દિલ્હીની વાત : 'ઓપરેશન સિંદુર'ને ફ્રાન્સ સહિત બીજા દેશોએ ટેકો આપતા પાકિસ્તાન ચિંતિત
નવી દિલ્હી : ૨૦૧૬ના વર્ષમાં ભારતએ ફ્રાન્સ પાસે ૩૬ રાફેલ ફાઇટર પ્લેન ખરીદ્યા હતા. લગભગ ૫૯ હજાર કરોડ રૂપિયાની આ ડીલ માટે એ વખતે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ એને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો. 'ઓપરેશન સિંદુર'માં રાફેલ વિમાનો તોડી પાડયાનો દાવો પાકિસ્તાને કર્યો હતો. ભારતના લશ્કરી અધિકારીએ આ દાવાને ફગાવી દીધો હતો. આ બાબતે ફ્રાન્સે પણ એવું નિવેદન આપ્યું હતું કે રાફેલ તોડી પાડયાની કોઈ માહિતી નથી. ફ્રાન્સે એમ પણ કહ્યું હતું કે ભારતનું ઓપરેશન આતંકવાદ સામે છે અને એને ટેકો આપવો જોઈએ. ફ્રાન્સ ઉપરાંત ઇઝરાયલ, રશિયા, યુકે અને નેધરલેન્ડ જેવા દેશો પણ ભારતની પડખે ઉભા રહ્યા છે. ડચ સાંસદ ગિલ્બર્ટ બિલ્ડર્સે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'આઇ લવ ઇન્ડિયા, કાશ્મીર સો ટકા ભારતનું છે.'
અખિલેશ યાદવે કહ્યું ઉત્તર પ્રદેશની આટલી બદનામી કયારેય થઈ નથી
સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ બાબતે ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યાદવએ કહ્યું છે કે, ભાજપ સરકારમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષીત છે અને ગુનેગારો બેફીકર છે. મેરઠ અને શ્રાવસ્તી જેવા બનાવોના ઉદાહરણ આપીને યાદવે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત ખાડે ગઈ છે. મેરઠમાં ચાલતી કારે બે કિશોરીઓ સાથે ગેંગરેપની ઘટના બની છે. શ્રાવસ્તીના ઇકૌના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરીનું અપહરણ થયું છે. ભાજપ સરકારનું ઝીરો ટોલરન્સનું વચન ફક્ત દેખાડો છે. ગુનેગારોને સરકારનું રક્ષણ છે.
સીઝ ફાયર મુદ્દે સંજય રાઉત અને નરેશ મ્હસ્કે વચ્ચે બોલાચાલી
'ઓપરેશન સિંદુર' અને સીઝ ફાયર મુદ્દે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત તેમજ અરવિંદ સાંવત બીજેપીને ટાર્ગેટ બનાવી રહ્યા છે. સંજય રાઉતે કહ્યું હતું કે, બીજેપી તો કહેતું હતું કે, પૂરો બદલો લઈશું, કોઈને છોડીશું નહીં, પાકિસ્તાનના ટૂકડે ટૂકડા કરી નાંખીશું. તમે પાકિસ્તાનના કેટલા ટૂકડા કર્યાં. સંજય રાઉતના નિવેદન પછી હવે શિવસેના (નરેશ મ્હસ્કે) એવું કહ્યું છે કે, બંને નેતાઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. એમણે કહ્યું છે કે, 'ભારતીય સેનાની કાર્યક્ષમતા પર શંકા કરનાર સંજય રાઉત અને અરવિંદ સાંવત પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. એમને પાકિસ્તાનના પ્રવક્તા બનાવી દેવા જોઈએ. ભારતીય વાયુ સેનાના પાયલોટો સાબદા છે અને આદેશની રાહ જોઈ રહ્યા છે. અરવિંદ સાંવતે આપણા સૈન્ય માટે એવું નિવેદન કર્યું હતું કે, 'ગીરે તો ભી ટાંગ ઉપર'
'તમારા પ્રમુખને ભણાવો', ભડકેલા કોંગ્રેસ નેતાએ અમેરીકાને સંભળાવ્યું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવિચારી બોલવા માટે કુખ્યાત છે. એમણે એવું નિવેદન કર્યું છે કે, કાશ્મીર સમસ્યા હજારો વર્ષ જૂની છે. આ બાબતે ભારતમાં ટ્રમ્પની ઘણી ટીકા થઈ છે. હવે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને ચંદીગઢના સાંસદ મનિષ તિવારીએ પણ કહ્યું છે કે, કાશ્મીરની સમસ્યા એક હજાર વર્ષ જૂની નથી. ડોનાલ્ડ ટ્રમ્પે થોડો અભ્યાસ કરવાની જરૂર છે. એમના સલાહકારોને પણ ઇતિહાસ ભણવાની જરૂર છે. મનિષ તિવારીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'અમેરિકાના સત્તાધિશોમાંથી કોઈએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગંભીરતાથી બતાવવું જરૂરી છે કે, કાશ્મીરની સમસ્યા એક હજાર વર્ષ જૂની છે એવું બાયબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. કાશ્મીરની સમસ્યાની શરૂઆત ૨૨ ઓક્ટોબર ૧૯૪૭થી થઈ હતી.'
પહેલગામ હુમલા પછી ઘેરાયેલા સત્યપાલ મલિકનો બચાવ
પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સત્યપાલ મલિક નરેન્દ્ર મોદીના ટીકાકારની ભૂમિકામાં છે. સત્યપાલ મલિકના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરોધી પ્રચાર કરવા માટે કરી રહ્યું છે. પહેલગામ હુમલા પછી સત્યપાલ મલિકે નરેન્દ્ર મોદીને ડરપોક ગણાવ્યા હતા અને હુમલા માટે નરેન્દ્ર મોદીને માફી માંગવા કહ્યું હતું. મલિકનું આ નિવેદન પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય થયું હતું. જોકે દેશના સોશ્યલ મીડિયા પર સત્યપાલ મલિકને ટ્રોલ કરવામાં આવ્યા હતા. પોતાના વિરોધીઓને જવાબ આપતા મલિકે કહ્યું છે કે, 'કેટલાક લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. મારા વિશે ગમે તેમ લખી રહ્યા છે. હું એમને કહેવા માગુ છું કે હું ખેડૂતનો પુત્ર છું. હું બળવાખોર હોઈ શકું છું, પરંતુ ગદ્દાર નહીં.' મલિકે એમ પણ કહ્યું હતું કે, તેઓ કોઈપણ સંજોગોમાં ઝૂકશે નહીં અને સરકારની ટીકા ચાલુ રાખશે.
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની ફરિયાદ કોર્ટે બંધ કરી
અપમાનજનક પોસ્ટ બાબતે તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હવે દિલ્હી હાઇકોર્ટે આ ફરિયાદ બંધ કરી છે. મહુઆ મોઇત્રાએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંત દેહાદ્રાય સામે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. મોઇત્રા સામે લખેલી પોસ્ટ ઇન્ટરનેટ પરથી હટાવવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીઓને અપમાનજનક પોસ્ટ હટાવી લેવા કહ્યું હતું. ન્યાયમૂર્તિ મનમીત પ્રિતમસિંહ અરોરાની બેન્ચે કહ્યું હતું કે, બંને પ્રતિવાદીઓને પોસ્ટ હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે એટલે મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી કરવી જરૂરી નથી. સુનાવણી દરમિયાન હાજર રહેલા જય અનંત દેહાદ્રાયએ કહ્યું હતું કે, તેઓ પોતાના એક્સ હેન્ડલ પરથી પણ પોસ્ટ હટાવી લેશે.
તૂર્કીને પાકિસ્તાનનો સાથ આપવાનું ભારે પડયું
૨૦૨૩ - ૨૦૨૪ના નાણાકીય વર્ષ દરમિયાન તૂર્કી સાથે ભારતનો વેપાર ૧૦.૪૩ અબજ ડોલર હતો. આમાંથી નિકાસ ૬.૬૨ અબજ ડોલરની અને આયાત ૩.૭૧ અબજ ડોલરની હતી. ઇન્ફોઇન્ડિયાએ આપેલા આંકડા પ્રમાણે ૨૦૨૪માં ભારતથી લગભગ ૨.૫૦ લાખ પ્રવાસીઓએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. ભારતથી તૂર્કી જનારા પ્રવાસીઓની સંખ્યા ૩ લાખ હતી. ભારત - પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં તૂર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે. તૂર્કીએ પાકિસ્તાનને વોર મિસાઇલ ઉપરાંત ડ્રોણ આપીને પણ મદદ કરી છે. ભારતના લોકોને તૂર્કીનો આ વ્યવહાર પસંદ આવ્યો નથી. હવે પ્રવાસીઓ તૂર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. તૂર્કી અને અઝરબૈજાનની ઇકોનોમી પ્રવાસીઓ ઉપર નભે છે. આ બંને દેશોમાં ૭૦ ટકા પર્યટકો ભારતથી આવે છે.
ટ્રમ્પના નિવેદનો ભારત માટે નિરાશાજનક : શશિ થરુર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન તણાવ બાબતે કરાયેલા નિવેદનોની સખત ટીકા કરી છે અને તેમના પર ભારતના રાષ્ટ્રીય હિતની ઉપેક્ષા કરવાનો તેમજ પાકિસ્તાનની તરફેણ કરતા નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. થરુરે જણાવ્યું કે ટ્રમ્પના નિવેદનોથી દાયકાઓ દરમ્યાન સખત પરિશ્રમ દ્વારા હાંસલ થયેલી કૂટનીતિક સિદ્ધિ પર વિપરીત અસર પડી શકે છે. સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં થરુરે જણાવ્યું કે ટ્રમ્પના નિવેદનો ભારત માટે ચાર કારણોસર નિરાશાજનક હતા અને તેનાથી ભારતની લાંબા સમયની સરહદ પાર આતંકવાદ અને કાશ્મીર સંબંધિત નીતિની ઉપેક્ષા થઈ છે. થરુરે દલીલ કરી કે ટ્રમ્પના નિવેદનોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખોટી સામ્યતા કરી છે અને સરહદ પારના આતંકવાદ બાબતે પાકિસ્તાન સામેના પુરાવાની અવગણના કરી છે. થરુરે લખ્યું છે કે ટ્રમ્પના નિવેદનોએ પીડિત અને હુમલાખોરને એક સમાન ગણ્યા છે. કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ એવું પણ જણાવ્યું કે વાટાઘાટની ઓફર કરીને તેમણે પાકિસ્તાનના કૃત્યોને માન્યતા આપી છે. ભારત લમણા પર બંદૂકની નાળ હેઠળ એક આતંકી રાષ્ટ્ર સાથે ક્યારે પણ વાટાઘાટ નહિ કરે.
જામા મસ્જિદના ઈમામના સાત વર્ષના પૌત્રએ મોદીને પોતાના હીરો ગણાવ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જામા મસ્જિદના શાહી ઈમામના પૌત્ર સૈયદ અરીબ બુખારીએ આતંકવાદ સામે સખત કાર્યવાહી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય સેનાનો આભાર માન્યો હતો. નવી દિલ્હીમાં જામા મસ્જિદ પરિવારની ૧૫મી પેઢીનું પ્રતિનિધિત્વ કરતો આ સાત વર્ષીય બાળક મસ્જિદની સામે બેઠેલો દેખાય છે. વીડિયોમાં અરીબ વડા પ્રધાનને કહી રહેલો જણાય છે કે આદરણીય અંકલ મોદીજી, તમે આતંકવાદ સામે સખત કાર્યવાહી કરી છે, તમે અમારા હીરો છો. અરીબે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવે તેને વિચલીત અને ભયભીત કર્યો હતો. જો કે હવે તે શાંત અને સુનિશ્ચિત થયો છે અને તેનું શ્રેય ભારતની સરકાર તેમજ બહાદુર સૈનિકોને જાય છે. બાળકનો વીડિયો ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ જાહેર થયાના બીજા દિવસે પોસ્ટ થયો હતો.
અમિતાભ બચ્ચને પિતાની કવિતા દ્વારા ભારતીય સૈનિકોને સલામી આપી
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની ચૂપકીદી તોડતા ભારતીય સૈન્યને સલામી આપી છે. ૧૨મી મેના રોજ તેણે સોશિયલ મીડિયા પર પોતાના પિતા સદ્ગત કવિ હરિવંશરાય બચ્ચનની ભારતીય સૈન્યની બહાદુરીને સલામી આપતી કવિતા 'અગ્નિપથ'ની કેટલીક પંક્તિઓ પોસ્ટ કરી હતી. કવિતાના અંશ સાથે અમિતાભે જય હિંદ, જય હિંદ કી સેના... લખીને રાષ્ટ્રના સૈન્ય માટે આદર વ્યક્ત કર્યો હતો. ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાને પ્રથમવાર રાષ્ટ્રને સંબોધિત કર્યા પછીના થોડા કલાકોમાં અમિતાભે આ પોસ્ટ કરી હતી.
કેરળ કોંગ્રેસના નવા ચીફ જોસેફની રાજ્યના નેતાઓને મતભેદ ભૂલવા અપીલ
રાજ્યના એકમમાં સતત જૂથવાદ વચ્ચે કેરળ કોંગ્રેસના નવા ચીફ સની જોસેફે સોમવારે પાર્ટીના નેતાઓને તેમના મતભેદો ભૂલીને પિનારાયી વિજયન સરકારને હરાવવા એકત્ર થવાની અપીલ કરી હતી. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના ચીફનો પદભાર સંભાળતા જોસેફે ભ્રષ્ટ પિનારાયી વિજયનના નેતૃત્વના પ્રશાસનને ઉથલાવવા પ્રતિબદ્ધ અભિયાનમાં પાર્ટીના કાર્યકરોને એકત્ર કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી પર હિંસા કરવાનો તેમજ કોંગ્રેસનો ધ્વજ અને મહાત્મા ગાંધીની પ્રતિમા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
- ઈન્દર સાહની