દિલ્હીની વાત : જસ્ટીસ ગવઇ, દેશના સૌપ્રથમ બૌદ્ધ ચીફ જસ્ટીસ
નવી દિલ્હી : દેશના ૫૨માં ચીફ જસ્ટીસ તરીકે સોગંદ લેતા પહેલા બી આર ગવઇએ પહેલગામ આતંકવાદી હુમલા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. એમણે કહ્યું હતું કે, જ્યારે આખો દેશ શોકમગ્ન હોય ત્યારે સુપ્રિમ કોર્ટ અલિપ્ત રહી શકે નહીં. જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે સુપ્રિમ કોર્ટ તટસ્થ રહી શકે નહીં. છેવટે અમે પણ દેશના જવાબદાર નાગરીક છીએ. અમે પણ પરિસ્થિતિથી પ્રભાવિત થઈએ છીએ. જસ્ટીસ ગવઇ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ આર એસ ગવઇના પુત્ર છે. ગવઇએ કહ્યું હતું કે, 'મારા પિતાએ બાબા સાહેબ આબંડકર સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. હું દેશનો સૌપ્રથમ બૌદ્ધ ચીફ જસ્ટીસ બનીશ. હું દરેક ધર્મમાં શ્રદ્ધા રાખુ છું. હું મંદિર, દરગાહ, જૈન મંદિર, ગુરુદ્વાર... દરેક જગ્યાએ જાઉ છું.'
ભારત- પાકિસ્તાનના તણાવ વચ્ચે સપાની માગણીથી વિવાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન કેટલાક પક્ષોએ એમનું રાજકારણ પણ ચાલુ રાખ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને ભૂતપૂર્વ મંત્રી આઇપી સિંહે સોશ્યલ મીડિયા એક્સ પર નરેન્દ્ર મોદીને સંબોધીને એક પોસ્ટ લખી છે. એમણે નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, પીએમ કેર ફંડના પૈસા શહિદ થનાર જવાનોના કુટુંબીઓને આપવામાં આવે. એમણે લખ્યું છે કે, 'પીએમ કેર ફંડમાં લોકોના ૨૦ હજાર કરોડ રૂપિયા જમા છે. આ પૈસા દાનના છે. સરહદે શહીદ થયેલા જવાનોના કુટુંબીઓ માટે પ્રધાન મંત્રી તાત્કાલીક પાંચ પાંચ કરોડ રૂપિયા મંજૂર કરે.' કોવીડની મહામારી દરમિયાન દેશના લોકોએ સરકારી ફંડમાં મોટી રકમ દાનમાં આપી હતી. સપાના નેતાની આ માગણી પછી વિવાદ વધી શકે છે. કોરોના સમયે પણ પીએમ કેરના ફંડ બાબતે મોટો વિવાદ થયો હતો.
પહેલગામ હુમલા પછી અમિતાભની પહેલી પોસ્ટ, લોકોએ ટ્રોલ કર્યા
પહેલગામ હુમલા પછી પહેલી વખત અમિતાભ બચ્ચને મૌન તોડયું છે. એમણે સોશ્યલ મીડિયા પર કાવ્યાત્મક રીતે પોસ્ટ મૂકી છે. પહેલગામ હુમલા પછી અમિતાભ બચ્ચને એમના એક્સ એકાઉન્ટ પર ફક્ત પોસ્ટની સંખ્યા લખતા હતા અને બાકીની જગ્યા કોરી છોડતા હતા. એ વખતે પણ તેઓ ટ્રોલ થયા હતા. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની વાતને પણ અમિતાભે આ પોસ્ટમાં આવરી લીધી છે. આ પોસ્ટમાં અમિતાભે આતંકવાદીઓને રાક્ષસ ગણાવ્યા છે, પરંતુ પાકિસ્તાનનું નામ નહીં લખવાને કારણે સોશ્યલ મીડિયા યુઝર્સે એમને ભારે ટ્રોલ કર્યા છે. આ પોસ્ટમાં અમિતાભે નરેન્દ્ર મોદીનું નામ નહીં લખવાથી પણ કેટલાક લોકો નારાજ થયા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા દલિત નેતા કોંગ્રેસમાં જોડાયા
બિહારમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ રાજકીય નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. હવે દલિત અધિકાર મંચના યુવા નેતા મનિષ પાસવાન સહિત બીજા કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ નેતાઓને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ અને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. રાજેશ રામના કહેવા પ્રમાણે મનિષ પાસવાન યુવાન નેતા છે અને દલિતોના અધિકાર માટે સતત લડત આપે છે. એમના આવવાથી કોંગ્રેસ વધુ મજબૂત થશે. મેવાણીના કહેવા પ્રમાણે દલિત સમાજના યુવાનો કોંગ્રેસમાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા છે.
મેજર ગૌરવ આર્યની જીભ લપસી, સરકારે કર્યા હાથ અધ્ધર
ભારતના ભૂતપૂર્વ આર્મી અફસર અને ટીવી પર્સનાલીટી ગૌરવ આર્ય ટીવીના દર્શકોમાં ઘણા લોકપ્રિય છે. તેઓ એમની બેબાક વાણીને કારણે ચર્ચામાં રહે છે. જોકે ગૌરવ આર્યએ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વિરુદ્ધ કરેલી ટીપ્પણીની ટીકા થઈ રહી છે. પાકિસ્તાનની મુલાકાતે આવેલા અરાઘચીની ટીકા કરતા ગૌરવ આર્યએ એમને ડુક્કરના પુત્ર ગણાવ્યા હતા. ઇરાનની એમ્બેસીએ આ બાબતે ગૌરવ આર્યનો વિડિયો શેર કરીને વાંધો લીધો હતો. ત્યાર પછી ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૌરવ આર્યની ટીપ્પણી સાથે ભારત સરકારને કોઈ લેવા દેવા નથી. ઇરાનની એમ્બેસીએ આર્યના વિડિયોની ટીકા કરતા લખ્યું હતું કે, 'મહેમાનોનું સન્માન કરવું એ ઇરાનની સંસ્કૃતિ છે. અમે ઇરાનીઓ અમારા મહેમાનને ભગવાન સમજીએ છીએ. હવે તમે કહો તમારે શું કહેવું છે.'
મનમોહન સિંહથી માંડીને નરેન્દ્ર મોદીના અંગત રહેલા વિક્રમ મિસરી કોણ છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયા પછી ભારતના વિદેશ સચીવ વિક્રમ મિસરીને સોશ્યલ મીડિયા એક્સ પર ટ્રોલ કરવામાં આવતા એમણે પોતાનું હેન્ડલ પ્રોટેક્ટેડ મોડમાં મૂકી દીધુ છે. હવે એમના ટ્વીટર હેન્ડલ પર કોઈ કોમેન્ટ નહીં કરી શકે. વિદેશ નીતિના નિષ્ણાતો મિસરીના બચાવમાં આવ્યા છે. મિસરી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં ૧૯૮૯ની બેચના અધિકારી છે. વિદેશ મંત્રાલય તરફથી એમણે યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકામાં કામ કર્યું છે. મિસરીએ વિદેશ મંત્રાલયના પાકિસ્તાન ડેસ્ક પર પણ કામ કર્યું છે. તેઓ ભારતના બે વિદેશ મંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલ અને પ્રણવ મુખર્જીની ટીમમાં પણ રહી ચૂક્યા છે. વિક્રમ મિસરીએ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ નરેન્દ્ર મોદીની સાથે પીએમઓમાં પણ કામ કર્યું છે.
લેફટનેન્ટ જનરલ એમએસ ધોનીને લશ્કરમાંથી પગાર મળે છે
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની લેફટનન્ટ કર્નલ તરીકે ભારતીય આર્મીમાં સેવા આપી રહ્યા છે. ધોની ટેરીટોરિયલ આર્મીમાં આ પદ પર છે. ૨૦૧૧ના વર્ષમાં ભારતીય સેનાએ એમને આ પદ આપ્યું હતું. ૨૦૧૫માં એમણે ભારતીય સેના સાથે બેઝિક ટ્રેઇનીંગ અને પેરાશૂટથી કૂદવાની સ્પેશિયલ ટ્રેનિંગ પણ લીધી હતી. આ ટ્રેનિંગ પછી એમનો સમાવેશ પેરા રેજીમેન્ટમાં કરવામાં આવ્યો હતો. ટેરીટોરિયલ આર્મી એક સહાયક આર્મી સંગઠન છે. જે કટકોટીના સમયે ભારતીય લશ્કરને મદદ કરે છે. એમ મનાય છે કે, આ પદ માટે ધોનીને દર મહિને ૧ લાખ ૨૧ હજાર રૂપિયાથી માંડીને ૨ લાખ ૧૨ હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે.
મિસરીને અધિકારીઓ, વિપક્ષી નેતાઓ અને ઓવૈસીનું જોરદાર સમર્થન
યુદ્ધ વિરામથી નારાજ જમણેરી જૂથોએ વિદેશ સચિવ વિક્રમ મિસરીને કાયર ગણાવ્યા હતા. તેમણે લંડનમાં રહેતી મિસરીની પુત્રી ડિડોન મિસરીની પણ રોહિંગ્યા નિરાશ્રીતોને કાનૂની સહાય આપવા માટે ટીકા કરી. જો કે ટોચના અધિકારીઓ, વિપક્ષી નેતાઓ, ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને પત્રકારોએ મિસરીને જોરદાર સમર્થન આપ્યું. એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીએ પણ મિસરીનું જોરદાર સમર્થન કર્યું. તેમણે યાદ અપાવ્યું કે રાજકીય નિર્ણયો માટે નેતાઓ જવાબદાર હોય છે, અધિકારીઓ નહિ.
થરુરે ભાગવત દ્વારા બંધારણની પ્રશંસાને મહત્વનો વિજય ગણાવ્યો
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે હિન્દુત્વ જૂથના મહત્વના નેતાઓ હવે બંધારણના જોરદાર સમર્થક બન્યા હોવાની બાબતને મહત્વના વિજય તરીકે ગણાવી છે, જે બંધારણ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરનાર દીન દયાળ ઉપાધ્યાય જેવા તેમના પુરોગામીઓની વિચારધારાથી વિપરીત છે. પોતાના નવા પુસ્તક 'અવર લિવિંગ કોન્સ્ટિટયુશન'ના લોન્ચ પ્રસંગે થરુરે જણાવ્યું કે વડા પ્રધાન બંધારણને પવિત્ર પુસ્તક માને છે. આરએસએસ ચીફ મોહન ભાગવતે પણ બંધારણને સમર્થન આપ્યું છે અને તેનું રક્ષણ કરવાની વાત કરે છે. થરુરના પ્રસંગમાં વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ, લોકસભા સાંસદ મહુઆ મૌઈત્રા, ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ મદન લોકુર અને પત્રકાર શુભરસ્થા સામેલ હતા.
યુદ્ધવિરામમાં અમેરિકી મધ્યસ્થી બાબતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિવાદ
કોંગ્રેસે રવિવારે યુદ્ધવિરામમાં અમેરિકાની સંડોવણીનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન સાથે ભારતના વિવાદને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવાના પ્રયાસો વિશે ચર્ચા કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. ભાજપે વોશિંગ્ટનની ભૂમિકાની અવગણના કરીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે સહમતિ થઈ હતી. ભાજપે કોંગ્રેસ પર હાલની અથડામણને ઈન્દિરા ગાંધી હેઠળના ૧૯૭૧ના યુદ્ધ સાથે સરખાવવાનો આરોપ કરતા દાવો કર્યો કે એ સમયે ભારતીય સૈન્યના વિજયને ઈન્દિરાએ વેડફી નાખ્યો હતો. કોંગ્રેસ સચિવ સચિન પાયલટે જણાવ્યું કે ભાજપે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેણે યુદ્ધવિરામની બાબતમાં અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી છે કે કેમ. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલી જાહેરાતે અનેક સવાલો ઊભા કર્યા છે. હજી બે દિવસ પહેલા અમેરિકાએ જાહેરાત કરી હતી કે ભારત-પાકિસ્તાન વિવાદમાં તેને કોઈ રસ નથી. હવે કઈ શરતે તેણે યુદ્ધવિરામની જાહેરાત કરી?
પૂંચની મહિલાએ પતિને જીવિત રાખવા 13 વર્ષીય જોડિયા બાળકોના મોતને છૂપાવ્યું
ઉરષા ખાન બે વિરોધાભાસી જીવન જીવી રહી છે, એક દુઃખી માતા તરીકે અને એક મજબૂત પત્ની તરીકે. જમ્મુમાં જીએમસી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત હાલતમાં પથારીવશ રહેલો તેનો પતિ રમીઝ ખાન જ્યારે પણ તેમના જોડિયા બાળકો વિશે પૃછા કરે ત્યારે તે સ્મિત સાથે જવાબ આપે છે કે તેઓ પૂંચમાં નાનીના ઘરે સલામત છે. પણ પછી તુરંત તે હોસ્પિટલના વોશરૂમમાં જઈને ભાંગી પડે છે. તેના પાંચ મિનિટના અંતરે જન્મેલા ૧૩ વર્ષના જોડિયા બાળકો ઝોયા અને અયાન પૂંચમાં તેમના ઘરે પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયા હતા.
- ઇન્દ્રાની સહાની