દિલ્હીની વાત : આપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હજી ૧ વર્ષ કરતા વધુની વાર છે. હમણા સુધી તો દરેક રાજકીય પક્ષ બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હતા. જોકે આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પક્ષના નેતા અને દિલ્હી રાજ્યસભાના સાંસદ સંજયસિંહને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સંદર્ભે તેઓ અયોધ્યા, પ્રયાગરાજ, સુલતાનપુર અને પ્રતાપગઢનો પ્રવાસ કર્યા પછી બેઠક કરશે. વર્ષ ૨૦૨૭ના ફેબ્રુઆરી - માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. આમ આદમી પાર્ટી એકલે હાથે ચૂંટણી લડવાની છે. સંજયસિંહ પોતે ઉત્તર પ્રદેશના સુલતાનપુરના રહેવાસી છે. હમણા પંજાબમાં આપની સરકાર છે. પંજાબમાં પણ ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. દિલ્હીની હાર પછી પક્ષના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા પંજાબમાં સક્રિય છે.
મુસલમાનોની મદદથી યાદવ પરીવાર ક્યાં સુધી મુખ્યમંત્રી બનતો રહેશે
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બરેલીની મુલાકાતે ગયા હતા. એમની મુલાકાત પહેલા ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શાહબુદ્દીન રઝવી બરેલવીએ મોટું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે ક્યાં સુધી મુસલમાનોની મદદથી યાદવ પરિવાર મુખ્યમંત્રી બનતો રહેશે. અખિલેશ યાદવ જો ખરેખર મુસ્લિમ મતદારોના ટેકાનું સન્માન કરવા માંગે છે તો એમણે ૨૦૨૭ વિધાનસભા ચૂંટણી માટે કોઈક મુસલમાનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. મૌલાનાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ૨૦ ટકા મુસલમાનો છે. ૭ ટકા યાદવો અને ૫ ટકા અન્ય સમાજના મતદારોએ મુલાયમસિંહ યાદવને ઘણીવાર મુખ્યમંત્રી બનાવ્યા છે. એક વખત અખિલેશ યાદવને પણ મુખ્યમંત્રી બનાવ્યા છે, પરંતુ જ્યારથી અખિલેશ યાદવએ પાર્ટી સંભાળી છે ત્યારથી શીવપાલ યાદવ અને આઝમ ખાન જેવા નેતાઓને અવગણ્યા છે.
ચૂંટણી પરિણામને આગલા દિવસે તેજસ્વી યાદવએ ઉમેદવારોને ફોન કેમ કર્યા
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ની મત ગણતરીને આગલે દિવસે દરેક પક્ષના નેતાઓ ટેન્શનમાં હતા. મહાગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડીના) તમામ ઉમેદવારોને ફોન કર્યા હતા. ચૂંટણી પરિણામને આગલે દિવસે તેજસ્વી આખો દિવસ ફોન કરવામાં વ્યસ્ત રહ્યા હતા. એમણે ૧૪૩ વિધાનસભા બેઠકો પરના આરજેડી ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. તમામને સૂચના આપવામાં આવી હતી કે મતગણનાને દિવસે દરેક ઉમેદવારે પોતાની જવાબદારી સમજીને જાગૃત રહેવાનું છે. તેજસ્વીએ આરજેડીના હોદ્દેદારો સાથે વિડિયો કોન્ફરન્સથી મીટીંગ પણ કરી હતી એમણે ઉમેદવારોને સૂચના આપી છે કે, મતગણના કેન્દ્રો પર પોતાના પુલીંગ એજન્ટોને સાવચેત રહેવા કહે. ફોર્મ ૧૭-સી તપાસે. ઇવીએમ સીલ છે કે નહીં એની પણ તપાસ કરે. મતગણતરી પુરી નહી થાય એ પહેલા કાઉન્ટીંગ સેન્ટર નહીં છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.
અંકારાથી આતંકવાદી ઉમરને સૂચના મળતી હતી
૧૦મી નવેમ્બરે સાંજે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની તપાસ આગળ વધી રહી છે. તપાસ એનઆઇએ કરી રહી છે. શરૂઆતની તપાસમાં એજન્સીને જાણવા મળ્યું હતું કે, દિલ્હી બ્લાસ્ટના તાર તૂર્કી સાથે જોડાયેલા છે. એજન્સીનું કહેવું છે કે, તૂર્કીના અંકારામાં બેઠેલા એક હેન્ડલર સાથે ઉમર સતત સંપર્કમાં હતો. હેન્ડલરનું કોડ નેમ યુકેએએસએ હતું. ઉકાસા, દિલ્હી સ્થિત મોડયુલ અને આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ તેમજ અંસાર, ગજવત-ઉલ-હિંદ વચ્ચે કડી તરીકે કામ કરતા હતા. સમગ્ર કાવતરૂ આજથી ત્રણ વર્ષ પહેલા તૂર્કીમાં ઘડાયું હતું. ૨૦૨૨માં ઉમર અને એના ત્રણ સાથીદારોએ તૂર્કીનો પ્રવાસ કર્યો હતો. તૂર્કીમાં ઉમર ૧૫ દિવસ સુધી અંકારા ખાતે રહ્યો હતો. શરૂઆતમાં તે ટેલીગ્રામ મારફતે વાતચીત કરતો હતો. ત્યાર પછી સીગ્લનલ જેવી એપ મારફતે તેઓ વાત કરતા હતા.
એસઆઇઆર વિવાદના કેસો સુપ્રિમ કોર્ટે પોતાના હાથમાં લીધા
એસઆઇઆરના વિવાદ સંબંધીત કેસો સુપ્રિમ કોર્ટે પોતાને હસ્તક લીધા છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી કમિશનને નોટીસ આપી છે અને દેશની હાઇકોર્ટોમાં આ સંબંધીત તમામ કેસો સ્થગીત કરવામાં આવ્યા છે. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલિયા બાગચીની બેન્ચે રાજકીય પક્ષો અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રાઇટ્સ (એડીઆર)ના વકીલોની દલીલો સાંભળી હતી. એસઆઇઆરની પ્રક્રિયાનો નિર્ણય અવ્યવહારૂ અને ઉતાવળમાં લેવામાં આવ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટ હવે ૨૬મી નવેમ્બરે વધુ સુનાવણી કરશે. ડીએમકે તરફથી કેસ લડી રહેલા સિનિયર વકીલ કપીલ સિબ્બલએ એસઆઇઆરની પ્રક્રિયાને તામિલનાડુ જેવા રાજ્ય માટે અવ્યવહારૂ બતાવી હતી. સિબ્બલના કહેવા પ્રમાણે નવેમ્બર - ડિસેમ્બર ભારે વરસાદનો સમય છે. અધિકારીઓ પુર રાહતના કાર્યોમાં વ્યસ્ત હશે. ડિસેમ્બરમાં ક્રિસમસની રજા હોય છે. જાન્યુઆરીમાં કાપણી થાય છે. એ વખતે પોંગલનો સમય હોય છે. એમણે એક મહિનાનું સશોધન હાસ્યાસ્પદ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી યોગીના નિશાન પર હવે ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટ રેકેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હંમેશા એમના એક્શન દ્વારા સમાચારમાં રહે છે. હવે ઓવરલોડીંગ તેમજ બીજી ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટનું કામ કરનાર પ્રત્યે તેઓ સખત થયા છે. એસટીએફએ ફતેહપુર, ઉનાવ અને રાયબરેલીમાં બે આરટીઓ સહિત ખનન અધિકારી અને બીજા ૨૭ લોકો સામે કેસ કર્યા છે. કેટલાક સિનિયર અધિકારો અને સાથીદારો સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં આવ્યા છે. એસટીએફ કાનપુર યુનિટના વડા એસ આઇ રાહુલ પરમારની આગેવાનીમાં પાંચ અધિકારીઓની ટીમે રાત્રે બે વાગ્યે ગડનખેડા બાયપાસ પર નાકાબંધી કરીને કેટલીક ઓવરલોડ ગાડીઓને પકડી છે. કેટલીક ટ્રકોમાં રોયલ્ટી વગરનું ખનીજ લઈ જવામાં આવતું હતું. એમ કહેવાય છે કે, આ તમામ કાર્યવાહી સીએમ ઓફિસની સૂચના પછી થઈ છે.
કરણી સેનાની જાહેરાતથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચર્ચા
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કરણી સેના ૫૦ ઉમેદવારો ઉભા રાખશે. કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુરજપાલસિંહ અમ્મુએ આ વાત કહી હતી. આગ્રાના એક રીસોર્ટમાં મળેલી મિટિંગમાં એમણે કહ્યું હતું કે, ચૂંટણીની તૈયારીમાં અત્યારથી જ લાગી જવાનું છે. મિટિંગમાં સંગઠનને મજબૂત કરવા ઉપરાંત હવે પછીની રણનીતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. કરણી સેના ૫૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે. આ ચૂંટણી તેઓ કોઈ બીજા પક્ષો સાથે ગઠબંધન કરીને લડશે કે એકલા હાથે લડશે એનો નિર્ણય જે તે સમયએ કરવામાં આવશે. ખેડૂત આંદોલન વખતે કરણી સેનાનો દબદબો થોડો વધ્યો હતો. જોકે હવે કરણી સેનાનું વજન ઉત્તર પ્રદેશમાં ખાસ નથી. વધુમાં વધુ કરણી સેનાના ઉમેદવાર બીજા પક્ષના ઉમેદવારના થોડા મત કાપી શકે. હમણાની પરિસ્થિતિ જોતા કરણી સેનાની આ જાહેરાત ફક્ત પોતાની હાજરી બતાવવાની હોઈ શકે છે.

