For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ભાગવતે સરકારને આડે હાથ લીધી

Updated: Aug 17th, 2021

Article Content Image

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસંવેક સંઘના વડા મોહન ભાગવતે સ્વાતંત્ર્ય દિને ચીનના સંદર્ભમાં ટીપ્પણીઓ કરીને મોદી સરકારને આડે હાથ લીધી એ મુદ્દો ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભાગવતે કહ્યું કે, ચીન પર નિર્ભરતા વધશે તો પછી આપણે ચીન સામે ઘૂંટણ ટેકવવા પડશે. આપણે ચીનના માલનો બહિષ્કાર કરવા ગમે તેટલી બૂમો પાડીએ પણ આપણા મોબાઈલમાં જે કંઈ છે એ બધું ક્યાંથી આવે છે ? ભાગવતે કહ્યું કે, સ્વદેશીનો અર્થ ભારતની પોતાની શરતે બિઝનેસ કરવો એવો થાય છે ને ભારતે સ્વ-નિર્ભર બનવું જોઈએ.

મોદીએ ચીનના માલ પર નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર બનવાની હાકલ કરી હતી તેના સંદર્ભમાં ભાગવતે આ ટીકા કરી છે. સરકાર માત્ર વાતો કરે છે પણ સાચા અર્થમાં આત્મનિર્ભરતા લાવી શકી નથી એવું ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.

ભાજપનાં સૂત્રોના મતે, મોદી સરકારની આર્થિક નીતિઓ મુદ્દે સંઘ પહેલાં પણ નારાજગી બતાવી ચૂક્યો છે. કેન્દ્રની આર્થિક નીતિઓ તમામ લોકોનું ભલું કરી શકે તેમ નથી એવું સંઘનું માનવું છે.

તૃણમૂલ-કોંગ્રેસ વચ્ચે વધી રહેલું અંતર

તૃણણૂલ કોંગ્રેસના મુખપત્ર 'જાગો બંગલા'ના તંત્રી લેખમાં કોંગ્રેસનાં છોતરાં ફાડી નંખાતાં કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેનું અંતર વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. લેખમાં કહેવાયું છે કે, તૃણમૂલ વિપક્ષી એકતા ઈચ્છે છે પણ તેને માટે ચોક્કસ નીતિ જરૂરી છે. તૃણમૂલે વિપક્ષી એકતાની તરફેણ કરી છે ને કોંગ્રેસને સાથે રાખવાની તૈયારી પણ બતાવી છે.

તૃણમૂલે ભાજપના ઉદય માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળીને લખ્યું છે કે, કોંગ્રેસે કશું ના કર્યું તેથી ભાજપ સત્તામાં છે. કોગ્રેસે યોગ્ય લડત આપી હોત તો ભાજપને આટલી બધી બેઠકો ના મળી હોત.

તૃણમૂલનાં સૂત્રોનું કહેવું છે કે, મમતા બેનરજી ભાજપને પછાડવા માટેચોક્કસ રણનીતિ સાથે આગળ વધવાની તરફેણમાં છે પણ રાહુલ ગાંધીના વર્તનથી અકળાયાં છે. તેમને લાગે છે કે, રાહુલ અપિરપક્વ રીતે વર્તી રહ્યા છે અને જૂના રાજકીય દાવપેચમાં જ વ્યસ્ત છે.  રાહુલની સંસદથી વિજય ચોક સુધીની કૂચ જેવા પગલાંથી ભાજપને કોઈ ફરક ના પડે તેથી તેમાં સમય અને શક્તિ વેડફવાની જરૂર નથી.

મોદીએ માતંગિનીને આસામી ગણાવતાં બંગાળમાં આક્રોશ

મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા પ્રવચનમાં માતંગિની હાઝરાને આસામી ગણાવી દીધાં એ મુદ્દો બંગાળમાં ચગ્યો છે. તૃણમૂલ અને કોંગ્રેસ મોદીને બંગાળની અસ્મિતાનું ભાન નથી એવા આક્ષેપો સાથે તૂટી પડયાં છે તો ભાજપના નેતા બચાવમાં પડયા છે. પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે બચાવ કર્યો છે કે, આ બહુ નાની ભૂલ છે અને તેને મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. સામે તૃણમૂલ પ્રહાર કર્યો છે કે, મોદી બંગાળનું અપમાન કરે એ નાની ભૂલ  કહેવાય ?

મોદીએ પ્રવચનમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કિટ્ટ્રરનાં રાણી ચેન્નમ્મા, નાગાલેન્ડનાં રાણી ગાઈદિનલિયુનો ઉલ્લેખ કર્યા પછી માતંગિનીને આસામી ગણાવ્યાં હતાં. માતંગિની હાલના ઈસ્ટ મિદનાપોર જિલ્લાના તમલુકનાં હતાં. મહાત્મા ગાંધીના ચુસ્ત સમર્થક માતંગિનીનું ભારત છોડો આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં મોત થયું હતું.

ભાજપના નેતા અંદરખાને સ્વીકારે છે કે, બંગાળની પ્રજા પોતાના વારસા વિશે અત્યંત સંવેદનશીલ છે. આ પ્રકારની ભૂલોના કારણે ભાજપ બંગાળની અસ્મિતાને સમજી શકતો નથી એવી છાપ પડે છે. મોદીએ પોતાનું જ્ઞાાન પ્રદશત કરવાના ઉત્સાહમાં ભાંગરો વાટી દીધો છે.

બોમ્માઈ પણ યેદુરપ્પાને રસ્તે, પુત્રની દખલ શરૂ

યેદુરપ્પાને હટાવીને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવાયેલા બસવરાજ બોમ્માઈ પણ યેદુરપ્પાના રસ્તે જઈ રહ્યા હોવાના અણસાર છે. યેદુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પુત્ર વિજયેન્દ્રની સરકારમાં ભારે દખલગીરી હતી. વિજયેન્દ્ર સુપર સી.એમ. તરીકે વર્તતો હોવાના આક્ષેપો પણ થયા હતા.

બોમ્માઈના પુત્ર ભરતે પણ વિજયેન્દ્રની જેમ સરકારી કામગીરીમાં દખલગીરી શરૂ કરી દીધી છે અને તાજેતરમાં ઉદ્યોગપતિઓ સાથેની મુખ્યમંત્રીની બેઠકમાં ગેરકાયદેસર રીતે હાજરી આપી હતી. અઝીમ પ્રેમજી, કિરણ મઝુમદાર શો, મોહનદાસ પાઈ સહિતના બેંગલુરુ સ્થિત ટોચના ઉદ્યોગપતિઓ બોમ્માઈની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બેંગલુરૂમાં ઓદ્યોગિક અને આંતરમાળખાકીય સવલતોના વિકાસની ચર્ચા થઈ હતી. સરકારમાંથી ઉદ્યોગ મંત્રી મુરુગેશ નિરાની અને ઉદ્યોગ સચિવ સિવાય બીજું કોઈ હાજર નહોતું જ્યારે ભરત બોમ્માઈ  હાજર  હતા.

ઉદ્યોગપતિઓની મુલાકાતની તસવીર વાયરલ થતાં ભરતની હાજરીનો ભાંડો ફૂટયો પછી ભાજપના નેતા જ સવાલ કરી રહ્યા છે કે, આવી હાઈ પ્રોફાઈલ બેઠકમાં ભરતને કઈ લાયકાતના આધારે હાજર રખાયો ? કોંગ્રેસે બોમ્માઈ વંશવાદી રાજકારણને આગળ ધપાવી રહ્યાનો આક્ષેપ મૂકી રહી છે.

મમતાએ ત્રણ દિવસમાં સુસ્મિતાનો ખેલ પાડી દીધો

મમતા બેનરજીએ આસામમાં તૃણમૂલ કોંગ્રેસનું વિસ્તરણ કરવા માટે બતાવેલી સ્ફૂર્તિની પ્રસંશા થઈ રહી છે. મમતાએ અપક્ષ ધારાસભ્ય તરૂણ ગોગોઈને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈને પ્રદેશ પ્રમુખપદ સંભાળવા ઓફર કરી હતી પણ ગોગોઈએ ઈન્કાર કરી દીધો હતો. ગોગોઈએ આસામની ઓળખ અને અસ્મિતા સાથે જોડાયેલો પક્ષ જ આસામમાં ચાલી શકે એવી વાતો કરી હતી.

મમતાએ ગોગોઈ પાછળ સમય બગાડવાના બદલે કોંગ્રેસમાં સુસ્મિતા દેબને પકડીને ત્રણ દિવસમાં તો ખેલ પાડી દીધો. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં પ્રમુખ રહી ચૂકેલાં સુસ્મિતા સાથે મમતાએ પોતે શનિવારે વાત કરીને આસામમાં તૃણમૂલનું પ્રદેશ પ્રમુખપદ સંભાળવા ઓફર કરી, સુસ્મિતાએ આ ઓફર સ્વીકારીને રવિવારે સ્વાતંર્ત્ય દિને કોગ્રેસથી આઝાદ થયાં ને સોમવારે તો કોંગ્રેસમાં જોડાઈ ગયાં.

સુસ્મિતાના પિતા સંતોષ મોહન દેવ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. સાત વાર લોકસભામાં ચૂંટાયેલા દેવ આસામ અને ત્રિપુરા એ બે રાજ્યમાંથી લોકસભાની ચૂંટણી જીતવાની અનોખી સિધ્ધી ધરાવતા હતા. સુસ્મિતા પણ આસામ વિધાનસભા અને લોકસભામાં જીત્યાં છે. સુસ્મિતાની એન્ટ્રીથી તૃણમૂલને આસામમાં પગપેસારો કરવાની તક મળશે.

પેગાસસ જાસૂસી, કેન્દ્ર પોતાની જ જાળમાં ફસાયું

પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે ભીંસમાં આવેલી મોદી સરકારે એકસપર્ટ્સની સમિતી બનાવવાની તૈયારી બતાવી છે. મોદી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને આ તૈયારી બતાવી પણ સુપ્રીમ કોર્ટને તેનાથી સંતોષ નથી એ જોતાં આ મુદ્દે મોદી સરકારની હાલત બગડવાનાં એંધાણ છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એફિડેવિટને અધૂરી ગણાવીને કહ્યું કે, આ એફિડેવિટ પરથી એ સ્પષ્ટ થતું નથી કે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે કે નથી કરાયો. સુપ્રીમ કોર્ટે સૂચિત કમિટીનું કાર્યક્ષેત્ર શું હશે તેનો ઉલ્લેખ નથી એ મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી.

કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, મોદી સરકાર પેગાસસ જાસૂસી કાંડમાં પોતાની જ જાળમાં ફસાઈ રહી છે. એફિડેવિટમાં સરકારે દાવો કર્યો કે, પેગાસસ જાસૂસી મુદ્દે સ્વતંત્ર તપાસની માગણી કરતી જે પણ અરજીઓ કરાઈ છે એ બધી અટકળો, અનુમાનો અને મીડિયામાં આવેલા આધાર વિનાના સમાચારોના આધારે કરાયેલી છે. સવાલ એ છે કે, જાસૂસીની વાત ખોટી જ હોય તો સરકાર કમિટીની રચના કરીને તપાસ શાની કરવા માગે છે ? 

***

બાઝાર સમિતિ ફરીથી પુર્નજીવિત કરવાનો નીતિશનો નિર્ણય ભાજપ માટે યોગ્ય નહીં

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે સ્વતંત્રતા દિવસની જાહેરાતમાં જણાવ્યું હતું કે એગ્રિકલ્ચર બાઝાર સમિતિ પુર્નજીવિત કરવામાં આવશે, તેનું રિનોવેશન કરવામાં આવશે અને તેને રાજ્યમાં તબક્કાવાર ધોરણે વિકસાવવામાં આવશે. તેના લીધે ખેડૂતો ત્યાં જઈને તેના ઉત્પાદનો વેચી શકશે. અમે તેના પર ૨,૭૦૦ કરોડ રુપિયા ખર્ચીશું. અલગ બજાર અને કોલ્ડ સ્ટોરેજની સગવડો પણ બાઝાર સમિતિઓને પૂરી પાડવામાં આવશે. તેમા અનાજ, ફળો,શાકભાજીઓ અને માછલીઓનો સંગ્રહ કરી શકાશે. આમ રાજ્યમાં બાઝાર સમિતિને ફરીથી બેઠી કરવી તે નીતિગત ધોરણે એકદમ યુ-ટર્ન છે. નીતિશના આ પગલાંથી ભાજપ ઉશ્કેરાઈ શકે છે, પણ વિવિધ રાજ્યોમાં ત્રણ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આ પગલાંનું સ્વાગત કર્યુ છે. કૃષિના ત્રણ કાયદામાં એક કાયદો ખેડૂતો મંડીની બહાર વેચાણ કરી શકે તેના માટેનો હતો. ખેડૂતોને ડર હતો કે તેના લીધે મોટી કંપનીઓ તેમનું શોષણ કરશે. નીતિશ સરકારે એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટિંગ કમિટી એક્ટને ૨૦૦૬માં સત્તા પર પરત ફરતા રદ કર્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતો ખાતરી માંગે છે કે મંડીઓને ચાલુ રહેવા દેવામાં આવે. 

રાહૂલની કૂચમાં ટીએમસીએ ભાગ ન લીધો, મમતા સોનિયા સાથેની બેઠકમાં ભાગ લઈ શકે

ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી ૨૧મી ઓગસ્ટે વિપક્ષી નેતાઓની સોનિયા ગાંધી સાથે યોજાનારી બેઠકમાં ભાગ લઈ શકે છે. બાજપને વિપક્ષની તાકાત બતાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૪ની ચૂંટણી પૂર્વે વિપક્ષ ભાજપને તેની તાકાત બતાવવા માંગે છે. રાહુલ ગાંધીએ સંસદનું ચોમાસુ સત્ર પૂરુ થયા પછી સરકાર સામે વિરોધ કૂચ કાઢી હતી, પણ ટીએમસીના નેતાઓ આ વિરોધકૂચથી દૂર રહ્યા હતા. પક્ષના નેતાઓએ સૂચવ્યું છે કે તેઓ કોંગ્રેસની આગેવાની હેઠળ બીજા સ્તરની ભૂમિકા ભજવવા માંગતા નથી. 

મુખ્ય ન્યાયાધીશે લોમેકર્સની ટીકા કરી અને વકીલોને વખાણ્યા

સ્વતંત્રતા દિનના દિવસે સુપ્રીમ કોટેના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કાયદાઓ પર ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવા બદલ સંસદની આકરી ટીકા કરી હતી. તેમણે અગાઉના સમયની સાથે તુલના કરી હતી જ્યારે સંસદના બંને ગૃહો વકીલોથી ભરેલા હતા. તેમણે કાયદાકીય વર્તુળોને તેમનો સમય જાહેર સેવા પાછળ આપવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે. ગૃહમાં કોઈ યોગ્ય ચર્ચા જ થઈ નથી. કાયદાઓ અંગે કોઈ સ્પષ્ટતા નથી. સંસદના બંને ગૃહોમાં વકીલો અને બૌદ્ધિકોની ગેરહાજરીના લીધે આ સ્થિતિ જોવા મળી છે. આ વાસ્તવમાં જાહેર જનતાને થયેલું નુકસાન છે. આપણા સ્વતંત્રતા સેનાનીઓને જુઓ, બધા કાયદાકીય ક્ષેત્રના હતા. એક સમયે લોકસભા અને રાજ્યસભા વકીલોથી ભરેલી હતી. આજે દેશ ૭૫મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે નીતિઓ અને સિદ્ધિઓની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. 

સીપીએમે પહેલી વખત તેની ઓફિસ પર તિરંગો ફરકાવ્યો

પહેલી વખત સીપીએમ દેશના સ્વતંત્રતા દિન સાથે જોડાયું અને તેણે તેની ઓફિસો પર તિરંગો ફરકાવ્યો. પરંતુ સીપીએમની ઉજવણી તેના રાજકીય હરીફોની ટીકા વગર પૂરી થઈ ન હતી. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (કેપીસીસી)ના ચીફ કે સુધાકરને જણાવ્યું હતું કે મને સીપીએમના મનોવલણમાં આવેલા ફેરફારથી આનંદ થયો છે. આ પક્ષ અગાઉ ૧૫ ઓગસ્ટને જોખમી ૧૫ ઓગસ્ટ કહેતો હતો તેણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો શરુ કરી દીધો છે. સીપીએમે ગાંધીજીને નકાર્યા હતા. તેઓને હવે તેમની ભૂલો સમજાઈ છે. 

સીબીઆઇએ જજના મોતની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ જાહેર કર્યુ

ધનબાદના એડિશનલ જજ ઉત્તમ આનંદને ૨૮મી જુલાઈના રોજ ત્રિચક્રી વાહને કચડી નાખ્યા હતા તેના અંગે મહત્ત્વની માહિતી આપનારા માટે સીબીઆઇએ પાંચ લાખ રુપિયાના ઇનામની જાહેરાત કરી છે. માહિતી આપનારનું નામ ખાનગી રાખવામાં આવશે. ગુરુવારે સીબીઆઇએ તેનો પહેલો રિપોર્ટ ઝારખંડ હાઇકોર્ટમાં આપ્યો હતો. ઝારખંડ પોલીસે આ કિસ્સામાં ત્રિચક્રી વાહન ચલાવી રહેલા બેની ધરપકડ કરી છે. 

- ઇન્દર સાહની

Gujarat