Get The App

મોદીની સલાહ પછી પણ કેન્દ્રીય મંત્રીનો લાંબો કાફલો

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
મોદીની સલાહ પછી પણ કેન્દ્રીય મંત્રીનો લાંબો કાફલો 1 - image

નવીદિલ્હી: શેઠની શિખામણ ઝાંપા સુધી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પેટ્રોલ - ડીઝલનો વપરાશ ઘટાડવાની સલાહ આપી રહ્યા છે ત્યારે એમના જ કેન્દ્રીય મંત્રી વાહનોનો કાફલો વધારી રહ્યા છે. ગુરુગ્રામમાં કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહનો લાંબો કાફલો ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુગ્રામના મીની સચીવાલયની સામે મંત્રીની આગળ પાછળ ૧૦ મોટરો ચાલતી હતી. સામાન્ય માણસ વિચારી રહ્યો છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ઇંધણની બચત કરવાને બદલે જનપ્રતિનિધિઓ જલસા કરી રહ્યા છે. જો મોટા હોદ્દા પર બેઠેલા લોકો સાદગી નહીં અપનાવે તો સામાન્ય માણસ પણ મોદીની વાત માનશે નહીં. ફક્ત ઇન્દ્રજીત સિંહ જ નહીં કેન્દ્રના બીજા કેટલાક મંત્રીઓ પણ એમનો કાફલો ઘટાડવા તૈયાર નથી.

થલપતિ વિજયએ પલાની સ્વામીને ઝટકો આપ્યો

તામિલનાડુ વિધાનસભામાં ટીવીકેના પ્રમુખ થલપતિ વિજયએ ફ્લોર ટેસ્ટમાં બહુમતિ સાબિત કરી દીધી છે. તેઓ પોતાના સાથી પક્ષોને એક રાખવામાં સફળ થયા છે. એમણે એઆઇએડીએમકેના બે ટુકડા પણ કરી નાખ્યા છે. વિજયની સરકારને એઆઇએડીએમકેના ૨૫ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. આ કારણે એઆઇએડીએમકેના પ્રમુખ પલાની સ્વામીને મોટો ફટકો પડયો છે. એમની પાસે હવે ૨૨ ધારાસભ્યો બચ્યા છે. વિધાનસભામાં ૧૪૪નો આંકડો પસાર કરવા માટે વિજયએ એઆઇએડીએમકેના બળવાખોર નેતા સીવી શનગુમન સાથે ડીલ કરી હતી. સરકારમાં એમને ભાગીદારી પણ મળશે. એવી ધારણા છે કે એઆઇએડીએમકેના ૫-૬ ધારાસભ્યોને મંત્રી બનવાનો મોકો મળી શકે છે. શક્તિ પરીક્ષામાં વિધાનસભામાં વિજયના પક્ષ ટીવીકેના ૧૦૬, કોંગ્રેસના ૫, સીપીઆઇના ૨, સીપીએમના ૨, આયુએમએલના ૨ ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો. એઆઇએડીએમકેના ૨૨ ધારાસભ્યોએ સમર્થનનો વિરોધ કર્યો હતો.

કલકત્તા હાઇકોર્ટમાં નવ જજોની નિમણૂક માટે ભલામણ

સુપ્રિમ કોર્ટના કોલેજિયમે એક અગત્યનો નિર્ણય લઈને કલકત્તા હાઇકોર્ટમાં નવ નવા જજોની નિમણૂકને મંજૂરી આપી છે. ન્યાયતંત્રમાં ઝડપી ન્યાય મળતો થાય એ માટે આ નિર્ણય અગત્યનો ગણવામાં આવે છે. કોલેજિયમે ૧૧ અને ૧૨ મેએ મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. કમિટીના અધ્યક્ષ તરીકે સીજેઆઇ હતા. કોલેજિયમએ ઇન્દ્રનિલ રોય, આર્યક દત્ત, અતારૂપ બેનર્જી, સંદીપકુમાર ડે, પાર્થ પ્રતિમ રોય, સુદીપ દેબ, અનુજ સિંહ, અર્જૂન રાય મુખર્જી, રીશાદ મેદોરાના નામો હાઇકોર્ટના જજ તરીકે મંજૂર કર્યા છે. હાઇકોર્ટના જજોની નિમણૂક માટે એક ખાસ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર (ઓમઓપી) કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ એવો છે કે જેથી અનુભવી અને યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવે. સૌથી પહેલા સંબંધીત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જજોની નિમણૂકનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આ પ્રસ્તાવ મુખ્યમંત્રી અને રાજ્યપાલના માધ્યમ દ્વારા આગળ મોકલવામાં આવે છે.

ભાઇના મૃત્યુ પર અખિલેશ યાદવે શું કહ્યું

સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવના સાવકા ભાઈ અને મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતિક યાદવનું ફક્ત ૩૮ વર્ષની ઉંમરે અચાનક મૃત્યુ થયું છે. પ્રતિકનું મૃત્યુ થયું એ પહેલા રાજકારણમાં પણ બહુ ઓછાને ખબર હતી કે અખિલેશ યાદવને નાનો ભાઈ પણ છે. પ્રતિક યાદવએ રાજકારણમાં આવવાને બદલે બાંધકામ વ્યવસાય અને ફિટનેસ વ્યવસાયમાં રહેવાનું પસંદ કર્યું હતું. એમણે લંડનથી એમબીએની ડીગ્રી મેળવી હતી. ભાઇના મૃત્યુ પછી અખિલેશ યાદવે એક નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં એમને બિઝનેસમાં નુકસાન સાથે જોડેલી વાત કરી છે. અખિલેશ યાદવના નિવેદન પછી એવી ચર્ચા થઈ રહી છે કે શું બિઝનેસમાં થયેલા નુકસાનને કારણે પ્રતિક યાદવ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા? અખિલેશે કહ્યું હતું કે, 'પ્રતિક પોતાની તબિયત માટે ખૂબ જાગૃત હતો અને પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતો હતો. કોઈક વખત બિઝનેસમાં નુકસાન થતા વ્યક્તિ માનસીક રીતે હેરાન થઈ જાય છે.'

જામીન સંદર્ભે નુકતેચીની કરનાર વકીલને રાહત

મધ્યપ્રદેશના વકીલ સુદીપ સિંહ સૈનીએ એવું નિવેદન આપ્યું હતું કે, કોર્ટ ફક્ત એવા આરોપીઓને જ જામીન આપે છે કે જેમણે સિનિયર વકીલો રોક્યા હોય. જૂનિયર વકીલ રોકનાર આરોપીને ભાગ્ય જ જામીન મળે છે. આ નિવેદન પછી હાઇકોર્ટમાં આખી વાત ગઈ હતી. સુદીપ સિંહ સૈની છઠ્ઠી માર્ચે બેચ સમક્ષ રજૂ થયા હતા અને આવશ્યક વસ્તુના કાયદા હેઠળ પોતાના ક્લાયન્ટ માટે જામીન માગ્યા હતા. એ વખતે એમણે નિવેદન કર્યું હતું કે ફક્ત સિનિયર વકીલના ક્લાયન્ટોને જ જામીન આપવામાં આવે છે. કોર્ટને વકીલની આ વાત અપમાનજનક લાગી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વકીલ પોતાની વાત સાબિત કરવા માટે કોઈ આધાર આપી શક્યા નથી. ત્યાર પછી સૈનીએ પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. બેન્ચે સૈનીને ઠપકો આપીને એમની માફી સ્વીકારી હતી.

લોકસભામાં 850 બેઠક કરવાની વાતને થરૂરે મજાક ગણાવી

લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે દલીલબાજી થઈ રહી છે. કેલિફોર્નીયામાં આયોજીત 'સ્ટેનફોર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૨૬'માં કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું હતું કે લોકસભામાં સભ્યોની સંખ્યા વધારીને ૮૫૦ કરવાની વાત મજાક છે. જો આમ થશે તો સંસદ ચીનની 'પ્યુપીલ્સ કન્સલટેટીવ કોન્ફરન્સ'ની દેશી આવૃત્તી બની જશે. એમણે કહ્યું હતું કે, 'બેઠકો વધવાથી દલીલ કરવા માટે કે કોઈપણ વાત પર ચર્ચા કરવા માટે મોકો નહીં મળે.' એમના કહેવા પ્રમાણે ૧૯૨૯થી અમેરિકાની વસ્તી ત્રણ ગણી વધી ગઈ છે. છતાં પણ અમેરિકાની સંસદમાં સભ્યોની સંખ્યા ૪૩૫ જ છે. મહિલાઓની અનામતનો મુદ્દો સિમાંકન સાથે જોડી શકાય નહીં. ૨૦૨૭ અને ૨૦૨૯ની વચ્ચે થનારી વસ્તી ગણતરીના આંકડાની રાહ જોવી જોઈએ.

16 વર્ષ પછી ઇરાનની અભિનેત્રીએ ભારત છોડયું

લગભગ ૧૬ વર્ષ સુધી ભારતમાં રહ્યા પછી અભિનેત્રી મંદાના કરીમીએ દેશ છોડવાનો નિર્ણય લીધો છે. સોશ્યલ મીડિયા પર આ ખબર વાયરલ થયા પછી એમના ચાહકોને આંચકો લાગ્યો છે. મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનીથીંગ' સેશન દરમિયાન એરપોર્ટનો એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, એ ભારતને અલવીદા કહી રહી છે. એમણે આ નિર્ણયને જિંદગીનો એક ખૂબ જ મુશ્કેલ નિર્ણય ગણાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, ભારત એમના માટે બીજુ ઘર છે, પરંતુ હવે એ એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. મંદાના કરીમીએ આ પહેલા પણ સંકેત આપ્યો હતો કે એ ભારત છોડી શકે છે. સુરક્ષાના કારણોને લીધે એણે દેશ છોડવાનો નિર્ણય કર્યો છે.