નવીદિલ્હી : છેલ્લા ૧૫ દિવસ દરમિયાન કેન્દ્ર સરકારે બે સિનિયર અધિકારીઓ સામે કડક પગલા લેતા દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આરપી ગુપ્તાને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસઇસીઆઇ)ના ચેરમેન પદેથી હાંકી કાઢયા છે. ગુપ્તાને તાત્કાલીક અસરથી દુર કરવામાં આવ્યા છે. તેમનો એક મહિનાનો કાર્યકાળ જ બાકી હતો. એમને અચાનક દુર કરવાનું કારણ કોઈને ખબર નથી. સરકારે પણ આ માટે કોઈ કારણ આપ્યું નથી. જોકે એમ મનાય છે કે, કેટલીક મોટી કંપનીઓ સાથે એસઇસીઆઇને વિવાદ થયો હતો. ગુપ્તા ૨૦૨૩થી એસઇસીઆઇના અધ્યક્ષ હતા. એ જ રીતે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઇએમએફ)ના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કેવી સુબ્રમણ્યમને પણ પદ પરથી દુર કરવામાં આવ્યા છે. આ માટે પણ કેન્દ્ર સરકારે કોઈ કારણ આપ્યું નથી. જોકે એમ મનાય છે કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ સુબ્રમણ્યમએ લખેલું પુસ્તક છપાતા પહેલા જ બે લાખ કોપીનો ઓર્ડર આપી દીધો હતો.
ભારતના પ્રવાસીઓએ શરૂ કરેલા બહિષ્કારને કારણે તૂર્કી ગભરાયું
ભારત - પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન તૂર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપીને મદદ કરી હતી. આ ડ્રોનની મદદથી પાકિસ્તાને ભારતમાં કચ્છથી લઈને જમ્મુ - કાશ્મીરના વિસ્તારોમાં હુમલા કર્યા હતા. તૂર્કીની પાકિસ્તાનને મદદથી ગુસ્સે થયેલા રાષ્ટ્રવાદીઓએ તૂર્કીના બહિષ્કારની શરૂઆત કરી હતી. તૂર્કીની ૭૦ ટકા આવક ટૂરીઝમ પર આધાર રાખે છે. ભારતથી મોટા પ્રમાણમાં ટૂરીસ્ટો તૂર્કી જાય છે. ભારતમાં શરૂ થયેલા ટ્રેન્ડને કારણે તૂર્કી ફફડી ગયું છે. તૂર્કીના પ્રવાસ વિભાગે પત્ર જાહેર કરીને એવી અપીલ કરી છે કે, ભારતીઓ માટે તૂર્કીમાં કોઈપણ યાત્રા મૂલતવી રાખવા કે રદ કરવાનું કોઈ કારણ નથી. ભારતીય નાગરીકો તૂર્કીમાં સંપૂર્ણ રીતે સલામત છે. ભારતના જાગૃત નાગરીકોએ તૂર્કીની અપીલ ફગાવી દીધી છે.
ઉદ્ધવ સાથેના ગઠબંધનની વાતો વચ્ચે રાજ ઠાકરેને મળવા કોણ ગયું
મહારાષ્ટ્ર નવનિર્વાણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન થવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ભાઇ-ભાઈ વચ્ચે ફરીથી મિત્રતા થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના (એકનાથ શિંદે)ના નેતા ઉદય સામંત રાજ ઠાકરેને મળ્યા હતા. મુંબઈ અને મહારાષ્ટ્રના બીજા નગરોમાં કોર્પોરેશનની ચૂંટણીઓ થવાની છે આ મુલાકાત સંબંધે સામંતે કહ્યું હતું કે એમણે રાજ ઠાકરે સાથે કોઈ રાજકીય વાત કરી નથી. સામંતના કહેવા પ્રમાણે તેઓ કોઈ સરકારી કામે દાદર વિસ્તારમાં ગયા હતા અને રાજ ઠાકરેને મળવાનું મન થતા પહોંચી ગયા હતા. એમએનએસ અને શિવસેના (એકનાથ શિંદે) સાથે કોઈ ગઠબંધન થવાનું નથી.
દહેજ વિરોધી કાયદાના દુરઉપયોગથી સુપ્રીમ કોર્ટ ચિંતિત
સુપ્રિમ કોર્ટે દહેજ વિરોધી કાયદાના થઈ રહેલા દુરઉપયોગ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. લગ્ન જીવનમાં સમસ્યા થતા પત્નીઓ દ્વારા પતિઓના કુટુંબીઓ ખાસ કરીને વૃદ્ધ માતા -પિતા સામે દહેજ અને ક્રૂરતા જેવા આક્ષેપો કરીને કાયદાનો દુરઉપયોગ કરવામાં આવે છે. જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ સતીષ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું હતું કે, ક્રૂરતા શબ્દનો દુરઉપયોગ થાય છે. અલ્હાબાદ હાઇકોર્ટે દોષિત ગણાવેલા એક ચૂકાદાને ચેલેન્જ કરતી અરજી પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. સુપ્રિમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૮-એ અને દહેજ વિરોધી કાયદા ૧૯૬૧ની કલમ ૪ હેઠળ ગુનેગાર ઠરેલા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ચૂકાદામા કહેવામાં આવ્યું હતું કે, દહેજ અને ક્રૂરતાની ફરિયાદ પતીએ કરેલા છૂટાછેડાની અરજીના એક વર્ષ પછી કરવામાં આવી હતી.
કેનેડાના વિદેશ મંત્રી બનેલા ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પ્રધાનમંડળમાં ફેરફાર કરીને ભારતીય મૂળના અનિતા આનંદને વિદેશ મંત્રી બનાવ્યા છે. આનંદએ મેલોની જોલીની જગ્યા લીધી છે. મેલોનીને ટ્રાન્સપોર્ટ મિનીસ્ટ્રીમાં ખસેડવામાં આવ્યા છે. લીબરલ પાર્ટીના સભ્ય અનિતા આનંદએ ભગવત ગીતા ઉપર હાથ રાખીને સેગંધ લીધા હતા. વિદેશ મંત્રી તરીકે આનંદની સૌથી મોટી જવાબદારી ભારત સાથેના સંબંધો સુધારવાની હશે. ભૂતપૂર્વ વડાપ્રધાન ટ્રૂડોના સમયમાં ખાલિસ્તાનીઓને સહકાર આપવાને કારણે કેનેડાના સંબંધ ભારત સાથે બગડી ગયા હતા. આનંદએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'કેનેડાના વિદેશમંત્રી તરીકે મારી પસંદગી થઈ એ બદલ હું ગૌરવ અનુભવી રહી છું. હું અમારા વડાપ્રધાન સાથે મળીને દેશ હિતમાં કામ કરીશ.'
મોદીએ આદમપુરની મુલાકાત લેતા ઔવેસીનો પાક.ના પીએમને ટોણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર ખાતે આવેલા એરબેઝની મુલાકાત લીધી હતી. આ સંદર્ભે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. છેલ્લા કેટલાક સમયથી ઔવેસી સતત પાકિસ્તાનની ટીકા કરી રહ્યા છે. ઔવેસીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસીફ મુનીર શું મોદીની માફક સેનાની મુલાકાત લઈ શકે છે? શું શરીફ અને મુનીર લીઝ પર લીધેલા ચીનના વિમાનોને યારખાન એરબેઝ પર ઉતારી શકશે?' મે મહિનાની ૧૦મી તારીખે ભારતએ કરેલા હુમલામાં પાકિસ્તાનનું રહીમ યારખાન એરબેઝ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે.
કરણ થાપરના વાંકા સવાલ, શશી થરૂરના સીધા જવાબ
ભારત - પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને ત્યાર બાદ યુદ્ધ વિરામ તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કહેવાતી મધ્યસ્થતા બાબતે રાજકીય ગરમીએ જોર પકડયું છે. ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રી અને તિરૂવંતપુરમના સાંસદ શશી થરૂરને પત્રકાર કરણ થાપરએ કેટલાક વાંકા સવાલો પૂછયા હતા. થાપરએ એક સવાલ એવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાના કારણે ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરવાનું નક્કી કર્યું હતું. જવાબમાં શશી થરૂરે થાપરના આક્ષેપો નકારી કાઢીને કહ્યું હતું કે, ટ્રમ્પને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ બાબતે મધ્યસ્થતા કરવા માટે કહેવામાં આવ્યું હોય એ વાત પુરાવા વગરની છે. ભારતએ જો અમેરિકાના સંપર્ક કર્યો હોતે તો એ ઔપચારીકતા હોત. થરૂરે કહ્યું હતું કે, 'જો એસ જયશંકર અમેરિકાને કહેતે કે પાકિસ્તાનને એક્સ, વાય, ઝેડ ... સંદેશો મોકલો તો એને મધ્યસ્થતા કહેવાય. જોકે હું નથી માનતો કે ભારતએ એમ કર્યું હોય.'
ઓપરેશન સિંદૂર માટે સૈન્યનો આભાર માનવા આંધ્ર પ્રદેશ સરકારનું પગલુ
ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યમાં ગ્રામ પંચાયતની હદમાં રહેતા તમામ સંરક્ષણ કર્મીઓના ઘરોને મિલકત વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશ ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે આ જાહેરાત કરતા જણાવ્યું કે અગાઉ માત્ર નિવૃત્ત સૈન્ય કર્મીઓ માટે લાગુ આ મુક્તિ હવે તમામ સક્રિય કર્મીઓને લાગુ પડશે. પવન કલ્યાણે જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રની સુરક્ષા માટે જીવન સમર્પિત કરતા સેનાના તમામ વિભાગના કર્મીઓને સન્માન સમાન છે.
બલુચિસ્તાન અને કેનેડામાં બે હિન્દુ મહિલાઓ અગ્ર સ્થાને
બલુચિસ્તાનમાં પ્રથમ વાર ૨૫ વર્ષીય હિન્દુ મહિલા આસીસ્ટન્ટ કમિશનર બની છે. કશિશ ચૌધરી અશાંત પ્રાંતની આસીસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત થનાર બલુચિસ્તાનમાં પાકિસ્તાની હિન્દુઓના લઘુમતિ સમુદાયની પ્રથમ મહિલા બની છે. કશિશ ચૌધરીએ જણાવ્યું કે શિષ્ત, સખત પરિશ્રમ અને સમાજ માટે કંઈ કરી છૂટવાની તમન્ના તેને આ સ્થાન સુધી લઈ આવી. કશિશના પિતા ગિરધારી લાલે પુત્રીની સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કર્યો. બીજી તરફ કેનેડાની વિદેશ મંત્રી તરીકે નિયુક્ત થનાર અનિતા આનંદ પ્રથમ હિન્દુ મહિલા છે. અગાઉ કાયદાની પ્રોફેસર અને સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપનાર અનિતાએ ભગવદ્ ગીતા પર સોગંધ લીધા હતા.
- ઈન્દર સાહની


