Get The App

દિલ્હીની વાત : રાજ્યસભા ચૂંટણી પછી ભાજપની તાકાત કેટલી વધી

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાજ્યસભા ચૂંટણી પછી ભાજપની તાકાત કેટલી વધી 1 - image

નવીદિલ્હી : રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ એનડીએએ જ્વલંત બહુમતી મેળવી લીધી છે. ગઠબંધનના ૧૫થી વધુ ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. ભાજપને મધ્યપ્રદેશમાં ત્રણે બેઠકો પર જીત મળી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા વિરોધપક્ષના નેતાઓ નિર્વિરોધ ચૂંટાયા છે. બાકીની બેઠકો પર ૧૮મી જૂને મતદાન થશે. ઝારખંડની બે બેઠકો માટે ચૂંટણી ટક્કરવાળી બનશે. મિઝોરમની એક બેઠક માટે ચૂંટણી ૧૮મી જૂને થશે. ૧૦ રાજ્યોની ૨૪ રાજ્યસભા બેઠકોની ચૂંટણી તથા મહારાષ્ટ્ર, ઓડિશા અને તામિલનાડુની ૧-૧ બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની તપાસ થઈ ગઈ છે. ઝારખંડ વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધનના ૫૬ ધારાસભ્યો છે અને જીત માટે દરેક ઉમેદવારને ૨૮ પ્રથમ મતોની જરૂર છે.

સુનેત્રા પવારએ એનસીપી નેતાઓને ચેતવણી કેમ આપી

સ્વ. અજીત પવારના પત્ની અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારએ એનસીપીના ૨૭મા સ્થાપના દિવસે કરેલું સંબોધન ચર્ચામાં છે. એમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે હવે સંગઠનની જવાબદારી નક્કી થશે અને કોઈપણ પ્રકારનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. સ્વ. અજીત પવારના મૃત્યુ પછી એમના વારસદાર તરીકે સુનેત્રા પવારની પસંદગી થઈ હતી ત્યારે કેટલાક એમ કહેતા હતા કે સુનેત્રા પવાર રાબડી દેવીની જેમ ફક્ત ચીઠ્ઠીના ચાકર બની રહેશે. આ માન્યતા ખોટી ઠરી છે. સુનેત્રા પવાર ધીરે ધીરે પક્ષ પર પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. પક્ષમાં પણ એમનો મોભો વધી રહ્યો છે. પક્ષના નેતાઓ માની રહ્યા છે કે સુનેત્રા પવાર ફક્ત ચહેરો જ નથી પરંતુ મજબૂત નિર્ણય લેનાર નેતા પણ છે. સંબોધનમાં એમણે કહ્યું હતું કે પક્ષ માટે કામકરનારાઓએ પરિણામ પણ આપવું પડશે અને પક્ષના હિતત સામે કડક પગલા પણ લેવાશે.

તૃણમુલના ફડચાનું કારણ મણીશંકર ઐયરએ શું આપ્યું

વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ વેરવીખેર થઈ ગઈ છે. પક્ષના મોટા ભાગના સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો મમતા બેનર્જીનો સાથ છોડી ગયા છે. દેશની બીજી પાર્ટીઓના નેતાઓ આ બાબતે કોઈ ટીપ્પણી કરવાથી દુર રહ્યા છે. જોકે કોંગ્રેસના બહુ બોલકા સિનિયર નેતા મણીશંકર ઐયર ચૂપ રહે એમ નથી. એમણે મમતા બેનર્જીનું એનલીસીસ પોતાની રીતે કર્યું છે. એમના કહેવા પ્રમાણે મમતાની મર્ક્યુરીયલ પર્સનાલીટી એટલે કે ખુબ તીખી, લાગણીશીલ અને જિદ્દી સ્વભાવ એમની તાકાત પણ છે અને નબળાઈ પણ. ઐયરના કહેવા પ્રમાણે મમતા બેનર્જી આ સ્વભાવને કારણે રાજકીય ઊંચાઈ પર પહોંચ્યા હતા અને આ સ્વભાવને કારણે જ એમનો પક્ષ આજે સંકટમાં છે. મમતાની રાજકીય યાત્રા હજી પુરી થઈ નથી, તેઓ ફરીથી કમબેક કરી શકે છે. બનાવો એટલી ઝડપે બન્યા છે કે બધાને આશ્ચર્ય થયું છે.

આઇઆરએસ અધિકારીના નિવેદનથી વિવાદ

ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના અધિકારી નીશા ઉરાવએ કહ્યું છે કે, ગ્રામસભાની પરવાનગી વગર 'ચંગાઈ સભા' કરી શકાય નહીં. નીશા ઉરાવના કહેવા પ્રમાણે સુપ્રિમ કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગ્રામસભા 'ચંગાઈ સભા'ને રોકી શકે છે. નીશા ઉરાવે લોહરદગામાં ડેપ્યુટી કમિશનરને મેમોરન્ડમ આપ્યા પછી કહ્યું હતું કે, જીલ્લા પ્રશાસન ગ્રામસભાની પરવાનગી વગર 'ચંગાઈ સભા'ની પરવાનગી આપે નહીં. ગ્ર્રામસભામાં નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવે છે મતલબ કે જો ગ્રામસભાના ૫-૧૦ લોકો પણ વિરોધ કરે તો 'ચંગાઈ સભા' કરી શકાય નહીં. અધિકારીના કહેવા પ્રમાણે મોડલ ગ્રામસભાના નામે એવી વ્યવસ્થા વિકસી રહી છે કે જે આદિવાસી સમાજની પારંપરીક વ્યવસ્થાથી વિપરીત છે. નીશા ઉરાવએ ધર્મપરિવર્તન કરનાર આદિવાસીઓની પારંપરીક હોદ્દાઓ પર ચાલુ રહેવા બાબતે પણ સવાલો કર્યા છે.

થલપતિ વિજયની મોદી પાસે મોટી ડિમાન્ડ

તામિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજયએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં પોતાનું પહેલું ભાષણ આપતાં કેન્દ્ર સરકાર પાસે ઘણી માંગણીઓ કરી છે. વિજયએ ચેન્નઇ અને કન્યાકુમારીને જોડનાર હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે માંગણી કરી હતી. વિજયના કહેવા પ્રમાણે તામિલનાડુના ઝડપથી વધતા આર્થિક વિકાસ માટે જરૂરી છે કે નેશનલ હાઇવે અને રેલ કોરિડોરનો વિકાસ સમયસર થાય. એમણે કેન્દ્ર પાસે પાંચ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવાનો આગ્રહ પણ કર્યો હતો. આ ઉપરાંત વિજયએ પુરના નુકસાનથી બચાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, સ્પેસ મેન્યુફેક્ચરીંગ અને યુવાનોને ટ્રેનિંગ આપવા માટે પણ મોદી સરકાર પાસે મદદ માંગી છે. વિજયએ હાઇવે પ્રોજેક્ટ માટે પણ મંજૂરી માંગી છે. એમા એનએચ-૩૨ના ચેંગલપટ્ટુ - તિરુચિરાપલ્લીનો ભાગ છ લેન બનાવવા કહ્યું છે.

વેંસએ નેતન્યાહુ સાથે મતભેદની વાત સ્વિકારી

પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસએ કહ્યું છે કે, અમેરિકા અને ઇઝરાયલના અભિપ્રાય હંમેશા એક સમાન નથી હોતા. ઇઝરાયલ ભલે અમેરિકાનું ખાસ સાથીદાર હોય, પરંતુ કયારેક એવું પણ થઈ શકે છે કે બંને દેશોના એક બીજા સાથે હિતનો મેળ બેસતો ન હોય. આવા સમયે અમેરિકા એ જ કરશે જે અમેરિકાના હિત માટે શ્રેષ્ઠ હશે. વેંસે એક મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'પ્રધાનમંત્રી નેતન્યાહુ એવા દેશની સરકાર ચલાવી રહ્યા છે કે જે સામાન્ય રીતે અમેરિકાની અત્યંત નજીક હોય. જોકે નજીકના સાથીદાર હોવા છતાં કયારેક બંને દેશોના હિત એક જેવા નથી હોતા અને અલગ અલગ હોય છે. નેતન્યાહુ એવા નેતા છે કે જે પોતાના દેશના હિતને અગ્રીમતા આપે છે. ટ્રમ્પ આ બાબતે એકદમ સાફ છે કે અમારા માટે શું શ્રેષ્ઠ છે.

મીનાક્ષી નટરાજનને ફરીથી નિરાશા મળી

મધ્યપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થયું હતું. મીનાક્ષી નટરાજન રાહુલ ગાંધીના ખાસ ગણાય છે. કેટલાક એમને રાહુલ ગાંધીના સલાહકાર પણ કહે છે. નિરાશ થઈ ગયેલા મીનાક્ષી નટરાજને કોંગ્રેસના નેતાઓની મદદથી ઉમેદવારીપત્ર રદ કરવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. અરજીમાં ચૂંટણી અધિકારીએ લીધેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું છે કે અમે આ અરજી સાભળવા માંગતા નથી. અરજી કરનાર ઇચ્છે તો મધ્યપ્રદેશની હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. મીનાક્ષી નટરાજન વતી દલીલ કરતા સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે મીનાક્ષી પર હજુ સુધી ચાર્જશીટ દાખલ થઈ નથી, જ્યારે જનપ્રતિનિધિત્વના કાયદાની કલમ પ્રમાણે ઉમેદવારીપત્ર રદ કરવા માટે ચાર્જશીટ થઈ હોવી જરૂરી છે.