For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ઓબીસી ક્રિમી લેયરની આવક મર્યાદા વધારાશે

Updated: Aug 14th, 2021

Article Content Image

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપરાછાપરી ઓબીસી કાર્ડ ઉતરી રહી છે. પહેલાં મેડિકલ એડમિશનમાં સેન્ટ્રલ ક્વોટામાં ઓબીસી માટે અનામતનો નિર્ણય લીધો. પછી ઓબીસી જ્ઞાાતિઓની યાદીમાં સુધારો કરવાની સત્તા રાજ્યો આપતો ખરડો સંસદમાં પસાર કર્યો.

હવે વધુ એક મોટો નિર્ણય લઈને સરકાર ઓબીસી ક્રીમી લેયરની આવક મર્યાદા ૧૨ લાખ કરશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. હાલમાં આવક મર્યાદા ૮ લાખ છે તેથી ઓબીસી હોય પણ ૮ લાખથી વધુ આવક હોય એવા પરિવારોને અનામતનો લાભ મળતો નથી. આ જોગવાઈના કારણે ઓબીસી ક્રીમી લેયર વર્ગ નારાજ છે. ક્રીમી લેયર આવક મર્યાદા વધારીને મોદી તેમને ખુશ કરી દેવા માગે છે. મોદીએ સંબંધિત મંત્રાલયોને સૂચના પણ આપી દીધી છે. યુપીમાં ચૂંટણીની જાહેરાત પહેલાં આ જાહેરાત થઈ જશે એવો સૂત્રોનો દાવો છે.  

યુપીમાં ઓબીસી મતબેંક નિર્ણાયક છે. આ મતબેંકને તોડવામાં ભાજપ સફળ રહ્યો હતો પણ ઓબીસી મતદારો ફરી સપા તરફ વળતાં તેમને ભાજપ તરફ વાળવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.

બંગાળમાં ધનખડને સ્થાને યેદુરપ્પાને મૂકાશે 

પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડને તાત્કાલિક દિલ્હી બોલાવાતાં તેમની વિદાયની વાતો શરૂ થઈ છે. ધનખડના સ્થાને બી.એસ. યેદુરપ્પાને મોકલાશે એવી ચર્ચા ભાજપનાં વર્તુળોમાં ચાલી રહી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ધનખડ મમતા બેનરજી પર દબાણ નથી લાવી શકતા એવું હાઈકમાન્ડને લાગે છે તેથી યેદુરપ્પા હા પાડે કે તરત ધનખડની વિદાય નક્કી છે.

ધનખડને બુધવારે તાત્કાલિક દિલ્હી બોલાવીને વડાપ્રધાનને મળવા કહેવાયું હતું. ધનખડને ઓફિસમાં કે નિવાસસ્થાને મળવાના બદલે સંસદમાં મળવા બોલાવાયા હતા. વડાપ્રધાને પાંચેક મિનિટમાં જ ધનખડને રવાના કરી દીધા હતા. મોદીની સૂચનાને પગલે ધનખડ અમિત શાહને મળવા ગયા હતા પણ શાહ મળ્યા નહોતા.

ગુરૂવારે પણ શાહ ધનખડને મળ્યા વિના જ આંધ્ર પ્રદેશ જતા રહેતાં ધનખડે આખો દિવસ રાહ જોવી પડી હતી. ગુરવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ શાહ ધનખડને મળ્યા હતા. શાહે પણ થોડીક મિનિટોમાં ધનખડને રવાના કરી દીધા હતા. તેના કારણે ધનખડ ભાજપ હાઈકમાન્ડની નજરમાંથી ઉતરી ગયા હોવાની વાતો ચાલી રહી છે.

મોદી દ્વારા નીતિશની ઉપેક્ષાથી જેડીયુમાં ઉકળાટ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને ૪ ઓગસ્ટે પત્ર લખીને મળવાનો સમય માંગ્યો હતો. એક અઠવાડિયા પછી પણ કોઈ જવાબ ના અપાતાં જેડીયુમાં ઉકળાટ છે. બિહારમાં સર્વપક્ષીય બેઠકમાં નીતિશ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરે એવો નિર્ણય લેવાયો હતો. તેના આધારે નીતિશે મોદીને પત્ર લખ્યો હતો પણ વડાપ્રધાને તેને ગણકાર્યો જ નથી.

જેડીયુના કેટલાક નેતાઓએ શુક્રવારે નીતિશને મળીને આક્રોશ ઠાલવ્યો કે, વડાપ્રધાન બિહારના મુખ્યમંત્રીને મળવાનો સમય ના આપે એ સમગ્ર બિહારનું અપમાન છે. બિહાર વિધાનસભાએ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી કરાવવા બે વાર ઠરાવ પણ પસાર કર્યો છે પણ સરકાર તેને પણ ધ્યાનમાં નહીં લઈને બિહારની પ્રજાનું અપમાન કરી રહી છે. આ અપમાન સહન કરવાના બદલે જેડીયુએ ભાજપથી અલગ થઈ જવું જોઈએ.

નીતિશ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી અંગે રજૂઆત કરવા મોદીને મળવા માગે છે. નીતિશ આ મુદ્દે બરાબરના ફસાયા છે ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ મોદીને પત્ર લખીને મળવાનો સમય માગ્યો છે.

સરકારી બંગલા માટે ભાજપના બે નેતા બાખડયા

ભાજપના જ બે ટોચના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રમેશ પોખરીયાલ નિઃશંક સરકારી બંગલાને મામલે સામસામે આવી ગયા છે. વડાપ્રધાને પ્રધાનમંડળની પુનર્રચના કરી ત્યારે પોખરીયાલને પડતા મૂક્યા હતા જ્યારે સિંધિયાને સમાવીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપ્યું હતું.

પોખરીયાલ મંત્રી હતા ત્યારે ૨૭, સફદરજંગ બંગલામાં રહેતા હતા. સિંધિયાએ પોતાને આ બંગલો ફાળવવા માગણ કરી હતી કેમ કે તેમના પિતા માધવરાવ રાજીવ સરકારમાં મંત્રી હતા ત્યારે આ બંગલો તેમને ફાળવાયેલો. જ્યોતિરાદિત્યનું બાળપણ આ બંગલામાં વિત્યું હોવાથી તેમણે આ બંગલાની માગણી કરી હતી.

મંત્રીપદેથી હટાવી દેવાયા પછી એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરી દેવાનો હોય પણ પોખરીયાલે બંગલો ખાલી કર્યો નથી તેથી સિંધિયા લટકી ગયા છે. બીજી તરફ પોખરીયાલે બંગલો ખાલી કરવા તૈયાર નથી. તેમણે આ અંગે પીએમઓમાં રજૂઆત કરવાની ચીમકી આપી છે. એસ્ટેટ ડીપાર્ટમેન્ટે પોખરીયાલની બંગલો ખાલી કરવાની અનિચ્છાની જાણ કરીને જ્યોતિરાદિત્યને બીજા બે વિકલ્પ આપ્યા પણ જ્યોતિરાદિત્યને બીજો બંગલો જોઈતો નથી.  ભાજપના બે નેતાની લડાઈમાં અધિકારીઓ ફસાયા છે.

યોગીના આશીર્વાદથી મૌર્ય ઘરભેગા થશે ?

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ભાજપની આંતરિક જૂથબંધીમાં વધેરાઈ જાય એવા સંકેત છે. ભાજપના નેતા દિવાકર ત્રિપાઠીએ કરેલી અરજીને સ્વીકારીને કોર્ટે મૌર્યની  માર્કશીટ અને ડીગ્રીની તપાસ કરવાનું ફરમાન કરતાં મૌર્ય માટે કપરા દાડા હોવાનું લાગી રહ્યું છે.

મૌર્યે ચૂંટણીની એફિડેવિટમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરીને ત્રિપાઠીએ કોર્ટમાં અરજી કરી હતી. ત્રિપાઠીનો આક્ષેપ છે કે, મૌર્યે માન્યતા પ્રાપ્ત ના હોય એવી સંસ્થાની ડીગ્રી તો રજૂ કરી જ છે પણ આ ડીગ્રી પણ બોગસ છે કેમ કે ડીગ્રી પર જે એનરોલમેન્ટ નંબર છે એ કોઈ મહિલાનો છે. કોર્ટે ૨૫ ઓગસ્ટ સુધીમાં મૌર્યની  માર્કશીટ અને ડીગ્રીની તપાસ કરીને આદેશ આપવા કહ્યું છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મૌર્ય સામે ભાજપના નેતા અરજી કરે અને છતાં પક્ષમાં ટકી રહે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ત્રિપાઠીને પક્ષમાંથી જ પીઠબળ મળી રહ્યું છે. મૌર્ય અમિત શાહની નજીક હોવાથી યોગી કેમ્પ ત્રિપાઠીની સાથે હોવાનું સ્પષ્ટ છે.

સોનિયાની વિપક્ષી નેતાઓની બેઠક પર સૌની નજર

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ સામે એક થઈને લડવાની વાતો વચ્ચે સૌની નજર સોનિયા ગાંધીએ ૨૧ ઓગસ્ટે બોલાવેલી વિપક્ષી નેતાઓની બેઠક પર છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ બેઠકમાં હાજરી આપશે કે નહીં એ જાણવામાં સૌને રસ છે.

ગુરૂવારે રાહુલ ગાંધીની સંસદ કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને 'આપ' બંને જોડાયાં નહોતાં તેથી કોંગ્રેસથી બંને અંતર રાખવા માગે છે એવું લાગ્યું હતું પણ તૃણમૂલે સોનિયાની બેઠકમાં મમતા પોતે હાજરી આપશે એવો સંકેત આપ્યો છે. સોનિયાએ પોતે મમતાને ફોન કર્યો હોવાથી મમતા હાજર રહેશે એવું મનાય છે.

કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, સોનિયાએ મમતાની જેમ 'આપ'ના નેતાઓને ફોન કરે એવી શક્યતા નથી. સોનિયા અને રાહુલ મમતા સાથે સંબંધો ગાઢ કરવા માગે છે કેમ કે તૃણમૂલ સાથેની સ્પર્ધામાં કોંગ્રેસ સાવ ફેંકાઈ ગઈ છે. બીજી તરફ પંજાબ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે 'આપ' હરીફ બનીને ઉભરી છે તેથી સોનિયા તેને મહત્વ આપીને સ્થાનિક નેતાઓને નારાજ કરવા માગતાં નથી.

***

યોગીના નાયબ મુખ્યપ્રધાનના શૈક્ષણિક પ્રમાણ ચકાસાશે

ભાજપના હોદ્દેદારે દાખલ કરેલી  ફરિયાદના આધારે અલ્હાબાદ કોર્ટે પોલીસને જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એકેડેમિક સર્ટિફિકેટ અને માર્કશીટ્સની પ્રમાણભૂતતાની ચકાસણી કરવામાં આવે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) એક્ટિવિસ્ટ અને જિલ્લા સ્તરના ભાજપના હોદ્દેદાર દિવાકર નાથ ત્રિપાઠીએ એડિશન ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ નમ્રતાસિંઘની કોર્ટમાં મૌર્ય સામે બનાવટની ફરિયાદનો કેસ દાખલ કરવાની અરજી કરી હતી. કોર્ટે પોલીસને ૨૫મી ઓગસ્ટની આગામી સુનાવણી પહેલા ઇન્ક્વાયરી રિપોર્ટ આપવા કહ્યું હતું. મૌર્યએ ૨૦૦૭માં અલ્હાબાદ પશ્ચિમમાં વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યુ હતુ. તેમા હિન્દી સાહિત્ય સંમેલનનું ઇન્ટરમીડિયેટ (પ્લસ-ટુ)નું પ્રમાણપત્ર અને બે માર્કશીટ આપી હતી, જેને કોઈપણ શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી નથી, એમ ત્રિપાઠીએ જણાવ્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં પણ જણાવ્યું છે કે સંમેલનની ડિગ્રીઓ અને પ્રમાણપત્ર અભ્યાસના પ્રમાણપત્રો ન ગણાય. 

પોતાના જ ઘરેથી કામ કરતાં બોમ્માઈ

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈ તેમના કુટુંબ અને સ્ટાફને લઈને જઈ રહી શકે તેવું કોઈ સત્તાવાર નિવાસ્થાન નથી. તેથી તેઓ પોતાના આરટી નગર ખાતેના ઘરેથી કામ કરી રહ્યા છે અને સવારની બેઠકોનું આયોજન કરવા માટે કુમારકૃપા ખાતેના સરકારી ગેસ્ટહાઉસનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના પુરોગામી બીએસ યેદિયુરપ્પાએ ગયા મહિને સીએમ પદેથી રાજીનામુ આપી દીધું છે, પરંતુ તેઓ આ સત્તાવાર નિવાસ્થાન કાવેરી ખાતે રહેવા ઇચ્છે છે. બ્રિટિશ યુગનો આ બંગલનો મધ્યમ બેંગ્લુરુમાં આવેલો છે. બોમ્માઈ તેમને આ સ્થળ ખાલી કરવા પણ કહી શકે તેમ નથી. વિચિત્ર વાત એ છે કે કર્ણાટકના સીએમ પાસે રાજ્યની રાજધાનીમાં સીએમ હાઉસ કહી શકાય તેવું મકાન નથી. વર્ષો વીતવાની સાથે મુખ્યપ્રધાનોએ બેંગ્લુરુના મધ્ય ભાગમાં બ્રિટિશ યુગના કેટલાય બંગલાઓને પોતાના વસવાટનું સ્થળ બનાવી દીધા છે. તેનું કારણ તેનું વાસ્તુ અને અન્ય જ્યોતિષી માન્યતા છે. તેના લીધે હવે સ્થિતિ એવી આવી છે કે નવા સીએમ પાસે રહેઠાણનું કોઈ સ્થાન નથી, એમ સૂત્રોનું કહેવું છે. 

ચૂંટણી લડવા અંગે બીકેયુના જૂથે જનમંતવ્યો મંગાવ્યા

ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના ભુપિન્દરસિંઘ માનના જૂથની આગેવાની હેઠળના ખેડૂતોથું જૂથ કૃષિ કાયદાનો જોરશોરથી વિરોધ કરી રહ્યું છે. તેણે ટ્વિટર પર લોકોના મંતવ્યો મંગાવ્યા છે કે તેમણે લોકસભાની ચૂંટણી લડવી જોઈએ કે નહી. આ જૂથ મુખ્યત્વે પંજાબમાં સક્રિય છે. તેણએ જણાવ્યું હતું કે તેણે બીજી વખત આ રીતે મંતવ્યો મંગાવ્યા છે. અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં કરાયેલા પોલમાં બે તૃતિયાંશ લોકોએ ચૂંટણીમાં ઝંપલાવવા જણાવ્યું હતું. પણ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) જે આ વિરોધ પ્રદર્શનનું એકછત્રીય સંગઠન છે તેણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ રાજકીય ન બનવું જોઈએ. પરંતુ તેણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં ભાજપની સામે મતદાન કરવામાં આવે, જે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ બંનેમાં શાસન કરે છે. 

પશ્ચિમ બંગાળમાં અભિષેક આગામી મુખ્યપ્રધાન બની શકે

પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનરજી માટે ૯૦ દિવસથી પણ ઓછા સમયમાં વિધાનસભ્ય બનવું મુશ્કેલ છે. આ સ્થિતિમાં તે તેના હોદ્દા પરથી રાજીનામુ આપી શકે. આ સંજોગોમાં ટીએમસીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી એકમાત્ર એવી વ્યક્તિ છે જેની મમતા બેનરજી રાજ્યના આગામી મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરી શકે, એમ ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના રાણાઘાટ ખાતેના સાંસદ જગન્નાથ સરકારે જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે જો મમતા આગામી ૯૦ દિવસમાં વિધાનસભ્ય ન બની શકે તો તેણે મુખ્યમંત્રી પદેથી બંધારણીય નિયમ મુજબ રાજીનામુ આપવું પડશે. કોઈપણ વ્યક્તિ ચૂંટાયા વગર વધુમાં વધુ છ મહિના સીએમ રહી શકે તેનાથી વધારે સમય નહી. પછી તેણે રાજીનામું આપવે પડે. 

- ઇન્દર સાહની

Gujarat