નવીદિલ્હી: સુપ્રિમ કોર્ટે એક સુનાવણી વખતે એક સાથે ૨૫ જાહેર હીતની અરજીઓનો નિકાલ કરી નાંખ્યો હતો. સીજેઆઇ સૂર્યકાંતની બેન્ચે કહ્યું હતું કે, અરજી કરનારાઓએ પહેલા સ્થાનીક સત્તાધિશો પાસે જવું જોઈએ. જો ત્યાં કામ નહીં થાય તો જ કોર્ટ પાસે આવવું જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, અધિકારીઓએ જુદા જુદા મુદ્દાઓ પર જાગૃતિ રાખીને સંવેદનશીલ બનવાની જરૂર છે. સાથે વકીલો પાસે પણ અપેક્ષા છે કે, દરેક કિસ્સા સમજીને કોર્ટમાં ક્યારે જવું એ નક્કી કરે. કોર્ટ એ છેલ્લો વિકલ્પ છે. દરેક વખતે પહેલો વિકલ્પ કોર્ટ હોવી જોઈએ નહીં. એક સમાન ભાષા નીતિ, સાબુ અને કેમિકલ માટેના નિયમો, દેશ આખામાં ફુડ રજિસ્ટ્રેશન અભિયાન જેવી માંગણીઓ બાબતે અરજીઓ થઈ હતી. આ તમામ અરજીઓ કોર્ટે એક સાથે ફગાવી દીધી છે.
સ્વેજ અને પનામા પસાર કરતી વખતે કેટલો ટોલ ભરવો પડે છે
આજકાલ હોર્મૂઝની ખાડી પરથી પસાર થતા જહાજો પાસેથી ઇરાને ટોલ ટેક્સ વસુલવો જોઈએ કે નહીં એની ચર્ચા થઈ રહી છે. એમ કહેવાય છે કે કેટલાક જહાજો પાસેથી તો પસાર થવા માટે લાખો ડોલરની રકમ માંગવામાં આવી રહી છે. સવાલ એ થાય છે કે, શું કોઈપણ સમુદ્રના રસ્તે પસાર થવા માટે ટોલ લઈ શકાય ખરો? હોર્મૂઝની ખાડી એક કુદરતી રસ્તો છે. જે આંતરરાષ્ટ્રીય સમુદ્ર માર્ગનો હિસ્સો છે. એનો એક ભાગ ઓમાનના નિયંત્રણમાં છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદો, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રનો 'લો ઓફ ધ સી'ના નિયમો સ્પષ્ટ છે. 'ટ્રાન્ઝીટ પેસેજ'માંથી પસાર થતા જહાજોને જવા દેવા પડે. વિશ્વમાં કેટલાક એવા પણ સમુદ્રી રસ્તા છે કે જે માનવ સર્જીત છે. સ્વેજ નહેર મિશ્રમાં છે અને ત્યાંથી પસાર થતા જહાજોએ ટોલ આપવો પડે છે. એ જ રીતે પનામા નહેર પણ માનવ સર્જીત હોવાથી ત્યાંથી પસાર થતા વાહનોએ પણ ટોલ ભરવો પડે છે.
કતરના વચનથી ભારતને શાંતિ
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કતરએ સાફ કહ્યું છે કે, ભારતે ગેસ અને ઓઇલ સપ્લાયની ચિંતા કરવાની જરૂર નથી. ભારતને ગેસ કે તેલ સપ્લાયની અછત પડશે નહીં. કતરના ઉર્જા મંત્રી સાદ શેરીદા અલ-કાબી અને ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથે મીટીંગ થઈ હતી. આ મીટીંગમાં બંને દેશોએ ઉર્જા, વેપાર, રોકાણ અને એક બીજા સાથેના સંબંધો વિશે ચર્ચા કરી હતી. કતરએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં પણ તે એક વિશ્વસનીય એનર્જી સપ્લાયર બની રહેશે. સપ્લાય ચેનમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય વેપાર કોઈપણ તકલીફ વગર ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી. ભારતની કુલ જરૂરિયાતના એલપીજી અને એલએનજીનો મોટા ભાગનો હિસ્સો કતર સપ્લાય કરે છે.
હોર્મૂઝની ખાડી, ઇરાનનું શક્તિશાળી હથિયાર
ઇરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ પછી હવે લોકો માનવા માંડયા છે કે, ઇરાનની તાકાત એની પરમાણુ ક્ષમતા નહીં, પરંતુ હોર્મૂઝની ખાડી છે. ઇરાન ઇચ્છે ત્યારે આ ખાડી બંધ કરીને વિશ્વ આખામાં ઓઇલનો પૂરવઠો ખોરવી શકે છે. વિશ્વને ઓઇલ અને ગેસના પૂરવઠા માટે હોર્મૂઝની ખાડીની જરૂર પડે છે. ઇસ્લામીક રિવોલ્યુસનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)ના અધિકારીઓ પણ સ્વિકાર કરે છે કે જો હોર્મૂઝની ખાડી પર ઇરાનનું વર્ચસ્વ નહીં હોય તો ઇરાન આ યુદ્ધમાં ટકી શકે નહીં. યુદ્ધવિરામ માટેની શરતોમાં પણ હોર્મૂઝની ખાડી અગત્યની રહી છે. ૧૯૮૦ -૧૯૮૮ દરમિયાનના ઇરાન - ઇરાક વચ્ચેના યુદ્ધ વખતે પણ હોર્મૂઝ ખાડી સંદતર બંધ થઈ નહોતી. ઇરાન પોતાની આર્થિક તાકાત વધારવા હોર્મૂઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ લેતા હતા, આજે ઇરાન-અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટોમાં નિષ્ફળતા મળ્યા બાદ ટ્રમ્પે સૌ પ્રથમ અમેરિકી આર્મી ઉતારી હોર્મુઝ ખાડીનો કબજો જ લઈ લીધો છે. હવે જોવાનું રહે છે ઇરાન આનો પ્રતિભાવ કઈ રીતે આપે છે !
ઉત્તર પ્રદેશ - ગુજરાતમાં સૌથી વધુ મતદારોના નામ કપાયા
એસઆઇઆર અભિયાન હવે લગભગ પૂર્ણ થયું છે. દેશના મોટા ભાગના રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસીત પ્રદેશોની ગણના કરીએ તો મતદાર યાદીમાંથી ૬.૦૮ કરોડ મતદારો ઓછા થયા છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, રાજસ્થાન, છત્તિસગઢ, કેરળ, પુંડુચેરી, આંદામાન અને નિકોબાર દ્વીપ સમુહ, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવાના મતદારોની યાદી પ્રકાશિત થઈ ગઈ છે. એસઆઇઆર અભિયાનની શરૂઆત થઈ એ પહેલા ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે આ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસીત પ્રદેશોના મતદારોની સંખ્યા ૫૧ કરોડ હતી. એસઆઇઆર પછી આ સંખ્યા ૪૪.૯૨ કરોડ છે. એનો મતલબ એમ થયો છે ૬.૦૮ કરોડ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. દેશના ૯૯ કરોડ મતદારોમાંથી ૬૦ કરોડને આ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાકી ૪૦ કરોડ મતદારોને ૧૭ રાજ્યો અને ૫ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામેલ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં 'બાબરી મસ્જિદ' બનાવવાની વાત કરનાર વાયરલ વીડિયોથી ફસાયા
એક સમયે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય અને મમતા બેનર્જીના વિશ્વાસુ હુમાયુ કબીર થોડા મહિનાઓ પહેલા મમતાથી અલગ થઈ ગયા હતા. મમતાએ એમને ટીએમસીમાંથી હાંકી કાઢયા પછી હુમાયુએ પોતાના અલગ પક્ષની સ્થાપના કરી હતી. હુમાયુએ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ સાથે ગઠબંધન પણ કર્યું હતું. ત્યાર પછી હુમાયુનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'મુસલમાન બેવકુફ છે, અમે એમના મત કાપીને બીજેપીને મદદ કરીશું.' આ વીડિયો વાયરલ થયા પછી ઓવૈસીએ હુમાયુ સાથે સંબંધ કાપી નાખ્યા છે. હુમાયુના કહેવા પ્રમાણે આ વીડિયો ટીએમસીએ એઆઇની મદદથી બનાવ્યો છે. તૃણમુલ કોંગ્રેસના આઇટી સેલે આ વીડિયો વાયરલ કર્યો હતો. ઓવૈસીએ પણ હુમાયુની કડક ટીકા કરી છે. એમ મનાય છે કે ટીએમસીના માસ્ટર સ્ટ્રોકને કારણે હુમાયુ કબીરનું રાજકારણ પૂરૂં થઈ ગયંી છે.
ઉત્તર પ્રદેશના નાના ગામનો યુવક એનડીએ ટોપર બન્યો
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલા નાનકડા ગામ ઝકરીયાના રહેવાસી પાર્થકુમાર તિવારીની સફળતા ચર્ચાઈ રહી છે. આ યુવાને દેશની પ્રતિતિ એનડીએની પરીક્ષામાં રાષ્ટ્રીયસ્તરે નંબર એકનો રેન્ક મેળવ્યો છે. આ સફળતા પછી ગામના લોકો ઉત્સવ મનાવી રહ્યા છે. આ વખતે એનડીએની પરીક્ષામાં કુલ ૭૪૨ ઉમેદવારો સફળ થયા છે. એમાંથી ૬૫૧ પુરુષો છે જ્યારે ૯૧ મહિલા છે. સંપૂર્ણ લિસ્ટમાં પાર્થકુમાર તિવારી ટોચ પર છે. પાર્થનો જન્મ ૨૦૦૯ના વર્ષમાં થયો હતો અને એણે શરૂઆતનો અભ્યાસ કર્ણાટકના કોડગુ જિલ્લામાં કર્યો હતો. પાર્થ આઠમાં ધોરણમાં હતો ત્યારે એની પસંદગી દહેરાદુનની રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટ્રી કોલેજમાં થઈ હતી. પાર્થે ૨૦૨૫માં એનડીએની લેખીત પરીક્ષા આપી હતી. ત્યાર પછી આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ ખૂબ અઘરો ગણવામાં આવે છે.


