દિલ્હીની વાત : બિહારમાં ચૂંટણી પહેલા પાટલી બદલુઓની હોડ
નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય લાભ લેવા માટે દરેક મોટા પક્ષના નેતાઓ લાભ દેખાય એ પક્ષમાં કુદી રહ્યા છે. જન સુરાજ પાર્ટી (જસુપા)ના પશ્ચિમ ચંપારણ પ્રભારી વિકાસ સિંહા અને ગોપાલગંજ જિલ્લાની સફાપુર પંચાયતના વડા મંતુકુમાર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલએ આ બંનેની વિકેટ ખેરવી છે. જયસ્વાલએ ચીલાચાલુ નિવેદન આપતા કહ્યું છે કે ભાજપની નીતિ અને સિદ્ધાંતથી પ્રભાવિત થઈને બિહારના યુવાનો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ વિવિધ પક્ષોના મોટા - નાના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને આરજેડી પોતાના પક્ષમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે. ડઝનથી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓએ આરજેડીના પ્રદેશ કાર્યાલયમાં જઈને ફાનસની ટોપી પહેરી લીધી છે. સ્થાનિક ધોરણે અગત્યના ગણાતા ભોલાપ્રસાદ શાહ, આકાશ પાસવાન, દિપકસિંહ રાજપુત, વિનોદ રામ વગેરેએ આરજેડીના ગુણગાન ગાવાના શરૂ કર્યા છે.
મમતા પ્રત્યેની વફાદારી છતા બેનર્જી ધરણામાં કેમ નહીં જોડાયા
તૃણમુલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા સાથે તૂતૂ મેમે કર્યા પછી તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી ચર્ચામાં છે. એસઆઇઆરની વિરુદ્ધ વિપક્ષોએ કરેલા વિરોધ પ્રદર્શનમાં જોકે કલ્યાણ બેનર્જી સામેલ થયા નહોતા. જ્યારે વિરોધપક્ષના મોટા ભાગના સાંસદો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે બેનર્જીની ગેરહાજરીને કારણે ચર્ચા શરૂ થઈ હતી. બેનર્જીએ વિરોધ પ્રદર્શનમાં નહીં જવા પાછળનું કારણ જાહેર કર્યું છે. કલ્યાણ બેનર્જીએ એમ પણ કહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી અને પક્ષ સુપ્રિમો મમતા બેનર્જી પ્રત્યે એમની વફાદારી છે અને હંમેશા રહેશે. એમણે કહ્યું હતું કે, ધરણાને દિવસે એમણે પક્ષ તરફથી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને મામલે સુપ્રિમ કોર્ટમાં હાજર રહેવાનું હતું.
બિહારના ભૂતપૂર્વ મંત્રીએ કોંગ્રેસનો હાથ પકડયો
બિહાર કોંગ્રેસએ યોજેલા એક મિલન સમારોહમાં ભૂતપૂર્વ મંત્રી છેદી રામ પોતાના પુત્ર રાકેશ રામ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એમના સિવાય સીઆરપીએફના એક ભૂતપૂર્વ અધિકારી અને સમાજ સેવક નીરજકુમાર સિંહ, સંજીવકુમાર, રામ પિયારે પ્રસાદ નટ તેમજ સુનીલ રામ પણ કોંગ્રેસના સભ્ય બન્યા હતા. બક્સર અને એની આસપાસના પ્રદેશમાં છેદી રામનો પ્રભાવ ઘણો છે અને દલિત મતદારો પર એમની પકડ સારી છે. હવે છેદી રામને સમજાયું છે કે દલિતો અને વંચીતોની અસલ પાર્ટી કોંગ્રેસ છે. કોંગ્રેેસના નેતા છેદી રામએ પણ બીજા નેતાઓની જેમ જ કહ્યું છે કે, કોંગ્રેેસ પક્ષ દરેક લોકોને સત્તામાં ભાગીદાર રાખે છે. આ ત્રણ નેતાઓ જ નહીં, પરંતુ એમના ૪૦૦થી વધુ સમર્થકો પણ કોંગ્રેેસમાં જોડાયા હતા. આ બધા હવે કહે છે કે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે કોંગ્રેસ એક માત્ર વિકલ્પ છે.
જયા બચ્ચનના વર્તનથી કંગના રનૌત પરેશાન
સમાજવાદી પક્ષના સાંસદ અને ફિલ્મસ્ટાર જયા બચ્ચન જાહેરમાં એમના તોછડા વર્તનને કારણે વિવાદમાં રહે છે. થોડા દિવસ પહેલા દિલ્હીની કોન્સ્ટીટયુશન ક્લબમાં એક વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જયા બચ્ચનની નબળાઈ છે કે કોઈપણ વ્યક્તિ તેમનો ફોટોગ્રાફ લેવાની કોશિષ કરે ત્યારે તેઓ અકળાઈ જાય છે. પેલી વ્યક્તિ પર એમણે ફક્ત ગુસ્સો જ નહીં કર્યો, પરંતુ એમને ધક્કો પણ મારી દીધો હતો. આ વિડિયો ખૂબ વાયરલ થયો. સોશયલ મીડિયા પર જયા બચ્ચનની ટીકા પણ થઈ હતી. હવે હિમાચલ પ્રદેશ મંડીના ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતએ વિવાદમાં કુદાવીને કહ્યું છે કે જયા બચ્ચનનું કૃત્ય શરમજનક છે. લોકો તેમને સહન કરે છે કારણ કે તેઓ અમિતાભ બચ્ચનના પત્ની છે. રનૌતએ જયા બચ્ચનને સૌથી બગડેલા અને વિશેષઅધિકાર પ્રાપ્ત મહિલા ગણાવ્યા હતા.
'સીજેઆઇ શ્રેષ્ઠ નથી', બી આર ગવઈએ શા માટે આમ કહ્યું
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઇએ કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બાકીના ન્યાયાધીશો કરતા શ્રેષ્ઠ નથી હોતા. એમની પાસે પણ એટલા જ ન્યાયીક અધિકારો છે જેટલા બીજા જજો પાસે. ઇડીની એક અરજી બાબતે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સીજેઆઇએ આ પ્રમાણે ટીપ્પણી કરી હતી. રીતુ છાબડિયા વિરુદ્ધ ભારત સંઘના કેસમાં ચૂકાદો પાછો લેવા માટે અપીલ કરવામાં આવી હતી. ૨૦૨૩ના એપ્રિલ મહિનામાં જસ્ટીસ કૃષ્ણ મુરારી અને જસ્ટીસ સી ટી રવિકુમારની બેન્ચે તપાસ એજન્સીઓની એવી ટીકા કરી હતી કે, તપાસ પૂરી થતા પહેલા ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવે છે જેથી આરોપીને જામીન ન મળે. કેસની સુનાવણી દરમિયાન સીજેઆઇએ કહ્યું હતું કે, 'જ્યારે સુપ્રિમ કોર્ર્ટની બે જજોની બેન્ચ કોઈને કોઈ રાહત આપે છે તો શું આજ પ્રકારની રાહત માટે બીજી બેન્ચ એજ ચુકાદા પર અપીલ સાંભળી શકે? એ પણ એટલા માટે કે એ બેન્ચ કોર્ટ નંબર ૧માં બેસે છે. ન્યાયાતંત્રની મર્યાદા અને શિસ્તનું પાલન થવું જોઈએ.' સીજેઆઇની બેન્ચ કોર્ટ નંબર ૧માં બેસે છે.
જગદીપ ધનખડની જગ્યા લેવા માંગતા જલાલુદ્દીન કોણ છે
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના નામાંકનની પ્રક્રિયા વચ્ચે રાજસ્થાનના એક યુવાન વિદ્યાર્થીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. જેસલમેરના રહેવાસી ૩૮ વર્ષના જલાલુદ્દીનએ રાજ્યસભા પહોંચીને ૧૫ હજાર રૂપિયા ડિપોઝીટ જમા કરાવી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. જલાલુદ્દીન હમણા જયપુરસ્થિત હરીદેવ જોષી પત્રકારીતા યુનિવર્સિટીમાં ભણી રહ્યો છે. જલાલુદ્દીનને પહેલેથી રાજકારણ ખૂબ ગમે છે. આ પહેલા જલાલુદ્દીન ૨૦૦૯માં જેસલમેર જિલ્લાની આસુતાર બાંધા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યો છે. એ ચૂંટણીમાં જલાલુદીન ૧ મતે હારી ગયો હતો, જોકે એનો ઉત્સાહ ઓછો થયો નથી. ૨૦૧૩માં જેસલમેર વિધાનસભા બેઠક અને ૨૦૧૪માં બાડમેર - જેસલમેર લોકસભા બેઠક પરથી પણ એણે ચૂંટણી લડી હતી