Get The App

દિલ્હીની વાત : રાજીવ પ્રતાપ રૂડીની જીત પર કપિલ સિબ્બલે શું કહ્યું

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાજીવ પ્રતાપ રૂડીની જીત પર કપિલ સિબ્બલે શું કહ્યું 1 - image


નવીદિલ્હી : દિલ્હીમાં કોન્સ્ટીટયુશન ક્લબ ઓફ ઇન્ડિયાની ચૂંટણીની અગત્યતા ઘણી છે. હમણા થયેલી કોન્સ્ટીટયુશન ક્લબ ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં મંત્રી તરીકે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને ભૂતપૂર્વ સાંસદ સંજીવ બાલિયાન વચ્ચે ટક્કર હતી. રાજીવ પ્રતાપ રૂડીએ સંજીવ બાલિયાનને લગભગ ૧૦૦ મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણી બાબતે કપિલ સિબ્બલે સોશયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખી હતી. સિબ્બલે લખ્યું હતું કે, 'જ્યારે ચૂંટણી ગુપ્ત મતદાનથી થશે ત્યારે કહેવાતા ચાણક્ય આસાનીથી હારી જશે. બિહારમાં ચૂંટણી જો નિષપક્ષ થશે તો ચાણક્ય ફરીથી હારશે.' રાજીવ પ્રતાપ રૂડીએ ૨૫ વર્ષોની સત્તા વિરોધી લહેરનો સામનો કરતા ચૂંટણી જીતી હતી. પોતાના પક્ષના સભ્ય સંજીવ બાલિયાનને જ તેમણે હરાવ્યા હતા. બાલિયાનને ૨૯૦ મતો મળ્યા હતા. રૂડી આ પદ પર અગાઉ ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

'મુલાયમની સરકાર નથી કે ગોળી ચલાવે'

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક કબર બાબતે ચાલી રહેલા વિવાદમાં હિન્દુઓ અને મુસ્લિમો સામસામે થઈ ગયા હતા. હિન્દુ ટોળાની આગેવાની ભાજપ જિલ્લા અધ્યક્ષ મુખલાલ પાલએ લીધી હતી. હવે એમનો એક વિડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એસપી સાથે વાત કરતા તેઓ કહી રહ્યા છે કે, આ મુલાયમ સિંહની સરકાર નથી જે ગોળી ચાલવા દે. એમના આ નિવેદન પર હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ નારાજગી જાહેર કરી છે. એમણે કહ્યું હતું કે, જિલ્લા અધ્યક્ષના મોંમાથી જે ફુલ નીકળી રહ્યા છે એની માળા શું ભાજપ બનાવશે? કે પછી એનો બુકે બનાવીને ભેટ આપશે? મુખલાલએ એસપીને કહ્યું હતું કે, 'એસપી સાહેબ તમે કહ્યું હતું કે, અમે ૭ વાગ્યે બેઠક કરશું. જો હિમત હોય તો ગોળી ચલાવીને બતાવો. હું વારંવાર કહું છું કે, ૭ વાગ્યે કહ્યું હતું તો બોલાવ્યા શા માટે નહીં. તમે મનમાની કરી છે.'

લોકસભા ભંગ કરી આખા દેશમાં એસઆઇઆર થાય

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે મતદારોની યાદીનો સુધારણા કાર્યક્રમ (એસઆઇઆર) ચાલુ કર્યો છે. એનો વિરોધ કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો કરી રહ્યા છે. આ બાબતે હવે તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી અને મમતા બેનર્જીના ભત્રિજા અભિષેક બેનર્જીએ કહ્યું છે કે, જો એસઆઇઆર જરૂરી હોય તો સૌથી પહેલા દેશમાં લોકસભાનો ભંગ કરવો જોઈએ. સોશયલ મીડિયા એક્સ પર એમણે લખ્યું હતું કે, આખા દેશમાં એસઆઇઆર લાગુ કરવો જોઈએ. જે રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે એ રાજ્યમાં શા માટે? બેનર્જીએ કહ્યું છે કે, 'ચૂંટણી કમિશનએ કહ્યું છે કે મતદારયાદીમાં ત્રૂટી છે. આ જ મતદારયાદીને આધારે ૨૦૨૪માં ચૂંટણીઓ થઈ હતી. જો સત્તાધારી પક્ષ ચૂંટણી પંચની વાત સાથે સહમત હોય તો એમણે જ લોકસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરવાની પહેલ કરવી જોઈએ.

મીટ બાબતે મહારાષ્ટ્રની મહાયુતિમાં વિચારભેદ

મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા દિવસે કેટલીક નગરપાલિકાઓએ મીટની દુકાનો બંધ રાખવાનો હુકમ કર્યો છે. જોકે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અજીત પવાર આ હુકમથી ખુશ નથી અને મહાયુતિ સરકારથી અલગ વિચાર રાખે છે. થોડા દિવસો પહેલા જ અજીત પવાર કુરેશી સમુદાયના લોકોને મળ્યા હતા. ગૌરક્ષકો દ્વારા થઈ રહેલી હેરાનગતીના મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર પછી મહારાષ્ટ્ર પોલીસએ એક જાહેરાત કરી હતી જેમા કહેવામાં આવ્યું હતું કે, ફક્ત પોલીસ કે નીમાયેલા અધિકારી જ ગેરકાયદેસર પશુ પરીવહન વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે. ખાનગી વ્યક્તિઓ વેપારીઓને રોકી શકે નહીં કે તપાસ કરી શકે નહીં. મીટની હેરફેર કરનારાઓ પર હુમલો કરવાનો એમને કોઈ અધિકાર નથી. મહારાષ્ટ્રના રાજકીય નીરીક્ષકો માને છે કે અજીત પવાર હજી પણ પોતાને બિનસાંપ્રદાયીક પૂરવાર કરવાની કોશિષ કરી રહ્યા છે.

કેજરીવાલને બંગલો અપાવવા આપ હાઇકોર્ટમાં

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી બંગલો અપાવવા માટે એમનો પક્ષ હાઇકોર્ટમાં ગયો છે. આપએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટના હસ્તક્ષેપને કારણે ઓફિસ તો મળી ગઈ છે, પરંતુ અરવિંદ કેજરીવાલને રહેઠાણ મળ્યું નથી. કોર્ટે વધુ સુનાવણી ૨૫ ઓગસ્ટે રાખી છે. જસ્ટીસ સચિન દત્તાની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આપ તરફથી રજુઆત કરતા વકીલ રાહુલ મહેરાએ કહ્યું હતું કે મહેરબાની કરીને એફીડેવીટ જુઓ. આ કેસ રહેઠાણની વહેચણી બાબતનો છે. જો પક્ષકાર આમ આદમી પાર્ટીના પ્રમુખ હોય તો નીયમો પ્રમાણે તેઓ રહેઠાણ મેળવવા હકદાર છે. અમારી પાસે પક્ષ માટે ઓફિસ પણ નહોતી જે અમને કોર્ટે અપાવી હતી.

11 વર્ષ પછી કોંગ્રેસે 32 જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી

છેવટે હરિયાણા કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હરિયાણામાં પક્ષના જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરી છે, પરંતુ આ યાદી જાહેર કરતા પક્ષને ૧૧ વર્ષનો સમય લાગ્યો છે. હરિયાણામાં કુલ ૨૨ જિલ્લા છે. જોકે કોંગ્રેસએ આ જિલ્લાઓને ૩૩ ભાગોમાં વહેંચ્યા છે. પક્ષે હજી સુધી પાણીપત ગ્રામીણના જિલ્લા અધ્યક્ષની જાહેરાત કરી નથી. હરિયાણા કોંગ્રેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ કુમારી સૈલજા અને રાજ્યસભાના સાંસદ રણજીત સિંહ સુરજેવાલના અલગ અલગ જૂથ છે. આ જૂથો વચ્ચે ચાલી રહેલી ખેચતાણને કારણે કોંગ્રેસ સંગઠન ઠેકાણે પડતું નથી. ગયા વર્ષે ઓક્ટોબર - નવેમ્બરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ હારનો સામનો કરવો પડયો હતો જેનું કારણે આંતરીક જૂથબંધી હતું.

ચિરાગ પાસવાન અમીત શાહ પાસે કેમ નહીં ગયા

છેલ્લા કેટલાક વખતથી બિહાર એનડીએમાં અસંતોષ હોવાની વાતો બહાર આવી રહી છે. જોકે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)એ આ વાતને રડયો આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસએ ચિરાગ પાસવાનની દલિત ઓળખનો મુદ્દો ઉભો કર્યો છે. ચિરાગ પાસવાનએ વિરોધપક્ષ પર ભ્રમ ફેલાવાવનો આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે એમની બિહાર સરકારની ટીકા પ્રજા માટેની ચિંતાને કારણે છે. નિતિશકુમારની આગેવાનીમાં ગુનાખોરી નિયંત્રણમાં છે, પરંતુ વિપક્ષ એનડીએમાં તિરાડ પડાવવા માંગે છે. સીતામઢી ખાતેના જાનકી મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં ચિરાગ પાસવાનની ગેરહાજરીને કારણે કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા. કોંગ્રેસએ આક્ષેપ કર્યો હતો કે, ચિરાગ પાસવાન દલિત હોવાને કારણે એમને મંદિરના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા નહોતા. બીજી તરફ ચિરાગ પાસવાનનું કહેવું છે કે તેઓ અમિત શાહને મળવા માંગતા હતા, પરંતુ છેવટે એમણે નક્કી કર્યું કે બિહારના એમના નેતા તો નિતિશકુમાર જ છે એટલે અમિત શાહને બદલે નિતિશકુમારને મળ્યા હતા.

Tags :