Get The App

દિલ્હીની વાત - ચીન ફિયાસ્કા મુદ્દે મોદી જનરલ રાવત પર બગડયા

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત - ચીન ફિયાસ્કા મુદ્દે મોદી જનરલ રાવત પર બગડયા 1 - image


ચીન ફિયાસ્કા મુદ્દે મોદી જનરલ રાવત પર બગડયા

નવી દિલ્હી, તા.13 જુલાઈ 2020, સોમવાર

ચીન સાથેના ઘર્ષણ મુદ્દે નરેન્દ્ર મોદી ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહથી ખફા છે. મોદીએ કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટીની બેઠકમાં આ નારાજગી વ્યક્ત કરી. મોદીના મતે બંને અધિકારી પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયા તેના કારણે ભારતનાં હિતોને વ્યાપક નુકસાન થયું છે અને  પોતાને પણ અંગત રીતે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડયું. મોદીએ રાજનાથ સિંહને બંને પાસેથી લેખિતમાં ખુલાસો લેવા પણ કહી દીધું છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, સીડીએસ તરીકે જનરલ રાવતે લશ્કરી બાબતોમાં શું કરવું તે અંગે સરકારને યોગ્ય સલાહ ના આપી તેના કારણે વીસ જવાનો શહીદ થઈ ગયા. ચીન લડાખ વિસ્તારમાં લશ્કર ખડકી રહ્યું હતું ત્યારે હરિન્દર સિંહે તેને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારને જાણ ના કરી તેથી મોદી ખફા છે.

સૂત્રોના મતે, મોદીએ રાજનાથને મિલિટરી ઈન્ટેલિજન્સ અધિકારીઓ સાથે નિયમિત રીતે વાત કરવા સૂચના આપી છે કે જેથી ફરી આવી સ્થિતી ના સર્જાય.

પાયલોટને મનાવવા દેવરાને મુંબઈથી તેડાવાયા

અશોક ગેહલોતને ઉથલાવામાં નિષ્ફળ ગયેલા સચિન પાયલોટનું શું થશે એ સવાલ વચ્ચે કોંગ્રેસે પાયલોટને મનાવી લેવાની કોશિશ શરૂ કરી છે. આ માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને મિલિન્દ દેવરાને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસનાં સૂત્રોના દાવા પ્રમાણે, સોનિયા અને રાહુલ રવિવારે પાયલોટને મળ્યાં નહોતાં પણ ફોન પર સતત તેમણે પાયલોટ સાથે વાત કરી. એ પછી પાયલોટને મનાવવાની જવાબદારી પ્રિયંકાને સોંપાઈ.  પ્રિયંકા પાયલોટ સાથે સતત ફોન પર સંપર્કમાં છે. પ્રિયંકાએ પાયલોટને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે. પ્રિયંકાએ ગેહલોત સાથે પણ વાત કરી છે. પ્રિયંકાની હાજરીમાં પાયલોટ અન ગેહલોત સાથે બેસીને વાત કરે એવો તખ્તો પણ ગોઠવાઈ રહ્યો છે.

પાયલોટને મનાવવા રાહુલે ફોન કરીને દેવરાને પણ તાબડતોબ મુંબઈથી દિલ્હી બોલાવ્યા છે. રવિવારે જ દિલ્હી આવી ગયેલા દેવરા પણ પાયલોટ સાથે જ છે અને તેમને સમજાવી રહ્યા છે. પાયલોટ ભાજપના નેતાઓનો સંપર્ક ના કરે એટલે દેવરાને પાયલોટ સાથે રહેવા કહી દેવાયું છે. રાહુલના રાજીનામા પછી સચિનને કોંગ્રેસ પ્રમુખ બનાવવા સૂચન કર્યું હતું.

હાસ્યાસ્પદ આદેશ બદલ ભાજપના મંત્રી ટ્રોલ થયા

ઉત્તર પ્રદેશની યોગી સરકારના જળ સંશાધન મંત્રી મહેન્દ્રસિંહે પૂર રોકવા માટે વહીવટી તંત્રને એક હાસ્યાસ્પદ આદેશ આપ્યો છે. સિંહે સિંચાઈ વિભાગને ફરમાન કર્યું કે, વરસાદના કારણે જે નદીઓમાં જળ સ્તર વધ્યું છે એ નદીઓની નિયમિત રીતે પૂજા કરો. તેમના મતે, હિંદુઓ નદીને દેવી માનીને પૂજે છે અને તેમની પૂજા કરે છે. વિભાગના ફિલ્ડ સ્ટાફે પણ પૂરને કાબૂમાં લેવા માટે એવું જ કરવું જોઈએ.

આ હાસ્યાસ્પદ સૂચનના કારણે સિંહ મજાકનું પાત્ર બની ગયા છે ને ટ્રોલ થઈ રહ્યા છે. લોકો મજાક કરી રહ્યા છે કે, મંત્રીએ કરેલા સૂચનનો રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ નીતિમાં સમાવેશ કરવો જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ નદીમાં પૂર જ ના આવે. કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે, હવે સિંચાઈ વિભાગમાં માત્ર પૂજારીઓની ભરતી કરો કેમ કે પૂર રોકવા માટે પૂજા સિવાય બીજું કશું કરવાનું જ નથી. લોકો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે કે, નિષ્ણાતોના સલાહ લેવાના બદલે આવા તુક્કા કઈ રીતે સૂઝે છે ?

ગેહલોતના ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડા

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે ઈન્કમ ટેક્સ વિભાગે અશોક ગેહલોતની નજીક ગણાતા લોકોને ત્યાં સોમવારે દરોડા પાડતાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. જેમને ત્યાં દરોડા પડયા છે તેમાં એક રાજીવ અરોડા જાણીતા જ્વેલર અને પર્યટન વિકાસ નિગમના ભૂતપૂર્વ ચેરમેન છે.

ગેહલોતના પુત્ર વૈભવના ભાગીદારો ધર્મેન્દ્ર રાઠોડ અને રવિકાંત શર્માને ત્યાં પણ દરોડા પડયા છે. રવિકાંત શર્મા તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર પણ છે. શર્માએ  ગેહલોત વતી બોગસ કંપનીઓ વતી મોરેશિયસથી સો કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ ઈ.ડી. કરી ચૂકી છે. કોંગ્રેસે આ દરોડાને રાજકીય કિન્નાખોરીનો ભાગ ગણાવ્યા છે. સામે ભાજપનુ કહેવું છે કે, આ તો સરકારી વિભાગોની રૂટિન કામગીરી છે અને તેને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી.

રાજકીય વિશ્લેષકોના મતે, ગેહલોતના મિત્રોને ત્યાં અત્યારે જ પડેલા દરોડા યોગાનુયોગ નથી. કેન્દ્ર સરકાર કદાચ ગેહલોતને મદદ કરનારાંને ચેતવણી આપવા માગે છે કે, કોંગ્રેસની સરકારની નજીક રહ્યા તો તેની કિંમત ચૂકવવી પડશે.

ભાજપને ટેકો પાછો ખેંચી લેવા ચૌટાલાની ધમકી

હરિયાણામાં ભાજપ પ્રમુખપદે કોને નિમવો એ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે ત્યારે આ મુદ્દે નવો ટ્વિસ્ટ આવ્યો છ. હરિયાણામાં ભાજપ જેજેપીના ટેકાથી સરકાર ચલાવે છે અને દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી છે.

ભાજપનાં સૂત્રોના મતે, ચૌટાલાએ ભાજપ પ્રદેશ પ્રમુખપદના મામલામાં ઝંપલાવીને ભાજપને ચેતવણી આપી છે કે, કેપ્ટન અભિમન્યુને પ્રદેશ પ્રમુખ બનાવાશે તો જેજેપી ટેકો પાછો ખેંચી લેશે. મુખ્યમંત્રી મનોહરલાલ રવિવારે આ મુદ્દે ચર્ચા કરવા દિલ્હી આવ્યા હતા. એ પછી એવી અટકળો તેજ બની કે, ભાજપ કેપ્ટન અભિમન્યુને પ્રમુખ બનાવશે.

આ સાંભળીને ચૌટાલા સોમવારે દિલ્હી દોડી આવ્યા અને અમિત શાહને મળીને પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી. સાથે સાથે અલ્ટિમેટમ પણ આપી દીધું. કેપ્ટન અભિમન્યુ ચૌટાલાના ગઢ મનાતા નારનૌંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડે છે. આ કારણે બંને વચ્ચે જૂની રાજકીય દુશ્મનાટ છે. કેપ્ટન પણ જાટ છે તેથી એ પ્રમુખ બને તો ચૌટાલાના ગઢ અને મતબેંક બંનેમાં ગાબડું પડે તેથી ચૌટાલા તેમની વિરૂધ્ધ છે.

મોદીના પ્રધાનનું પવારને એનડીએમાં જોડાવા નિમંત્રણ

મોદી સરકારના પ્રધાન રામદાસ આઠવલેએ શરદ પવારને શિવસેના-કોંગ્રેસનો સાથે છોડીને એનડીએમાં જોડાવા વિનંતી કરી છે. આઠવલેએ પવારને ભાજપ તથા પોતાની પાર્ટી સાથે સરકાર રચવા પણ અપીલ કરી છે. આઠવલેએ ટ્વિટર પર વીડિયો મૂકીને કહ્યું છે કે, એનસીપીને કોંગ્રેસ-શિવસેના સાથેના જોડાણથી કોઈ ફાયદો નથી ત્યારે દેશ અને મહારાષ્ટ્રના વિકાસ માટે તેમણે મોદી સાથે હાથ મિલાવી લેવા જોઈએ.

આઠવલે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે. આ વીડિયો દ્વારા તેમણે ફરી વિવાદ સર્જ્યો છે. ભાજપે આ અપીલથી હાથ ખંખેરીને તેને આઠવલેના અંગત વિચાર ગણાવ્યા છે. અલબત્ત પવાર તૈયાર થાય તો ભાજપ તેમની સાથે હાથ મિલાવે કે નહીં એ મુદ્દે ભાજપ મૌન છે.

જો કે રાજકીય વિશ્લેષકોના મતે, આઠવલેની અપીલ એ વાતનો પુરાવો છે કે ભાજપની ધીરજ ખૂટી રહી છે. ભાજપ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ સરકાર લાંબુ નહીં ખેંચે એવું માનતો હતો પણ આ સરકાર ટકી ગઈ છે. પવારે સરકારને ટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેથી પવારને લલચાવવાની વ્યૂહરચના ભાજપ અપનાવી રહ્યો છે. 

* * *

પાયલોટની સિંધીયા સાથે સરખામણી અસ્થાને

રાજસ્થાનામાં અશોક ગેહલોતની સરકાર સામે પાયલોટે કરેલા બળવાને મધ્ય પ્રદેશમાં સિંધિયાએ કરેલી બગાવત સાથે સરખાવવમાં આવે છે જ્યાં કોંગ્રેસની સરકારને ભાજપે પાડી દીધી હતી.પરંતુ જાણકારો કહે છે કે સિંધીયા સાથે પાયલોટની સરખામણી કરી જ ના શકાય, કારણ કે ગેહલોત અ કમલનાથ નથી.ગેહલોતની પાસે સંખ્યા બળ છે અને તેમનો કિલ્લો મજબુત છે.ભાજપની પાસે માત્ર ૭૨ ધારાસભ્યો જ છે જ્યારે અન્ય ત્રણ ધારાસભ્યો પણ તેની સાથે હોવાનું કહેવાય છે. તેમ છતાં તેમને બહુમતી પુરવાર કરવા માટે ૨૬ ધારાસભ્યોને તોડવા પડશે જે અશક્ય છે.રાજસ્થાનમાં ૨૦૦ સભ્યોની ધારાસભામાં બહુમતી મેળવવા માટે ૧૦૧ ધારાસભ્યોની જરૂર પડે છે.બીએસપીના છ ધારાસભ્યો પણ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસની સંખ્યા ૧૦૭ થઇ ગઇ હતી. જો કે અંતિમ નિર્ણય તો સ્પીકર સી.પી.જોશી પાસે જ છે જેઓ  ગેહલોતના જુના વિશ્વાસુ છે.ભાજપને ૧૩ સભ્યો તો ટેકો મળે તો પણ તેને કોંગ્રેસમાંથી ૧૧ ધારાસભ્યોને લાવવા પડશે જે હાલમાં તો અશ્કય દેખાય છે. જાણકારો તો એમ પણ કહે છે કે કોંગ્રેસને પાયલોટ વિના ચાલી શકે છે, જે સિંધીયાની બાબતમાં શક્ય નહતું. પાયલોટ માટે હાલ તો મુશ્કેલીઓ ઊભી જ છે.જો તે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય તો નાયબ મુખ્યમંત્રી પદ જાય. એણે એનેક વખતે કહ્યું હતું કે તેને મુખ્યમંત્રી બનવું છે. જો ભાજપમાં જાય તો ભાજપ વાળા તેને ક્યારે પણ મુખ્યમંત્રી ના બનાવે.

રાજસ્થાનમાં ભાવિના રાજકારણમાં ત્રણ વિરોધાભાસી દ્રશ્યો

આજે ગેહલોત અને પાયલોટ વચ્ચેની ખાઇ વધુ પહોંળી થઇ હતી. જાણકારો રાજસ્થાનના ભાવિ રાજકારણમાં ત્રણ બાબતોમાં વિરોધાભાસ જુએ છે.એક,પાયલોટને સર્મથન આપનાર ધારાસભ્યોની સંખ્યા અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ ચિત્ર ઉપસ્યું નથી એટલા માટે કોંગ્રેસ કદાચ પાયલોટને સમજાવશે.બે,હજુ વધારે બળવાખોરો પાયલોટની સાથે જોડાય તો સંખ્યા વધુ શકે છે.(જો કે આજની બેઠકમાં ૧૦૭ ધારાસભ્યો હાજર રહેતા શક્યતા રહેતી નથી)

ઉત્તર પ્રદેશના ચાર ટુકડા કરી નાંખવા જોઇએ

પાટનગરના રાજકીય વર્તુળમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું વજન ખુબ વધારે હોવાથી તેમજ અનેક માફિયાઓનું રાજ ચાલતું હોવાથી બે કરોડ લોકો પર રાજ કરવું  મુશ્કેલ દેખાય છે.૭૫ જિલ્લાઓમાં પથરાયેલા પ્રદેશમાં ૨૪૩૦૦ કિમી વિસ્તાર છે માટે કોઇ એક વ્યક્તિ અહીંયા શાસન કરે એ શક્ય નથી.ઉપરાંત અહીંથી ૮૦ સંસદો ચૂંટાય છે. આ કારણસર એક પ્રદેશની સત્તા અને હિસ્સો વધારે થઇ જાય છે. જાણકારોના મતે તેના ચાર બાગ પાડી દેવા જોઇએ. પશ્ચિમી વિસ્તારને હરિત પ્રદેશ તરીકે રાખવું જોઇએ. મધ્ય પ્રદેશની સરહદથી ચોંટેલા પ્રદેશમાં થોડો ભાગ મધ્ય પ્રદેશનો લઇને બુંદેલખંડ  બનાવવું જોઇએ.ગોરખપુર અને નેપાળની સરહદે આવેલા વિસ્તારો સાથે પૂર્વાંચલ પ્રદેશ તેમજ મધ્ય વિસ્તાર જે અવધ તરીકે ઓળખાતો હતો અને જ્યાં લખનઉ પણ છે તેનેઅવધ પ્રદેશ તરીકે બનાવવો જોઇએ. પરંતુ નવાઇ વાત એ છે કે એક પણ નેતાને આ કરવું નથી. ઉત્તર પ્રદેશને એક રાખવા માટે સંપૂર્ણ બહુમતી હશે તો સ્થાપિત હિતોનું રાજ વધુ જશે.

યોગીના આવ્યા પછી એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો વિકાસ 119મો હતો

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તો દરેક એન્કાઉન્ટર પછી તેની એફઆઇઆર નોંધી ેતની ન્યાયધિશ દ્વારા તપાસ કરાવી જોઇએ. યોગી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદથી એટલે કો માર્ચ ૨૦૧૭ પછીથી ૭૪ કેસની તપાસમાં એક પણ પોલીસ અધિકારી સામે કેસ કરાયો નથી.જન્યુઆરી,૨૦૧૯માં ઉત્તર પ્રદેશમાં શ્રેણીબધ્ધ એન્કાઉન્ટર થતાં સુપ્રીમ કોર્ટેે પણ તેની નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ ખુબ જ ગંભીર બાબત છે.યોગીએ સ્વતંત્રતા દિવસે આ વાતને પોતાની સિધ્ધી ગણાવી હતી.

- ઇન્દર સાહની

Tags :