેણ કરે છે. હવે ત્રીજી ભાષાને ભણાવવાની શિક્ષણનીતિમાં કેટલીય સ્પષ્ટતા થતી નથી. ભાજપ શાસિત ઘણાં હિન્દીભાષી રાજ્યો ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતનો વિકલ્પ આપે છે. શિક્ષણનીતિ પ્રમાણે ત્રણમાંથી બે મૂળ ભારતીય ભાષા હોવી જોઈએ. તેના પરિણામે વિદ્યાર્થીઓ અંગ્રેજીના વિકલ્પે ફ્રેન્ચ, સ્પેનિશ કે જર્મની શીખી શકે, પરંતુ હિન્દી-અંગ્રેજી લેનારાએ ફરજિયાત સંસ્કૃત લેવી પડે છે. આ મુદ્દે ઘણાં રાજ્યોમાં મૂંઝવણની સ્થિતિ છે.
પ. બંગાળમાં પક્ષપલ્ટાનો સિલસિલો શરૂ થશે
પશ્વિમ બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. એ પહેલાં કેટલાય નાના-મોટા નેતાઓ પક્ષપલટો કરશે. ખાસ તો તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજાની પાર્ટીમાં આવતા-જતા રહેશે. હલ્દિયાની ભાજપની મહિલા ધારાસભ્ય તાપસી મંડલ ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ તે પછી વધુ કેટલાક નેતાઓ ભાજપમાંથી ટીએમસીમાં આવવાની તૈયારીમાં પડયા છે. ભાજપના ઘણાં નેતાઓ સુવેન્દુ અધિકારીથી નારાજ છે અને સુવેન્દુ જે રીતે આક્રમક પ્રચાર કરે છે તે એમને પસંદ પડયું નથી. ઘણાં સીપીએમના નેતાઓ પણ મમતા બેનર્જીની પાર્ટીમાં આવવા બેતાબ છે. જો ટિકિટ મળવાની ધરપત મળશે તો ઘણાં ભાજપના નેતાઓ ટીએમસીમાં આવી જશે એ નક્કી છે. મમતા બેનર્જીએ ભાજપને ફટકો આપવા માટે આ સ્ટ્રેટજિ અપનાવી છે.
- ઈન્દર સાહની


