Get The App

દિલ્હીની વાત : 'તમે વડાપ્રધાન બનવા માંગો છો કે બંગાળના મુખ્યમંત્રી'

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'તમે વડાપ્રધાન બનવા માંગો છો કે બંગાળના મુખ્યમંત્રી' 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ વધુ ગરમ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, બંગાળ વિધાનસભાની દરેક બેઠકો પર તેઓ પોતે ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. મોદીના આ નિવેદન પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીખળ કરતા પૂછયું છે કે, શું મોદી બંગાળના મુખ્યમંત્રી બનવા માંગે છે, કે એમણે ભારતના વડાપ્રધાન તરીકે જ રહેવું છે? મમતાએ કહ્યું હતું કે જો તેઓ તમામ ૨૯૪ બેઠકો પર ભાજપના ઉમેદવાર છે તો તેમણે પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપી દેવું જોઈએ. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષએ કહ્યું હતું કે વડાપ્રધાનનું નિવેદન તો મમતા બેનર્જીના છેલ્લા નિવેદનની નકલ છે.

 મમતાએ કહ્યું હતું કે, તેઓ ટીએમસી તરફથી તમામ બેઠકોના ઉમેદવાર છે. 

મમતા બેનર્જી આમ કહી શકે છે કારણ કે તેઓ પોતે ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન આ દાવો કઈ રીતે કરી શકે?

ટ્રમ્પના નિવેદન પછી ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો

ઇરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાર્તા સંભવ હોવાની વાત બહાર આવી છે. આ સંભાવનાને કારણે ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. ક્રુડ ઓઇલની કીંમત ૧ ટકા ઓછી થઈને ૫૮.૪૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાને અમેરિકા સાથે સમજૂતી કરવા સંપર્ક કર્યો છે. ટ્રમ્પના આ નિવેદનને કારણે પણ ક્રુડ ઓઇલની કિંમત નીચે આવી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને કહ્યું હતું કે, 'અમને બીજી તરફ (ઇરાન)થી ફોન આવ્યો છે. તેઓ સમજૂતી કરવા માંગે છે.' બીજી તરફ ન્યુયોર્ક ટાઇમ્સના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇરાન પાંચ વર્ષ સુધી યુરેનિયમના જથ્થામાં વધારો કરશે નહીં. એ મુજબનું વચન ઇરાને આપ્યું છે. જોકે અમેરિકાએ પાંચ વર્ષને બદલે ૨૦ વર્ષની માંગણી કરતા વાત અધૂરી રહી છે.

મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઇગર'નો વિવાદ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા થઈ રહી છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સંસદસભ્યો પાટલી બદલીને શિવસેના (એકનાથ શિંદે)માં જોડાવા માંગે છે. આ સંસદસભ્યોને શિવસેના (એકનાથ શિંદે)માં લાવવાની પ્રક્રિયાને 'ઓપરેશન ટાઇગર' નામ આપવામાં આવ્યું છે. એકનાથ શિંદેએ આ સંસદસભ્યો સાથે થાણેમાં બેઠક કરી હોવાનું પણ કહેવાય છે. આ બેઠકમાં છ સંસદસભ્યો હાજર રહ્યા હતા. જોકે બંને શિવસેનાએ આ સમાચારને રદીયો આપ્યો છે. શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ સમાચારને ખૂબ ગંભીરતાથી લીધા છે. આ સમાચાર પ્રકાશિત કરનાર મીડિયા સામે એ કાયદેસરની કાર્યવાહી પણ કરશે. જોકે બીજી તરફ શિવસેના (એકનાથ શિંદે)ના ધારાસભ્ય સંજય શિરસાટેએ કહ્યું હતું કે આવા ઓપરેશનો ખાનગીમાં કરાય છે. એની જાહેરાત કરવાની હોતી નથી.

'શાંતિપૂર્ણ પ્રદર્શનને બહારના લોકોએ હિંસક બનાવ્યું'

ઉત્તર પ્રદેશના નોઇડા ખાતે શ્રમીકોએ મોટા પાયે દેખાવો કર્યા હતા. ગૌતમ બુદ્ધનગર વિસ્તારમાં ૮૦થી વધુ જગ્યાએ ૪૫ હજાર જેટલા શ્રમીકો રસ્તા પર ઉતર્યા હતા. સેક્ટર ૬૩ અને મદરસન કંપનીની નજીક શાંતિપૂર્ણ ભીડને બહારથી આવેલા કેટલાક લોકોએ ઉશ્કેરી હતી. ત્યાર પછી હિંસક ઘટનાઓ બની હતી. પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે આ માહિતી આપી હતી. હિંસા કરનાર અસામાજીક તત્વોની મોટા પાયે ધરપકડ કરવામાં આવી છે. શ્રમીકોની પાંચમાંથી ચાર માંગણીઓ કબુલ રાખવામાં આવી છે. કેટલાક મુદ્દાઓ માટે ઉચ્ચ સ્તરીય સમીતી બનાવવામાં આવી છે. દિવસ દરમિયાન કામદારોનું પ્રદર્શન શાંતિપૂર્ણ હતું. પરંતુ મજૂરો ત્યાંથી હટયા પછી બીજા જિલ્લામાંથી આવેલા તોફાનીઓએ ભીડને ઉશ્કેરી હતી.

'ડોલમાં પેશાબ કરીને મારી પર ફેંકવામાં આવ્યો હતો....'

'હું મરવા જઈ રહી હતી. દિકરાને સૂવડાવ્યો. છેલ્લી વખત એને ચૂંબન કર્યું અને ગળા ફાસો ખાવા સ્ટૂલ પર ચડી ગઈ...' આઇએએસ સરીતા પ્રધાનની આ વાત છે. સાસરામાં એમની જિંદગી નરક જેવી હતી. જોકે ત્યાર પછી એમણે પોતાની જાતને સંભાળી અને નવેસરથી જિંદગી શરૂ કરી. આઇએએસ સરીતા પ્રધાનનો જન્મ મધ્યપ્રદેશના નાનકડા ગામમાં થયો હતો. આદિવાસી કુટુંબમાં જન્મેલા સરીતાના સંઘર્ષની શરૂઆત બાળપણથી જ થઈ હતી. એમનું કુટુંબ ખુબ ગરીબ હતું અને ખેતમજૂરી કરતું હતું. એમણે પણ ખેતમજૂરીનું કામ કર્યું હતું. ૧૦મું ધોરણ પાસ કરનાર તેઓ ગામના પહેલા વિદ્યાર્થી હતા. લગ્ન પછી એમના સાસરામાં એમની પર ખૂબ ત્રાસ ઘૂજારવામાં આવ્યો હતો. ડોલમા પેશાબ કરીને એમના પર ફેંકવામાં આવતો હતો. સ્કૂલમાં ભણતી વખતે એમને ડોક્ટર થવું હતું. જોકે ત્યાર પછી એમણે સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

ડીએમકેના વિરોધ છતાં તામિલનાડુમાં  હિન્દી ફૂલીફાલી રહી છે

તામિલનાડુમાં વર્ષોથી હિન્દીના વિરોધનું રાજકારણ છે. હિન્દીનો વિરોધ કરીને ઘણા પક્ષો ચૂંટાઈ આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ડીએમકેની સ્ટાલીન સરકારે ત્રીભાષા ફોર્મ્યુલાને બહાને કેન્દ્ર સરકાર અને હિન્દી સામે ખૂબ પ્રચાર કર્યો છે. ડીએમકેના સાંસદો સંસદમાં પણ હિન્દીમાં જવાબ આપતા નહોતા. આમ છતાં તામિલનાડુમાં કામ કરતા શ્રમીકોને કારણે ત્યાં હિન્દીનું ચલણ વધ્યું છે. તામિલનાડુની આર્થિક પ્રગતીને કારણે ડીએમકેનો હિન્દી વિરોધી એજન્ડા ચાલ્યો નથી. ગયા વર્ષે તામિલનાડુનો ગ્રોથ ૧૧.૧૯ ટકાથી વધુ હતો. તામિલનાડુમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા, ઝારખંડ અને આસામથી મજૂરો કામ કરવા માટે આવે છે. પ્રવાસી મજૂરો હિન્દી સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા નથી. શ્રમીકોની જરૂરિયાત હોવાથી સ્થાનિક તમિલયનો પણ હિન્દી શિખવા મજબૂર થયા છે.

શ્રમીકોના સમર્થનમાં રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર જિલ્લામાં પગાર વધારવાની માંગણીને લઈને કર્મચારીઓ હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે શ્રમીકો પર અત્યાચાર થઈ રહ્યા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ગઈ કાલે નોઇડાના રસ્તાઓ પર જે થયું એ આ દેશના શ્રમીકોની છેલ્લી ચીસ હતી. એમની કોઈ વાત સાંભળવામાં આવી નહીં. તેઓ માંગણી કરી કરીને થાકી ગયા છે. નોઇડામાં કામ કરતા મજૂરનું માસીક મહેનતાણું ૧૨,૦૦૦ છે જ્યારે એમણે ૪,૦૦૦ - ૭,૦૦૦  ભાડુ ભરવું પડે છે. એમને વર્ષે ૩૦૦ રૂપિયાનો વધારો મળે છે એની સામે મકાન માલિક વર્ષે ૫૦૦ રૂપિયા ભાડુ વધારે છે. વધતી મોંઘવારીને કારણે તેઓ દેવામાં ડુબી ગયા છે. વિકસીત ભારતનું આ જ સપનું છે. ગેસના ભાવ વધ્યા છે, પરંતુ એમનો પગાર વધ્યો નથી.'