For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : સંઘનો કટાક્ષ, ચૂંટણી વખતે જ યાદ આવીએ છીએ

Updated: Mar 16th, 2023

Article Content Image

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની હરિયાણામાં મળેલી ત્રણ દિવસીય બેઠકમાં ચૂંટણી અંગે કોઈ ચર્ચા થઈ નહી હોવાનો સંઘે દાવો કર્યો હતો. બીજી તરફ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, સરકાર અને ભાજપ દ્વારા સંઘની અવગણનાના મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં સંઘના ટોચના નેતાઓએ કટાક્ષ કર્યો હતો કે, ભાજપને ચૂંટણી આવે ત્યારે જ સંઘ યાદ આવે છે. નડ્ડા અને ખટ્ટરે ભાજપ સંઘનો જ ભાગ હોવાનો બચાવ કરીને સંઘના નેતાઓને શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો.

સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ દાવો કર્યો કે,  સંઘની બેઠકમાં રાજકીય મુદ્દાઓ પર પણ કોઈ ચર્ચા થઈ ન હતી. નડ્ડા-ખટ્ટરને પરંપરાના ભાગરૂપે બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં યોજાયેલી સંઘના ટોચના નેતૃત્વની આ અંતિમ બેઠકમાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, પાંચેય સહ સરકાર્યવાહ સહિતના ટોચના નેતા અને ૩૪ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધી હાજર રહ્યા હતા.

ઓસ્કાર અંગે ખડગેના નિવેદનથી જયા નારાજ

ભારતને બે ઓસ્કાર એવોર્ડ્સ મળ્યા એ અંગે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કરેલી ટીપ્પણીની જયા બચ્ચને ઝાટકણી કાઢી છે.  ખડગેએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, મને  આશા છે કે મોદી સરકાર આ પુરસ્કારોનો શ્રેય નહીં લે અને આ બંને ફિલ્મ પોતે ડિરેક્ટ કરી હતી એવું નહી કહે. ખડગેએ કહ્યું કે, નાટુ નાટુ ગીત   અને 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને ઓસ્કાર મળ્યા તેમાં સારી વાત છે કે બંને અવોર્ડ દક્ષિણ ભારતીય ફિલ્મોને મળ્યા છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ઓસ્કાર એવોર્ડમાં પણ ઉત્તર ભારત ને દક્ષિણ ભારતની વાત કરવા બદલ  નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, પહેલી વાર આપણને એક સાથે બે ઓસ્કાર બે એવોર્ડ મળ્યા એ ખુશીની વાત છે. આ એવોર્ડ જીતનારા પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તરના છે કે કેમ તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભારતીય છીએ ને એ માટે ગર્વ લેવો જોઈએ.

સમલૈગિંક લગ્નો મુદ્દે વિપક્ષો ભેરવાયા

સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દે વિપક્ષો બરાબરના ફસાયા છે. કેન્દ્ર સરકારે સમલૈગિંક લગ્નની વિરૂધ્ધ હોવાનું સ્પષ્ટ કરીને કોર્ટમાં એફિડેવિટ કરી છે કે, આ પ્રકારનાં લગ્ન ભારતની પારિવારિક વ્યવસ્થા અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે. આ ઉપરાંત ઘણી કાનૂની અડચણો પણ છે.

વિપક્ષો સમલૈગિંક લગ્નની તરફેણ કરે તો ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ હોવાનો પ્રચાર કરવાની ભાજપને તક મળી જશે. ચૂપકીદી રાખવાથી પણ ભાજપને ફાયદો થશે કેમ કે ભાજપ ખુલ્લેઆમ સમલૈગિંક લગ્નની વિરૂધ્ધ હોવાનું સ્પષ્ટ કરી ચૂક્યો છે.

વિપક્ષના નેતાઓમાં એક માત્ર સીપીએમ દ્વારા સમલૈંગિક વિવાહનું ખુલ્લી રીતે સમર્થન કરાયું છે.  સીપીઆઈ (એમ)નાં  વરિષ્ઠ નેતા બૃંદા કરાતે સમલૈંગિક લગ્નોને માન્યતાની ખુલ્લી તરફેણ કરી છે. સીપીઆઈ (એમ) અને સીપીઆઈએ જ સજાતીય સંબંધોને અપરાધ ગણતી કલમ ૩૭૬ની નાબૂદીની સૌથી પહેલાં તરફેણ કરી હતી. શશિ થરુરે અને મનીષ તિવારીએ કહ્યું છે કે, પોતે અંગત રીતે સમલૈંગિક લગ્નનું સમર્થન કરે છે પણ કોંગ્રેસ તરફથી બોલી શકે નહીં.

નાગપુરમાં જી-20 પહેલાં ઝૂંપડપટ્ટીઓનો સફાયો

નાગપુરમાં જી૨૦ ની બેઠક પહેલાં બહાર પડાયેલા પરિપત્રે વિવાદ સર્જ્યો છે.  નાગપુર પોલીસ કમિશનરની ઑફિસ દ્વારા ૮ માર્ચે બહાર પડાયેલા પરિપત્રમાં આદેશ અપાયો છે કે, ડિનોટિફાઇડ અને વિચરતી સમુદાયો શહેરની સીમાઓથી દૂર જતા રહે. પોલીસે આ લોકોને બળપૂર્વક ખસેડવા માંડયા છે.

આ સિવાય આદેશ અપાયો છે કે, ભિખારીઓ અને આ પ્રકારનાં લોકોના અન્ય જૂથો  ટ્રાફિક જંકશન પર ના દેખાય અને પૈસા માંગવાનું બંધ કરે. ભિખારીઓ અને અનધિકૃત રીતે ફૂટપાથ, ટ્રાફિક ટાપુઓ અને ડિવાઈડર પર કબજો કરનારા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ડિનોટિફાઇડ અને વિચરતી સમુદાયોને ખસેડવા માંડતાં શિવસેનાના કાર્યકરોમાં જ નારાજગી છે. આ સમુદાય બહુ મોટો છે અને સંગઠિત છે તેથી તેમની નારાજગીની અસર ચૂંટણીઓ પર પડી શકે છે.

સત્તાવાર રીતે અધિકારીઓએ આ પરિપત્રને જી૨૦ બેઠક સાથે સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે પણ અધિકારીઓ લોકોને કહી રહ્યા છે કે, વિદેશી મહાનુભાવો શહેરની મુલાકાત લેવાના છે તેથી શહેર છોડી દો.  

સત્તાપક્ષ - વિપક્ષ વચ્ચે વિદેશમાં ટીપ્પણીઓનો વિવાદ

ભાજપે રાહુલ ગાંધીની કેમ્બ્રિજમાં કરાયેલી ટીપ્પણીઓના મુદ્દાને ચગાવ્યો છે ત્યારે હવે કોંગ્રેસે વળતો પ્રહાર કરીને વિદેશની ધરતી પર મોદીએ કરેલી કેટલીક ટિપ્પણીઓ વાયરલ કરી છે. 

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખગડેએ પણ પત્રકાર પરિષદમાં મોદીની ટીપ્પણીનો ઉલ્લેખ કર્યો.  પીએમ મોદીએ અલગ અલગ વિદેશ પ્રવાસો વખતે કેવા નિવેદનો આપ્યા હતા તેની જાણકારી કોંગ્રેસે આપી હતી. 

પ્રિયંકાએ પદ્મ એવોર્ડ વેચીને કમાણી કરી ?

પ્રિયંકા ગાંધી વાડ્રાએ  બિઝનેસમેનને પોતાનાં પેઈન્ટિંગ્સ તથા પદ્મ એવોર્ડ વેચીને કમાણી કરી હોવાના આક્ષેપના પગલે રાજકીય ગરમીનો માહોલ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફાઇનાન્સિયલ એક્ટ ટાસ્ક ફોર્સનો એક રિપોર્ટ ટાંકીને આક્ષેપ કર્યો કે, યસ બેન્કના કો-ફાઉન્ડર રાણા કપૂરે પ્રિયંકા ગાંધીનું ચિત્ર ખરીદવા મજબૂર થવું પડયું હતું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, પદ્મ એવોર્ડ અને પેન્ટિંગ વેચીને કેટલા પૈસા એકઠાં કર્યા છે ?

રિપોર્ટમાં આરોપ છે કે, એક ભારતીય બેંકરે રાષ્ટ્રીય પુરસ્કારો માટે લાંચના રૂપમાં કોંગ્રેસના સભ્યના નજીકના સંબંધી પાસેથી ઊંચી કિંમતે ચિત્રો ખરીદ્યા હતા. આ અંગે ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસના ભ્રષ્ટાચારનું એક નવું મોડલ સામે આવ્યું છે. એફએટીએફના રીપોર્ટમાં કહેવાયું છે કે, યુપીએ સરકારમાં મંત્રીએ એક વ્યક્તિ પર પ્રિયંકા ગાંધી વાડ્રાનું પેઇન્ટિંશ સરેરાશ  ૨ કરોડ રૂપિયામાં ખરીદવા દબાણ કર્યું હતું. રિપોર્ટમાં બેન્કર કે નેતાનું નામ નથી પણ ઠાકુરે સીધું પ્રિયંકા અને રાણાનું નામ લીધું છે.

***

સુબ્રમણ્યમ જયશંકર લોકસભા લડશે?

દેશના વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર બેંગાલુરૂ ગ્રામ્ય, વિશાખાપટનમ ગ્રામ્ય અને થિરૂવનંતપુરમ - એ ત્રણમાંથી એક બેઠક પરથી લોકસભા, ૨૦૨૪ના જંગમાં ઝૂકાવી શકે એવી જબરદસ્ત અફવા છે. આ બેઠકો પૈકી, થિરૂવનંતપુરમ બેઠકને બાદ કરી નાખવી પડે કારણ કે કારણ કે આ મતવિસ્તારમાં નાયર બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ છે, જ્યારે જયશંકર  તમિલ બ્રાહ્મણ છે. ભાજપ મોવડી મંડળે ઉપરોક્ત ત્રણ મતવિસ્તારોમાં યુવાનોને સંબોધવા વિદેશમંત્રીને જણાવતા, ઉપરોક્ત અનુમાનો શરૂ થયા. જયશંકર (જન્મ ઃ ૯ જાન્યુઆરી, ૧૯૫૫) ભારતીય રાજદ્વારી તરીકે જાણીતા છે, જેઓ ૩૦મે, ૨૦૧૯થી દેશના વિદેશમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

મુખ્યમંત્રી 20વર્ષ જૂની કારમાં આવ્યા

જ્યારે ડિસેમ્બર, ૨૦૨૨માં હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી તરીકે એમની શપથવિધિ થઇ ત્યારે જ સુખવિન્દર સિંઘ સુખુ એમના નમ્રતાના સદ્ગુણને લીધે સમાચારમાં ચમક્યા હતા. તેઓ હિમાચલ માર્ગ વાહનવ્યવહાર નિગમના ડ્રાઇવરના પુત્ર છે. એમણે એક તબક્કે જીવનમાં, છોટા સિમલા વિસ્તારમાં દૂધનું કેન્દ્ર પણ ચલાવ્યું છે. મંગળવારે તેઓ પોતાના પ્રથમ બજેટ સત્રમાં ઉપસ્થિત રહેવા માટે એમની ૨૦  વર્ષ જૂની ઓલ્ટો કારમાં બેસીને વિધાનસભા ગૃહ ખાતે પહોંચ્યા હતા.  માણસે, ગમે એટલી સમૃધ્ધિમાં આળોટતો હોવા છતાં પોતાનો (ગરીબીનો) ભૂતકાળ ભૂલવો જોઇએ નહિ. મુખુએ વિધાનસભા ખાતે પત્રકારોને જણાવ્યું કે પોતે ૨૦૦૩માં ધારાસભ્ય બન્યા ત્યારથી ઓલ્ટો ગાડી વાપરે છે. એ મને મારાં જૂના દિવસોની યાદ અપાવે છે. આપણે વ્યવસ્થા (સિસ્ટમ)માં પરિવર્તન માટે અહીં આવ્યા છીએ, એમ એમણે ઉમેર્યું.

ભાજપ સામે કોંગ્રેસની 'કાન પર ફૂલ' ઝુંબેશ

કર્ણાટક કોંગ્રેસે ૨૦૧૮ વિધાનસભા ચૂંટણી ઢંઢેરાના ૯૦ ટકા વચનોને પાળવામાં નિષ્ફળ જવા બદલ તથા ૨૦૨૨-'૨૩ના બજેટમાંથી ફાળવાયેલી રકમ પૈકી ફક્ત ૫૬ ટકા પૈસાનો જ ઉપયોગ કરવા બદલ ભાજપ સરકાર પર હલ્લો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધા રામૈયા, પ્રદેશ પ્રમુખ ડી.કે. શિવકુમાર અને અન્ય કોંગ્રેસી ધારાસભ્યોએ એમના કાન પર ફૂલ ખોસ્યા હતા.  તેઓ કહેવા માગતા હતા કે ભાજપ લોકોને ફૂલ (મૂર્ખ) બનાવી રહ્યો છે. 'કિવિ મેલે હૂવા' લખાણવાળા પેમ્ફલેટમાં ભાજપના પોસ્ટરો પર ચોંટાડાયેલા કાન પર ફૂલો ખોસવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ તથા એમના પુરોગામી બી.એસ. યેદિયુરપ્પા વગેરે ભાજપ નેતાઓની તસવીરોવાળા ભાજપના પોસ્ટરો પર કોંગ્રેસનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે.

25 માર્ચે, યોગી બનશે મહત્તમ કાર્યકાળવાળા C.M.

યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી ૨૫ માર્ચે સત્તામાં છ વર્ષ પૂરા કરી રાજ્ય પર સળંગપણે મહત્તમ સમયગાળા માટે શાસન કરનાર મુખ્યમંત્રી બનશે ત્યારે રાજ્ય સરકાર મોટી ઉજવણી કરશે. અગાઉ, કોંગ્રેસી નેતા ડો. સમ્પૂર્ણાનંદ ૧૯૫૪ખી ૧૯૬૦ દરમિયાન પાંચ વર્ષ અને ૩૪૫ દિવસો માટે રાજ્યના મુખ્યમંત્રીપદે રહ્યા હતા. આજની ભાજપ સરકાર લખનૌમાં પત્રકાર પરિષદ સાથે કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરશે, જ્યાં યોગી ઉપરાંત એમના નાયબ મુખ્યમંત્રીઓ કેશવપ્રસાદ મૌર્ય  તથા વ્રજેશ પાઠક અખબારનવેળોને સંબોધશે. પક્ષના અન્ય અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આવી જ પત્રકાર પરિષદો સંબંધિત મંત્રીઓ એમના જિલ્લાઓમાં યોજશે.

કેરળના C.M.  દ્વારા જિનપિંગને ધન્યવાદ : વિવાદને જન્મ

શી જિનપિંગ ચીનના પ્રમુખપદે ફરી ચૂંટાઇ આવતા કેરળના મુખ્યમંત્રી અને સીપીઆઇ(એમ)ના નેતા પિનારાયી વિજયને રવિવારે શીને અભિનંદન પાઠવ્યા હતા. 'પ્રજાસત્તાક ચીનના પ્રમુખપદે ફરી ચૂંટાઇ આવવા બદલ શી જિનપિંગને ક્રાંતિકારી અભિનંદન. વૈશ્વિક રાજકારણમાં ચીન એક આગવા અવાજરૂપે ઉપસી  આવ્યું છે એ સાચે જ પ્રશસ્ય છે. વધુ સમૃધ્ધ ચીનના ઘડતરની દિશામાના સતત પ્રયાસો માટે શુભેચ્છાઓ.' દરમિયાન, વિપક્ષોએ ગલવાન ટેકરીના બનાવ પછી ચીનને અભિનંદન આપવા બદલ ડાબેરી નેતા વિજયનને ઝાટક્યા છે. ભારતીય ડાબેરીએ આપણા બહાદુર જવાનોની સાથે છે કે પછી ચીન જોડે એવો પ્રશ્ન વિપક્ષોએ ઉઠાવ્યો છે.

પાણીગેટ મુદ્દે રાજકારણ

વૈશ્વિક સ્તરે થતા મની લોન્ડરિંગ તથા ત્રાસવાદીઓને પૂરા પડાતા નાણા સામે વોચડોગનું કામ કરતા ફાયનાન્સિયલ એકશન ટેકન ફોર્સના દાવાનુસાર લાંચ માટે બે કરોડની કિંમતના ચિત્રો (પેઇન્ટિંગો)નો ઉપયોગ થયો છે. યસ બેન્કના રાણાકપૂરે કહ્યું કે એમ.એફ.હુસેનના ચિત્રોની ખરીદી માટે એમને ફરજ પડાઇ હતી.  ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સે કહ્યું કે શ્રીમાન એએ ૪૪ ચિત્રો ખરીદ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગાંધી કુટુંબ પર નિશાન સાધ્યું છે. પાણીગેટ વિવાદમાં મુખ્યત્વે પ્રિયંકા ગાંધી પર નિશાન સધાતા રહ્યા છે.

- ઇન્દર સાહની

Gujarat