Get The App

દિલ્હીની વાત : પરિણામ પહેલાં જ બિહારમાં કોંગ્રેસને મોટો ફટકો

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પરિણામ પહેલાં જ બિહારમાં કોંગ્રેસને મોટો ફટકો 1 - image


નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જ રાજ્યમાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. સિનિયર કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદએ પક્ષના પ્રાથમીક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. શકીલ અહમદએ પત્રમાં લખ્યું છે કે તેઓ દુ:ખી મને કોંગ્રેસ છોડી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે તેઓ બીજા કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય. શકીલ અહમદએ લખ્યું છે કે એમના દાદા અહમદ ગફુર ૧૯૩૭માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી એમના પિતા સકુર અહમદ ૧૯૫૨ થી ૧૯૭૦ની વચ્ચે કોંગ્રેસની ટિકિટ પર પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શકીલ અહમદ પોતે ૧૯૮૫ પછી પાંચ વખત કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. શકીલ અહમદએ કહ્યું છે કે એમણે પક્ષ છોડવાનો નિર્ણય પહેલા જ કરી લીધો હતો, પરંતુ મતદાન પુરુ થતા પહેલા કોઈ ગેરસમજ નહીં થાય અને પક્ષને નુકશાન ન થાય એ માટે એમણે જાહેરાત કરી નહોતી.

ફરીથી ટીએમસીએ ચૂંટણી કમિશનને ઠપકાર્યું

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી એસઆઇઆરની પ્રક્રિયા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસએ ચૂંટણી કમિશન પર ગંભીર આક્ષેપો કર્યા છે. ટીએમસીનો આરોપ છે કે ચૂંટણી કમિશનએ બૂથ સ્તરના એજન્ટો (બીએલએ)ની નિમણૂકના નિયમો ચૂપચાપ બદલી નાખ્યા છે. ટીએમસીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ચૂંટણી કમીશનએ ચૂપચાપ અને ચાલાકીપૂર્વક બીએલએની નિમણૂકના નિયમો બદલી નાખ્યા છે. ૨૦૨૩ના નિયમો પ્રમાણે બીએલએની જે વિસ્તારમાંથી નિમણૂક થઈ છે ત્યાના તેઓ મતદાર હોવા જોઇએ. હવે આ નિયમ બદલવામાં આવ્યો છે. હવે બીએલએ જે તે વિસ્તારનો મતદાર નહીં હોય તો પણ એની નિમણૂક થઈ શકશે.' પક્ષે આક્ષેપ કર્યો છે કે, નિયમમાં આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે ભાજપને સ્થાનિક સ્તરે એજન્ટ મળી રહ્યા નહોતા. બહારથી લાવીને એજન્ટ બનાવેલી વ્યક્તિ ગોટાળા કરી શકે છે.

દિલ્હી બ્લાસ્ટમાં હવે તૂર્કી કનેકશન બહાર આવ્યું

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટની તપાસ આગળ વધી રહી છે. મળતી જાણકારી પ્રમાણે હવે કાવતરામાં તૂર્કી કનેકશન બહાર આવ્યું છે. ડોક્ટર મોડયુલના બે સભ્યો ડો. ઉમર અને ડો. મુઝમ્મીલના પાસપોર્ટ જોતા એવી ખબર પડી છે કે આ બંને ટેલીગ્રામ ગુ્રપમાં જોડાયા પછી તરત જ તુર્કીના પ્રવાસે ગયા હતા. તપાસ કરનાર એજન્સીને શંકા છે કે એમનો તૂર્કી પ્રવાસ જૈસ-એ-મહમ્મદના નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. તૂર્કીથી આવ્યા પછી આ બંને ડોક્ટરોએ દેશમાં અલગ અલગ જગ્યાએ સક્રિય થવાની યોજના બનાવી હતી. જૈસના હેન્ડલરએ એમને સૂચના આપી હતી કે મોડયુલના સભ્યો દેશભરમાં ફેલાઈ જાય અને કોઈ એક જગ્યાએ ફોક્સ નહીં કરે. આ સૂચના પછી આ બંને આતંકવાદીઓ ફરીદાબાદ, સહરાનપુર તેમજ અન્ય સ્થળોએ પહોંચ્યા હતા.

ફરીથી જેલ જતા આઝમ ખાન બચ્યા

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી આઝમ ખાન ફરી એકવાર જેલમાં જતા બચી ગયા છે. ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચૂકાદાને કારણે આઝમ ખાને રાહતનો શ્વાસ  લીધો છે. આઝમ ખાન વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં છેલ્લા બે દિવસો દરમિયાન બંને પક્ષોની દલીલ પુરી થઈ હતી. એમપી - એમએલએ મેજીસ્ટ્રેટ કોર્ટે યોગ્ય પુરાવાના અભાવને કારણે આઝમ ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે આઝમ ખાન સપાના ઉમેદવાર હતા. એ વખતે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૩મી એપ્રિલએ એમણે ચૂંટણી પ્રચારની સભા કરી હતી. ભાષણ દરમિયાન એમણે કરેલા કેટલાક નિવેદનો સામે એમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના રક્ષા મંત્રી પોતાના જ નિવેદનથી ફસાયા

દિલ્હી ખાતે થયેલા વિસ્ફોટની તપાસમાં આતંકવાદી કાવતરુ બહાર આવ્યું છે. આ વિસ્ફોટ માટે જૈસ-એ-મહોમદ અને અંશાર ગજવત - ઉલ હિંદ સાથે જોડાયેલા આતંકી મોડયુલનો પર્દાફાશ થઈ ગયો છે. જૈસ-એ-મહોમદના મૂળ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં એના પર પ્રતિબંધ હોવા છતાં એના આકાઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. હજી સુધી ભારતએ આ બ્લાસ્ટ માટે પાકિસ્તાન જવાબદાર હોવાનું કોઈ જગ્યાએ કહ્યું નથી. આમ છતાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આશીફ પોતે દિલ્હી બ્લાસ્ટને પાકિસ્તાન સાથે તાર હોવાની વાત કરી રહ્યા છે. એક દિવસ પહેલા પાકિસ્તાનની રાજધાની ર્કોર્ટની બહાર એક કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૧૨ લોકોના મૃત્યુ થયા છે. પાકિસ્તાનની સરકારે આ હુમલાને સ્યૂસાઇડ બોમ્બ કહ્યો છે. આ બ્લાસ્ટ માટે અફઘાનીસ્તાનના તાલીબાન સમર્થકોને જવાબદાર ગણવામાં આવ્યા છે. હવે ખ્વાજા આશીફએ ચેતવણી આપી છે કે અફઘાનીસ્તાનમાં આતંકવાદીઓને શરણાગતી આપનાર આ બ્લાસ્ટ માટે જવાબદાર હોઈ શકે છે. આ બ્લાસ્ટ પછી પાકિસ્તાન વળતી કાર્યવાહી કરવા બંધાયેલું છે. ત્યાર પછી એમણે દિલ્હી બ્લાસ્ટની લિંક પાકિસ્તાન સાથે જોડી દિલ્હીના વિસ્ફોટ બાબતે આસીફએ કહ્યું હતું કે, 'મને આશ્ચર્ય નહી થાય કે હવે પછીના થોડા કલાકોમાં ભારત બ્લાસ્ટ માટે આપણને જવાબદાર ગણે.'

મૂનીર હવે વડાપ્રધાન - રાષ્ટ્રપતિ કરતા વધુ શક્તિશાળી બનશે

પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મૂનીરને ત્રણેય શસ્ત્રદળોના મૂખ્ય વડા તરીકે નિયુક્ત કરવામાં આવવાના છે. આ પદ સંભાળતા જ તેઓ પરમાણુ શસ્ત્રોની કમાન્ડ મેળવશે. શાહબાઝ સરકાર આ માટે બંધારણમાં સુધારો કરી રહી છે. આ સંદર્ભનું બિલ પાકિસ્તાનની સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું હવે તેના પર મતદાન થશે. આ બિલ દ્વારા સરકાર સુપ્રિમ કોર્ટ અને બીજી કોર્ટોની સત્તા પણ ઘટાડશે. આ બિલને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ બિલ ગણવામાં આવે છે. એવું મનાય છે કે આ બિલને કારણે દેશની ન્યાયીક વ્યવસ્થામાં ફેરફાર થશે. આ બિલ પસાર કરવા માટે સરકાર પાસે બંને ગૃહોમાં પૂરતી બહુમતી છે. આ બિલ પસાર થયા પછી સેના પ્રમુખ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કરતા પણ વધુ શક્તિશાળી બની જશે.

ડોક્ટરના લોકરમાંથી એકે 47 મળતા દરેક લોકરની તપાસ થશે

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી હવે સુરક્ષા એજન્સીઓ કડક પગલા ભરી રહી છે. અનંતનાગની સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરને આપવામાં આવેલા લોકરમાંથી એકે ૪૭ એસોલ્ટ રાઇફલ મળ્યા બાદ કાશ્મીરની તમામ હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે હવે દરેક મેડિકલ કોલેજ કે હોસ્પિટલમાં જેમને લોકર આપવામાં આવ્યા છે એના ઉપર નામ લખવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. એક સરક્યુલર બહાર પાડીને જીએમસી, અનંતનાગના સુપ્રિન્ટેન્ડન્ટએ તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટને આ હુકમની જાણ કરી છે. અજાણ્યા લોકર કે અલમારી બાબતની સૂચના આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. જે લોકર કર્મચારીઓને આપવામાં નહીં આવ્યા હોય એમની જાણકારી પણ હવે જાહેર કરવી પડશે.

Tags :