Get The App

દિલ્હીની વાત : સિમાંકન મુદ્દે વિરોધપક્ષ આક્રમક

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સિમાંકન મુદ્દે વિરોધપક્ષ આક્રમક 1 - image

નવીદિલ્હી : વિરોધપક્ષનો આક્ષેપ છે કે, મહિલા અનામતની આડમાં ભાજપ દેશભરમાં ફરીથી સિમાંકન કરશે. એને કારણે ભાજપને રાજકીય ફાયદો મળી શકે એમ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેની આગેવાની હેઠળ કોંગ્રેસ અને બીજા પક્ષોએ મોર્ચો ખોલી નાખ્યો છે. આ બાબતે ડીએમકે અને ટીએમસી પણ આક્રમક છે. એમ મનાય છે કે, સંસદના વિશેષ સત્રમાં આ મુદ્દે ગરમાગરમી થઈ શકે એમ છે. સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર થશે. આ માટે નવા સિમાંકન માટેની પ્રક્રિયા પણ કરવામાં આવશે. લોકસભાની બેઠકો ૫૪૩માંથી ૮૫૦ થવાની શક્યતા છે. આ બાબતે દક્ષિણના રાજ્યો વધારે નારાજ છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનના કહેવા પ્રમાણે નવા સિમાંકનને કારણે ઉત્તર ભારતની રાજકીય તાકાત વધી જશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનું પણ માનવું છે કે દક્ષિણ ભારતમાં મહિલાઓ અને એસસી - એસટીનું પ્રતિનિધત્વ ઘટશે.

રાઘવ ચઢ્ઢાને મળેલી ઝેડ કેટેગરી સુરક્ષાની ચર્ચા

એક સમયે આમ આદમી પાર્ટીના ટોચના નેતા ગણાતા રાઘવ ચઢ્ઢા હવે અરવિંદ કેજરીવાલને આંખના કણાની માફક ખૂંચે છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, બીજા કોઈ રાજકીય પક્ષના સહકાર વગર રાઘવ ચઢ્ઢા એકલે હાથે આમ આદમી પાર્ટી સામે બાંયો ચઢાવવાની હિંમત કરે નહીં. હવે ગૃહમંત્રાલયે રાઘવ ચઢ્ઢાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે. એમ કહેવાય છે કે, ઇન્ટેલિજન્સ બ્યુરોએ એવો રીપોર્ટ આપ્યો હતો કે રાઘવ ચઢ્ઢાને જોખમ છે. આ રીપોર્ટ પછી ચઢ્ઢાને દિલ્હી અને પંજાબમાં અર્ધસૈનિક દળો સુરક્ષા પૂરી પાડશે. આ પહેલા પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાને આપેલી ઝેડ કેટેગરીની સુરક્ષા પાછી લઈ લીધી હતી. રાઘવ ચઢ્ઢા હજી પણ આપના સાંસદ તરીકે રાજ્ય સભામાં હાજરી આપે છે. ઘણાને નવાઈ લાગે છે કે રાઘવ ચઢ્ઢાને જોખમ છે. કેટલાક રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે રાઘવ ચઢ્ઢાને પોતાના તરફ કરવા માટે ભાજપ સરકાર એમને પંપાળી રહી છે.

વધતી કાયદાકીય મુશ્કેલી પછી પવન ખેડા શું કરશે

ઓડિસાના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની વિશે ગંભીર આક્ષેપો કરનાર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા સામે આસામ પોલીસે વિવિધ કલમો લગાડીને ફરિયાદ દાખલ કરી હતી. ખેડાને તેલંગાણા હાઇકોર્ટે એક અઠવાડિયાના કામચલાઉ આગોતરા જામીન આપ્યા હતા. હવે સુપ્રિમ કોર્ટે આ આગોતરા જામીન રદ કર્યા છે. જોકે જામીન માટે પવન ખેડા આસામ હાઇકોર્ટ પાસે દાદ માંગી શકે છે. જસ્ટીસ જે કે માહેશ્વરી અને જસ્ટીસ એસ ચંદુલકરની બેન્ચે આ મામલે ખેડાને નોટીસ આપીને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે. આનો મતલબ એ થાય કે હજી લાંબો સમય સુધી પવન ખેડાએ અંડરગ્રાઉન્ડ રહેવું પડશે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ ખેડાના બચાવમાં નિવેદનો આપ્યા છે, પરંતુ જો ખેડાની ધરપકડ થાય તો કોંગ્રેસ એમના માટે કેટલી હદે ઉગ્ર થશે એ કોઈને ખબર નથી.

રમતના મેદાનો પર હોટલ - મોલ બનાવવા મુદ્દે શિવસેના નારાજ

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્રના મહાયુતિ સરકારની આકરી ટીકા કરી છે. વાત એમ છે કે, રમત-ગમત માટે અનામત રાખવામાં આવેલી જમીન પર ફાઇવ સ્ટાર હોટલો અને મોલ બનાવવાની પરવાનગી મહારાષ્ટ્ર સરકારે આપી છે. પક્ષના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત લેખમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મુંબઈના રમત-ગમતના સ્થળોને મનોરંજન ઉદ્યોગ ગળી જશે. સુપ્રિમ કોર્ટના આદેશને બાજુ પર મૂકીને સરકારે બિલ્ડરોની સાથે મળીને પરદા પાછળ ડીલ કરી છે. આ કારણે શહેરના ગણ્યાગાઠયા મેદાનો પર જોખમ ઉભુ થયું છે. સરકારની નવી નીતિને કારણે ભ્રષ્ટાચાર વધશે. ૩૦ ટકા કોમર્શિયલ ઉપયોગ થવાને કારણે નફો સંપૂર્ણપણે બિલ્ડરો અને રાજકારણીઓ વચ્ચે વહેંચાશે. ધીરે ધીરે બાકીની ૭૦ ટકા જમીન પર પણ બિલ્ડરો કબજો કરશે.

અમરાવતીના સેક્સ સ્કેન્ડલ બાબતે મહારાષ્ટ્ર સરકાર ચૂપ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં થયેલા સેક્સ સ્કેન્ડલે રાજ્યને હચમચાવી નાખ્યું છે. પોલીસે અમરાવતી જિલ્લાના પરતવાડામાં એક ૧૯ વર્ષના યુવાન અયાન અહમદની ધરપકડ કરી છે. અયાન પર આક્ષેપ છે કે એણે ૧૮૦ થી વધુ યુવતીઓનું યૌન પીડન કર્યું છે અને ૩૫૦ જેટલા વાંધાજનક વીડિયો વાયરલ કર્યા છે. પોલીસે આ બાબતે હવે ઉઝેર ખાન ઇકબાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનીક લોકો કહી રહ્યા છે કે આ બાબતે પોલીસે ગંભીરતાથી કામ કર્યું નથી. આ આખુ સ્કેન્ડલ એક ગંભીર નેટવર્ક હોવાનું મનાય છે. મુખ્ય આરોપી એઆઇએમઆઇએમનો સ્થાનિક યુવા નેતા હતો. અસદુદ્દીન ઓવૈસી સાથે આરોપીની તસવીરો પણ જાહેર થઈ છે. આ બાબતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મગનું નામ મરી પાડતા નથી.

જજોને બંદી બનાવવા પાછળ રાજકીય કાવતરું?

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં નવ જેટલા જજોને કલાકો સુધી બંદી બનાવવા બાબતે સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રિમ કોર્ટ જાણવા માંગે છે કે આ ઘટનાને કોઈ રાજકારણ સાથે તો સંબંધ નથી ને. ચીફ જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચીની પીઠે આ બાબતે સુઓ મોટો કરી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ મુદ્દો ફક્ત માહિતીનો નથી, પરંતુ એને છેવટ સુધી લઈ જવામાં આવશે. સુનાવણી વખતે વધારાના સોલીલીટર જનરલ ઐશ્ચર્યા ભાટીએ કોર્ટને કહ્યું હતું કે, એનઆઇએ આ કિસ્સાની તપાસ ચાલુ રાખશે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની પોલીસ તપાસમાં પુરો સહકાર આપે છે. એમ લાગે છે કે જે રીતે સુપ્રિમ કોર્ટ સમગ્ર મામલે ગંભીર છે એ જોતા પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અને પોલીસ વડા ગંભીર તકલીફમાં મુકાઈ શકે એમ છે.

ઉ.પ્રદેશના આઇએએસ અધિકારી છ મહિનાથી ગાયબ

ઉત્તર પ્રદેશમાં ૨૦૦૨ની કેડરના આઇએએસ અધિકારી સમીર વર્મા ચર્ચામાં છે. લાંબા સમયથી એમની ગેરહાજરીની નોંધ સત્તાધિશોએ લીધી છે. સમીર વર્મા ૨૦૨૫ના ઓક્ટોબર મહિનાથી કોઈપણ પરવાનગી વગર રજા પર છે. એમની નવી નિમણૂકનો ચાર્જ પણ એમણે લીધો નથી. ૨૦૨૫ના જૂન મહિનામાં સમીર વર્માને સ્ટેમ્પ એન્ડ રજીસ્ટ્રેશનના આઇજી તરીકેથી દુર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં એમને આયોજન વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જોકે તેઓ આ પોસ્ટ પર હાજર થયા નહોતા. એમણે એમબીએ કરવા માટે સ્ટડી લીવની માંગણી કરી હતી, પરંતુ એમની રજા મંજૂર થઈ નહોતી. કિસ્સાની ગંભીરતા જોતા હવે સત્તાધિશો સમીર વર્મા સામે કાયદાકીય પગલા લેવા વિચારી રહ્યા છે.