નવી દિલ્હી : અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૭૧ મેઘાણીનગરમાં તૂટી પડતા બ્રિટને નવી દિલ્હી અને લંડનમાં ક્રાઈસીસ ટીમની રચના કરી છે. આ ટીમ વિમાન અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓના અસરગ્રસ્ત પરિવારોને જરૂરી માહિતી પૂરી પાડી રહી છે. એર ઈન્ડિયાનું લંડન આવતું વિમાન અમદાવાદમાં તૂટી પડયાના સમાચાર મળતા જ બ્રિટનમાં પણ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ વિમાનમાં ૫૩ બ્રિટિશરો પણ મુસાફરી કરી રહ્યા હતા. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ સંસદમાં જણાવ્યું કે, વિમાનમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. દુઃખના આ સમયમાં સંસદના બધા જ સભ્યોની સંવેદનાઓ આ દુર્ઘટનાના પીડિતોના પરિવારો સાથે છે. ભારત સરકાર સાથે મળીને બ્રિટિશ તંત્ર તેના નાગરિકો અને તેમના પરિવારોને મદદ કરી રહ્યું છે. આ માટે દિલ્હી અને લંડન બંને જગ્યાએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમો બનાવાઈ છે.
લોકસભાના ડેપ્યુટી સ્પિકરના પદ માટે ચૂંટણી કરાવવા ખડગેએ મોદીને પત્ર લખ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં એમણે ડેપ્યુટી સ્પિકરની ચૂંટણી માટે કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૪ ડેપ્યુટી સ્પિકરો રહી ચૂક્યા છે. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ડેપ્યુટી સ્પિકરનું પદ વિરોધપક્ષને આપવામાં આવે છે. જેને કારણે સંસદમાં સંતુલન જળવાય રહે. જોકે બંધારણમાં ફરજીયાત આવી કોઈ જોગવાઈ નથી. ૧૬મી લોકસભા (૨૦૧૪)માં એનડીએના પક્ષ અન્નાદ્રમુખના થંબીદુરઇને આ પદ આપવામાં આવ્યું હતું. ૧૭મી લોકસભા (૨૦૧૯)માં કોઈને ડેપ્યુટી સ્પિકર બનાવવામાં આવ્યા નહોતા. એ જ રીતે ૧૮મી લોકસભા (૨૦૨૪)માં પણ કોઈને ડેપ્યુટી સ્પિકર બનાવવામાં આવ્યા નથી. ખડગેએ લખ્યું છે કે, લોકસભામાં ડેપ્યુટી સ્પિકરનો હોદ્દો ખાલી હોવાથી તેઓ અત્યંત ચિંતીત છે. ભારતીય બંધારણના આર્ટીકલ ૯૩માં લોકસભાના સ્પિકર અને ડેપ્યુટી સ્પિકર માટે ચૂંટણી કરવાની જોગવાઈ છે.
નિતિશ કે તેજસ્વી, બિહારમાં કોની સરકાર બનશે
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા મહિનાઓ જ બાકી છે. બિહારમાં કયો પક્ષ સત્તામાં આવશે એ બાબતે થયેલા સર્વેમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી ફાઇટ થશે. મુખ્યમંત્રી નિતિશકુમારના નેતૃત્વવાળી બીજેપી -જેડીયુ તેમ જ બીજા પક્ષોના ગઠબંધન એનડીએને નુકસાન સહન કરવું પડશે. છેલ્લા સર્વે પ્રમાણે વિરોધપક્ષના તેજસ્વી યાદવના નેતૃત્વવાળા આરજેડી, કોંગ્રેસ અને ડાબેરીઓના મહાગઠબંધનને જીત મળશે એવું અનુમાન છે. સર્વે પ્રમાણે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી ખાતુ ખોલશે એવી શક્યતા પણ છે. જોકે પ્રશાંત કિશોરનો પક્ષ ખાસ કંઈ ઉકાળી શકશે નહીં. પોલ ટ્રેકર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલના પરિણામો જાહેર થયા છે. અનુમાન પ્રમાણે આરજેડી - કોંગ્રેેસ અને ડાબેરી મહાગઠબંધનને ૪૪.૨ ટકા મતો સાથે ૧૨૬ બેઠકો જીતવાની શક્યતા છે. બિહાર વિધાનસભામાં કુલ ૨૪૩ બેઠકો છે.
મોદીના સરંડર બાબતે રાહુલના નિવેદન વિશે ઓવૈસીએ શું કહ્યું
ઓલ પાર્ટી ડેલિગેશનના સભ્યો વિદેશ ગયા ત્યારે ભાજપના નેતા રેખા શર્મા અને કોંગ્રેસના સાંસદ શશી થરૂર એક ગીત ગાતા નજરે પડે છે જેની ફ્રેમમાં અસદુદ્દીન ઓવૈસી પણ છે. આ બાબતે જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે, હું ગીતો સાંભળતો નથી અને મને એનો શોખ પણ નથી. અલજીરીયામાં ભારતના લઘુમતિઓ માટે પૂછાયેલા સવાલ બાબતે ઓવૈસીએ કહ્યું હતું કે, હું માનું છું કે આપણે ત્યાં સમસ્યા છે. જોકે આ આપણો આંતરીક મામલો છે. આપણે એનો ઉકેલ લાવીશું. નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી ભારતએ સરંડર કર્યું હતું એ પ્રકારના રાહુલ ગાંધીના નિવેદન બાબતે ઓવૈસીએ કહ્યું હતું કે મારા નસીબ સારા છે કે હું કોંગ્રેસનો પ્રવક્તા નથી. આ સવાલ માટે કોંગ્રેસના નેતાને બોલાવીને તમે પૂછો. તેઓ તમને સમજાવી શકશે.
ઉત્તર પ્રદેશમાં લઘુમતીઓ બાબતે ભાજપએ લીધેલા નિર્ણયથી સપા - બસપા પરેશાન
ઉત્તર પ્રદેશમાં લઘુમતીઓને પોતાની સાથે લાવવા માટે ભાજપએ મોટો નિર્ણય કર્યો છે. ઓપરેશન સિંદુરની સફળતા તેમ જ લઘુમતીઓ માટે સરકારે બનાવેલી યોજનાઓની જાણકારી આપવા માટે ભાજપના લઘુમતી મોરચાએ ઉત્તર પ્રદેશની તમામ દરગાહો, મદ્રેસાઓ, મસ્જિદો, ગુરુદ્વારો અને ચર્ચો જેવા ધાર્મિક સ્થળો બહાર ચૌપાલ યોજવાનું નક્કી કર્યું છે. આ સિવાય કેન્દ્ર સરકારે ૧૧ વર્ષ પૂરા કરવાના સમયએ મુસ્લિમ બૌદ્ધિકો સુધી પહોચવા માટે 'લઘુમતીઓનો સંદેશો, મોદીની સાથે મુસલમાન' વિષય પર તમામ મહાનગરોમાં સંમેલન યોજાશે. લઘુમતીઓના ધાર્મિક સ્થળની બહાર જ્યારે બેઠકો થશે ત્યારે ભારતીય બંધારણની પુસ્તિકાની વહેંચણી પણ કરવામાં આવશે. લઘુમતી સમાજના લોકો પોતાના અધિકાર બાબતે જાગૃત થાય એની કોશિષ કરવામાં આવશે. ભાજપ લઘુમતી મોરચાના આ આયોજનને કારણે બસપા - સપા ચિંતીત થયા છે કે એમની વોટ બેન્ક ભાજપ ઝૂંટવી ન જાય.
સોનમ રઘુવંશીના પડોશીઓ શું કહે છે
મધ્યપ્રદેશના ઇંદોરના રાજા રઘુવંશીની હત્યાથી આખો દેશ હલી ગયો છે. મેઘાલય ખાતે હનીમૂન કરવા ગયેલા રાજા રઘુવંશીની હત્યા કઈ રીતે એમના પત્ની સોનમએ કરાવી એની ચર્ચા થઈ રહી છે. આ બાબતે સોનમ રઘુવંશીના પડોશીઓને મળવા પત્રકારો ગયા ત્યારે એમણે કહ્યું કે, સોનમ આવું કરી શકે એ માનવામાં આવતું નથી. પડોશીઓએ સોનમના સારા સ્વભાવના વખાણ પણ કર્યા હતા. એમના કહેવા પ્રમાણે હકીકત જાણ્યા પછી એમને ખૂબ આઘાત લાગ્યો છે. સોનમની પડોશી સપના સોલંકીના જણાવ્યા પ્રમાણે સોનમના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા અને ત્યારે તે ખુબ ખુશ દેખાતી હતી. લગ્ન વખતે સોનમના મોઢા પર કોઈ ડર કે શંકા દેખાતા નહોતા. અમને નથી લાગતું કે સોનમ આવું કરી શકે.
અસીમને આમંત્રણની કોંગ્રેસ દ્વારા ટીકા
પાક સૈન્ય વડા જનરલ અસીમ મુનીરને અમેરિકાના સૈન્ય દિવસની ઉજવણીમાં આમંત્રણ મળતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે અમેરિકાની આકરી ટીકા કરી છે. ૧૪મી જૂને યોજાનારા આ કાર્યક્રમમાં મુનીરને બોલાવવામાં આવતા જયરામ રમેશે રાજદ્વારી ક્ષેત્રે ભારતની પછડાટ ગણાવી છે. રમેશે એક્સ પર લખેલી એક પોસ્ટમાં કહ્યું કે 'પહલગામ ત્રાસવાદી હુમલા અગાઉ આ માણસે ભડકાઉ ભાષાનો ઉપયોગ કર્યો હતો. અમેરિકા કરવા શું ચાહે છે? ભારત માટે આ વધુ એક રાજદ્વારી આંચકો છે.'
સંતાનોને દૂર ન મોકલોઃ એમપી સીએમ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવેે ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની મેઘાલયમાં થયેલી હત્યા સંબંધમાં કહ્યું હતું કે 'શું સંતાનોને આટલા દૂર જવા દેવા જોઈએ ખરા?' આ કેસના પોતાના પ્રથમ પ્રતિભાવ તરીકે યાદવે ભોપાલમાં મીડિયાને કહ્યું કે આપણા સંતાનો સોનમ અને રાજા રઘુવંશીને સંડોવતી ઘટના ખૂબ જ ભયાનક છે અને સમાજ માટે પાઠ સમાન છે. ભવિષ્ય માટે આપણે ઘણું શીખવા જેવું છે. જ્યારે આપણે નવા સંબંધ બાંધીએ છે, ખાસ કરીને લગ્ન જેવા સંબંધમાં જોડાઈએ છે ત્યારે ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. શું સંતાનોને આટલા દૂર મોકલવા જોઈએ તે અંગે આપણે વિચાર કરવાની જરૂર છે. મોહન યાદવના નિવેદનની કોંગ્રેસે ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટે કહ્યું કે 'મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન સંતાનોને દૂરસુદૂરના સ્થળોએ નહીં મોકલવાની સલાહ આપે છે. આ તેમના અપરિપક્વ વહીવટી અભિગમ દર્શાવે છે અને પોતાના નાગરિકોને બચાવવામાં ભાજપ સરકારોની નિષ્ફળતાનો સ્વીકાર છે. લોકોએ શું ખાવું જોઈએ, શું પહેરવું કે નહીં પહેરવું અને ક્યાં જવું કે નહીં જવું તેનો નિર્ણય એક મુખ્ય પ્રધાન કઈ રીતે કરી શકે?'
કેરળ પેટાચૂંટણીમાં સેક્યુલારિઝમનો મુદ્દો
નીલાંબુર વિધાનસભાની પેટાચૂંટણી અગાઉ કેરળના સત્તાધારી જોડાણ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને વિપક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વચ્ચે સેક્યુલરીઝમના મુદ્દે વિવાદ ભડક્યો છે. જમાત-એ-ઇસ્લામીનું સમર્થન ધરાવતી વેલફેર પાર્ટી ઓફ ઇન્ડિયાએ યુડીએફને સમર્થન જાહેર કર્યું છે તે મુદ્દે નીલાંબુરમાં સીપીઆઇ (એમાના નેતા એમવી ગોવિંદને કોમવાદી પરિબળો સાથેના જોડાણનો યુડીએફ પર આક્ષેપ મૂક્યો છે. કેરળના સામાજિક તાણાવાણા પર કોમવાદી પરિબળો સાથેના જોડાણની લાંબા ગાળાની અસર થશે તેવી ચેતવણી ગોવિંદે આપી હતી. તેમણે મંગળવારે કહ્યું કે 'યુડીએફ સાંપ્રદાયિક તત્ત્વો સાથે ખુલ્લી રીતે જોડાણ કરી રહ્યું છે. જમાત-એ-ઇસ્લામ સહિતના કોઈ પણ કોમવાદી પક્ષ સાથે સીપીઆઇ(એમ)એ કોઈ દિવસ જોડાણ કર્યું નથી. નીલાંબુરના એલડીએફ સમર્થિત અપક્ષ વિધાનસભ્ય પીવી અનવરે જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું તે પછી નીલાંબુર પેટાચૂંટણી યોજવાની જરૂરત ઊભી થઈ છે. ૧૯મી જૂને મતદાન થશે. સીપીઆઇ (એમ)નો ઉમેદવાર એમ. સ્વરાજ, યુડીએફનો ઉમેદવાર આર્યદાન શૌકથ અને અનવર અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં છે.
ત્રિપુરામાં ગોદાનનું રાજકારણ
ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ એક મુસ્લિમ પરિવારને કથિત રીતે ગાય દાન આપી હતી તે મુદ્દે રાજ્યમાં રાજકીય વિવાદ સર્જાયો છે. એક મુસ્લિમ પરિવારના ઘરમાં તોડફોડ થઈ હતી તે પછી તે બકરી ઇદ નિમિત્તે કુરબાની કરવાથી વંચિત રહી જતા સાહાએ કથિત રીતે ગાય આપી હતી. મુસ્લિમ પરિવારને કથિત રીતે ગાય આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે ભાજપની આકરી ટીકા કરી હતી. બીજી બાજું બકરી ઇદના દિવસે મુસ્લિમ પરિવારના ઘરમાં તોડફોડ કરવામાં આવતા વિપક્ષી નેતાઓએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની ધરપકડની માગણી કરી હતી.
વિવાદ વધ્યો તે પછી ભાજપના લઘુમતી મોરચાએ કહ્યું કે મુસ્લિમ પરિવારને મદદ કરવાનું તેમનું પગલું શુભેચ્છા પેટે હતું અને તેમાં મુખ્ય પ્રધાનની ભૂમિકા નહોતી. ભાજપના લઘુમતી મોરચાએ કહ્યું કે ગાય નહીં, પણ બળદ આપવામાં આવ્યો હતો. આમાં સીએમની ભૂમિકા નહોતી. અમે માનવી તરીકે ગરીબ પરિવારની મદદ કરી હતી. ભાજપના લઘુમતી મોરચાના વડા બિલાલ મિયાએ કહ્યું કે 'કોંગ્રેસ અને સીપીઆઇ(એમ)ને લઘુમતીના મતો મળ્યા નહોતા, આથી તેમાંથી રાજકીય લાભ લેવા પ્રયત્ન કરે છે. ભાજપ દુર્ગાપૂજા અને ઇદ બન્ને ઉજવે છે અને બકરી ઇદ પર કુરબાની કરવામાં આવે છે તેમાં નવું શું છે?'
કર્ણાટકમાં કોંગ્રેસ કાસ્ટ સેન્સસ રિપીટ કરશે
કોંગ્રેસના હાઇકમાન્ડે જાતિની વસ્તીગણતરી ફરી કરવાનું કર્ણાટકની સિદ્ધારમૈયાને કહ્યું હતું. ૨૦૧૫માં કર્ણાટકમાં 'કાસ્ટ સેન્સસ' હાથ ધરવામાં આવ્યું હતું. કર્ણાટકના વિવિધ સમાજ અને જૂથોનો ચિંતા દૂર કરવા રાજ્ય સરકાર ફરી જાતિ વસતી ગણતરી હાથ ધરશે. દિલ્હીમાં એઆઇસીસીના પ્રમુખ અને રાહુલ ગાંધી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને મળ્યા હતા. તે પછી કોંગ્રેસના મહામંત્રી કેસી વેનુગોપાલે ફરી સર્વે કરવાનું જાહેર કર્યું હતું. બેંગ્લુરુસ્થિત રાજકીય વિશ્લેષક અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ફેકલ્ટીમેમ્બર નરેન્દ્ર પાનીએ કહ્યું કે 'કાસ્ટ સર્વે માટે ભાજપ અથવા એનડીએને શ્રેય લેવાની તક તેઓ (કોંગ્રેસ) આપવા નથી માગતા આથી (પક્ષના) રાષ્ટ્રીય નેતૃત્વે કાસ્ટ-સેન્સસની જાહેરાત કરી છે. (બિહારના નેતાએ) લાલુ પ્રસાદ યાદવ અને નીતિશકુમારે (રાષ્ટ્રીય) કાસ્ટ સેન્સસને માટે દબાણ કર્યું હતું.
- ઈન્દર સહાની


