નવીદિલ્હી: છેવટે કેરળની મડાગાંઠનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી બનવા માટે કેરળમાં ભારે ગડમથલ થઈ હતી. કોંગ્રેસ હાઇકમાન્ડે વીડી સતીશનને કેરળના મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. કેરળના મુખ્યમંત્રીપદ માટે ત્રણ નેતાઓ રેસમાં હતા. વીડી સતીશન, રમેશ ચેન્નીથલા અને કેસી વેણુગોપાલ. કેરળમાં એવો દાવો થઈ રહ્યો હતો કે મોટા ભાગના ધારાસભ્યો કેસી વેણુગોપાલને સમર્થન આપે છે. કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીના જમણા હાથ ગણાય છે. જે રીતે યુપીએ સરકાર વખતે અહમદ પટેલ સોનિયા ગાંધીના વિશ્વાસુ હતા એ જ રીતે કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીના વિશ્વાસુ છે. જોકે પ્રિયંકા ગાંધીના મત વિસ્તાર વાયનાડ સહિત કેરળમાં એવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા કે જો વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો વાયનાડથી બીજી વખત કોંગ્રેસ જીતી શકશે નહીં. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સમજી ગયા કે વેણુગોપાલ ભલે રાહુલ ગાંધીના માનીતા હોય, પરંતુ કેરળમાં વીડી સતીશન જ ચાલશે.
તામિલનાડુમાં મહિલા યોજના પર રાજકારણ
તામિલનાડુમાં મહિલા યોજના હેઠળ આપવામાં આવનાર રકમનો હપ્તો હજી સુધી મળ્યો નથી. ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલીનએ મુખ્યમંત્રી વિજયની ટીકા કરતા પ્રશ્ન કર્યો હતો કે, દર મહિને ૧૫ તારીખ સુધીમાં મહિલાઓને અપાતો રૂા. ૧,૦૦૦નો હપ્તો શા માટે ચૂકવવામાં આવ્યો નથી. સ્ટાલીને સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં એમણે નવી સરકારની ટીકા કરી છે. એમનું કહેવું છે કે, પહેલાથી ચાલી રહેલી યોજના ચાલુ રાખવામાં શું તકલીફ છે? વિધાનસભામાં એક દિવસ પહેલા સરકારે દાવો કર્યો હતો કે દ્રવિડ મોડલ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખશે. મહિને રૂા. ૨,૫૦૦ આપવાનું વચન આપનાર સરકાર રૂા. ૧,૦૦૦ આપવામાં પણ મોડુ કરી રહી છે. શું આ જ બદલાવ છે? કલાઇગનાર મહિલા અધિકાર સહાયતા યોજના ડીએમકે સરકારે શરૂ કરી હતી અને એનું નામ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ અને જનોઈની પરવાનગીથી વિવાદ
કર્ણાટકમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે ૨૦૨૨ના વર્ષમાં સરકારે હુકમ કર્યો હતો કે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ હિજાબ, જનોઈ, પાઘડી, શિવમાળા અને રૂદ્રાક્ષ પહેરી શકશે નહીં. કર્ણાટકની હમણાની કોંગ્રેસ સરકારે આ હુકમ રદ કર્યો છે અને સ્કૂલ - કોલેજના વિદ્યાર્થીઓને હિજાબ, જનોઈ, પાઘડી, શિવમાળા અને રૂદ્રાક્ષ પહેરવાની સંમતી આપી છે. આ નિયમ આગામી શૈક્ષિણક વર્ષથી લાગુ કરવામાં આવશે. હુકમમાં કહેવામાં આવ્યું છે કે, 'પારંપારીક અને રીતિરિવાજ આધારીત પહેરવેશ યુનિફોર્મ સાથે બુદ્ધિપુર્વક પહેરી શકાશે. આ હુકમ યુનિફોર્મની મૂળ ભાવનાને નબળો પાડશે નહીં. શિષ્ટ, સુરક્ષા અને વિદ્યાર્થીની ઓળખમાં આ નિયમને કારણે કોઈ અડચણ આવવી જોઈએ નહીં. ૨૦૨૨માં હિજાબ બાબતે મોટો વિવાદ થયો હતો અને આ વિવાદના પડઘા આખા દેશમાં પડયા હતા. હવે એવી ચર્ચા થઈ રહી છે કે મુસ્લિમ મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ સરકારે આ છૂટછાટ આપી છે.'
સ્વાતિ માલિવાલે કેજરીવાલ પર ગંભીર આરોપ મૂક્યા
દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઝાડી નાખ્યા છે. એમણે કહ્યું છે કે આજથી બરાબર બે વર્ષ પહેલા કેજરીવાલે એમના ઘરમાં મને માર મરાવ્યો હતો. હવે કેજરીવાલ મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એક નવો કેસ દાખલ કરાવ્યો હોવાનો આક્ષેપ થયો છે. સ્વાતિ માલિવાલે સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મુકીને લખ્યું છે કે મીડિયા દ્વારા મને જાણવા મળ્યું છે કે કેજરીવાલે પંજાબમાં મારી સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. મારો ગુનો ફક્ત એટલો હતો કે હું સાચું બોલી હતી. પંજાબ જેવા સંવેદનશીલ સરહદી રાજ્યનું સુકાન એવા મંત્રીના હાથમાં છે કે તેઓ કદી હોંશમાં હોતા નથી. ભગવંત માન દારૂના નશામાં ચકચૂર થઈને મંદિર, ગુરુદ્વાર અને વિધાનસભામાં જાય છે. તેઓ નશાની હાલતમાં ફાઇલ સાઇન કરે છે. પંજાબના લોકોને જાણવાનો હક છે કે એમની સરકાર હોશમા ચલાવવામાં આવે છે કે નશામાં.
વકીલના ડ્રેસમાં મમતા હાઇકોર્ટ પહોંચ્યા, શુભેંદુનો કટાક્ષ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ સુપ્રિમ કોર્ટમાં જાતે હાજર રહીને એક કેસમાં દલીલો કરી હતી. ચૂંટણીમાં મળેલી હાર પછી તેઓ કલકત્તા હાઇકોર્ટમાં વકીલનો ડ્રેસ પહેરીને પહોંચી ગયા હતા. મમતાના આ પગલા બાબતે જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીને પૂછયું તો શુભેંદુ અધિકારીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે આવી ફાલ્તુ બાબતો વિશે ટીપ્પણી કરવા કરતા એમની પાસે બીજા ઘણા અગત્યના કામો છે. મારો સમય ખૂબ કિંમતી છે અને કારણ વગરના મુદ્દાઓ વિશે મારે ચર્ચા કરવી નથી. બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાના કેસમાં મમતા દલીલ કરવા પહોંચ્યા હતા. કોર્ટમાં એમની સાથે ચંદ્રીમા ભટ્ટાચાર્ય અને કલ્યાણ બેનર્જી પણ હાજર હતા. હિંસા બાબતે તૃણમુલના સાંસદ કલ્યાણ બેનર્જીના વકીલ પુત્ર શીર્ષાન્યા બેનર્જીએ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. કેસની સુનાવણી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાલ અને જસ્ટીસ પાર્થ સારથી સેનની બેન્ચ સમક્ષ થઈ હતી.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીને રાજનાથ સિંહે 'હટાવ્યા'?
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી માટે સોશ્યલ મીડિયા પર ઘણી વાતો વાયરલ થઈ રહી છે. કેટલાક લખે છે કે, એમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એવું પણ કહેવાય છે કે એમને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મોટા મતભેદ હતા. જોકે આ વાત સાચી નથી અને જનરલ દ્રિવેદી હજી પણ ભારતીય સેનાના પ્રમુખ તરીકે ચાલુ છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં જોકે ઘણા સમયથી ચર્ચા થતી હતી કે કોઈક કારણસર રક્ષામંત્રી રાજનાથ સિંહનો અહમ ઘવાયો છે. છેવટે સરકારે ખુલાસો કરવો પડયો કે ઉપેન્દ્ર દ્રિવેદીને હટાવવાની વાત ખોટી છે. ભારત સરકાર તરફથી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ ૩૦ જૂન ૨૦૨૪માં ભારતીય સેનાની કમાન સંભાળી હતી.
'અમારે ભારત સાથે વાત કરવાની જરૂર નથી'
બાંગ્લાદેશે પદમા નદી પર એક મોટો બંધ બાધવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. બાંગ્લાદેશનું કહેવું છે કે આ નિર્ણયને કારણે ભારતના ફરક્કા બંધનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે. ૧૯૯૬માં ભારત - બાંગ્લાદેશ વચ્ચે ગંગાજળ વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર ડિસેમ્બર મહિનામાં પૂરો થવાનો છે. કરાર પૂરો થવાના થોડા મહિના પહેલા જ બાંગ્લાદેશે આ નિર્ણય લીધો છે. ભારતમાં પદમા નદીને ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટમાં બાંગ્લાદેશ સરકારના પૈસા લાગ્યા છે. આ પ્રોજેક્ટ ૨૦૩૩ સુધીમાં પુરો થશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૩૪,૪૯૭.૨૫ ટકા (બાંગ્લાદેશી ચલણ) થવાની શક્યતા છે. આ બાબતે બાંગ્લાદેશના જળશક્તિ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે ઉદ્ધતાઈથી કહ્યું હતું કે, આ બાબતે અમારે ભારત સાથે વાત કરવાની જરૂર નથી.


