નવીદિલ્હી : પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે જમીન મામલે ઇડીએ ત્રણ કેસ દાખલ કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાડ્રાની સતત પૂછપરછ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપએ રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ પ્રચારની એક પુસ્તિકા પણ બહાર પાડી હતી. સત્તામાં આવ્યા પછી મોદી સરકારે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રોબર્ટ વાડ્રા સામે પુરાવા ભેગા કરી શકી નહોતી. હવે ૧૧ વર્ષ પછી ફરીથી ઇડીએ રોબર્ટ વાડ્રાને હરિયાણા જમીન મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. રોબર્ટ વાડ્રા ઇડીના અધિકારીઓને મળવા ગયા હતા અને મળીને બહાર આવ્યા પછી એમના આત્મવિશ્વાસમાં વધારો દેખાયો હતો. એમણે કહ્યું હતું કે, રાજકીય કારણસર એમને હેરાન કરવામાં આવે છે, પરંતુ તેઓ મોદી સરકારથી ડરતા નથી.
ભાજપ-એઆઈએડીએમકે વચ્ચે બેઠકની વહેચણીનું આયોજન શરૂ
તામિલનાડુ ભાજપના પ્રમુખ નયનાર નાગેન્દ્રએ કહ્યું છે કે, ૨૦૨૬ વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી ભાજપ અને એઆઇએડીએમકે સાથે મળીને કરશે. ટીટીવી દિનાકરણના સહયોગી પક્ષ અમ્મા મક્કલ મુનેત્ર કડગમ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પન્ની સેલવમની સાથે બેઠકની વહેંચણી કરવી કે નહીં એનો નિર્ણય પાછળથી થશે. નયનાર નાગેન્દ્રએ ૧૨મી એપ્રિલે તામિલનાડુ ભાજપના પ્રમુખનો ચાર્જ લઈ લીધો છે. એમણે કહ્યું હતું કે, તેઓ હવાની માફક કામ કરે છે જ્યારે અન્નામલાઈ તોફાનની જેમ કામ કરે છે. નયનાર મૃદુ શૈલીના ગણાય છે. એમની ઇચ્છા એઆઇએડીએમકે સાથે ગઠબંધન કરવાની હોવાથી કેન્દ્રીય ભાજપની નેતાગીરીનું કામ સરળ થઈ ગયું છે.
મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવાની અરજી સાત વર્ષથી પેન્ડિંગ
પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરીને ભાગી ગયા પછી હિરા વેપારી મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવાની અરજી સાત વર્ષથી પેન્ડીંગ છે. ઇડીએ ચોકસીને ભાગેડુ જાહેર કરવા માટે મુંબઈની એક કોર્ટમાં ૭ વર્ષ પહેલા અરજી કરી હતી. મેહુલના ભત્રીજા નિરવ મોદીને ખાસ કોર્ટે અગાઉ આર્થિક અપરાધી જાહેર કર્યો છે. નિરવ મોદી ૨૦૧૯થી લંડનની જેલમાં કેદ છે. ઇડીએ મેહુલ ચોકસીની મિલકતો જપ્ત કરવા માટે પણ કોર્ટને અરજી કરી હતી. જોકે કોર્ટમાં તારીખો પડતી રહી અને મેહુલ ચોકસીના વકીલે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને ઇડીની ફરિયાદની ખામીઓ રજુ કરી. ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કોર્ટ સમક્ષ નાની બાબતોની રજુઆત કરીને કેસ લંબાવવામાં આવે છે. ઇડીની ફરિયાદને ચોકસીએ બોમ્બે હાઇકોર્ટમાં ચેલેન્જ કરી હતી.
દુનિયાના સૌથી વધુ 100 પ્રદુષિત શહેરોમાંથી ભારતના 74
હવાના ઝેરી રજકણ અને ટ્રાફિકનો અવાજ મળીને આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભુ કરે છે. આ જોખમી મિશ્રણને કારણે બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સ્વિડનની કોરોલિન્સકા ઇન્સ્ટીટયુટના એનવાયરમેન્ટલ મેડિસીન વિભાગનું સંશોધન જર્નલ એનવાયરમેન્ટ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આ રિસર્ચમાં સ્વિડન, ડેનમાર્ક અને ફિનલેન્ડના લગભગ ૧.૩૭ લાખ વ્યક્તિઓના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણની થોડી માત્રાને કારણે પણ સ્ટ્રોકના જોખમનં પ્રમાણ ૯ ટકા વધી જાય છે. એ જ રીતે ટ્રાફિકના અવાજને કારણે પણ સ્ટ્રોકનું જોખમ વધે છે. આ સંશોધનમાં ભારતને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં વાયુ પ્રદૂષણ અને ટ્રાફિકનો અવાજ બેવડી સમસ્યા છે. દુનિયાના ૧૦૦ સૌથી વધુ પ્રદુષિત શહેરની યાદીમાં ભારતના ૭૪ શહેરનો સમાવેશ થાય છે.
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણી યોજો : અધિકારી
વકફ કાયદામાં થયેલા ફેરફાર સામે પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર તોફાનો શરૂ થયા છે. બાંગ્લાદેશથી ઘૂષણખોરી કરીને આવેલા તોફાનીઓએ ભારે હિંસા કરી છે. આ બાબતે હવે રાજકારણ પણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ માંગણી કરી છે કે, આવતા વર્ષે યોજાનાર બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. સુભેન્દુ અધિકારીનું કહેવું છે કે મુરશીદાબાદ જિલ્લામાં થયેલી હિંસાને કારણે કાયદો - વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. મુરશીદાબાદ, સરતુ, ધિલિયા, જંગીપુર અને સમસેરગંજમાં અશાંતિ છે. હિંસા ડામવામાં રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. પોલીસ સત્તાધારી પક્ષના એજન્ટ તરીકે કામ કરે છે.
કૌશલ વિકાસ કેન્દ્રને આરએસએસના સ્થાપકનું નામ અપાતાં વિવાદ
કેરળના પલક્કડમાં કૌશલ વિકાસ કેન્દ્રનું નામ આરએસએસના સ્થાપક કે બી હેડગેવારના નામ પરથી રાખવામાં આવતાં વિવાદ થયો છે. દિવ્યાંગો માટે બની રહેલા કૌશલ વિકાસ કેન્દ્રના શિલાન્યાસને અટકાવી દીધા પછી ભાજપના જિલ્લા અધ્યક્ષ પ્રશાંતે કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ મમકુટાથીલ સામે બિભત્સ ટીપ્પણી કરી હતી. આ મામલે કોંગ્રેસે ભાજપ પલક્કડ જિલ્લા પ્રમુખ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હેડગેવારના નામ સામે વાંધો લઈને કોંગ્રેસના વિવિધ સંગઠનોએ દેખાવો કરીને શિલાન્યાસનું કામ અટકાવી દીધું હતું. ભાજપના નેતાની ટીપ્પણી પછી ધારાસભ્ય મમકુટાથીલએ કહ્યું હતું કે, જ્યા સુધી એમના પગ સબુત છે ત્યાં સુધી તેઓ આરએસએસ સામે લડત આપતા રહેશે.
અલ્હાબાદ હાઇકોર્ટની રેપ કેસની ટીપ્પણી પર સુપ્રીમ કોર્ટ નારાજ
બળાત્કારના એક કિસ્સામાં અલ્હાબાદ હાઇકોર્ટે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની ટીપ્પણી કરવાની જરૂર નહોતી. અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલા એક બળાત્કાર કેસમાં આરોપીને જામીન આપતી વખતે કોર્ટે ટીપ્પણી કરી હતી કે મહિલાએ પોતે જ સમસ્યાને આમંત્રણ આપ્યું હતું. ન્યાયાધિશ બી આર ગવય અને ન્યાયાધિશ એ જી મસિહની બેન્ચે કહ્યું હતું કે, હવે ન્યાયાધિશે વધુ એક હુકમ કર્યો છે. જામીન આપી શકાય છે... પરંતુ આ કેવી વાત થઈ કે એમણે પોતે જ તકલીફને આમંત્રણ આપ્યું? આવી વાત કરતા પહેલા સાવધાની રાખવી જોઈતી હતી. ખાસ કરીને ન્યાયાધિશોએ આવી ટીપ્પણીથી દૂર રહેવું જોઈએ.
રાહુલ પાસે સીએમ ફેસની માગણી માટે તેજસ્વીની જીભ ઉપડી નહીં
તેજસ્વી યાદવ દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. તેજસ્વીની સાથે રાજ્યસભાના સાંસદ મનોજકુમાર ઝા પણ હતા. કોંગ્રેસે કનૈયા કુમારને મેદાનમાં ઉતારતા તેજસ્વી વહેલી તકે સીએમ ફેસની સ્પષ્ટતા કરી લેવા માંગે છે. એ વાત લઈને જ રાહુલને મળવાનું આયોજન હતું. આ મુલાકાતમાં બિહારને લઈને બીજી બધી વ્યૂહરચનાની વાતો થઈ, પરંતુ રાહુલ કે ખડગેએ સીએમ ફેસની વાતમાં મગનું નામ મરી પાડયું નહીં. તેજસ્વીએ બે-ત્રણ વખત જીભે આવેલી વાત ગળી જવી પડી. રાહુલ પાસે ડિમાન્ડ કરવાની એની જીભ ચાલી નહીં.
રાહુલના નવીનીકરણના પ્રોજેક્ટમાં થરૂર ફિટ બેસતા નથી
રાહુલ ગાંધી કોંગ્રેસનું નવીનીકરણ કરવા માંગે છે. એકથી વધુ વખત, જુદા જુદા સ્થળોએ, જુદા જુદા ભાષણોમાં રાહુલ કહી ચૂક્યા છે કે વર્તમાન કોંગ્રેસ ઘણી બાબતોમાં ભૂલ કરે છે. એને સુધારવાની જરૂર છે. રાહુલ એમ કહીને કોંગ્રેસના સીનિયર નેતૃત્વને સંકેત આપે છે. કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારની જરૂર છે. રાહુલ ગાંધી જે નવીનીકરણ લાવવા માગે છે એમાં સીનિયર નેતાઓને ઘણો વિરોધ છે. તેમને નવી નેતાગીરીમાં એટલો ભરોસો નથી. રાહુલ જે નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરી રહ્યા છે. એમાં અશોક ગેહલોત, ભૂપેન્દ્ર હૂડા, કમલનાથ જેવા કેટલાય નેતાઓ ફિટ બેસતા નથી. ત્યાં સુધી તો ઠીક, પરંતુ સિનિયર નેતૃત્વમાં સૌથી પ્રોગ્રેસિવ લાગતા થરૂર પણ રાહુલના મતે તેમની ટીમમાં મિસફિટ છે. થરૂર સામે કોંગ્રેસમાં આંતરિક વિરોધ છે એ જોતાં હવે કંઈક નવાજૂની થાય તો કહેવાય નહીં.
નવીન પટનાયકના નેતૃત્વ સામે પાર્ટીમાં જ સવાલો ઉઠયાં
૨૫-૨૫ વર્ષ સુધી ઓડિશાના સીએમ રહેલા નવીન પટનાયકની પાર્ટીને ગત વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો કડવો સ્વાદ ચાખવો પડયો. એ પછી હવે પાર્ટીમાં જ તેમની સામે અસંતોષ વધતો જાય છે. પાર્ટીના ટોચના નેતા માનતા હતા કે નવીન પટનાયક પાર્ટીની કેડરમાં કંઈક પરિવર્તન લાવશે. પાર્ટીને ફરીથી બેઠી કરવા માટે કાર્યકરો ઉત્સાહિત થાય તે માટે પ્રયાસો કરશે, પરંતુ નવીન પટનાયક ખાસ એક્ટિવ દેખાતા નથી. એમની તબિયત પણ નાદુરસ્ત રહે છે. ૭૮ વર્ષના પટનાયક સામે હવે પાર્ટીના નેતાઓ જ સવાલો ઉઠાવી રહ્યા છે. ખાસ તો તેમના ખાસ ગણાતા પૂર્વ આઈએએસ વી.કે. પાંડિયનની પાર્ટીમાં શું ભૂમિકા છે? પાર્ટીએ ભાજપ સામે શું વલણ રાખ્યું છે? વક્ફ બિલમાં કેમ યુ-ટર્ન લીધો? આ બધા જ સવાલો હવે પટનાયક સામે થઈ રહ્યા છે.
ભાજપ સરકારની ચાર કરોડની મદદ મુદ્દે વિનેશ ફોગાટ ટ્રોલ
ઓલિમ્પિકમાં ફાઈનલ સુધી પહોંચવા બદલ રેસલર વિનેશ ફોગાટને હરિયાણાની સરકારે ઈનામની જાહેરાત કરી હતી. હરિયાણાની ભાજપ સરકારે વિનેશને સરકારી નોકરી અને ચાર કરોડ રૂપિયા એમ બે વિકલ્પો આપ્યા હતા. વિનેશે ચાર કરોડનો વિકલ્પ પસંદ કર્યો હતો. એ મુદ્દે લોકોએ તેને ટ્રોલ કરી હતી. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય પણ બની હતી. હવે તેણે ભાજપની સરકારનું ઈનામ લીધુંં એ બાબતે લોકોએ તેને કહ્યું કે તે સ્વાર્થી છે. વિનેશ ફોગાટે જવાબમાં કહ્યું કે બે રૂપિયા લઈને ટ્વિટ કરીને ફ્રીમાં જ્ઞાાન આપતા લોકો ધ્યાનથી સાંભળો! હું સોફ્ટ ડ્રિંક્સ અને ઓનલાઈન ગેમિંગની કરોડોની જાહેરાતો ઠુકરાવી દઉં છું. મહેનત અને હકના જ પૈસા લઉં છું. મેં ઈમાનદારી જાળવી રાખી છે.
- ઈન્દર સાહની


