FOLLOW US

દિલ્હીની વાત : રાહુલ ગાંધી સામે રાજદ્રોહનો કેસ કરાશે

Updated: Mar 15th, 2023


નવીદિલ્હી : રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા નિવેદનને મુદ્દે રાજકીય ઘમાસણ મચ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર રાહુલ સામે રાજદ્રોહનો કેસ કરવા વિચારી રહી છે. મોદી સરકારનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારતનુ અપમાન કર્યું છે. રાહુલે સંસદ, મીડિયા અને લોકોનું પણ અપમાન કર્યું હોવાથી રાહુલે બધાંની માફી માગવી પડશે. કોંગ્રેસ સહિતના વિપક્ષો રાહુલના બચાવમાં છે તેથી રાજકીય જંગ જામ્યો છે.

ભાજપનું માનવું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ દ્વારા દેશના અપમાનનો મુદ્દો ઉઠાવાય તો ભાજપને ફાયદો થશે. આ કારણે ભાજપ જોરશોરથી આ મુદ્દો ચગાવી રહ્યો છે. તેના ભાગરૂપે રાહુલ સામે દેશદ્રોહનો કેસ પણ નોંધાઈ શકે છે.

ભાજપ રાહુલ સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત પણ લાવી શકે છે. ભાજપની દલીલ છે કે, સંસદમાં બોલવા નથી દેવાતા અને માઈક બંધ કરી દેવાય છે એવી વાત લોકસભાનું અપમાન હોવાથી સ્પીકરે કાર્યવાહી કરવી જોઈએ. લોકશાહીનું અપમાન કરવા માટે રાજદ્રોહનો કેસ થવો જોઈએ.

કોંગ્રેસ નેતાનો બફાટ, મોદીને ખતમ કરી દો

કોંગ્રેસ નેતા સુખજિંદર રંધાવાએ નરેન્દ્ર મોદીને ખતમ કરી નાંખવાની હાકલ કરીને વિવાદ સર્જ્યો છે.  જયપુરમાં કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસના દેખાવો દરમિયાન રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર રંધાવાએ કહ્યું કે,  મોદી નહીં હોય તો દેશ જાતે જ સ્વસ્થ થઈ જશે. અદાણી-અંબાણીને ખતમ કરવા માંગતા હો તો પહેલાં મોદીને ખતમ કરી દો.

રંધાવાએ કટાક્ષ કર્યો કે, મોદીને દેશભક્તિનો અર્થ જ ખબર નથી કેમ કે દેશ માટે આઝાદીની લડતમાં કોંગ્રેસના નેતા જેલમાં ગયા હતા અને ફાંસીએ ચઢયાં હતા પણ મોદી અને અમિત શાહનો પરિવાર ક્યારેય જેલમાં નથી ગયો.

રંધાવાના નિવેદનને કોંગ્રેસના નેતા જ બેવકૂફીભર્યું ગણાવી રહ્યા છે. મોદી કોંગ્રેસીઓ મારી કબર ખોદી રહ્યા છે એવું કહીને લોકોની સહાનુભૂતિ મેળવવા મથી રહ્યા છે ત્યારે આવાં નિવેદનો કરીને મોદીને તક ના આપવી જોઈએ એવું કોંગ્રેસીઓ માને છે.

ફ્લુને રોકવા કોરોના જેવાં નિયંત્રણોની વિચારણા

દેશમાં ઈન્ફ્લુએન્ઝાનાં કેસ ખતરનાક હદે વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યોને માસ્ક ફરજિયાત કરવાની સૂચના આપે એવી શક્યતા છે. ઈન્ફ્લુએન્ઝા વધી રહેલા કેસોને કારણે સરકાર  ફ્લુની વેક્સીન આપવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. સૂત્રોના મતે, મોદી સરકારના આરોગ્યની લગતી બાબતો અંગેના સલાહકારોએ આ બંને પગલાં ભરવા સૂચન કર્યું છે. ઈન્ફ્લુએન્ઝાને રોકવા માટે કોવિડ જેવાં નિયંત્રણ લાગુ કરવાં જરૂરી હોવાનો નિષ્ણાતોનો મત છે. ઈન્ફ્લુએન્ઝાને કારણે કર્ણાટક અને હરિયાણામાં એક-એક મળીને કુલ બે લોકોનાં મોત થયાં છે.

ડો. રણદીપ ગુલેરિયા સહિતના મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે, લ્લ૩શ૨ ઈન્ફ્લુએન્ઝા ઝડપથી ફેલાતો હોવાથી ફેસ માસ્કનો ઉપયોગ અને  હાથને સેનેટાઈઝ કરવા જરૂરી છે. આ ઉપરાંત તમામ લોકોને ફ્લુની વેક્સિન લેવી જોઈએ. આ ઉપરાંત બાળકો અને વૃધ્ધો સહિતના ઉચ્ચ જોખમવાળા લોકોને અલગ રાખવાની પણ તરફેણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ ભલામણો અંગે ગંભીરતાથી વિચારી રહી છે.

રાજધાનીમાં પંજાબના ખેડૂતો ખડકાવા માંડયા

રાકેશ ટિકૈતે ૨૦ માર્ચથી ફરી ખેડૂત આંદોલન કરવાની ચીમકી આપી છે જ્યા હવે બીજાં ખેડૂત સંગઠનો પણ સક્રિય થયાં છે. ભારતીય કિસાન ફેડરેશન, ભારતીય કિસાન યુનિયન (માનસા), ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ), આઝાદ કિસાન સંઘર્ષ કમિટી અને કિસાન સંઘર્ષ કમિટી એ પાંચ ખેડૂત સંગઠનોના કાર્યકરો દિલ્હીમાં ખડકાવા માંડયા છે. પંજાબથી આવી રહેલા આ ખેડૂતો દિલ્હીમાં ગુરુદ્વારા બંગલા સાહિબની આસપાસ જમા થઈ રહ્યા છે.

આ ખેડૂત સંગઠનોના કાર્યકરોએ સોમવારે જંતર-મંતરમાં દેખાવો કરીને સંસદ ભવન તરફ કૂચ કરી હતી. પોલીસે તેમને સફળ નહોતા થવા દીધા અને વચ્ચે જ રોકી લીધા હતા. હવે આ ખેડૂત સંગઠનો વધારે લોકોને ભેગાં કરીને ફરી સંસદ તરફ કૂચ કરવા આયોજન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે પોતાના વાયદા પૂરા કર્યાં નથી. કેન્દ્ર સરકારે લઘુત્તમ ટેકાના ભાવની ગેરન્ટી આપતો કાયદો બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ તેનો અમલ કર્યો નથી.

અખિલેશને સાણસામાં લેવાનો દાવ નિષ્ફળ

દેશના વધુ એક વગદાર યાદવ પરિવારને સાણસામાં લેવાના ભાજપના મનસૂબા પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું છે. ભાજપે અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ સામેનો અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફરી તપાસની મંજૂરી માંગી હતી પણ સુપ્રીમ કોર્ટે આ કેસમાં વધુ સુનાવણીનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૨૦૧૩માં સીબીઆઈએ પ્રાથમિક તપાસ બાદ આ  કેસ બંધ કરી દીધો હતો. હવે સીબીઆઈ પાસેથી નવા કોઈ રિપોર્ટ માંગવાની જરૂર નથી. વિશ્વનાથ ચતુર્વેદી નામના સજ્જને આ અરજી કરી હતી. ચતુર્વેદીએ ભાજપના ઈશારે અરજી કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ચતુર્વેદીએ રજૂઆત કરી હતી કે,  માર્ચ ૨૦૦૭માં કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો પણ સીબીઆઈએ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે સીબીઆઈના ક્લોઝર રીપોર્ટની નકલ પણ માગી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટની નકલ માંગતી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ બંધ થયાના છ વર્ષ પછી દાખલ કરાયેલી અરજીની સુનાવણી માટે કોઈ વ્યાજબી કારણ નથી.

ઓઆરઓપી મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી

સુપ્રીમ કોર્ટે લશ્કરી જવાનોના વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) મુદ્દે કેન્દ્ર સરકારને ઝાટકી નાંખી છે. સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલય દ્વારા વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે બહાર પડાયેલા પરિપત્રને તાત્કાલિક પાછો ખેંચવાનો આદેશ આપીને કહ્યું કે, આવા પરિપત્ર બહાર પાડીને  સરકાર  કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને ૨૦ જાન્યુઆરીએ બહાર પડાયેલું નોટિફિકેશન તાત્કાલિક પાછું ખેંચવા પણ આદેશ આપ્યો છે. સરકારે ચાર હપ્તામાં બાકી રકમ ચૂકવવવા નોટિફિકેશ બહાર પાડયું હતું.

કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા એટર્ની જનરલ આર વેંકટરમણીએ  કહ્યું કે, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિકોના પેન્શનની બાકી રકમના પ્રથમ હપ્તાની ચૂકવણી કરી દીધી છે પણ બીજા હપ્તા  ચૂકવવા માટે થોડો વધુ સમય જોઈએ છે. સુપ્રીમ કોર્ટે વેંકટરમણીને તતડાવતાં કહ્યું કે, પહેલાં તમે ૨૦ જાન્યુઆરીનું તમારું નોટિફિકેશન પાછું ખેંચો અને એ પછી જ અમે તમારી અરજી પર સુનાવણી કરીશું.

***

સંસદની અંદર અને બહાર બંને સ્થળે વાવાઝોડું

લોકસભા અને રાજ્યસભામાં સંસદની અંદર અને બહાર બંને સ્થળોએ વિપક્ષે અદાણી મુદ્દે જેપીસીની માંગ કરતા સરકાર પર રીતસરનું આક્રમણ કર્યુ હતુ. તેની સામે ભાજપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડંનમાં કરેલી ટિપ્પણી બદલ માફી માંગે તેમ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું. તેની સાથે વાયએસઆર પાર્ટીની નેતા શર્મિલા તથા આંધ્રના સીએમની બહેન શર્મિલા કેસીઆર સામેનો જંગ દિલ્હી લઈ ગઈ હતી. તેણે કેસીઆરના વિરોધમાં સંસદની બહાર કૂચ યોજી હતી અને ધરણા કર્યા હતા. 

રાહુલે બોલતા પહેલા વિચારવું જોઈએ : પિત્રોડા

રાહુલ ગાંધીના કુટુંબની અત્યંત નજીક મનાતા સામ પિત્રોએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે રાહુલ ગાંધીેએ બોલતા પહેલા વિચારવું જોઈએ. તેમણે કહ્યું હતું કે હું તેમને વિનંતી કરું છું કે કોઈપણ ટ્વીટને પ્રતિસાદ આપતા પહેલા તે ઊંડો શ્વાસ લે તથા કશું કહેતા પહેલા વિચાર કરે. આપણે બધાઓ જોડે મળીને દેશને આગળ લઈ જવાનો છે, ખાસ કરીને ગરીબ, ભૂક્યા, ઘરવિહોણા, બેરોજગાર અને યુવાનોને સાથે રાખીને દેશને આગલ લઈ જવાનો છે. 

અખિલેશ 17મીએ મમતા બેનરજીને મળશે

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ અખિલેશ યાદવ ૧૭મી માર્ચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીને તેમના નિવાસ્થાને મળશે. સમાજવાદી પક્ષ કોલકાતામાં બે દિવસની રાષ્ટ્રીય કારોબારી યોજવાનો છે અને આ વર્ષે ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે તેને લઈને વ્યૂહરચના ઘડવા માટે આ બેઠક યોજાવવાની છે. આ મીટિંગમાં મમતા બેનરજી ઉપરાંત બંગાળના ટીએમસીના નેશનલ સેક્રેટરી અભિષેક બેનરજી પણ ભાગ લે તેવી સંભાવના છે. આ ઉપરાંત વિપક્ષોને સરકાર સીબીઆઇ દ્વારા ડરાવી રહી હોવાનો મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચાઈ શકે છે, એમ ટીએમસીએ જણાવ્યું હતું.

તમિલનાડુમાં ફેક નોટની તપાસ શરુ

તમિલનાડુ પોલીસની એલાઇટ ક્યુ બ્રાન્ચે રાજ્યના કેટલાય હિસ્સામાં બનાવટી નોટોની સતત જોવા મળતી હાજરીની તપાસ કરી છે. પોલીસે આ પગલાના ભાગરુપે વિરુધનગર ખાતે હાઇક્વોલિટીની બનાવટી નોટ જપ્ત કરી છે અને ચારની ધરપકડ કરી છે. આ ધરપકડના પગલે જ પોલીસને તેમા રાજ્યવ્યાપી તપાસની જરુરિયાત વર્તાઈ છે. પોલીસના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં બનાવટી નોટો બીજા સ્થળોએથી લાવવામાં આવે છે. 

110 દેશોના ખરીદદારો હેન્ડીક્રાફ્ટ મેળામાં હશે

૫૫માં ભારતીય હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ ગિફ્ટ્સ ફેર (આઇએચજીએફ)નું ૧૫થી ૧૯ માર્ચ દરમિયાયન ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે થશે. તેમા કુલ ૧૬ મહાકાય હોલમાં પ્રોડકટનું પ્રદર્શન થશે, તેમા ૯૦૦ શોરૂમનો સમાવેશ થાય છે. તેમા ૧૧૦ દેશો હાજરી આપે તેમ મનાય છે. આઇએચજીએફનું ૧૯૯૪થી આયોજન થતું રહ્યું છે. એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફરો હેન્ડિક્રાફ્ટ્સના ડીજી રાકેશ કુમારે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં સસ્ટેનેબલ લિવિંગ અને લાઇફસ્ટાઇલે વેગ પકડયો છે. 

- ઇન્દર સાહની

Gujarat
Magazines