For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ચિરાગ પાસવાનની મોદી કેબિનેટમાં ફરી એન્ટ્રી થશે

Updated: Jan 13th, 2023


નવીદિલ્હી : લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલો ભાજપ સંગઠન અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારો કરશે એ સ્પષ્ટ છે ત્યારે ચિરાગ પાસવાનની કેન્દ્રીય કેબિનેટમાં ફરી એન્ટ્રીની શક્યતા છે. ભાજપનાં સૂત્રો આ વાતને સમર્થન આપે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ચિરાગને સરકારી સુરક્ષા આપતાં આ અટકળો ચાલી રહી છે.

ચિરાગ પાસવાનની સાથે વધી રહેલી નિકટતા જોતા તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નક્કી મનાય છે. બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના જોડાણને પગલે ભાજપને પોતાના માટે નવી મતબેંક જોઈએ છે. ચિરાગ આ નવી મતબેંક બની શકે છે કેમ કે ચિરાગ પાસે છ ટકાની આસપાસ મતો છે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, જેડીયુ અને શિવસેનાના ક્વોટાના મંત્રીઓનાં રાજીનામાથી ખાલી પડેલી જગ્યા નવા સહયોગીઓથી ભરવામાં આવી શકે છે.  એકનાથ શિંદે નેતૃત્વવાળા શિવસેના જૂથને પ્રતિનિધિત્વ મળશે એ નક્કી છે પણ ચિરાગને પણ સ્થાન મળશે. અત્યારે ચિરાગના કાકા પશુપતિનાથ પારસ મોદી સરકારમાં મંત્રી છે.

દક્ષિણમાં મજબૂત બનવા ભાજપ સાથીઓની શોધમાં

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી અને આ વર્ષે યોજાનારી ૯ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે સાથી પક્ષોની શોધ શરૂ કરી છે. ભાજપે એનડીએનું વિસ્તરણ કરવા માટે સાથી પક્ષો શોધવા પોતાના સંગઠનને આદેશ આપ્યો છે. વિચારધારા અલગ હોય પણ કેન્દ્રની મોદી સરકારના વિકાસના એજન્ડા પર સહમત હોય વિરોધ પક્ષોને એનડીએમાં લાવવાના પ્રયત્નો કરવા હાઈકમાન્ડે મહામંત્રીઓને આદેશ આપ્યો છે. દેશનાં ઘણાં રાજ્યોમાં ભાજપ હજુ મજબૂત નથી. આ રાજ્યોમાં પણ સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરવાના પ્રયાસ કરવામાં આવશે.

ભાજપના મહામંત્રીઓની બેઠકમાં એનડીએના વર્તમાન અને ભાવિ સાથી પક્ષો અંગે ચર્ચા કરાઇ હતી. સૂત્રોનો દાવો છે કે, ભાજપ લાખ પ્રયત્નો કરવા છતાં દક્ષિણ ભારતમાં સંપૂર્ણ પગપેસારો કરી શક્યો નથી તેથી  મિશન દક્ષિણને સફળ બનાવવા માટે જોડાણની શરતોને વધુ ઉદાર બનાવશે. ભૂતકાળમાં ભાજપની સાથે રહી ચૂકેલા ટીડીપી સહિતના જૂના સાથીઓ  સાથે ગઠબંધન કરવા ભાજપ નમતું જોખવા માટે પણ તૈયાર છે.

આપના સંજયને સજાથી લાભ, ઈમેજ મજબૂત બનશે

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ઉત્તરપ્રદેશની સુલ્તાનપુર કોર્ટે ત્રણ મહિનાની સજા અને ૧૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સિંહે ૨૦૦૧માં સુલ્તાનપુર જિલ્લામાં વીટળીના કાપથી સામે ધરણાં કરેલાં. આ કેસમાં કોર્ટે સજા ફટકારી છે.  સંજય સિંહની સજા ૩ વર્ષથી ઓછીની હોવાથી તેમને તરત જામીન મળી ગયા છે.

સંજયસિંહની સાથે ધરણામાં જોડાનારા બીજા ઘણા નેતાઓને પણ કોર્ટે સજા ફટકારી છે. તેમાં ભાજપના વિજય સેક્રેટરી પણ છે. સંજય સિંહે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનું એલાન કર્યું છે. સંજય એ વખતે આઝાદ સેવા સમિતિના નામે સંગઠન ચલાવતા હતા.

રાજકીય વિશ્લેષકો આ સજાને નગણ્ય માને છે અને ઉપલી કોર્ટમાં સજા રદ થવાની શક્યતા છે પણ સજાના કારણે સંજયની ઈમેજને ફાયદો થશે એવું માને છે. લોકોની સમસ્યાની રજૂઆત કરવા જતાં જેલની સજા થઈ છે તેથી રાજકીય પક્ષો પણ આ મુદ્દાનો સંજય સામે ઉપયોગ કરી શકે તેમ નથી.

ધનખડ-બિરલા-ગેહલોતનાં નિવેદનો ચોંકાવનારાં

રાજસ્થાન વિધાનસભામાં બુધવારથી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની  કોન્ફરન્સમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ,  લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી.પી. જોશી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલાં નિવેદનોએ સૌને ચોંકાવી દીધા છે. આ ચારેય મહાનુભાવે સંસદ દ્વારા બનાવાતા કાયદામાં સુપ્રીમ કોર્ટની દખલગીરી ના ચલાવાય એવો દાવો કરીને કહ્યું કે, કોર્ટે મર્યાદામાં રહેવું જોઈએ અને પોતાનું કામ તેની મર્યાદામાં રહીને કરવું જોઈએ.

ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું કે સંસદ કાયદો બનાવે છે અને સુપ્રીમકોર્ટ તેને રદ કરી દે છે. શું સંસદે બનાવેલો કાયદો ત્યારે જ કાયદો બનશે જ્યારે તેને કોર્ટની મંજૂરી મળે? કોઈ અન્ય સંસ્થા સંસદના નિર્ણયની સમીક્ષા કરે એવી મંજૂરી કઈ રીતે આપી શકાય ? બાકીનાં વક્તાઓએ પણ આ વાતમાં સૂર પુરાવ્યો.

બંધારણીય નિષ્ણાતોના મતે, સુપ્રીમ કોર્ટ પાસે સંસદે બનાવેલા કાયદાની સમીક્ષા કરવાની અને બંધારણનું જતન કરવાની સત્તા છે એ જોતાં આ પ્રકારનાં નિવેદનો બાલિશ ને હાસ્યાસ્પદ છે.

મંત્રીનો દાવો: રામ ચરિતમાનસથી નફરત વધી

બિહારના શિક્ષણ મંત્રી અને આરજેડીના ધારાસભ્ય ડૉ.ચંદ્રશેખરે મનુ સ્મૃતિ અને રામચરિતમાનસને સમાજમાં નફરત ફેલાવનારા પુસ્તકો ગણાવીને વિવાદ સર્જ્યો છે. તેમનો દાવો છે કે,  રામચરિત માનસ દલિતો, પછાત સમાજ અને મહિલાઓને આગળ ભણતા રોકીને તેમના હક મેળવતાં રોકે છે. ભારતમાં છ હજારથી વધુ જ્ઞાાતિઓ છે અને એટલી જ નફરતની દિવાલો પણ છે. સમાજમાં નફરત રહેશે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ બની શકે નહીં.

આ મુદ્દે મીડિયાએ સવાલો કરતાં તેમણે પોતાની વાત દોહરાવીને કહ્યું કે, એક સમયે મનુ સ્મૃતિએ સમાજમાં નફરતનું બીજ વાવ્યું હતું. ત્યાર બાદ રામચરિતમાનસે સમાજમાં નફરત પેદા કરી. હવે ગુરુ ગોલવલકરના વિચાર સમાજમાં નફરત ફેલાવી રહ્યો છે. ડો. ચંદ્રશેખરે પોતાની વાતના સમર્થનમાં રામચરિત માનસની ચોપાઈ પણ સંભળાવી. તેમણે કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરે મનુ સ્મૃતિ પુસ્તકને સળગાવ્યું હતું કેમ કે આ પુસ્તકમાં  દલિતો અને વંચિતોના અધિકારો છિનવી લેવાની વાત છે.

બંગાળ પછી કેરળમાં પણ વંદે ભારત પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ પછી હવે કેરળમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો છે.  ૧૯ જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી આ ટ્રેનને દેશને સમર્પિત કરવાના છે પણ એ પહેલાં કાંચરપાલેમ પાસે મેઇન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો કરાતાં વંદે ભારત એક્સપ્રેસના કોચની વિન્ડશીલ્ડને નુકસાન થયું હતું. મોદી આવતા અઠવાડિયે વિશાખાપટ્ટનમમાં ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. આ ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે.

પશ્ચિમ બંગાળ અને કેરળ બંને બિન ભાજપ પક્ષોની સરકાર ધરાવતાં રાજ્યો છે. આ રાજ્યોમાં ટ્રેન પર પથ્થરમારાની ઘટનાના કારણે આ મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે, બિન ભાજપ પક્ષો મોદી સરકારની કામગીરીથી ઈર્ષા અનુભવે છે તેથી વિકાસનાં કામોમાં પણ રોડાં નાંખે છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના બની હતી. ભાજપ આ પથ્થરમારા માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને દોષિત ગણાવી રહ્યો છે. 

***

હિંદુ-મુસ્લિમ-ટિપ્પણી : ભાગવત સામે ભડકો

આરએસએસના વડા મોહન ભાગવતે સંઘના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર' ને એક મુલાકાતમાં જણાવ્યું કે દેશમાં હિંદુઓએ પોતાના ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માટે સંઘર્ષ કરવો પડે છે, જ્યારે મુસ્લિમો સર્વોચ્ચપણાનો રૂઆબ છાંટીને રહી શકે છે. વિપક્ષોએ ભાગવતની આ ટિપ્પણીનો તીવ્ર વિરોધ કરીને જણાવ્યું કે ભાગવત હિંસાચાર માટે હાકલની સાથે બંધારણને પડકારી રહ્યા છે. દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ મુદ્દે ચૂપ છે પરંતુ સીપીએમ પોલિટબ્યુરોએ નિવેદન કર્યું કે ભાગવતના ઉપરોક્ત વિધાનો દેશના બંધારણને બધા નાગરિકોના સમાન અધિકારને અને કાયદાના શાસનને ખુલ્લેઆમ પડકાર છે.

ભારત જોડોનું સમાપન : 21 પક્ષોને નિમંત્રણ

આગામી ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં સંપન્ન થઇ રહેલી કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપન-કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એકસમાન વિચારધારાવાળા ૨૧ પક્ષોને નિમંત્રણ પાઠવ્યા છે. ભૂતકાળમાં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાવા માટે વ્યક્તિગત નેતાઓ તથા સાંસદોને નિમંત્રિત કર્યા હતા, ત્યારે ખડગેના નિમંત્રણ ખાસ કરીને પક્ષના વડાઓને ઉદ્દેશીને અપાયા છે.  આમંત્રિતોની યાદીમાંથી આમ આદમી પાર્ટી (આપ), ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ - ટીઆરએસ) અને શિરોમણિ અકાલી દળને આમંત્રણમાંથી બાકાત રખાયા છે. એજ રીતે, પૂર્વ કોંગ્રેસી નેતા ગુલામનબી આઝાદના લોકતાંત્રિક આઝાદ પક્ષને પણ આમંત્રણથી અળગો રખાયો છે. આથી ઊલટું, બિહારના પૂર્વ સાંસદ શરદ યાદવને અલગ આમંત્રણપત્ર પાઠવાયું છે.

બિહારી મંત્રીની 'માનસ' વિષેની ટિપ્પણીથી વિવાદ

બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં કહ્યું કે જેમ મનુસ્મૃતિ તથા એમ એસ ગોલવલકરનું પુસ્તક બન્ચ ઓફ થોટ્સ સમાજમાં ભાગલા ઊભા કરે છે એમ જ રામાયણ પર આધારિત શ્રી રામચરિતમાનસ નફરત ફેલાવે છે. કોઇપણ રાષ્ટ્ર, પ્રેમ અને સ્નેહના સિંચનથી મહાન બને છે. રામચરિતમાનસ, મનુસ્મૃતિ તથા બન્ચ ઓફ થોટ્સ જેવી કૃતિઓ તિરસ્કાર ફેલાવીને સામાજિક ભાગલાના બીજ વાવે છે. આ જ કારણે લોકોએ મનુસ્મૃતિની નકલોનું દહન કર્યું છે, જ્યારે રામચરિતમાનસના કેટલાક ભાગનો વિરોધ કર્યો છે. માનસમાં દલિતો, પછાતો અને સ્ત્રીઓના શિક્ષણનો વિરોધ કરાયો છે. ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડો. નિખિલ આનંદે ચંદ્રશેખરના અભિપ્રાયને નાદાનિયતભર્યો ગણાવ્યો. મૂળભૂતપણે રાજદ મુસ્લિમોના તુષ્ટિકરણનું રાજકારણ ખેલે છે, કે જેનો પડઘો આવી ટિપ્પણીઓમાં પડે છે, એમ આનંદે ઉમેર્યું.

યુ.પી. : 76,000 કરોડના સમજૂતીપત્રો પર સહીસિક્કા

લખનૌમાં આગામી ૧૦-૧૨ ફેબુ્રઆરી દરમિયાન વૈશ્વિક રોકાણકારોની શિખર બેઠક (ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - જીઆઇએસ- ગિસ)નું આયોજન કરીને રાજ્યના અર્થતંત્રને એક અબજે પહોંચાડવાનું લક્ષ રાખનાર ઉત્તરપ્રદેશ સરકારે બુધવારે લખનૌમાં રોડ શો કર્યો. દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગોએ રોડ શોમાં ભાગ લીધો, જે પૈકીના ૭૯ ઉદ્યોગપતિઓએ રાજ્ય સરકાર સાથે યુ.પી.માં ઉદ્યોગ સ્થાપવાસંબંધી સમજૂતી-પત્ર (મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ - એમઓયુ) પર સહી-સિક્કા કર્યા. આ રોકાણકારોએ યુ.પી.માં પરિવર્તનની લહેરને આવકારી. વરૂણ બેવરેજિસના સીઓઓ (ચીફ ઓપરેટિંગ ઓફિસર) કમલેશ જૈને કહ્યું કે અમારાં ગોરખપુરના નવા પ્લાન્ટ માટે જરૂરી જમીનની ફાળવણીનો પત્ર અમને અઢી મહિનામાં મળી ગયો. યુ.પી. સરકાર સુંદર કામ કરી રહી છે. અમે અહીં સાત પ્લાન્ટરૂપે ૩૪૦૦ કરોડનું રોકાણ કરી રહ્યા છીએ, એમ એમણે ઉમેર્યું.

હરિયાણામાં 37.4 ટકા બેરોજગારી : ખટ્ટરનો વિરોધ

સીએમઆઇઇ (સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી)એ ડિસેમ્બર ૨૦૨૨માં આપેલા એક અહેવાલમાં જણાવ્યું કે દેશનો રાષ્ટ્રીય બેરોજગારી-દર ૮.૩ ટકા છે, જ્યારે હરિયાણામાં એ ૩૭.૪ ટકા છે, જે દેશમાં મહત્તમ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આ આંકને ટાંકીને હરિયાણાને ઝાટક્યું. હવે સીએમઆઇઇના ઉપરોક્ત તારણો હરિયાણાના શાસકપક્ષ અને વિપક્ષો વચ્ચે રાજકીય વિવાદ માટેનો ઘાસચારો બની રહ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સીએમઆઇઇની કાર્યપધ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. એક નાનકડી મોજણી પર આધારિત ઉપરોક્ત તારણો પાયા વગરના છે  હરિયાણાનો બેરોજગારી-દર ફક્ત છ ટકા છે, એમ ખટ્ટરે સ્પષ્ટ કર્યું.

ઘરેલુ ગેસ : મહિલાઓનો સીતારામનને પત્ર

બાળકોને શ્વસન માટે સ્વચ્છ હવા મળી રહે એ માટે ઝઝૂમતી દેશભરની મહિલાઓના સંગઠન 'વોરિઅર મોમ્સ' એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં દેશના ગરીબ કુટુંબોને એલપીજી (લિકિવફાઇડ પેટ્રોલિયમ ગેસ) પરવડે એ માટે ૨૦૨૩-૨૪ના આગામી બજેટમાં નાણાકીય જોગવાઇ કરવા અનુરોધ કર્યો છે. એલપીજી માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા અપાતી સબસીડી ઓછી હોવાથી તેમજ સિલિન્ડરના રિફિલ સમયસર મળવામાં અડચણો હોવાથી લાખો કુટુંબો ઘરમાં ગેસ જોડાણને રાખી શકતા નથી. વોરિઅર્સ મોમ્સએ પત્રમાં ઉમેર્યું કે કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ભાગ લેનારા ૮૦ ટકા લોકોએ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના નાગરિકો  ગેસ જોડાણ નહિ રાખતા હોવા પાછળ ગેસ જોડાણ પરવડતું નહિ હોવાનું કારણ પ્રાથમિકપણે રહેલું હોવાનું જણાવ્યું છે.

સુપ્રીમ સાથે શિંગડાં ભેરવતા ઉપરાષ્ટ્રપતિ ધાનકર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનકરે બુધવારે જયપુરમાં યોજાયેલી ૮૩મી અખિલ ભારતીય પ્રીસાઇડિંગ ઓફિસર્સ (વિધાનસભા અધ્યક્ષો) પરિષદને સંબોધતા ન્યાયમૂર્તિઓની નિમણૂક માટેની વૈકલ્પિક પધ્ધતિને માન્ય કરતો કાયદો રદ કરવા બદલ સુપ્રીમ કોર્ટની નવેસરથી ટીકા કરી. સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહિ એ માટે સુપ્રીમ કોર્ટે લાદેલા નિયંત્રણો સાથે પોતે અસંમત હોવાનું ધાનકરે ઉમેર્યું. પરિષદનો એક થીમ-વિષય હતોલ 'બંધારણના મિજાજને અનુરૂપ કારોબારી (સંસદ) તથા ન્યાયતંત્ર વચ્ચે સંવાદિતાપૂર્ણ સંબંધ જાળવવાની જરૂરિયાત'.

- ઇન્દર સાહની


Gujarat