Get The App

દિલ્હીની વાત : મોદી નવું આર્થિક પેકેજ જાહેર કરશે

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદી નવું આર્થિક પેકેજ જાહેર કરશે 1 - image


મોદી નવું આર્થિક પેકેજ જાહેર કરશે

નવી દિલ્હી, તા.16 જુલાઈ 2020, ગુરુવાર

મોદી સરકાર દેશના અર્થતંત્રમાં તેજી લાવવા માટે વધુ એક આર્થિક પેકેજ તૈયાર કરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. મોદી છેલ્લા ત્રણ દિવસથી આર્થિક બાબતો સાથે સંકળાયેલાં લોકો સાથે ઉપરાછાપરી બેઠકો કરી રહ્યા છે. મંગળવારે તેમણે નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી હતી. બુધવારે તેમણે પોતાના આર્થિક સલાહકારો સાથે ચર્ચા કરી.

મોદી માટે ગુરૂવારનો આખો દિવસ આર્થિક મુદ્દે બેઠકોમાં ગયો. મોદીએ આર્થિક સલાહકાર પરિષદ, નીતિ આયોગ અને નાણાં મંત્રાલયના આર્થિક સલાહકારો સાથે દોઢ કલાક ચર્ચા કર્યા પછી નાણાં અને વ્યાપાર મંત્રાલયના ૫૦ અધિકારીઓ સાથે બે કલાક બેઠક કરી.

સૂત્રોનું કહેવું છે કે, મોદી વીસ લાખ કરોડના પેકેજના અમલની કામગીરીથી ખુશ નથી. તેના કારણે અર્થતંત્રમાં ફરક આવ્યો નથી. આજની બેઠકોમાં મોદીએ સ્પષ્ટ રીતે નારાજગી વ્યક્ત કરી. મોટા ભાગના અધિકારીઓ સરકારી રાહે પ્રેઝન્ટેશન તૈયાર કરીને આવ્યા હતા.

મોદીએ પ્રેઝન્ટેશન બાજુ પર મૂકાવીને અર્થતંત્રમાં તેજી આવે એવાં નક્કર સૂચનો કરવા કહ્યું. અધિકારીઓ તેના માટે તૈયારી કરીને નહોતા આવ્યા તેથી મોદીએ તેમને એ બદલ પણ તતડાવ્યા.

ભાજપના ખાસ મુકુલ રોહતગી પાયલોટના વકીલ

સચિન પાયલોટ અને તેના સમર્થક ધારાસભ્યોને રાજસ્થાન વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા સ્પીકરે આપેલી નોટિસને પાયલોટે રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી છે. પાયલોટે તેના વકીલ તરીકે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને ઉતારતાં આ મુદ્દે પણ રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

મોદી ભાજપની અને ખાસ તો મોદીની અત્યંત નજીક છે. મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી તરત જ તેમણે રોહતગીને એટર્ની જનરલ નિમ્યા હતા. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે, રોહતગી પાયલોટના વકીલ છે તેનો અર્થ સ્પષ્ટ છે કે પાયલોટના બળવા પાછળ ભાજપ છે અને ભાજપના ઈશારે ગેહલોત સરકારને ઉથલાવવનું કાવતરું રચાયું હોવાનું સ્પષ્ટ થઈ જાય છે.

પાયલોટના સમર્થકો આ વાતને વાહિયાત ગણાવે છે. તેમનો દાવો છે કે, બંધારણનો જાણકાર હોય એવો કોંગ્રેસનો કોઈ ટોચનો વકીલ પાયલોટનો કેસ હાથમાં લેવા તૈયાર જ નથી. પાયલોટ માટે આ રાજકીય રીતે મહત્વની લડાઈ છે ત્યારે એ બીજા કોઈ પર ભરોસો મૂકી શકે તેમ નથી તેથી રોહતગી જેવા ટોચના વકીલને રોક્યા વિના તેનો છૂટકો જ નથી.

દિલ્હીમાં 15 ટકા વસતીને કોરોનાનો ચેપ ?

દિલ્હીમાં કોરોનાને કાબૂમાં લેવા માટે કરાયેલી કામગીરીનાં મોદીએ વખાણ કર્યાં એ વાતને અઠવાડિયું નથી થયું ત્યાં એવા અહેવાલ છે કે, દિલ્હીમાં કુલ વસતીના લગભગ ૧૫ ટકા લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. દિલ્હીની ૧.૧૦ કરોડની વસતીમાં ૧૬ લાખ કોરોનાના દર્દી હોય એ વાત ભયાનક કહેવાય.

દિલ્હી સરકારે લગભગ ૨૦ હજાર ઘરોમાં સીધો સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં આ ધડાકો થયો હોવાનો દાવો એક ટોચના અખબારે કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે બે દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી)ને આ મુદ્દે ખખડાવીને બુધવાર સુધીમાં રીપોર્ટ આપવા આદેશ આપ્યો છે.  દિલ્હી સરકારે સેમ્પલ એનસીડીસીને આપી દીધાં પણ એનસીડીસીએ રીપોર્ટ આપ્યો નથી.

અમિત શાહે દિલ્હીમાં કોરોના સામેની લડતમાં મોરચો સંભાળ્યો પછી કોરોના કાબૂમાં આવી ગયો હોવાનો પ્રચાર જોરશોરથી થાય છે. આ સર્વેનાં તારણો અલગ જ ચિત્ર ઉભું કરે છે તેથી આ સર્વે બહાર નથી પડાતો એવી ચર્ચા પણ ચાલી રહી છે.

દિલ્હીનાં તોફાનોમાં કેન્દ્રના ઈશારે પોલીસનું હિંદુ કાર્ડ

દિલ્હી પોલીસે દિલ્હીમાં થોડાક મહિના પહેલાં થયેલાં કોમી તોફાનો અંગે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટે મોટો વિવાદ ખડો કર્યો છે. પોલીસે તોફાનોમાં માર્યા ગયેલા લોકોમાં ક્યા ધર્મના કેટલા લોકો હતા તેની વિગતો આપી છે.

પોલીસની એફિડેવિટ પ્રમાણે રમખાણોમાં માર્યા ગયેલા ૫૨ લોકોમાં ૧૨ હિંદુ અને ૪૦ મુસ્લિમ હતા. પોલીસે ઘર-દુકાનોમાં ક્યા ધર્મનાં લોકોને કેટલું નુકસાન થયું તેની વિગતો પણ આપી છે.

આ તોફાનોમાં ૬ મંદિર અને ૧૩ મસ્જિદોને નુકસાન થયું એવો દાવો કરાયો છે. તેના કારણે પણ વિવાદ ઉભો થયો છે કેમ કે, ગયા મહિને એક આરટીઆઈ અરજીના જવાબમાં માહિતી અપાયેલી કે, ૨ મંદિર અને ૧૩ મસ્જિદ-મદરસાને નુકસાન થયું છે.

કોમી તોફાનોમાં મૃત્યુના આંકડા આપે ત્યારે ધર્મના આધારે મૃતકોને અલગ નથી કરાતા. દિલ્હી પોલીસ કેન્દ્રના ઈશારે હિંદુ કાર્ડ ખેલી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

મોદી સરકાર આવી પછી હિંદુઓ વધારે સુરક્ષિત થયા છે એવું બતાવવા આ એફિડેવિટ કરાઈ અને તેની વિગતો પણ જાહેર કરાઈ એવા આક્ષેપો થઈ રહ્યા છે.

મોદી રાજીવ ફાઉન્ડેશનની જમીન પાછી લઈ લેશે ?

મોદી સરકાર નહેરૂ-ગાંધી ખાનદાનના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપેલી જમીન પાછી લેવાની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્યો હોવાનો દાવો ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમણે મોદીને લખેલા પત્રના આધારે મોદીએ કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

સ્વામીનો આક્ષેપ છે કે, સરકારે કોંગ્રેસને પક્ષની ઓફિસ બનાવવા અપાયેલી જમીન પર ફાઉન્ડેશનની ઓફિસ બનાવીને સોનિયાએ આ જમીન હડપી લીધી છે.

મોદી સરકારે નહેરૂ-ગાંધી ખાનદાનનાં ત્રણ ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરિતીના આક્ષેપો અંગે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના સંકલન માટે એક કમિટી પણ બનાવાઈ છે પણ તેમાં ફાઉન્ડેશનની જમીન પાછી લેવાના મુદ્દે કોઈ તપાસ નથી થઈ રહી. આ સંજોગોમાં સ્વામીની વાત પર કેટલો ભરોસો કરવો એ સવાલ છે.

રાજકીય વિશ્લેષકોના મતે, સ્વામી કાગનો વાઘ કરવામાં હોંશિયાર છે. આ મામલે પણ એ એવું કરતા હોય એવી પૂરી શક્યતા છે, બાકી આવો આદેશ અપાયો હોય તો મોદી સરકાર તેનો જશ ખાટવાની તક જતી ના કરે.

બિહારમાં ફાયદા માટે સુશાંતના મોતની સીબીઆઈ તપાસ

એક મહિના પહેલાં આપઘાત કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં અમિત શાહ સીબીઆઈ તપાસનો આદેશ આપશે એવો સૂત્રોનો દાવો છે. સુશાંતે આપઘાત કર્યો હોવાનું પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું છે પણ તેણે બોલીવુડના સગાવાદના કારણે હતાશ થઈને આપઘાત કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાજપના ઘણા નેતાઓએ આ આક્ષેપો કરીને સીબીઆઈ તપાસની માગણી કરી હતી.

સૂત્રોના મતે, શાહે પહેલાં આ માગણીને ગંભીરતાથી નહોતી લીધી પણ હવે બિહાર એંગલના કારણે તેમણે આ અંગે ગંભીરતાથી વિચારવા માંડયું છે. સુશાંત બિહારી હતો તેથી આ મુદ્દો ભાજપને રાજકીય ફાયદો કરાવી શકે છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે સીબીઆઈ તપાસનો આદેશ આપીને શાહ બિહારીઓને ખુશ કરી દેશે.

શાહે આ અંગેની અરજીઓ પર અભિપ્રાય મંગાવ્યો છે. સૂત્રોના મતે આ એક ઔપચારિકતા જ છે કે જેથી ભવિષ્યમાં કોઈ આંગળી ના ચીંધી શકે. એકાદ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થાય પછી સીબીઆઈ તપાસની જાહેરાત કરી દેવાશે.  

***

ભારત-ચીન તંગદિલી ઘટાડવાનો બીજો તબક્કો ગુંચવણભર્યો રહેશ

ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદનો પ્રથમ તબક્કો સરળતાથી ઉકેલાઇ ગયો, એમ  આ ઘટના સાથે સબંધી ધરાવતા સૂત્રો એ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કો તો સરળતાથી પાર પડી ગયો હતો કારણ કે અંકુશ રેખા, હોટ સ્પ્રિંગ, ગલવાન ખીણ અને ગોગરા કરતાં ઓછો વિવાદિત મુદ્દો હતો.બંને દળો લગભગ અઢી કિલો મીટર પાછા ખસી ગયા હતા અને પછી પેટ્રોલિંગ માટે તેમણે બફર ઝોન બનાવી લીધા હતા.

પરંતુ દેપસંગ અને પાનગોંગ પર ભારત અને ચીને સખત વલણ અપનાવ્યું છ. ભારતે જૈસે થે સ્થિતિ બહાલ કરવા અને સમયબધ્ધ રીતે સેનાની ટુકડીઓ ઓછી કરવા કહ્યું હતું. લગભગ ૧૪ કલાક ચાલેલી બંને દેશના સેનાધિકારીઓની ચાલેલી બેઠકમાં પાનગોંગ ત્સોમાંથી ટુકડીઓ ખેંચી લેવા પર ચર્ચા થઇ હતી.

પેંગોગ ક્ષેત્રમાં ફિંગર કોમ્પલેક્ષમાંથી પણ ખસી જવા ચર્ચા થઇ હતી.ભારતે કહ્યું હતું કે અગાઉ જેવી સ્થિતિ ઊભી કરી દેવી જોઇએ અને પોતપોતાની અંકુશ રેખા પર સેના પાછી જાય.ઉપરાંત ભારતની રાબેતા મુજબની પેટ્રોલિંગને રોકવી ના જોઇએ.પાંચમી મે પહેલા લદ્દાખમાં જે સ્થિતિ હતી તેવી જ કરી દેવા ભારતે આગ્રહ કર્યો હતો.

ભાજપ હવે ફુંકી ફુંકીને ડગલા માંડે ભરે છે

રાજસ્થાન ભાજપ હવે ખુબ સાવચેતી રાખે છે. કોંગ્રેસના બંને જુથોએ લગભગ ફરી ભેગા થવાના તેમજ ગેહલોત સરકાર ટકી જવાના સંકેતો મળતા  તેણે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે.ગેહલોત સરકારને વિધાનસભામાં બહુમતી સાબીત કરવા કહેવાની તેઓ ઉતાવળ નહીં કરે.

ભાજપ માટે બીજી મુશ્કેલી  એ છે કે જો તે પાયલોટને ગેહલોત સરકારને ઉથલાવવાનું કહે તો સવાલ એ ઊભો થશે કે મુખ્યમંત્રી કોણ બનશે?પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે એ હજુ સુધી રાજસ્થાનની સ્થિતિ અંગે કંઇ જ કહ્યું નથી.તો બીજી તરફ પક્ષના નેતાઓ કોઇ ત્રીજા પક્ષને સરકાર બનાવવાના મુડમાં નથી.પક્ષના વરિષ્ઠ નેતાઓ સરકાર બનાવાના મુદ્દે રાજી નથી.

પરંતુ... ભાજપ કોંગ્રેસના ઘરને સળગતું રાખવા ઇચ્છે છે

રાજસ્થાનમાં ગેહલોતની સ્થિતિ વધુ મજબુત ના બને એટલા માટે ભાજપ કોઇ જ નક્કર પગલાં ભરવા ઇચ્છતી નથી, એમ ભાજપના આંતરિક વર્તુળો કહે છે. જો ભાજપ આમ કરશે તો પાયલોટ નબળો પડશે અને ગેહલોત મજબુત બનશે.પરંતુ ભાજપના કેટલાક નેતાઓ ઇચ્છે છે કે કોંગ્રેસમાં આવો ઝગડો ચાલતો જ રહે.તેઓ ઇચ્છે છે કે જો આ મુદ્દો ચાલતો રહેશે તો લોકોનું ધ્યાન કોરોનાવાઇરસ અને લદ્દાખ અને ગલવાન ખીણ તરફથી ભટકાવી શકીશુ.આ બંને મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ પક્ષો તરફથી અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

કોવિડમાં 99 ડોકટરોનો મોત થયા

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને (આઇએમએ) તાજેતરમાં કહ્યું હતું કે કોરોનાવાઇરસના કારણએ ઓછામાં ઓછા ૯૯ ડોકટરોનો મોત થયા હતા અને ૧૩૦૨ ડોકટરો પર તેની અસર થઇ હતી.આમ ડોકટરોના મોતનો દર આઠ ટકા રહ્યો હતો. તેમના અનુસાર,એકલા મહારાષ્ટ્રમાં જ ડોકટરોના કુલ મોતના ૨૦ ટકા માર્યા ગયા હતા.૭૪ ટકા મોત પચાસ વર્ષની વય જુથમાં હતી જ્યારે મોતને ભેટેલા ૧૯ ટકા ડોકટરો ૩૫-૫૦ વર્ષની વયના હતા. ૩૫ ડોકટરોતો ૩૫ વર્ષ કરતાં પણ ઓછી વયના હતા.

કોવિડની અસર પુરૂષો કરતાં મહિલાઓ પર  વધારે

કોવિડની મહામારી પુરૂષો કરતાં મહિલાઓને વધારે અસર કરે છે. બ્રિટનના કોરોનાવાઇરસની મહામારીમાં જે એક મુદ્દો સૌથી વધુ ચર્ચાયો હતો તે એ કે સમાજના વિવિધ જુથોમાં તેની અસર અલગ અલગ જોવા મળી હતી.ઓક્સફર્ડ યુનિ.ના એક અર્થશાસ્ત્રી પ્રોફેસર એબી એડમ્સ પ્રાસીએ કોવિડની સમાજમાં થયેલી અસર અંગે સંશોધન કર્યો હતો.

તેમને વિષય હતો 'કોવિડ અસમાનતા પ્રોજેક્ટ'. તેમના પુરાવા આમ સભામાં પણ સાંભળવામાં આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે હાલની તપાસમાં જોવા મળ્યું હતું કે પુરૂષો કરતાં  મહિલાઓ પર વધારે અસર પડી હતી.

- ઇન્દર સાહની

Tags :