અન્ના હજારેની ધમકીનું પરિણામ, સરકાર ઝુકી ગઈ

નવીદિલ્હી: અન્ના હજારેએ લોકાયુક્ત કાયદો મહારાષ્ટ્રમાં જો લાગુ નહી થાય તો આમરણાંત ઉપવાસ પર જવાની ધમકી આપી હતી. ૨૦૧૨ના વર્ષમાં યુપીએ સરકાર સામે અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કર્યું હતું જેને કારણે સરકાર ગબડી ગઈ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અન્ના હજારે સાવ નિષ્ક્રિય થઈ ગયા છે, પરંતુ એમના ઉપવાસની ધમકીથી ડરી જઈને મહારાષ્ટ્ર સરકારે એમને તાત્કાલીક મનાવવાની કોશિશ કરી છે. સરકારે તરત જ વિધાનસભામાં એક કાયદો લાવીને લોકાયુક્તના કાયદા હેઠળ આઇએએસ અધિકારીને સમાવવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં ૨૦૨૩ના વર્ષમાં લોકાયુક્ત કાયદો બન્યો હતો. સરકારનું કહેવું હતું કે આ કાયદાને કારણે શાસન વ્યવસ્થામાં પારદર્શિતા વધશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું હવે કહેવું છે કે લોકાયુક્ત કાયદા હેઠળ કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થશે એ નક્કી થઈ ગયું છે. જોકે હજુ સુધી નક્કી નથી થયું કે લોકાયુક્ત કાયદો કયારથી લાગુ કરવામાં આવશે. હવે રાજ્યના કોઈ પણ બોર્ડ, નિગમ, સમિતિ અથવા બીજી સંસ્થાઓમાં ફરજ બજાવતા આઇએએસ અધિકારીઓ પણ આ કાયદા હેઠળ કવર થશે. રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે અન્ના હજારે મહારાષ્ટ્રના વતની હોવાથી મુખ્યમંત્રી ફડણવીસ કોઈ વિવાદ ઉભો કરવા માંગતા નહોતા.
ભૂતપૂર્વ મંત્રી રાજા ભૈયા અને સાળીને હાઇકોર્ટની નોટિસ
અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે ભૂતપૂર્વ મંત્રી રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયા અને એમના સાળી સાધ્વી સિંહને નોટીસ મોકલી છે. રાજા ભૈયાના પત્ની ભાનવીકુમારી સિંહએ કરેલી એક ફરિયાદ બાબતે આ નોટીસ મોકલવામાં આવી છે. કોર્ટે આ સાથે ભાનવી વિરુદ્ધ ચાલી રહેલા બદનક્ષીના દાવા પર સ્ટે આપ્યો છે. જસ્ટીસ સૌરભ લાવનિયાની બેન્ચે ભાનવીએ કરેલી ફરિયાદ બાબતે હુકમ કર્યો છે. લખનૌના સીજેએમની કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાજા ભૈયા અને સાધ્વી સિંહને બે અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો છે. ૨૦૦૩ના સપ્ટેમ્બર મહિનામાં સાધ્વી સિંહે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ બદનક્ષી માટે કરવામાં આવ્યો હતો. પોલીસે ત્યાર પછી એફઆઇઆર દાખલ કરી હતી અને ભાનવીને સમન્સ મોકલવામાં આવ્યું હતું.
સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા પાકિસ્તાન તૈયાર
પાકિસ્તાનના કાયદો અને ન્યાય રાજ્ય મંત્રી અકિલ મલ્લિકએ ચેતવણી આપી છે કે જો ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ સહકાર નહી આપશે તો પાકિસ્તાન સરકાર એમના પર પ્રતિબંધ લગાડવાનો વિચાર કરશે. પાકિસ્તાનમાં લગભગ ૪૫ લાખ લોકો સોશ્યલ મીડિયા એક્સનો ઉપયોગ કરે છે. ૨૦૨૪ના ફેબુ્રઆરી મહિનામાં એક્સને બ્લોક કરવામાં આવ્યું હતું. જેલમાં કેદ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના એક્સ એકાઉન્ટ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાબતે મલ્લિક જવાબ આપી રહ્યા હતા. એમણે ફક્ત એટલુ જ કહ્યું હતું કે તપાસ ચાલુ છે. સરકારે એક્સનો સંપર્ક કર્યો છે. જો કે બીજા સોશ્યલ મીડિયા કરતા એક્સનો સહકાર સૌથી ઓછો છે. પેલેસ્ટાઇનને લગતી પોસ્ટ ૨૪ કલાકમાં દુર કરવામાં આવે છે અને એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવે છે.
એઆઇજી પ્રશાંતકુમારને રાહત, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેસ હાઇકોર્ટે રદ કર્યો
પટણા હાઇકોર્ટના જસ્ટીસ પુણંદે સિંહની કોર્ટે તીરહુત પ્રમંડલ મુઝફ્ફપુરના તત્કાલીન એઆઇજી પ્રશાંતકુમાર વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરી દીધી છે. જોકે એસવીયુએ હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે થયેલી ફરિયાદને હાઇકોર્ટે રદ કરી હોય એવો આ બીજો કિસ્સો છે. એ પહેલા પૂર્વ બિહારમાં ફરજ બજાવતા આઇએએસ અધિકારી શ્વેતા મિશ્રા વિરુદ્ધ થયેલી ફરિયાદ પણ હાઇકોર્ટે આ જ મહિનામાં રદ કરી દીધી હતી.
મળેલી જાણકારી પ્રમાણે એઆઇજી પ્રશાંતકુમાર સામે એસવીયુએ ૨૦૨૨ના નવેમ્બર મહિનામાં ભ્રષ્ટાચારના આરોપની ફરિયાદ દાખલ કરી હતી. એમની પાસે આવક કરતા ૨.૦૩ કરોડની વધારે સંપત્તી હોવાનું જણાયું હતું.
જેલમાં ઇમરાન ખાન પર થતા અત્યાચાર બાબતે યુએન ચિંતિત
સંયુક્ત રાષ્ટ્ર સંઘના અત્યાચાર બાબતોના નિષ્ણાત જીલ એડવર્ડઝએ પાકિસ્તાન સરકારને આગ્રહ કર્યો છે કે, જેલમાં કેદ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશેના જે અહેવાલો આવી રહ્યા છે એ બાબતે યોગ્ય પગલા લે. એમણે ચેતવણી આપી છે કે જાણવા મળ્યા પ્રમાણેની પરિસ્થિતિ હોય તો એને અત્યાચાર તેમજ અપમાનજનક વ્યવહાર ગણવામાં આવશે. એડવર્ડઝેએ કહ્યું હતું કે, પાકિસ્તાનના અધિકારીઓને હુ અપીલ કરુ છુ કે ઇમરાન ખાનની ધરપકડ તમામ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કરવામાં આવી હતી. ૨૦૨૩ની ૨૬મી સપ્ટેમ્બરે રાવલપિડીની અદિયાલા જેલમાં ઇમરાન ખાનને શિફ્ટ કરાયા પછી તેમને એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે. એમને દિવસના ૨૩ કલાક નાની ઓરડીમાં બંધ રખાય છે. બહારની દુનિયા સાથે એમનો કોઈ સંપર્ક નથી. એમની કોટડીમાં સીસીટીવી કેમેરા મૂકીને એમના પર સતત નજર રખાય છે.
આઇએએસ સંતોષ વર્માની હકાલપટ્ટી માટે કેન્દ્ર સરકારને કહેવામાં આવશે
બ્રાહ્મણોની પુત્રીઓ બાબતે વાંધાજનક નિવેદન આપનાર મધ્યપ્રદેશના આઇએએસ અધિકારી સંતોષ વર્મા વિરુદ્ધ રાજ્ય સરાકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવએ સામાન્ય વિભાગને હુકમ કર્યો છે કે વર્માની હકાલપટ્ટી માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે. સંતોષ વર્માએ પ્રમોશન માટે બનાવટી હુકમો અને સર્ટિફીકેટ તૈયાર કર્યા હોવાનો કેસ પણ એમની સામે ચાલી રહ્યો છે. એમને હવે કૃષિ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીના પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ પહેલા ચીફ સેક્રેટરી અનુરાગ જૈનની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી મીટીંગમાં સંતોષ વર્મા વિરુદ્ધ વધુ તપાસ કરીને કડક પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારને સંતોષ વર્માએ આપેલો જવાબ પણ સંતોષકારક નથી. સંતોષ વર્માએ કોર્ટનો બોગસ હુકમ પણ બનાવ્યો હતો.
ઉત્તરપ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પંકજ ચૌધરીની નિમણૂક પાછળનું રહસ્ય
ઉત્તરપ્રદેશ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલતી હતી કે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે. હવે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ જાહેર કર્યું છે કે પંકજ ચૌધરીને સર્વસંમતિથી ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ ભાજપ પ્રમુખનો હોદ્દો ખુબ શક્તિશાળી ગણાય છે. ભાજપનો એક વર્ગ એવું માને છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અતિશક્તિશાળી બની રહ્યા છે. જો યોગી આદિત્યનાથની સત્તા પર લગામ તાણવી હોય તો પ્રદેશ પ્રમુખ તરીકે યોગ્ય માણસની નિમણૂક થવી જોઈએ. યોગી આદિત્યનાથ ગોરખપુરના સાંસદ રહી ચૂક્યા છે અને હમણા ગોરખપુર શહેરની બેઠક પરથી ધારાસભ્ય છે. આ જ જિલ્લાની પડોશી બેઠક મહારાજગંજથી પંકજ ચૌધરી સાંસદ તરીકે ચૂટાયા છે. પંકજ ચૌધરી પણ ગોરખપુર યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. પંકજ ચૌધરીએ ૧૯૮૯માં ગોરખપુરના કોર્પોરેટર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પંકજ ચૌધરી ઉર્મી-ઓબીસી ચહેરો ગણાય છે. જોકે કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે ભાજપ નવા સમીકરણો શોધી રહ્યો છે, પરંતુ એને ખાસ સફળતા મળવાની શક્યતા નથી.

