નવીદિલ્હી : ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એવી વિનંતી કરી હતી કે સોનુ નહીં ખરીદે, પેટ્રોલ - ડિઝલનો ઓછો ઉપયોગ કરે, ઘરે રહીને કામ કરે, વગેરે. વડાપ્રધાનની આ અપીલની કેટલાકે ટીકા પણ કરી છે અને સામે સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ મોદીની વિનંતીને સરકારની નિષ્ફળતા ગણાવી છે અને કેટલાક ટીકાકારોએ એને જનતા પર બોજો નાખવાની કોશિષ ગણાવી છે. આ બાબતે હવે અભિનેત્રી કુનીકા સદાનંદએ પણ પ્રત્યાઘાત આપ્યો છે. કુનીકાના કહેવા પ્રમાણે સવાલ દેશ માટે બલિદાન આપવાનો નથી, પરંતુ તકલીફ એ છે કે જે મુદ્દો સામે આવ્યો છે એને અટકાવવા માટે જરૂરી પગલા શા માટે લેવામાં આવ્યા નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ પણ એમણે આપ્યું હતું, જેમણે દેશ પર મુશ્કેલી આવી ત્યારે પોતાના ઘરેણાનું દાન કર્યું હતું. કુનીકા સદાનંદે આ વાત એમના સોશ્યલ એકાઉન્ટ એક્સ પર મુકી હતી.
તામિલનાડુમાં કઈ રીતે થોલ તિરૂમાવલવન મુખ્યમંત્રી બનતા રહી ગયા
તામિલનાડુમાં જોસેફ વિજયની ટીવીકે સરકાર બની ગઈ છે અને વિજય મુખ્યમંત્રી પણ બની ગયા છે. જોકે થોડા દિવસો પહેલા ટીવીકે વીસીકેના સમર્થનની રાહ જોઈ રહી હતી ત્યારે દલિત પાર્ટીના નેતા થોલ તિરૂમાવલવન મુખ્યમંત્રીપદથી થોડા ડગલા દુર હતા. શુક્રવારની રાતે રાજકીય અનિશ્ચિતતા હતી. સરકાર બનાવવા માટે વાતચીત ચાલી રહી હતી એ વખતે ડીએમકે અને એઆઇએડીએમકેના ટેકાથી તિરૂમાવલવનને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. વીસીકેના નેતાઓના કહેવા પ્રમાણે વાતચીત ત્યારે ઝડપી બની કે જ્યારે શુક્રવારે તિરૂમાવલવન પક્ષના સિનિયર અધિકારીઓ સાથે સ્ટાલીનને મળવા ઘરે ગયા હતા. એ વખતે સીપીઆઇ અને સીપીએમ વિજયને ટેકો આપવાની વાતચીત કરી રહ્યા હતા. ડીએમકેના નેતાઓએ એવો ઇશારો કર્યો હતો કે, તિરૂમાવલવનને મુખ્યમંત્રી બનાવવા માટે તેઓ તૈયાર છે. એઆઇએડીએમકેના નેતાઓ સાથે પણ વાતચીત હકારાત્મક રહી હતી. જોકે ત્યાર પછી એવા સંજોગો ઉભા થયા કે સ્ટાલીનએ એમના જ બે ટેકેદારોને વિજયનો સાથ આપવા કહ્યું.
'આ પ્રકારની વસુલીને કારણે અમારૂ નામ ખરાબ થાય છે'
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ સવાલ કર્યો છે કે, દિલ્હીમાં વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવતા પર્યાવરણ સેસથી એરપોલ્યુશનની સમસ્યા કેટલી હદે દુર થઈ છે ? એમણે એમ પણ કહ્યું હતું કે નેશનલ હાઇવે પર વાહનોને ઉભા રાખીને મ્યુનીસીપલ ટોલ કે પર્યાવરણ ટેક્સ વસુલવામાં આવે છે એને કારણે યાત્રીઓને પરેશાની થાય છે. કેન્દ્ર સરકાર જે રોડ ઇન્ફ્રાસ્ટ્રચર પર ખર્ચ કરે છે એને નુકસાન થાય છે અને હાઇવે ઓથોરીટીનું નામ ખરાબ થાય છે. શહેરમાં રોડ નેટવર્ક સુધારવા માટે એનએચઆઇ તરફથી મોટુ રોકાણ થાય છે. આમ છતા લોકોની સમસ્યા ઓછી થતી નથી. આ ગ્રીન સેસની વસુલાત છે. ટોલ વસુલ કરનારાઓ નેશનલ હાઇવે સુધી આવે છે અને વાહનોને ઉભા રાખે છે. આ રીતે ભેગા કરવામાં આવેલા ૮૦૦-૯૦૦ કરોડ રૂપિયાનું શું કામ થયું એની ખબર નથી.
બંગાળમાં મનોજ અગ્રવાલને ચીફ સેક્રેટરી બનાવતા વિવાદ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રહેલા મનોજ અગ્રવાલની નિમણૂક ચીફ સેક્રેટરી તરીકે થઈ છે. મનોજ અગ્રવાલ ૧૯૯૦ બેચના પશ્ચિમ બંગાળ કેડરના આઇએએસ અધિકારી છે. ચીફ સેક્રેટરી બન્યા પહેલા તેઓ ઘણા મહત્વના પદે રહ્યા છે. એમના કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળમાં એસઆઇઆરનું અભિયાન ચલવવામાં આવ્યું હતું જેમાં ૯૧,૦૦૦ મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં એસઆઇઆરને કારણે ઘણો વિવાદ થયો હતો. એસઆઇઆર અભિયાનની ઘણી ટીકા પણ થઈ હતી. પશ્ચિમ બંગાળના તત્કાલીન ચીફ સેક્રેટરી દુશ્યંત નારિયાલાને દિલ્હીમાં પ્રિન્સીપલ રેસીડેન્ટ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. જોકે મનોજ અગ્રવાલની નિમણૂકને કારણે વિરોધ પક્ષો ખુશ થયા નથી. તૃણમુલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ નિમણૂકની ટીકા કરી છે. એમનું કહેવું છે કે, ચૂંટણી દરમિયાન ચૂંટણી કમિશનર તરીકે અગ્રવાલે ભજવેલી ભૂમિકાનો શીરપાવ એમને મળ્યો છે.
નિદા ખાનને આશરો આપનાર કોર્પોરેટર તકલીફમાં
નાસિક ટીસીએસ કાંડના મુખ્ય આરોપી નિદા ખાનને પોલીસ શોધી રહી હતી ત્યારે નિદા ખાન અન્ડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. એઆઇએમઆઇએમના કોર્પોરેટર મતિન પટેલના બંગલામાં એણે આશરો લીધો હતો. પોલીસે નિદા ખાનની ધરપકડ કરી છે અને કોર્પોરેટર સામે પણ હવે ગંભીર પગલા લેવામાં આવશે. ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મતિન પટેલને નોટીસ મોકલી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મતિન પટેલની કેટલીક મિલકતો ગેરકાયદેસર છે. મતિન પટેલે આ નોટિસનો જવાબ આપ્યો નથી. જો તેઓ ટૂંક સમયમાં જવાબ નહીં આપે તો એમની મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવશે. જો બાંધકામ ગેરકાયદેસર સાબિત થશે તો મતિન પટેલને કોર્પોરેટર તરીકે પણ રૂખસદ આપવામાં આવશે. નિદા ખાન મતિન પટેલના બંગલામાં ચાર કુટુંબીઓ સાથે રહી હતી.
વિજયએ ૭૧૭ દારૂની દુકાનો બંધ કરાવતા વિવાદ થયો
તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી થલપતિ વિજયએ કેટલાક નિર્ણયો લીધા છે. ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડો પાસે ચાલી રહેલી ૭૧૭ જેટલી દારૂની દુકાનો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયએ પોતાના હુકમમાં કહ્યું છે કે રાજ્યમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, સ્કુલ, કોલેજ અને બસ સ્ટેન્ડથી ૫૦૦ મીટરની રેન્જમાં આવેલી તમામ દારૂની દુકાનો બંધ કરાવવામાં આવશે. વિજયના ટેકેદારો માને છે કે સમાજ સુધારણા માટે આ પગલું યોગ્ય છે. રાજ્યમાં હમણા ૪,૭૬૫ દારૂની દુકાનો છે. વિજયએ ડ્રગ્સ અને દાણચોરીને કંટ્રોલમાં કરવા માટે પણ અભિયાન ચલાવવાનું વચન આપ્યું છે. જોકે શક્તિશાળી લીકર લોબી વિજયના નિર્ણયથી નારાજ છે અને સમાજનો એક વર્ગ વિજયના નિર્ણયને એન્ટી લિબરલ ગણાવે છે.
બંગાળમાં સત્તા પરિવર્તન પછી અભિષેક બેનર્જીની મુશ્કેલી વધશે
મમતા બેનર્જી જ્યારે બંગાળના મુખ્યમંત્રી હતા ત્યારે એમના દત્તક પુત્ર / ભત્રીજા અભિષેક બેનર્જીનું ખાસ્સુ વર્ચસ્વ હતું. કેટલાક મોટા કૌભાંડોમાં પણ અભિષેક બેનર્જીની સંડોવણી હોવાનો આક્ષેપ થયો છે. હવે બંગાળની નવી સરકારે બાંગ્લાદેશ બોર્ડરને લાગીને આવેલી ૫૦૦ એકર જમીન બીએસએફને આપવાનું નક્કી કર્યું છે. બીએસએફ આ બોર્ડર પર તારનું ફેન્સીગ કરશે.
ભાજપના એક નેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, અભિષેક બેનર્જી કેન્દ્રની તપાસ એજન્સીઓના રડાર પર છે. અભિષેકે બાંગ્લાદેશના કુખ્યાત આતંકવાદી અને જમાત-ઉલ-મુઝાહીદ્દીન બાંગ્લાદેશન (જેએમવી)ના પ્રમુખ સલાહુદ્દીન અહમદને બંગાળમાં આશરો આપ્યો હતો. સલાહુદ્દીન અહમદ ૨૦૧૪માં બાંગ્લાદેશની જેલમાંથી ફરાર થઈને પશ્ચિમ બંગાળ આવ્યો હતો. સલાહુદ્દીન અહમદ ત્યારથી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં સ્લીપર સેલ્સને સક્રીય કરવાનું કામ કરે છે. આ જાણકારી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને હતી, પરંતુ બંગાળમાં ટીએમસી સરકાર હોવાથી એજન્સી કઈ કરી શકતી નહોતી.


