Get The App

દિલ્હીની વાત : કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેપ્ટન અમરીંદરસિંહ ભાજપથી શા માટે નારાજ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેપ્ટન અમરીંદરસિંહ ભાજપથી શા માટે નારાજ 1 - image


નવીદિલ્હી : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરીંદરસિંહે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપની કામગીરીની ટીકા કરતા એમણે કહ્યું છે કે, કોંગ્રેસની માફક ભાજપ એમની સાથે વિચારોની આપલે નથી કરતો. આમ છતા એમણે કોંગ્રેસમાં પાછા ફરવાની વાતને રદિયો આપ્યો છે. એમના કહેવા પ્રમાણે કોંગ્રેસ છોડયા પછી એમણે જે રીતે મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા હતા એને કારણે તેઓ હજી સુધી દુ:ખી છે અને આજ કારણે કોંગ્રેસમાં પાછા ફરવાનો કોઈ સવાલ નથી. એમણે કહ્યું હતું કે ભાજપના તમામ નિર્ણયો દિલ્હીથી લેવામાં આવે છે અને જમીન સાથે જોડાયેલા નેતાઓને પૂછવામાં આવતું નથી. મારી પાસે ૬૦ વર્ષનો રાજકીય અનુભવ છે. જોકે હુ મારી સલાહ ભાજપ પર થોપી શકુ નહીં. અમરિંદરસિંહે જોકે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એમના કહેવા પ્રમાણે મોદીને પંજાબ માટે ખાસ પ્રેમ છે. થોડા દિવસો પહેલા નવજોત કૌર સિધ્ધુએ એવું નિવેદન આપ્યું હતું કે ૫૦૦ કરોડ રૂપિયાની સૂટકેશ આપનાર પંજાબનો મુખ્યમંત્રી બની શકે છે. અમરીંદરસિંહે આ નિવેદનને અસ્થિર ગણાવ્યું હતું. એમણે નવજોતસિંહ સિધ્ધુને રાજકારણ છોડીને ક્રિકેટની કોમેન્ટ્રી પર ધ્યાન આપવા સલાહ આપી હતી.

સ્ટાર વકીલો કલાકો સુધી દલીલ કરે છે, ગરીબ નિરાશ થઈને પરત ફરે છે

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે સુપ્રિમ કોર્ટમાં એક ઐતિહાસીક જાહેરાત કરી હતી. એમણે કહ્યું હતું કે, ૨૦૨૬ના જાન્યુઆરી મહિનાથી દરેક કેસમા વકીલોની મૌખિક દલીલો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. એમનો ઉદ્દેશ ન્યાય માટેના સમયનો સરખી વહેચણી કરવાનો છે કે જેથી ગરીબ અને સાધારણ વ્યક્તિઓને ધક્કા થાય નહી. સીજેઆઇએ આ ટીપ્પણી એફઆઇઆર સાથે સંકળાયેલી જાહેર હીતની અરજી સંદર્ભે કરી હતી. બેન્ચ સમક્ષ કેટલાક સિનિયર વકીલોએ લાંબી લાંબી દલીલો કરી હતી ત્યારે જ સીજેઆઇએ કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે અયોગ્ય છે. સીજેઆઇએ કહ્યું હતું કે હવે કોઈપણ વકીલ મનમરજીથી દલીલ કરી શકશે નહીં. કોઈ ગરીબ માણસ અકસ્માતમાં વળતર માટે આવે ત્યારે કેટલાક જાણીતા વકીલો કલાકો સુધી લાંબી દલીલો કરતા રહે છે એટલે ગરીબ માણસના કેસ માટે સમય રહેતો નથી. સીજેઆઇએ કહ્યું છે કે હવે દરેક વકીલે છેવટેની સુનાવણી વખતે લેખિત દલીલ રજુ કરવી પડશે. એમા લખવું પડશે કે એમની મૌખિક દલીલ કેટલા સમયમાં પુરી થશે.

હવે અનમોલ બિશ્નોઇએ તિહાર જેલમાં જ રહેવું પડશે

વિશેષ એનઆઇએ કોર્ટે લોરેન્સ બિશ્નોઇના નાના ભાઈ અને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર્સ અનમોલ બિશ્નોઇને દિલ્હીની તિહાર જેલમાં રાખવા માટે હુકમ કર્યો છે. એનઆઇએ દ્વારા કરવામાં આવેલી અરજીને કોર્ટે મંજૂર રાખી છે. અનમોલ બિશ્નોઇના પોલીસ રીમાન્ડ પુરા થયા પછી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હતો ત્યારે એનઆઇએ એ એને તિહાર જેલમાં રાખવાનો આગ્રહ રાખ્યો હતો. અનમોલ બિશ્નોઇની સુરક્ષા સામે જોખમ હોવાથી એને કોર્ટમાં રજૂ કરવામા આવ્યો નહોતો. એની સુનાવણી વિડિયો કોન્ફરન્સીંગથી કરવામાં આવી હતી. તે છતાં અનમોલે પોતે જાનને જોખમ હોવાની અરજી કરી હતી. એનઆઇએના કહેવા પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ એવો હુકમ કર્યો છે કે અનમોલ બિશ્નોઇને તિહાર જેલમાં જ રાખવામાં આવે. એના પર બીજા રાજ્યોમાં થયેલા કેસો માટે પણ એને બીજા રાજ્યોમાં લઈ જવામાં નહીં આવે.

અન્ના ફરીથી ઉપવાસના મૂડમાં, હવે આમરણ કરશે

૨૦૧૨ના વર્ષમાં એમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને કારણે યુપીએ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. અન્ના હજારે ત્યાર પછી ખોવાઈ ગયા છે. હવે ઢળતી ઉંમરે એમણે ફરીથી આંદોલન કરવાનું નક્કી કર્યું છે. તેઓ ૨૦૨૬ની ૩૦મી જાન્યુઆરીથી મહારાષ્ટ્રના રાલેગણ સિધ્ધી ખાતે આમરણ ઉપવાસ પર બેસવાના છે. એમના કહેવા પ્રમાણે આ ઉપવાસ તેમના છેલ્લા શ્વાસ સુધી ચાલશે. અન્નાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ચેતવણી આપી છે કે, જો એમના કહેવા પ્રમાણેનો કાયદો લાગુ નહી કરવામાં આવે તો તેઓ પોતાનો જીવ આપી દેશે. અન્ના હજારેની આ જાહેરાત પછી મહારાષ્ટ્ર સરકાર વિચારમાં પડી ગઈ છે. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે એકાએક અન્ના હજારેએ ફરીથી આંદોલન કરવાની જાહેરાત શા માટે કરી છે. અન્ના હજારેના ઉપવાસનું કારણ મહારાષ્ટ્રમાં લોકાયુક્તનો કાયદો લાગુ નહીં કરવામાં આવતો હોવાનું કહેવાય છે. રાજ્યમાં લોકાયુક્ત કાયદો મંજૂર થયાને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ એનો અમલ થતો નથી.

બંગાળી મુસ્લિમોનો આક્ષેપ, ફક્ત મુસ્લિમોના ઘર જ તૂટે છે 

આસામમાં રહેતા બંગાળી મુસ્લિમોનો આક્ષેપ છે કે, એમની વસ્તીમાં ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. જોકે હિન્દુઓ કે ખ્રિસ્તીઓના મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવતું નથી. ફક્ત બંગાળી મુસ્લિમોને જ નિશાન બનાવવામાં આવે છે. શાસકોનું કહેવું છે કે, આસામના જંગલોની કેટલીક રીઝર્વ જમીન પર જે લોકોએ અતિક્રમણ કર્યું છે એમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. અમે કોઈ ધર્મ જોઈને કાર્યવાહી કરતા નથી. જોકે બંગાળી મુસ્લિમોનું માનવું છે કે, ભાજપ સત્તા પર આવ્યા પછી સરકારી જમીન ખાલી કરાવવાની કાર્યવાહીમાં ભેદભાવ થઈ રહ્યા છે. આસામ મહેસુલ વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા ૯ વર્ષમાં આસરે ૧૭,૬૦૦ પરિવારોને સરકારી જમીન પરથી દુર કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા.

બાંગ્લાદેશમાં મહોમદ યુનુસ પર સંકટના વાદળ

એમ લાગે છે કે, બાંગ્લાદેશના સર્વેસર્વા મહોમદ યુનુસ હવે ગણતરીના દિવસોના જ મહેમાન છે. બાંગ્લાદેશમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમદ શાહબુદ્દીને હાલની સરકારના પ્રમુખ મહોમદ યુનુસ પર મોટો આક્ષેપ કર્યા છે. શાહબુદ્દીને કહ્યું છે કે દેશમાં એમનું એટલી હદે અપમાન થઈ રહ્યું છે કે હવે તેઓ પદ છોડવા માંગે છે. બાંગ્લાદેશની હાલની સરકાર પર એમણે એમનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો હતો. એમના કેહવા પ્રમાણે હમણાની સરકાર એમની સાથે જે રીતનું વર્તન કરે છે એનાથી તેઓ અપમાનીત થઈ રહ્યા છે. આવતા વર્ષે ૧૨મી ફેબુ્રઆરીની ચૂંટણી પછી તેઓ એમના હોદ્દા પર રહેવા માંગતા નથી. ૭૫ વર્ષના શાહબુદ્દીન ૨૦૨૩ના શેખ હસીનાની અવામી લીગના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં મહોમદ યુનુસ સામે વિરોધ વધી રહ્યો છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે એમના દિવસો હવે ભરાઈ ગયા છે.

કેન્દ્રએ વસ્તી ગણતરી 2027 માટે રૂ. 11,700 કરોડ મંજૂર કર્યા 

૨૦૨૭ના વર્ષમાં દેશમાં પહેલી વખત વસ્તી ગણતરી ડીજીટલ થશે. કેન્દ્રીય કેબિનેટે આ માટે ૧૧,૭૧૮ કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. એક ધારણા પ્રમાણે વસ્તી ગણતરી માટે સરકારને વ્યક્તિદીઠ ૯૭ રૂપિયા ખર્ચ થશે. ૨૦૧૧ના વર્ષમાં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ૧૨૧ કરોડ હતી. જો ૧૫૧ કરોડ લોકોની વસ્તી ગણતરી કરવામાં આવશે તો વ્યક્તિ દિઠ ૭૮ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ ૩૦ લાખ કર્મચારીઓ ડીજીટલ વસ્તી ગણતરી કરશે. આ માટે એક ખાસ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવશે. આ સોફટવેરની ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. વસ્તી ગણતરી બે તબક્કે થશે. એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઘરોનું લિસ્ટીંગ અને ગણતરી કરવામાં આવશે. ફેબુ્રઆરી ૨૦૨૭ સુધીમાં વસ્તી ગણતરી થશે.

Tags :