Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં હવે જુના થઈ ગયેલા વાહનોને ઇંધણ નહીં મળે

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હીમાં હવે જુના થઈ ગયેલા વાહનોને ઇંધણ નહીં મળે 1 - image

નવી દિલ્હી : પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે જૂના વાહનોને ઇંધણ નહીં આપવાની નીતિ સરકાર લાગુ કરવા જઈ રહી છે. આ નીતિ પ્રમાણે ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોને દિલ્હીમાં ઇંધણ આપવામાં આવશે નહીં. નીતિના અમલ માટે દિલ્હીના ૪૭૭ પેટ્રોલ પંપો અને સીએનજી સ્ટેશનો પર સ્વયં સંચાલિત નંબર પ્લેટ ઓળખ માટેના કેમેરા લગાડવામાં આવ્યા છે. ફક્ત ૨૩ સીએનજી સ્ટેશનો પર કેમેરા લગાડવાના બાકી છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ નિયમનો અમલ ચાલુ થઈ જશે. જોકે સરકારના આ ફતવા સામે વાહન ચાલકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હજારોની સંખ્યામાં ડિઝલથી સંચાલિત એવા વાહનો છે કે જે ૧૦ વર્ષ કરતા વધુ જૂના થઈ ગયા હોય. હવે આવા વાહનો બિનઉપયોગી થઈ જવાથી મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય માણસ માટે પડયા પર પાટુ જેવું થશે.

ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં કઈ રીતે પકડાયો

પંજાબ નેશનલ બેન્ક સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગેલા હીરાના વેપારી મેહુલ ચોકસીને ૭૦૩૩ કીલોમીટર દુર પશ્ચિમ યુરોપના બેલ્જિયમમાંથી પકડી પાડવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી ભારત મેહુલ ચોકસીને શોધી રહ્યું હતું. સીબીઆઇના સૂત્રોના કહેવા પ્રમાણે મેહુલને બેલ્જિયમની પોલીસે પકડયો છે. મેહુલ ચોકસીએ પત્ની પ્રીતિ ચોકસી સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહેતો હતો. સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ મેહુલને શોધી રહ્યા હતા. ભારતની એજન્સીઓને ખબર પડી હતી કે મેહુલ ચોકસી બેલ્જિયમમાં છે. સીબીઆઇ અને ઇડીના અધિકારીઓએ બેલ્જિયમના અધિકારીઓનો સંપર્ક કરીને એમને મેહુલ ચોકસી વિશેની તમામ માહિતી આપી હતી. ભારતે બેલ્જિયમને મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસી પર નજર રાખવાની શરૂઆત કરી હતી કે જેથી તે ફરાર નહી થઈ જાય. પુરતા પૂરાવા મળ્યા પછી બેલ્જિયમ પોલીસે મેહુલની ધરપકડ કરી છે.

હવે 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હજયાત્રા નહીં કરી શકે

હજ પઢવા જવા માગતા ૧૨ વર્ષથી નીચેની ઉંમરના બાળકો હવે હજયાત્રા નહીં કરી શકે. આ નિર્ણય સાઉદી અરેબિયાએ લીધો છે. સાઉદી અરેબિયાની સરકારે ૧૨ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વિસા નહીં આપવાનું નક્કી કર્યું છે. આપણા દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦થી વધારે બાળકોએ હજના વિસા માટે પ્રયત્નો કર્યા હતા. ૧૨ વર્ષથી નાની ઉંમરના તમામ બાળકોની વિસા અરજી રદ કરવામાં આવી છે. હજ કમિટિ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ પી તિવારીના જણાવ્યા પ્રમાણે ૨૦૨૫થી સાઉદી અરેબિયાની સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે. જે કવર નંબરમાં બાળકોનો સમાવેશ થાય છે એના પર અન્ય હજ યાત્રીઓ હજ માટે જઈ શકશે.

અમિતાભે સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાની યુક્તિ પૂછી

ફિલ્મો અને ટીવી શોમાં કામ કરવા ઉપરાંત અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તેઓ સોશ્યલ મીડિયા પર દરરોજ એમના ચાહકો માટે નવી નવી વાતો લખતા રહે છે. હમણા અમિતાભ બચ્ચને એક્સ પર પોતાના ફોલોઅર્સને એક સવાલ પૂછયો છે જે ખૂબ વાયરલ થયો. અમિતાભે લખ્યું છે કે, 'હું ઘણી કોશિષ કરું છું, પરંતુ ફોલોઅર્સની સંખ્યા ૪ કરોડ ૯૦ લાખથી વધતી નથી. સંખ્યા વધારવા માટે મને યુક્તિ બતાવો.' આ પોસ્ટના જવાબમાં એમના ચાહકોએ મોટી સંખ્યામાં જાતભાતના જવાબો આપ્યા હતા. કોઈકે એમને સલાહ આપી હતી કે એલન મસ્કની કંપનીએ બનાવેલા ચેટબોટ ગ્રોથનો ઉપયોગ કરે. એક ચાહકે લખ્યું કે, 'સર તમે મને ફોલો કરો પછી જોજો તમારી ઇચ્છા પૂરી થાય છે કે નહીં.'

રક્ત સ્વાભિમાન સંમેલનની આડમાં કરણી સેનાએ તલવાર વિંઝી : સપા

ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાએ રક્ત સ્વાભિમાન સંમેલનની આડમાં હિંસક દેખાવો કર્યા હતા. કરણી સેનાના સભ્યો ખુલ્લી તલવારો સાથે રસ્તા પર ઉતરી પડયા હતા. આ બાબતે સમાજવાદી પક્ષે આકરી ટીકા કરી છે. સપાના સાંસદ રામજીલાલ સુમનએ કહ્યું છે કે, રક્ત સ્વાભિમાન સંમેલનની આડમાં દંડા અને તલવાર સાથે પ્રદર્શન કરીને ભય ફેલાવવામાં આવ્યો છે. કોઈપણ સભ્ય સમાજમાં આ પ્રકારના હિંસક દેખાવને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. આ એ લોકો જ છે કે જેઓ જાતી આધારીત વસ્તી ગણતરી નથી કરાવવા માંગતા. કરણી સેનાની આડમાં ભાજપના કાર્યકરોએ દેખાવો કર્યા  છે. સાંસદ રામજીલાલ સુમનના ઘર પણ પણ હુમલો કરવામાં આવ્યો હતો. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ ૧૯મી એપ્રિલે આગ્રા જઈને સાંસદને મળશે.

તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણ રોકવા ઘણા બહાના બનાવ્યા હતા

૨૬ /૧૧ આંતકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ૧૦મી એપ્રિલે ભારત લાવવામાં આવ્યો છે. જોકે પ્રત્યાર્પણ રોકવા માટે રાણાએ વારંવાર કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના પ્રત્યાર્પણ માટે ગ્રીન સીગ્નલ આપી દીધું હતું. રાણાના વકીલ જ્હોન ડીક્લાઇને રાણા ૩૦ જેટલી બિમારીઓથી પીડાતા હોવાના કારણો આપ્યા હતા. એમણે ચેતવણી આપી હતી કે એમના અસીલ પર ભારતની જેલમાં અત્યાચાર ગુજારવામાં આવશે તો ખરાબ તબિયતને કારણે એમનું મૃત્યુ પણ થઈ શકે છે. રાણાને ૨૦૨૪થી પાર્કિન્સનની બિમારી છે. રાણાની યાદશક્તિ પણ નબળી પડી ગઈ છે અને એનાથી ઠંડી સહન થતી નથી. એના મૂત્રાશયમાં પણ એક ગાંઠ છે જે કેન્સરની હોવાની શક્યતા છે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રબર સ્ટેમ્પ છે : આપનો આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના પતિએ સરકારના અધિકારીઓ સાથે કરેલી કહેવાતી બેઠકને કારણે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપનું કહેવું છે કે, દિલ્હીનો વિકાસ એક એવા મુખ્યમંત્રીને ભરોસે છોડવામાં આવ્યો છે કે જેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. આપે આ બાબતે ભાજપનો ખૂલાસો પણ માંગ્યો છે. ભાજપએ સામે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ મુખ્યમંત્રી કાર્ર્યાલયમાં કઈ રીતે દખલ કરતા હતા એનું વર્ણન કર્યું છે. આપના સંયોજક સૌરભ ભારદ્વાજે રેખા ગુપ્તાને રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી ગણાવ્યા છે. રાજકીય નીરિક્ષકો પણ કહી રહ્યા છે કે, ભાજપ હાઇકમાન્ડને પૂછયા વગર રેખા ગુપ્તા કોઈ નિર્ણય લેતા નથી. ભાજપના બીજા રાજ્યના મુખ્યમંત્રી જેવી જ હાલત રેખા ગુપ્તાની છે. અધિકારીઓની બદલીથી માંડીને નીતિવિષયક નિર્ણયો પણ અમિત શાહ લે છે.

નાયબ સિંહ સૈનીના નિવેદન પછી બિહારમાં ભાજપે સ્પષ્ટતા કરી

નાયબ સિંહ સૈનીએ બિહાર ભાજપના નેતા અને ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની હાજરીમાં એવું કહ્યું કે આ વર્ષે બિહારમાં થનારી ચૂંટણીમાં સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં ભાજપ વિજય મેળવશે. સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં એવો શબ્દપ્રયોગ કરીને સૈનીએ તેમને સીએમપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા. સૈનીનું આ નિવેદન જોતજોતામાં બિહારમાં વાયરલ થઈ ગયું. જેડીયુના નેતાઓને આ બિલકુલ ગમ્યું નહીં. નીતિશે નારાજગી દર્શાવી એટલે બિહાર ભાજપના યુનિટે તરત સ્પષ્ટતા કરી: નીતિશકુમારના નેતૃત્વમાં જ એનડીએ ચૂંટણી લડશે. જેડીયુના નેતાઓ અંદરખાને કહી રહ્યા છે કે ભાજપના સેકન્ડ કેડરના નેતૃત્વ પાસે વારંવાર આવું જાણી જોઈને બોલાવાઈ રહ્યું છે. અગાઉ પણ ભાજપના નેતાઓ સીએમપદના ઉમેદવારના નામ વગર ચૂંટણી લડાશે એવા નિવેદનોથી લઈને ભાજપ ચૂંટણી પછી મહારાષ્ટ્રની જેમ નામ જાહેર કરશે ત્યાં સુધીના નિવેદનો આપી ચૂક્યા છે. ભાજપ નીતિશનું સત્તાવાર નામ જાહેર કર્યા વગર જ બંધ બાજી રમે એવું ચર્ચાઈ રહ્યું છે.

પંજાબમાં પ્રતાપ સિંહ બાજવા મુદ્દે આપ-કોંગ્રેસ સામ સામે

પંજાબ વિધાનસભાના વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ રાજ્યમાં ૫૦ બોમ્બ મોકલાયા હોવાનો દાવો એક ટીવી ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. ૫૦માંથી ૧૮ બોમ્બ વપરાઈ ચૂક્યા છે અને ૩૨ બોમ્બ હજુય વપરાય વગરના છે. એ ગમે ત્યારે, ગમે ત્યાં ફેંકાઈ શકે છે. આ દાવા પછી હવે પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સીએમ ભગવંત માને કહ્યું હતું કે બાજવા તેના સોર્સની જાણકારી આપે. પંજાબ પોલીસે પાકિસ્તાનની એજન્સીઓ સાથે સાંઠગાંઠની શંકા વ્યક્ત કરીને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે પૂછપરછ માટે મોહાલી હાજર થવાનું કહ્યું હતું, પરંતુ બાજવા હાજર થયા નથી. કોંગ્રેસના આ સીનિયર નેતાએ ભગવંત માન પર રાજકીય રીતે કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ બાજવાના સમર્થનમાં કેટલાય જિલ્લાઓમાં પ્રદર્શનો શરૂ કર્યા છે અને સરકાર રાજકીય કાવાદાવાથી કાર્યવાહી કરતી હોવાનો આરોપ મૂક્યો છે.

11 વર્ષ પછીય આંધ્ર-તેલંગણા કેડરના અધિકારીઓનો પ્રશ્ન ઉકેલાયો નથી

૨૦૧૪થી આંધ્રપ્રદેશમાંથી તેલંગણા નામનું જુદુ રાજ્ય બન્યું હતું. તે વખતે આઈએએસ, આઈપીએસને તેલંગણા કેડર મુજબ પોસ્ટિંગ અપાયું હતું. રાજ્યની સ્થાપના પછી તો જાણે એની સ્પષ્ટતા થઈ જતી હોવાથી કોઈ મુશ્કેલી પડતી નથી, પરંતુ જ્યારે એડમિનિસ્ટ્રેટિવ કાર્યવાહી ચાલતી હોય ત્યારે જેમને પોસ્ટિંગ મળ્યા છે એ અધિકારીઓની કેડર હજુય વાંધામાં પડી છે. શિવશંકર લોહાતી નામના અધિકારીની કેડરનો મુદ્દો તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ સુધી પહોંચ્યો છે. ટ્રિબ્યૂલને તેમને આંધ્રપ્રદેશ કેડર ફાળવવાનો આદેશ કર્યો હતો અને હવે ચાર સપ્તાહમાં આ આદેશનું પાલન કરવા પણ સૂચના અપાઈ છે. આવા કેટલાય આઈએએસ, આઈપીએસ અધિકારીઓ કે જેમનું પોસ્ટિંગ ૨૦૧૩માં થયું હતું એની કેડરનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

મુર્શિદાબાદની હિંસા મુદ્દે મમતા બેનર્જી સર્વપક્ષીય બેઠક બોલાવે : કોંગ્રેસ

નવા વક્ફ બિલ મુદ્દે મુર્શિદાબાદમાં હિંસા શરૂ થઈ છે. મામલો ખૂબ જ તંગ બની ગયો છે અને હિન્દુ પરિવારોને વિસ્થાપિત થવાની નોબલ આવી છે. આવી પરિસ્થિતિમાં મમતા બેનર્જીની સરકાર સામે સવાલો ઉઠયા છે. બંગાળ ભાજપે ઉગ્ર વિરોધ કર્યો છે. બીજી તરફ હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. કોંગ્રેસ સાંસદ ઈશા ખાન ચૌધરીએ કહ્યું હતું કે મુર્શિદાબાદની હિંસા ખૂબ જ ગંભીર બાબત છે. મમતા બેનર્જીએ રાજ્યમાં સર્વપક્ષીય બેઠક બોલાવીને આ ઘટના બાબતે શું પરિસ્થિતિ છે તેની જાણકારી આપવી જોઈએ. મુર્શિદાબાદ જિલ્લાનો ઘણો વિસ્તાર આ કોંગ્રેસી સાંસદના લોકસભા વિસ્તારમાં આવતો હોવાથી તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે આ મામલે મૂળ સુધી જઈને ઉકેલ લાવવાની જરૂર છે.

- ઈન્દર સાહની