Get The App

દિલ્હીની વાત : દલિત મહિલા જજે રજા માંગી અને એમના એસીઆરમાં પ્રતિકુળ ટીપ્પણી થઈ

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દલિત મહિલા જજે રજા માંગી અને એમના એસીઆરમાં પ્રતિકુળ ટીપ્પણી થઈ 1 - image

નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટે ઝારખંડ હાઇકોર્ટને નોટીસ મોકલી છે. એક દલિત મહિલા જજે કરેલી ફરિયાદ પછી આ નોટીસ મોકલવામાં આવી છે. મહિલા જજે આરોપ મૂક્યો હતો કે, બાળકની સંભાળ માટે રજા માંગવા છતાં એમને રજા આપવામાં આવી નહોતી. રજા નહી મંજૂર થતા જજે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પછી એમના એસીઆર (એન્યુઅલ કોન્ફીડેન્સીયલ રિપોર્ટ)માં નેગેટીવ ટીપ્પણી કરવામાં આવી હતી. જસ્ટીસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટીસ મનમોહનની બેન્ચે ઝારખંડ હાઇકોર્ટ તરફથી હાજર થયેલા વકીલ એ કે સિંહાની દલીલ સાંભળી હતી. એમણે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, હાઇકોર્ટે હવે મહિલા જજને ૯૨ દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે. જોકે મહિલા જજના એસીઆરમાં થયેલી નકારાત્મક કોમેન્ટ બાબતે જ્યારે એમના વકીલે રજુઆત કરી હતી ત્યારે સુપ્રિમ કોર્ટે ઝારખંડ હાઇકોર્ટને નોટીસ મોકલવાનો નિર્ણય કર્યો હતો.

તેજપ્રતાપ યાદવએ 'જયચંદ'ની ઝાટકણી કાઢી, કુટુંબના વખાણ કર્યા

આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવ આજકાલ કૌટુંબિક કારણોસર ટેન્શનમાં છે. પિતા લાલુએ એમને પક્ષ અને કુટુંબમાંથી કાઢી મૂક્યા છે. લાલુના આ નિર્ણય પછી તેજપ્રતાપએ સોશ્યલ મીડિયા એક્સ પર કેટલીક લાગણીશીલ પોસ્ટ મુકી છે. કેટલાકે એવી વાત વહેતી મૂકી હતી કે, તેજપ્રતાપ યાદવ પોતાનો નવો પક્ષ બનાવી શકે છે. આના જવાબમાં તેજપ્રતાપે પિતા લાલુ સાથેના ફોટોગ્રાફ મૂકીને એવું લખ્યું છે કે, 'હવે તો હદ થઈ ગઈ છે. આ જયચંદે તો ગોદી મીડિયાનો સાથ લઈને એવી અફવા ફેલાવી છે કે હું નવી પાર્ટી શરૂ કરી રહ્યો છું. હું બિહારના લોકોને અપીલ કરું છું કે આવી વાતો પર વિશ્વાસ નહીં કરે.'

ભાજપએ આપને એનસીડી સ્થાયી સમિતિમાં હાર આપી

આમ આદમી પાર્ટી ફરીથી એક વખત ભાજપ સામે હારી ગઈ છે. દિલ્હી નગર નિગમની સ્થાયી સમિતિમાં ભાજપએ જીત મેળવી છે. ભાજપના બંને ઉમેદવારોએ આપના ઉમેદવારોને હરાવી પ્રમુખ અને ઉપપ્રમુખપદ મેળવી લીધું છે. પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ભાજપ અને આપએ ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપના સત્યા શર્મા પ્રમુખ તરીકે અને સુંદરસિંહ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બંનેને ૧૧ મતો મળ્યા છે. સ્થાયી સમિતિના કુલ ૧૮ સભ્યોએ મતદાન કર્યું હતું. અઢી વર્ષ પછી સ્થાયી સમિતિની ચૂંટણી થઈ છે. આ પહેલા ૨૦૨૩ના ફેબુ્રઆરી મહિનામાં સ્થાયી સમિતિની ચૂંટણી થઈ હતી. દિલ્હી કોર્પોરેશનનું બજેટ ખુબ મલાઈદાર હોવાથી સ્થાયી સમિતિમાં સ્થાન મેળવવા માટે પડાપડી થાય છે.

એમએનએસના કાર્યકરોને રાજ ઠાકરેનો સંદેશો

જન્મદિવસ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) રાજ ઠાકરેએ કાર્યકરોને પત્ર લખીને એક સંદેશો આપ્યો છે. એમણે અપીલ કરી છે કે, ૧૪મી જૂને એમનો જન્મદિવસ છે, પરંતુ તેઓ કાર્યકરોને મળી શકશે નહીં. કારણ કે તે દિવસે તેઓ પરીવાર સાથે મુંબઈની બહાર જઈ રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે, 'તમારા અને બીજાના મનમાં એવો વિચાર આવશે કે દર વર્ષની જેમ આ વર્ષે હું જન્મદિવસની ઉજવણી શા માટે નથી કરી રહ્યો. શું કોઈ ખાસ કારણ છે? પરંતુ હું દિલથી કહું છું કે કોઈ ખાસ કારણ નથી. ૧૪મી જૂને આપણે મળી નહીં શકીએ તો એનો બીજો અર્થ કાઢશો નહીં. છેલ્લા કેટલા દસકોથી મારા જન્મદિવસે આખા મહારાષ્ટ્રમાંથી મને મળવા માટે લોકો મુંબઈ આવે છે. એ વખતે બધા સાથે વાતચીત તો નથી થતી, પરંતુ આપના દર્શન થઈ જાય છે.'

યુનુસની માંગણી બાબતે યુકેના પીએમએ અંગૂઠો બતાવ્યો

બાંગ્લાદેશની કામચલાઉ સરકારના વડા મહોમદ યુનુસએ બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મરને મળવા માટે સમય માંગ્યો હતો. સ્ટાર્મરએ યુનુસને મળવાનો ઇન્કાર કરી દીધો છે. યુનુસ હમણા યુકેની મુલાકાતે છે. યુનુસ માને છે કે શેખ હસીનાની સરકારે વિદેશોમાં અબજો ડોલરની સંપત્તી અને રોકડ જમા કરી છે. આ સંપત્તી ફરીથી મેળવવા માટે એમને યુકેના સહકારની જરૂર છે. જોકે યુકેના વડાપ્રધાન યુનુસની વાત સાથે સહમત થતા નથી અને એમને મદદ કરવા માંગતા નથી. ગલવાઈ ગયેલા યુનુસએ યુકેના એક અખબારને કહ્યું હતું કે, 'યુકેએ નૈતિક ધોરણે બાંગ્લાદેશની મદદ કરવી જોઈતી હતી. શેખ હસીનાએ મોકલેલા પૈસા ચોરીના છે. સ્ટાર્મર સાથે મારી કોઈ સીધી વાત થઈ નથી. મને આશા છે કે તેઓ બાંગ્લાદેશને મદદ કરશે.'

સાક્ષી મહારાજની નારાજગી અને અખિલેશ યાદવની ઓફર

ઉત્તર પ્રદેશની ઉનાઉ બેઠક પરથી ચૂંટાયેલા સાક્ષી મહારાજ આજકાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. એમનું માનવું છે કે લોધી સમાજને સત્તા અને સંગઠનમાં જોઈએ એવું સ્થાન મળતું નથી. આ બાબતે એમણે જાહેરમાં પણ નિવેદનો આપ્યા છે. સાક્ષી મહારાજના નિવેદનો પછી એવી ચર્ચા ચાલી રહી છે કે શું લોધી સમાજ ભાજપથી નારાજ થઈ શકે છે? આ બાબતે હવે રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવએ પણ નામ આપ્યા વગર પોતાની પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવએ કહ્યું કે જે લોકો ભાજપમાં પોતાને અસુરક્ષીત સમજે છે એમના માટે અંતીમ લક્ષ્ય પીડીએ (પીછડે, દલીત, અલ્પસંખ્યક) છે. એમણે સોશ્યલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, 'ભાજપના જે લોકો પોતાના સમાજનો વોટ બેન્કની જેમ ઉપયોગ થઈ રહ્યાથી પીડિત છે અને જો તેઓ સાચી વાત કરી રહ્યા છે તો અમે એમને પીડીએ સાથે જોડાવાની વિનંતી કરીએ છીએ.'

યુપીના રાજકારણમાં ઇન્ડિયા અને એનડીએ પછી નવા ગઠબંધનની એન્ટ્રી

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં યોજાવાની છે. જોકે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારથી જ ગરમી વધી રહી છે. ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને બહુજન સમાજ પાર્ટી, ભાજપ અને સમાજવાદી પાર્ટીના નેતા રહી ચૂકેલા સ્વામી પ્રસાદ મૌર્યએ એક નવા મોરચાની જાહેરાત કરી છે. આ મોરચાનું નામ 'લોક મોરચા' રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનનું વર્ચસ્વ હતું અને એ બે ગઠબંધનો વચ્ચે જ રાજકીય સ્પર્ધા હતી. હવે ત્રીજા ગઠબંધનની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. સ્વામી પ્રસાદ મૌર્યના કહેવા પ્રમાણે એમના મોરચામાં ૯ રાજકીય પક્ષો હશે. આ મોરચાનો ઉદ્દેશ સામાજીક, આર્થિક અને રાજનીતિક ન્યાયને મજબૂત કરવાનો હશે. અત્યારથી જ સ્વામી પ્રસાદ મૌર્યને ૨૦૨૭ની ચૂંટણી માટે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

હાર્ટ અટેક અગાઉ સંજય કપુરે દુર્ઘટના બાબતે પોસ્ટ કરી હતી

ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપુરનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. તેઓ યુ.કે.માં પોલો રમી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો. તેઓ ૫૩ વર્ષના હતા. એક જાણકારી મુજબ અવસાનના કેટલાક કલાકો અગાઉ સંજયે એર ઈન્ડિયા વિમાનની દુર્ઘટનાના પીડિતો માટે દિલસોજી સંદેશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

2015નો જ્ઞાતિ સરવે રદ કરવા કોંગ્રેસ બચાવ મોડમાં

કોંગ્રેસે ૨૦૧૫ના જ્ઞાતિ સરવેને ફગાવવાના તેના નિર્ણયનો બચાવ કર્યાના બીજા દિવસે કર્ણાટક સરકારે હાઈ કમાન્ડના નિર્દેશના બચાવમાં પછાત વર્ગ કાયદા, ૧૯૯૫ને  ટાંક્યો હતો. સીએમ સિદ્ધારામૈયાએ જણાવ્યું કે સરવેને દસ વર્ષ વીતી ગયા છે અને પછાત વર્ગ એક્ટ, ૧૯૯૫ અનુસાર દસ વર્ષ પછી નવો સરવે કરવો જરૂરી છે. તેમને સમર્થન આપતા પછાત વર્ગના જૂથો ડાટા જાહેર કરવાનું દબાણ કરતા હોવા છતાં તેમણે જણાવ્યું કે સરવે દાયકા જૂનો હોવાથી ફરીથી કરવો જરૂરી છે. મંગળવારે કોંગ્રેસે સિદ્ધારામૈયા અને સરવેની માહિતી જાહેર કરવાના વિરોધી તેમના કેબિનેટના સભ્યો વચ્ચે માર્ગ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસના નિર્ણયમાં પક્ષની નેતાગીરી ચિન્નાસ્વામી સ્ટેડિયમ ધક્કામુક્કીથી ધ્યાન હટાવવા અને રાષ્ટ્રીય જ્ઞાતિ સરવે શરૂ કરવા માટે કેન્દ્રને શ્રેય લેતા અટકાવવા કર્ણાટકમાં ભિન્ન મત ધરાવતા જૂથો વચ્ચે સાવચેતીપૂર્વક આગળ વધી રહી હોવાનું પ્રતીત થાય છે.

- ઈન્દર સાહની