નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો નેશનાલીસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ)માં જોડાઈ ગયા છે. આ વાતની નવાઈ ઘણાને લાગી રહી છે. ત્રણ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં બંગાળના ઉત્તીયા કુંડુ અને સેઉલી કુંડુ નામના યુગલે આ પક્ષની શરૂઆત કરી હતી. એનસીપીઆઇના દસ્તાવેજોમાં ઉત્તીયા કુંડુ પક્ષના પક્ષ પ્રમુખ છે. પત્ની સેઉલીનું નામ ખજાનચી તરીકે છે. ઉત્તીયાએ ૧૩મી મેએ મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી સાથે પોતાનો ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. ઉત્તીયા પોતાને બંગાળી અખબારના તંત્રી અને શિક્ષક ગણાવે છે. એમના પત્નીના નામની તકતી નીચે હાઇકોર્ટના વકીલ લખ્યું છે. લોકસભામાં બહુમતિ હોવા છતા તૃણમુલ કોંગ્રેસ પર દાવો કરવાને બદલે બળવાખોર સાંસદો નાનકડી પાર્ટીમાં કેમ જોડાયા એનું કારણ એ છે કે, બળવાખોરોએ ટીએમસીના બંધારણને કારણે રણનીતિ બદલવી પડી છે. પક્ષના બંધારણ પ્રમાણે તૃણમુલ કોગ્રેેસના સંગઠન સાથે જોડાયેલા અધિકારીઓની સત્તા જનપ્રતિનિધિ કરતા વધુ છે. આ એક વચગાળાનો નિર્ણય છે. ભાજપના નેતાઓની સલાહ પ્રમાણે જ બળવાખોર સાંસદોએ નાના પક્ષ સાથે જોડાવાનું નક્કી કર્યું છે.
શાહ સાથેની મુલાકાત યુસુફ પઠાણને ફળી નહીં
તૃણમુલ કોંગ્રેસ સામે બળવો પોકારનાર ૨૦ સાંસદોમાં ભૂતપૂર્વ ક્રિકેટર - સાંસદ યુસુફ પઠાણનું નામ પણ છે. વડોદરામાં આવેલા બંગલાની બાજુની સરકારી જમીન હડપવાનો કેસ યુસુફ પઠાણ પર ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા યુસુફ પઠાણે અમીત શાહ સાથે મુલાકાત પણ કરી હતી. એમ મનાતુ હતું કે, જમીનનો કેસ ઢીલો કરવા માટે યુસુફ પઠાણે કદાચ અમીત શાહને ભલામણ કરી હોય. જોકે શાહને મળ્યા પછી પણ યુસુફ પઠાણની મુશ્કેલી ઓછી થઈ નથી. યુસુફ પઠાણનો જમીન વિવાદ હાઇકોર્ટમાં છે અને હાઇકોર્ટે યુસુફ પઠાણને વધુ ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. જમીન ખાલસા કરવાના સીંગલ જજના ચુકાદા પછી યુસુફ પઠાણે ડબલ જજ સમક્ષ અપીલ કરી છે. યુસુફ પઠાણએ જવાબ આપવા માટે સમય માંગ્યો હતો ત્યારે કોર્ટ કહ્યું હતું કે અમે તમને સમય આપીએ છીએ પરંતુ જેટલું તમે મોડું કરતો એટલો દંડ વધુ થશે.
'પીએમ મોદી ઇઝરાયલ પ્રત્યેની અંધભક્તિ છોડે'
કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની વિદેશનીતિની આકરી ટીકા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, પાકિસ્તાને વૈશ્વિક સ્તર પર પોતાનો પ્રભાવ વધાર્યો છે. ભારત માટે આ એક ગંભીર રાજકીય પડકાર છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશનું કહેવું છે કે અમેરિકા અને ઇરાન વચ્ચેના પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે ૧૯મી જૂને જીનીવામા થનાર સમજૂતીનું અમે સ્વાગત કરીએ છીએ. જોકે એની પૂરી જાણકારી હજી સુધી જાહેર થઈ નથી. ૨૦૦૮ના આતંકવાદી હુમલા પછી જે રીતે કોંગ્રેસ સરકારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કરવામાં સફળતા મેળવી હતી એ જ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે. પાકિસ્તાન સાથે ચીનની રાજકીય ભાગીદારી ભારતની વિદેશનીતિ સામે મોટો પડકાર છે. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલ પ્રતિ પોતાનું વલણ બદલવાની પણ જરૂર છે.
શિક્ષક ભરતી કૌભાંડમાં અભિષેક ફસાયા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બંગાળના બહુ ચર્ચાયેલા પ્રાથમિક શિક્ષણ ભરતી કૌભાંડમાં રૂપિયાની ગેરકાયદેસર લેણદેણની તપાસ ઇડી કરી રહ્યું છે. ઇડીએ તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જીની પૂછપરછ શરૂ કરી છે. ઇડીની ઓફિસે બોલાવીને કલાકો સુધી અભિષેકની પૂછપરછ કરવામાં આવી હતી. શિક્ષક ભરતી ગોટાળાની તપાસમાં અભિષેક બેનર્જીની કંપની 'લીપ્સ એન્ડ બાઉન્ડ્સ'નું નામ સામે આવ્યું હતું. આરોપ છે કે આ કંપની મારફતે મોટી રકમની આપલે થઈ છે. કંપનીનું નામ બહાર આવ્યા પછી ઇડી અભિષેક બેનર્જીની સતત પૂછપરછ કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ કેન્દ્રીય એજન્સીઓ આ ગોટાળા બાબતે તપાસ કરતા જ હતા. એ વખતે અભિષેક બેનર્જી કેન્દ્રીય એજન્સીઓને તપાસમાં સહકાર આપતા નહોતા.
36 વર્ષ પછી કાશ્મીરી પંડીતોએ જન્મભૂમી પર પગ મૂક્યો
ત્રણ દાયકા કરતા વધુ સમય પછી પોતે પસાર કરેલા બાળપણની ગલીઓ, બંધ પડેલા ઘરો અને જૂની યાદો વાગોળતા વિસ્થાપીત કાશ્મીરી હિન્દુઓએ પોતાની જન્મભૂમી પર પગ મૂક્યો હતો. તમામ કાશ્મીરી પંડીતો ભાવુક થઈ ગયા હતા. અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના વિવિધ દેશોમાંથી આવેલા કાશ્મીરી પંડીતોનું એક પ્રતિનિધિ મંડળ આજકાલ કાશ્મીર ખીણની મુલાકાતે છે. આમાની ઘણી વ્યક્તિઓ એવી છે કે ૩૬ વર્ષમાં પહેલી વખત પોતાની જન્મભૂમીની માટીને ફરીથી અનુભવી શક્યા છે. આ વિસ્થાપીત કાશ્મીરી હિન્દુઓ છેલ્લા થોડા દિવસોમાં દક્ષિણ કાશ્મીર સિવાય મધ્ય કાશ્મીર અને ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ફરી રહ્યા છે. પ્રતિનિધિ મંડળનો ઉદ્દેશ ખીણની હાલની પરિસ્થિતિનો તાગ લેવાનો છે. એમણે નક્કી કરવું છે કે શું ખીણમાં ફરીથી પાછા ફરવાનો સમય થઈ ગયો છે કે નહીં.
દિલ્હીમાં દિવસે પણ અંધારૂ
દિલ્હી એનસીઆરમાં બપોરના સમયે વાતાવરણ અચાનક બદલાયું હતું. નોઇડા, ગાઝીયાબાદ, ગુરુગ્રામ, સોનીપત અને ફરીદાબાદમાં એકાએક કાળા વાદળો છવાઈ ગયા હતા અને ધૂળની આંધી ચાલુ થઈ હતી. દિવસે પણ ઘોર અંધારૂ છવાઈ ગયું હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોએ એમની ઝડપ ધીમી કરી નાખવી પડી હતી. હવામાન નિષ્ણાંતોએ આવનાર દિવસોમાં દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામમાં સવારે પણ વરસાદ પડયો હતો જેને કારણે ઓફિસે જનારાઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. શહેરમાં ઠેરઠેર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. દિલ્હી અને ગુરુગ્રામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડયા પછી દિલ્હીની ગરમી ૪૦ ડીગ્રીથી ઘટીને ૩૭ ડીગ્રી થઈ ગઈ હતી.
દિપક પ્રકાશનું મંત્રીપદ મુશ્કેલીમાં
બિહારમાં દિપક પ્રકાશની મંત્રી તરીકેની નિમણૂકને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે સ્વીકારી લીધી છે. સુપ્રિમ કોર્ટે બિહાર સરકાર અને સંબંધીત વ્યક્તિઓ પાસે જવાબ માગ્યો છે. પ્રકાશને હમણા જ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બિહાર કેબિનેટમાં પંચાયત રાજ્યમંત્રી બનાવ્યા હતા. દિપક પ્રકાશ બિહાર વિધાનસભા કે રાજ્યવિધાન પરિષદના ચૂંટાયેલા સભ્ય નથી. અરજી કરનાર રાકેશકુમાર સિંહના વકીલના કહેવા પ્રમાણે પ્રકાશ કોઈ પદ પર ચૂંટાયા નહીં હોવા છતા મંત્રીપદ પર છે. સુપ્રિમ કોર્ટે બિહાર સરકાર, પ્રકાશ અને ભારતના ચૂંટણી કમિશન પાસે જવાબ માંગ્યો છે. પ્રકાશને જ્યારે ૨૦૨૫ની ૨૦મી નવેમ્બરે તત્કાલીન મૂખ્યમંત્રી નિતિશકુમારે મંત્રી બનાવ્યા ત્યારે પણ તેઓ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય નહોતા.


