mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઉમરની આગાહી, એનડીએ 400 પ્લસ બેઠકો જીતશે

Updated: Feb 13th, 2024

ઉમરની આગાહી, એનડીએ 400 પ્લસ બેઠકો જીતશે 1 - image


નવી દિલ્હી : નરેન્દ્ર મોદીએ ભાજપને લોકસભામાં ૩૭૦ પ્લસ અને એનડીએને ૪૦૦ પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો તેને ભાજપના નેતા આકરો માની રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ તો એનડીએ સરળતાથી ૪૦૦ પ્લસ બેઠકો જીતી જશે એવી આગાહી કરી નાંખી છે.

અબ્દુલ્લાનું કહેવું છે કે, વિપક્ષો એ હદે નબળા છે કે ભાજપ માટે ૪૦૦ પ્લસ બેઠકો જીતવી જરાય અઘરી નથી. ભાજપ પાસે મંદિર છે, મની છે અને મસલ પાવર પણ છે જ્યારે વિપક્ષો નબળા છે અને નાણાં વિનાના છે તેથી ભાજપ પોતે પણ ૩૭૦ પ્લસ બેઠકો જીતી શકે છે. ઉમરે ભાજપ વિરોધી પક્ષોને લોકસભાની ચૂંટણી પહેલાં એક થઈ જવાની સલાહ આપી છે પણ ઈન્ડિયા મોરચામાં પડી રહેલા ભંગાણ માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનું ટાળ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, ઉમરની ભાજપની તાકાત અંગેની વાત સાચી છે પણ કોંગ્રેસનો બચાવ ખોટો છે.

ચવાણની ભાજપમાં એન્ટ્રી મંત્રીપદને મુદ્દે અટવાઈ

મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોકરાવ ચવાણે કોંગ્રેસ છોડી દીધી છે પણ હજુ કોઈ પક્ષમાં જોડાયા નથી. સૂત્રોનું કહેવું છે કે, ચવાણ ભાજપમાં જોડાશે એ નક્કી હતું પણ ચવાણને શું આપવું એ મુદ્દે ભાજપ અવઢવમાં હોવાથી ચવાણની ભાજપમાં એન્ટ્રી વિલંબમાં પડી છે. ભાજપ ચવાણને લોકસભાની ચૂંટણી લડાવવા માગે છે જ્યારે ચવાણને રાજ્યસભામાં સભ્યપદ અને લોકસભાની ચૂંટણી પછી મંત્રીપદ પણ જોઈએ છે. ભાજપ નેતાગીરી ચવાણની માગણી અંગે વિચાર કરીને એક-બે દિવસમાં જણાવશે એ જોતાં ચવાણ કઈ તરફ જશે એ જલદી નક્કી થઈ જશે. ચવાણને આવકારવા એકનાથ શિંદે અને અજીત પવાર પણ તૈયાર છે પણ ચવાણની પહેલી પસંદગી ભાજપ હોવાથી બંને શાંત બેઠા છે.

ચવાણની વિદાય સાથે એક મહિનામાં કોંગ્રેસને ત્રીજો મોટો ફટકો પડયો છે. આ પહેલાં મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકી કોંગ્રેસને રામ રામ કરી ચૂક્યા છે.

દિલ્હીમાં આપ-કોંગ્રેસ સમજૂતી અંગે ગૂંચવાડો

પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ ૧૩ બેઠકો એકલા હાથે લડવાનું નક્કી કર્યું પછી દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ અંગે ગૂંચવાડો છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયના નિવેદનોએ આ ગૂંચવાડો વધાર્યો છે. કેજરીવાલે પંજાબની સભામાં દાવો કર્યો કે, દિલ્હીની જનતાએ આ વખતે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનો નિશ્ચય લીધો છે. આડકતરી રીતે કેજરીવાલે દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરાય અને આપ એકલા હાથે લડશે એવો સંકેત આપી દીધી.

બીજી તરફ આપના દિલ્હીના પ્રભારી ગોપાલ રાયે દાવો કર્યો છે કે, મંગળવારે મળનારી બેઠકમાં કોંગ્રેસ સાથેના જોડાણ અંગે નિર્ણય લેવાશે. મંગળવારે આપની બેઠકમાં ગુજરાત, હરિયાણા અને ગોઆના ઉમેદવારો અંગે નિર્ણય લેવાવાનો છે ત્યારે દિલ્હી અંગે પણ નિર્ણય લેવાઈ જશે. આ વિરોધાભાસી નિવેદનોથી આપના કાર્યકરો અને નેતાઓ ગૂંચવાયા છે.

ભાજપે માંઝીને આંચકો આપીને ચૂપ કરી દીધા

બિહારમાં નીતિશ કુમારની સરકારે વિશ્વાસનો મત જીતી લેતાં ભાજપને હાશકારો થયો છે. ભાજપને જીતનરામ માંઝી છેલ્લી ઘડીએ દાવ કરી જાય તેની ચિંતા હતી તેથી તેણે આરજેડીના ત્રણ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા હતા. ભાજપની વ્યૂહરચનાથી આશ્ચર્યમાં મૂકાઈ ગયેલા માંઝીએ કોઈ નાટક કર્યા વિના એનડીએ દ્વારા સ્પીકર અવધ બિહારી ચૌધરીને હટાવવા માટે મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપી દેતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવિશ્વાસની દરખાસ્ત પહેલાં આરજેડીના ત્રણ ધારાસભ્યો ચેતન આનંદ, નીલમ દેવી અને પ્રહલાદ યાદવ ભાજપ-જેડીયુની સાથે જઈને બેઠા હતા પણ તેમણે અવિશ્વાસની દરખાસ્તની વિરૂધ્ધ મતદાન કર્યું હતું.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, માંઝીએ ભાજપને દબાવવા કરેલા નાટકના કારણે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ કોઈ નક્કર નિર્ણય લેશે. માંઝીએ બે મંત્રીપદ અને લોકસભાની ચાર બેઠકોની માગણી કરી છે પણ ભાજપ તેમને એક જ મંત્રીપદ અને બે લોકસભા બેઠકોની ઓફર આપશે.

રાજ્યપાલ રાષ્ટ્રગીત પહેલાં નિકળી જતાં વિવાદ

તમિલનાડુમાં આર.એન. રવિએ વિધાનસભાને સંબોધન વખતે સ્ટાલિન સરકારે આપેલું પ્રવચન વાંચવાનો ઈન્કાર કરીને રાષ્ટ્રગીતના ગાન પહેલાં જ વિધાનસભામાંથી બહાર નિકળી જતાં નવો વિવાદ ખડો કરી દીધો છે. ગૃહના નિયમ પ્રમાણે રાજ્યપાલનું વિધાનસભાને સંબોધન સમાપ્ત થાય પછી રાષ્ટ્રગીત વગાડાતું હોય છે પણ રાજ્યપાલ ત્યાં સુધી રોકાયા જ નહોતા. સૂત્રોનું કહેવું છે કે, સરકારના પ્રવચનમાં સાવરકર અને નાથુરામ ગોડસેનો ઉલ્લેખ હોવાથી રાજ્યપાલ અકળાઈ ગયા હતા.

રવિએ સરકારે આપેલું પ્રવચન આખેઆખું વાંચવાના બદલે પોતાની કેટલીક ટીપ્પણીઓ ઉમેરી હતી. પ્રવચનની શરૂઆતની થોડી મિનિટોમા જ રવિએ પોતાની રીતે બોલવાનું ચાલુ કરતાં સ્પીકર એમ. અપ્પાવુએ તેની સામે વાંધો લઈને તમિલનાડુમાં આવેલા પૂરને મુદ્દે બોલવા કહ્યું હતું. તેનાથી અકળાયેલા રાજ્યપાલે ચાલતી પકડી હતી.

ડીએમકે અને કોંગ્રેસે આ મુદ્દાને ચગાવ્યો છે. રાષ્ટ્રની એકતાની વાતો કરનારા રાષ્ટ્રગીતનું સન્માન નથી કરી રહ્યા એવી ટીકા બંને પક્ષના નેતા કરી રહ્યા છે.

અજમલની મુસ્લિમ સ્ત્રીઓ વિશેની ટીકાથી વિવાદ

આસામમાં કોંગ્રેસના સાથી અને સાંસદ બદરુદ્દીન અજમલે એક હિંદુ સંસ્થાના કાર્યક્રમમાં પહોંચી જઈને ઓપન સેશનમા કરેલાં નિવેદનોના કારણે વિવાદ સર્જાયો છે. શંકરદેવ સંઘના યુથ કોન્કલેવમાં પહોંચી ગયેલા અજમલે મુસ્લિમ મહિલાઓ બુરખો નથી પહેરતી એ બદલ ઝાટકી હતી. અજમલે મુસ્લિમ છોકરીઓ અનૈતિક આચરણ કરતી હોવાની ટીકા પણ કરી હતી. અજમલે કહ્યું કે, મારો કાફલો પસાર થતો હતો ત્યારે મુસ્લિમ છોકરીઓ બેશરમથીથી બૂમો પાડતી હતી અને મારા કાફલાના સીક્યુરિટી જવાનો સામે હાથ હલાવતી હતી.

અજમલના નિવેદનની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. અજમલને લોકો મોરલ પોલિસ બનવાના બદલે સમાજના હિત માટે કામ કરવાની સલાહ પણ આપી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ તો અજમલમાં રીતભાતની સમજ જ નહીં હોવાની ટીકા પણ કરી છે. તેમનું કહેવું છે કે, અજમલ જેવાં લોકો માટે સ્ત્રીઓ બાળકો પેદા કરવાનું મશીન જ છે તેથી તેમની પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી  શકાય.

***

પત્રકાર સાગરિકા મમતા બેનરજીને વખાણે છે

તૃણમૂલ કોંગ્રેસે જેમને ૨૭ ફેબુ્રઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યાં છે એ પત્રકાર સાગરિકા ઘોષે મમતા બેનરજીની પ્રશંસામાં એક્સ પર જણાવ્યું કે પોતે મમતાજીની અદમ્ય હિંમતમાંથી પ્રેરણા મેળવતાં રહ્યાં છે. તેઓ ભારતના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે. બંધારણીય લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે મારી પ્રતિબધ્ધતા અડગ છે, એમ ઘોષે જણાવ્યું.

ઐય્યરે લાહોરમાં પાક.ની પ્રશંસા કરી, મોદીને વખોડયા

લાહોર પહોંચેલા કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐય્યરે પાકિસ્તાની પ્રજાને ભારતની મહાન અસ્કયામત ગણાવી, જ્યારે પાકિસ્તાન સાથે વાટાઘાટોના દ્વાર બંધ કરી દેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરીને વિવાદ સર્જ્યો છે. મારાં અનુભવ પરથી કહું છું કે પાકિસ્તાનીઓ એવી પ્રજા છે કે જે કોઇપણ મુદ્દે અતિરેકભરી લાગણી વ્યક્ત કરે છે. જો આપણે એમના મિત્ર બની રહીએ તો તેઓ સવાયા મિત્ર બને છે, અને જો આપણે એમના પ્રત્યે શત્રુતા રાખીએ તો તેઓ આકરા શત્રુ પણ બની રહેશે. મને જે રીતે પાકિસ્તાનમાં ઉષ્માભર્યો આવકાર મળ્યો છે એવો સત્કાર અન્ય કોઇ દેશમાં સાંપડયો નથી, એમ પાકિસ્તાની અખબાર 'ડોન'માં ઐય્યરને ટાંકીને જણાવાયું છે.

કમિશનના આક્ષેપો અંગે ભાજપે તપાસ માગી

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષની પાટલી પર બેસતા ભાજપના નેતા આર.અશોકે જણાવ્યું કે કર્ણાટક રાજ્ય કોન્ટ્રાકટર્સ એસોસિએશનના અધ્યક્ષ ડી.કેમ્પાન્નાએ કરેલા આક્ષેપોની ગંભીરતા જોતા મુખ્યમંત્રી સિધ્ધારામૈયાને સત્તામાં ચાલુ રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. એમણે રાજીનામું આપવું જોઇએ. હવે કોંગ્રેસ શું કરવા જઇ રહી છે? આવકવેરા વિભાગે બે કોંગ્રેસી નેતાઓને ઘેર પાડેલા દરોડા દરમિયાન પ્રત્યેકના ઘેરથી ૫૦-૫૦ કરોડ મળી આવ્યા! સરકારના  મુખ્યમંત્રી હવે કયો મુખોટો પહેરશે? એમને પળવાર માટે પણ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાની કોઇ નૈતિક સત્તા નથી, એમ આર.અશોકે જણાવ્યું.

કાર્તિકે મોદીની પ્રશંસા કરી, તમિલ કોંગ્રેસમાં ભાગલા

તમિલનાડુસ્થિત કોંગ્રેસી ગઢ શિવગંગામાં કોંગ્રેસના એક જૂથે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ પી. ચિદમ્બરને આગામી લોકસભા ચૂંટણી માટે આ મતવિસ્તારમાંથી ફરીથી ટિકિટ નહિ આપવાનો ગઇ તા.૩ ફેબુ્રઆરીની બેઠકમાં ઠરાવ કર્યો છે. જો કે કોંગ્રેસી મોવડીમંડળે આ બનાવ માટે બળવાખોરોને  દોષિત ગણાવીને જણાવ્યું કે સ્થાનિક નેતાઓએ પસાર કરેલા અન્ય ઠરાવમાં કાર્તિની ઉમેદવારીને મંજૂરી અપાઇ છે. ગયા મહિને એક ટીવી ઇન્ટરવ્યુમાં કાર્તિને પ્રશ્ન પૂછાયો હતો કે શું રાહુલ ગાંધી વડાપ્રધાન માટે યોગ્ય છે? પૂર્વ કેન્દ્રીય મંત્રી ઇ.એમ. સુદર્શન નાટચિઆપ્પને આ વિષેની ટિપ્પણીમાં જણાવ્યુ કે કાર્તિ, રાહુલ ગાંધીની તુલનામાં મોદીની તરફેણમાં જે રીતે બોલ્યા એનાથી કોંગ્રેસના મતદારો તથા સહયોગી પક્ષોની લાગણી ઘવાઇ છે.

ઘર ઘર રાશન યોજનાને કેન્દ્રનો અવરોધ : અતિશી

દિલ્હીના મંત્રી એવા આપ નેતા અતિશીએ પત્રકારોને જણાવ્યું કે દિલ્હી સરકારની ઘર ઘર રાશન યોજનાનો ઉદ્દેશ પ્રજાને રાશનનું અનાજ મળે એની ચોકસાઇ કરવાનો છે, પરંતુ કેન્દ્ર સરકારના ઇશારે દિલ્હીના લેફટેનન્ટ ગવર્નરે યોજનામાં અવરોધ ખડા કરી એનો પુનઃ કદી અમલ કરવા દીધો નથી. ગરીબો માટેની આ યોજના અંતર્ગત પ્રત્યેક ગરીબ કુટુંબ પાસે રાશનકાર્ડ હોય છે, જેના પર એને ઘઉં, ચોખા, કઠોળ તથા ખાંડ વગેરે મળે છે, પરંતુ કેન્દ્ર સરકાર  આ યોજનાના અમલમાં અવરોધ ખડા કરી રહી છે, એમ અતિશીએ ઉમેર્યું.

- ઇન્દર સાહની

Gujarat