નવીદિલ્હી : દેશની આંતરીક સુરક્ષા સંભાળનાર સૌથી મોટુ દળ સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ, આઇટીબીપી અને એસએસબી એટલે કે સીએપીએફ (સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ) કેન્દ્ર સરકાર સામે સુપ્રિમ કોર્ટમાં લડાઈ લડી રહ્યું છે. આ તમામ દળો ગૃહમંત્રાલય હેઠળ કામ કરે છે. આ જ મંત્રાલય સાથે એમને કાયદાકીય વાંધો પડયો છે. સીઆરપીની સ્થાપના ૧૯૩૯માં અંગ્રેજોએ કરી હતી. આઝાદી પછી એનું નામ સીએપીએફ કરવામાં આવ્યું. ત્યાર પછી બીએસએફ, આઇટીબીપી, એસએસબી અને સીઆઇએસએફની સ્થાપના થઈ. આ બધાને મળીને સીએપીએફ કહેવામાં આવે છે. શરૂઆતમાં ઉચ્ચ પદે લશ્કર અથવા તો આઇપીએસ અધિકારીઓને ડેપ્યુટેશન પરથી લાવવામાં આવતા હતા. પછીથી આ વ્યવસ્થા કાયમી થઈ ગઈ. આજે પરિસ્થિતિ એવી છે કે ડીઆઇજી અને આઈજી જેવા હોદ્દા પર મોટી સંખ્યામાં આઇપીએસ અધિકારીઓ હોય છે. સીએપીએફના અધિકારીઓનો આક્ષેપ છે કે એમના અધિકારીઓને ઉચ્ચ પદે જવાનો મોકો નથી મળતો.
ડઘાયેલી સરકાર રાહુલ સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ નહીં લાવે
લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલું ભાષણ ખૂબ જાણીતુ થયું છે. ભાષણને કારણે સરકાર ચિંતામાં પડી ગઈ છે અને મંત્રીઓએ વળતા પ્રહાર ચાલુ કર્યા છે. જોકે રાજકીય નીરિક્ષકોના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવાની હિંમત સરકાર કરી શકે એમ નથી. સરકારને ડર છે કે જો આમ કરવા જશે તો આખા દેશમાં રાહુલ ગાંધી હીરો બની જશે. વિવાદ હજી શાંત થયો નથી. કેટલાક રાજકીય નીરિક્ષકો એવી સંભાવના વ્યક્ત કરે છે કે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા પ્રવચનમાંથી કદાચ કેટલાક અંશ રેકર્ડ પરથી દુર કરવામાં આવે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલએ ભાજપ પર બેવડી નીતી અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. એમણે કહ્યું હતું કે, 'અગાઉ રાહુલ ગાંધીને સાંસદ તરીકે દુર કરવામાં આવ્યા હતા, પરંતુ લોકોએ એમને મોટા અંતરથી ચૂંટીને ફરીથી સંસદમાં મોકલ્યા છે.'
ટ્રેડ ડીલથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ખેડૂતો ચિંતામાં
ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર સમજૂતી થઈ એના વખાણ ગાય-વગાડીને કરવામાં આવ્યા. વિરોધ પક્ષોએ આ સમજૂતીને ભારતના ખેડૂતો વિરુદ્ધની ગણાવી હતી. સરકાર પક્ષે એવી હૈયાધારણ આપવામાં આવી હતી કે આ સમજૂતીને કારણે ખેડૂતોનું અહીત થવાનું નથી. જોકે હવે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ખેડૂતો તેમજ ઉદ્યોગપતિઓ આવનાર વર્ષોમાં મોટુ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરે છે. જમ્મુ - કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મોટા પાયે સફરજનની ખેતી થાય છે. આયાત ડયુટીમાં છૂટ આપ્યા પછી આવનાર મહિનામાં અમેરિકાના સફરજન ભારતના બજારમાં ખડકવામાં આવશે. આ કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને કેટલાક અંશે ઉત્તરાખંડના સફરજનની કીંમતમાં પણ મોટા પાયે ઘટાડો થશે. ભારત - અમેરિકા વચ્ચે થયેલી સમજૂતીમાં સફરજનની આયાત ડયુટી ૫૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી નાખવામાં આવી છે.
રાહુલ ગાંધીના આક્ષેપ પછી હરદીપ પૂરી બેકફૂટ પર
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરી પર આક્ષેપ કર્યા હતા. એપસ્ટીનની ફાઇલમાં હરદીપનું નામ હોવા સંદર્ભે રાહુલ ગાંધીએ ખૂલાસો માંગ્યો હતો. વિરોધ પક્ષની ટીકાનો મારો થતાં જ રઘવાયેલા હરદીપ પુરીએ બચાવમાં કહ્યું છે કે 'એપસ્ટીન સાથે એમની મુલાકાત કેટલાક ખાસ પ્રસંગોએ થઈ હતી. તેઓ એક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે અમેરિકા ગયા હતા ત્યારે એપસ્ટીનને મળ્યા હતા. એમની સાથે ફક્ત એક વખત ઇમેલ દ્વારા સંવાદ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હરદીપ પુરીની ઓળખાણ એપસ્ટીન સાથે કોણે કરાવી એની એમને ખબર છે. હરદીપ પુરી પણ જાણે છે કે કોણે એમની ઓળખાણ એપસ્ટીન સાથે કરાવી હતી. હરદીપ પુરીએ બચાવમાં કહેવું પડયું હતું કે, 'એપસ્ટીન સાથે જોડાયેલી ૩૦ લાખ જેટલી ફાઇલો રીલીઝ કરવામાં આવી છે. હું ન્યૂયોર્કમાં ૮ વર્ષ રહ્યો છું. ત્યાં હું સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના એમ્બેસેડર તરીકે રહેતો હતો.'
ઓમ બિરલાનો વિવાદાસ્પદ કાર્યકાળ
લોકસભાના સ્પીકર ઓમ બીરલા વિરુદ્ધ વિરોધપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા નોટીસ આપી છે. ઓમ બીરલાએ વિરોધ પક્ષના ૮ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા ત્યાર પછી વિરોધપક્ષ અને સ્પીકર વચ્ચે વિવાદ ઉભો થયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અરવિંદ સાંવતએ આક્ષેપ કર્યો છે કે, 'લોકસભામાં જે રીતે કાર્યવાહી થઈ રહી છે એ બંધારણને અનુરૂપ નથી. લોકશાહીમાં સંસદનું સ્થાન સૌથી અગત્યનું છે. ઓમ બીરલા વિવાદમાં આવ્યા હોય એવું પહેલી વખત બન્યું નથી. ૨૦૨૪ના જૂન મહિનામાં બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા પછી ઓમ બીરલા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ વિરોધપક્ષના સાંસદોને બોલવા નથી દેતા. તેઓ સરકાર તરફી હોવાનો આક્ષેપ પણ એ વખતે થયો હતો. સ્પીકર તરીકે ચૂંટાયા પછી જ્યારે નરેન્દ્ર મોદીએ એમની સાથે હાથ મેળવ્યા હતા ત્યારે બીરલાએ એમની સાથે નમીને હાથ મેળવ્યા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ હાથ મેળવ્યા હતા ત્યારે બીરલા નમ્યા વગર ટટ્ટાર ઉભા રહ્યા હતા. એ વખતે પણ રાહુલ ગાંધીએ સ્પીકરની ટીકા કરી હતી. નીટ પરીક્ષા બાબતે થતી ચર્ચામાં જ્યારે રાહુલ ગાંધી બોલી રહ્યા હતા ત્યારે સ્પીકર ઓમ બીરલાએ એમનું માઇક બંધ કરી દીધું હતું.
'ઘૂસખોર પંડીત' બનાવનારાઓને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રિમ કોર્ટે ઓટીટી પ્લેટફોર્મ નેટફલીક્સ અને ફિલ્મ દિગ્દર્શક નીરજ પાંડે પાસે 'ઘૂસખોર પંડીત' ટાઇટલ બાબતે ખૂલાસો માંગ્યો હતો. ન્યાયાધીશોએ કહ્યું હતું કે, કોર્ટ એ જાણવા માંગે છે કે, ફ્લ્મિનું નામ બદલવાનો પ્રસ્તાવ કેમ રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, આ પ્રકારનું નામ એટલા માટે નક્કી કરવામાં આવે છે કે ફિલ્મને પ્રસિદ્ધી મળે. જસ્ટીસ બી વી નાગરત્નાની બેન્ચે 'ઘૂસખોર પંડીત'ના નિર્માતાને ઠપકો આપતા કહ્યું હતું કે, કોઈપણ વર્ગને અપમાનીત કરી શકાય નહીં. સમાજમાં પહેલા જ આટલી મોટી તડ છે. એને તેમા હવે તમે વધારો નહીં કરો. તમે ટાઇટલ બદલવાની વાત કરો છો તો અમને કહો કે તમે નવું નામ કયું રાખવાના છો? એ પણ કહો કે તમારી ફિલ્મમાં સમાજના કોઈક વર્ગ માટે વાંધાજનક વાત છે કે નહીં?
જંગલ પર અતિક્રમણ દુર કરવા આસામ સરકારને સુપ્રીમની મંજૂરી
આસામના દોયાંગ, સાઉથ નંબર, જમુના મંડુગા, બરફાની, લુટુમાઇ અને ગોલાઘાટ રીઝર્વ્ડ ફોરેસ્ટ પરના ગેરકાયદેસર કબજો દુર કરવા માટે સુપ્રિમ કોર્ટે આસામ સરકારને છૂટ આપી છે. સરકારે કરેલી એફિડેવિટ પ્રમાણે નોટીસ અપાયા પછી ફોરેસ્ટ અને રેવન્યુ અધિકારીઓ જોઇન્ટ કમિટી સમક્ષ આવે છે. જેમણે જમીન પર કબજો કર્યો છે એમની વાત સાંભળવાનો અધિકાર કમિટીને છે. જ્યારે સાબિત થાય કે જમીન પરનો કબજો ગેરકાયદેસરનો છે ત્યારે એને હટાવવા માટે કાર્યવાહી થઈ શકે છે. પરવાનગી વગરનો કબજો ખાલી કરવા માટે ૧૫ દિવસની નોટીસ સ્પીકીંગ ઓર્ડર આપવામાં આવે છે. જસ્ટીસ પી એસ નરસિંહા અને જસ્ટીસ આલોક રાધેની બેન્ચે એવું સૂચન આપ્યું હતું કે, સ્પીકીંગ ઓર્ડર પાસ થયાના ૧૫ દિવસો પુરા થાય ત્યા સુધી સ્ટેટસ ક્વો બનાવી રાખે. બેન્ચે કહ્યું હતું કે, 'અમારા મતે રીઝર્વ્ડ ફોરેસ્ટ પર કરવામાં આવેલું દબાણ હટાવવા માટે રાજ્ય સરકાર જે પગલા લેશે એના અમલમાં સલામતીના ઉપાય પણ છે. અતીક્રમણ હટાવવા માટે રાજ્ય સરકાર જે પ્રોસેસ કરવા માંગે છે એમાં રીઝનેબલનેસ અને ડયુ પ્રોસેસના પ્રીન્સીપાલ પણ છે.'


