Get The App

દિલ્હીની વાત : યુદ્ધવિરામ માટે ઇરાનની નજર હવે ભારત તરફ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : યુદ્ધવિરામ માટે ઇરાનની નજર હવે ભારત તરફ 1 - image

નવીદિલ્હી : અમેરિકા- ઇરાન વચ્ચે યુદ્ધવિરામ બાબતની મંત્રણા નિષ્ફળ ગયા પછી હવે ઇરાને ભારત તરફ નજર ફેરવી છે. ઇરાનના એમ્બેસેડર સૈયદ રઝા મોસીએબ મોતલાઘએ વધેલા તણાવ વચ્ચે નિવેદન આપ્યું છે કે, શાંતિ સ્થાપવા માટે ભારતની ભૂમિકા રચનાત્મક રહી છે. મોતલાઘએ ભારતની કૂટનિતિના વખાણ કર્યા છે. એમના કહેવા પ્રમાણે ભારતે ચીન અને રશિયા સાથે મળીને સૈન્યના હસ્તક્ષેપ કર્યા વગર વૈશ્વિક શાંતિને પ્રાથમીકતા આપી છે. અમેરિકાના યુદ્ધોન્માદને રોકવા માટે ભારત, રશિયા અને ચીનની ભૂમિકા અગત્યની રહેશે. આ ત્રણ દેશોએ અમેરિકાના હુમલાને યોગ્ય નથી ગણાવ્યું અને એને સમર્થન પણ નથી આપ્યું. ન તો એમણે ઇરાનને મદદ કરવાની તૈયારી બતાવી છે. ઇરાનના આ પ્રતિનિધિની વાત જોતા એમ લાગે છે કે, ઇરાનને મધ્યસ્થી માટે પાકિસ્તાન કરતા ભારત, ચીન અને રશિયા પર વધુ વિશ્વાસ છે.

ટ્રમ્પની ધમકીથી અમેરિકનો નારાજ

યુદ્ધવિરામ બાબતે અમેરિકા -ઇરાન વચ્ચેની મંત્રણા પડી ભાંગ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, હોર્મૂઝ ખાડીને અમેરિકાનું નેવી બ્લોક કરશે. જો કોઈપણ જહાજ હોર્મૂઝ ખાડીમાં ગેરકાયદેસર ટોલ આપશે તો એ જહાજ સુરક્ષીત રહી શકશે નહીં. એમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પોતાના મિત્રરાષ્ટ્રોના જહાજો સુરક્ષીત રીતે હોર્મૂઝ ખાડી પસાર કરી શકે એ માટે દરિયામાં પાથરવામાં આવેલી સુરંગો દુર કરવાનું ચાલુ રાખશે. ટ્રમ્પના આ નિવેદનનો વિરોધ અમેરિકામાં થઈ રહ્યો છે. જો સમુદ્ર નીચે આવેલી સુરંગો દુર કરવા અમેરિકાનું નેવી પ્રયત્ન કરશે તો અમેરિકાના જહાજો પર ઇરાન હુમલો કરી શકે છે. ઇરાનના તેલ પર આધાર રાખનાર ચીન જેવા દેશો પણ સક્રીય થઈ જશે.

કેરળમાં દુર્ઘટના પર પણ રાજકારણ

કેરળમાં કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના કાર્યકરોએ વીજળી મંત્રી કૃષ્ણનકુટ્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ચિત્તુરમાં મંત્રીની ઓફિસ સામે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ૨૦૧૮માં આવેલા પુર વખતે બંધોના ખોટા મેનેજમેન્ટ સંદર્ભે હતું. એ વખતે આવેલા પુરમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા. હમણા જ કોંગ્રેસના ધારાસભ્ય મૈથ્યુ હુઝાલનાદનએ એક ઓડિયો ક્લિપ રીલીઝ કરી હતી. આ ક્લિપમાં કૃષ્ણનકુટ્ટીનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઓડિયો ક્લિપમાં તેઓ પીનારાઇ વિજયન સરકાર વખતે આવેલા પુરમાં તત્કાલીન જલસંસાધન મંત્રી મૈથ્યુ ટી થોમસ અને વીજળી બોર્ડના અધિકારીઓને જવાબદાર ગણાવી રહ્યા છે. જ્યારે દેખાવકારો સ્થળ પરથી હટવા તૈયાર નહીં થયા ત્યારે પોલીસે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. કેરળમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હાલમાં કામચલાઉ સરકાર છે. કૃષ્ણનકુટ્ટી તો આ વખતે ચૂંટણી પણ લડયા નહોતા. વિરોધ કરનારાઓએ કહ્યું હતું કે હવે આંદોલન વધુ ઉગ્ર થશે. આ આફતમાં ૫૦૦થી વધુના મૃત્યુ થયા હતા અને ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું.

કર્ણાટકના રાજકારણમાં ગરમી

કર્ણાટક કોંગ્રેસ સરકારમાં ફરીથી રાજકીય ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. કર્ણાટક સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થવાના છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે એવું નિવેદન આપ્યું છે કે, ધારાસભ્યોની ઇચ્છા મંત્રી બનવાની હોય એમાં કઈ ખોટુ નથી. ઘણા ધારાસભ્યો એવા છે કે જેઓ બેથી ત્રણ વાર ચૂટાયા છે અને એમની પાસે અનુભવ પણ છે. આવા ધારાસભ્યો મંત્રી બનવા માટે યોગ્ય છે. મંત્રી બનવા માંગતા ૨૦ જેટલા ધારાસભ્યોએ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ડેરા તંબુ તાણ્યા છે. આ બધાએ હાઇકમાન્ડને મળવું છે. આ ધારાસભ્યોમાં કેટલાક સિનિયર ધારાસભ્યો છે તો કેટલાક પહેલીવાર જીતેલા ધારાસભ્યો પણ છે. કર્ણાટક ભવનમાં દરરોજ મીટિંગો થાય છે અને કેસી વેણુગોપાલ તેમજ રાહુલ ગાંધીની મુલાકાત લેવા માટે યોજનાઓ બને છે. એમ મનાય છે કે, નવા મંત્રીમંડળમાં જો અસંતુષ્ટોનો સમાવેશ નહીં થાય તો ફરીથી મુખ્યમંત્રી વિરુદ્ધ મોરચો મંડાય શકે એમ છે.

કેન્દ્ર - તામીલનાડુ વચ્ચે ઘર્ષણ વધ્યું

તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને કહ્યું હતું કે કેન્દ્રએ રાજ્યની હમણાની ડાંગર બોનસ નીતિની સમીક્ષા કરવા અને એને બંધ કરવા વિશે વિચારવા કહ્યું છે. એમણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પૂછયું છે કે, શું તેઓ આ સંબંધનો પત્રવ્યવહાર જાહેર કરવા તૈયાર છે કે નહીં. જોકે સીતારમણએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીનો આ આરોપ નિરાધાર છે. કેન્દ્ર સરકારે તામીલનાડુને ડાંગરની ખેતી માટે પ્રોત્સાહન નહીં આપવા કદી કહ્યું નથી. તામીલનાડુના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે. દરેક રાજ્યના ચીફ સેક્રેટરીઓને આ સૂચન આપવામાં આવ્યું હતું. ફક્ત તામીલનાડુને જ આ સૂચન અપાયું હતું એ વાત ખોટી છે. આ પત્ર રાજ્યો માટે ફક્ત એક સલાહ હતી, કોઈ આદેશ નહોતો.

જામીન માટે ઉમર ખાલીદ ફરીથી સુપ્રિમ કોર્ટમાં

દિલ્હીના કોમવાદી હુલ્લડના આરોપી ઉમર ખાલીદે સુપ્રિમ કોર્ટમાં જામીન માટે ફરીથી વિચાર કરવાની અરજી દાખલ કરી છે. જાન્યુઆરી મહિનાની પાંચમી તારીખે કોર્ટે એમને જામીન આપવા ઇન્કાર કર્યો હતો. હવે ખાલીદના વકીલ કપીલ સિબ્બલે આ નિર્ણયના પુનઃવિચાર માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. કપીલ સિબ્બલનો આગ્રહ હતો કે, કેસની સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવે. ઉમર ખાલીદ અને સર્જીલ ઇમામ પર દેશ વિરોધી કાવતરા કરવા સહિતના કેટલાક ગંભીર આરોપ છે. અગાઉ સુપ્રિમ કોરટે કહ્યું હતું કે, ખાલીદ અને સર્જીલ એક વર્ષ સુધી જામીન માટે અરજી કરી શકશે નહીં. આ કેસમાં બાકીના પાંચ આરોપીઓને કોર્ટે ૧૨ શરતો સાથે જામીન આપ્યા હતા. સાક્ષીઓની જુબાની પુરી નહી થાય ત્યાં સુધી ફરીથી જામીન અરજી નહીં કરવા માટે બાકીના બે આરોપીઓને કહેવામાં આવ્યું હતું.

'જે હકનો ઉપયોગ ન થઈ શકે એને કાગળ પર લખવાનો કોઈ અર્થ નથી'

સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું છે કે જે હકનો વ્યવહારમાં ઉપયોગ ન થઈ શકે એ ફકત કાગળ પર રહી જાય છે. ભારતના ન્યાયતંત્રમાં હકની અછત નથી. સામાન્ય વ્યક્તિ આ અધિકારનો ઉપયોગ કરી શકે એ જોવું જોઈએ. ન્યાયતંત્રની સફળતા એ બાબતે નક્કી થાય છે કે સામાન્ય માણસ પોતાના હકનો ઉપયોગ કેટલી સહેલી રીતે કરી શકે છે. સીજેઆઇએ ચેતવણી આપી છે કે જો હક કે અધિકાર ફક્ત કાગળ પર રહી જવાના હોય તો વાસ્તવમાં એનું કોઈ મહત્ત્વ નથી. સીજેઆઇએ 'ન્યાય મિત્ર' પોર્ટલનું ઉદઘાટન કર્યું હતું. આ પોર્ટલ ખાસ કરીને દુરના ક્ષેત્રમાં રહેનારાઓ તેમજ કોર્ટ સુધી નહીં પહોંચનારાઓ માટે મદદરૂપ બનશે. ન્યાય દરેક વ્યક્તિના દરવાજા સુધી પહોંચે એવો સરળ અને પ્રભાવી હોવો જોઈએ. જેને કારણે દરેક નાગરીક ન્યાય મેળવી શકે.