Get The App

દિલ્હીની વાત : યૌન પીડિતાનું નામ ખાનગી રખાતું હોય તો આરોપીનું શા માટે નહીં

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : યૌન પીડિતાનું નામ ખાનગી રખાતું હોય તો આરોપીનું શા માટે નહીં 1 - image

નવીદિલ્હી : મધ્યપ્રદેશની હાઇકોર્ટે બળાત્કારના આરોપીનું નામ જાહેર કરવા બાબતે પ્રશ્ન કર્યો છે. હાઇકોર્ટનું કહેવું છે કે, જો યૌન પીડીતાની ઓળખ ગુપ્ત રાખી શકાતી હોય તો બળાત્કારના આરોપીની શા માટે નહીં. આ બાબતે રાજ્ય સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહેવાયું છે. જો સમય મર્યાદામાં રાજ્ય સરકાર જવાબ નહીં આપે તો ૧૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુરેશકુમાર કેઇટ અને જસ્ટીસ વિવેક જૈનની બેન્ચે આ હુકમ કર્યો છે. જબલપુરના રહેવાસી ડોક્ટર પી. જી. નાઝ પાંડે અને ડો. એમ એ ખાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમના વકીલે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે પીડીતાની જેમ આરોપીનું નામ પણ બળાત્કારના કેસમાં ખાનગી રાખવું જોઈએ. જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ જ ગણવામાં આવે છે.

તહવ્વુર રાણાનો એક સમયનો ખાસ મિત્ર એની સામે જુબાની આપશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી આતંકવાદી તહવ્વુર રાણાની ઉલટ તપાસ કરશે ત્યારે એક અગત્યના સાક્ષીને પણ સાથે રાખશે. સુરક્ષાના કારણોસર આ સાક્ષીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ સાક્ષી એક જમાનામાં રાણાની ખુબ નજીક હોવાનું મનાય છે. ડેવીડ હેડલી જ્યારે રેકી કરવા માટે ભારત આવ્યો હતો ત્યારે રાણાના કહેવાથી આ સાક્ષીએ જ હેડલીને મદદ કરી હતી. આ સાક્ષી પાસે રાણા અને આઇએસઆઇ વચ્ચેના સંબંધોના પુરાવા હોવાનું પણ કહેવાય છે. એનઆઇએના અધિકારીઓ રાણાની પૂછપરછ દરમિયાન જાણવાની કોશિષ કરશે કે મુંબઈ ઉપરાંત બીજા કયા શહેરો પર આ પ્રકારના આતંકવાદી હુમલા કરવાનું આયોજન રાણાએ કર્યું હતું.

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે રાજ નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો

આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પ્રત્યાર્પણ બદલ ક્રેડીટ લેવાની હોડ લાગી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે રાણાનો કેસ કાંગારૂ કોર્ટમાં ચાલવો જોઈએ નહીં. રાણાને બચાવ કરવા માટે પુરતી તક મળવી જોઈએ. ચૌહાણના આ નિવેદનની ટીકા કરવામાં આવી છે. ચૌહાણનું નીવેદન તેઓ આતંકવાદી માટે કુણો ખૂણો રાખતા હોવાનું બતાવે છે. એજ રીતે દિલ્હી કોંગ્રેસના નેતા કનૈયાકુમારે એમ કહ્યું હતું કે રાણાનું પ્રત્યાર્પણ એ કોઈ મોટી સિદ્ધિ નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, રાણાને જેમ બને એમ ઝડપથી ફાંસી આપી દેવી જોઈએ. જોકે બિહાર ચૂંટણી સુધી રાણાને ફાંસી આપવામાં નહીં આવે કારણ કે ભાજપએ રાણાના નામે મત મેળવવા છે.

નીટથી મુક્તિ માટે કાનૂની લડાઈ ચાલુ રહેશે : સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન નીટ (નેશનલ એલીજીબીલીટી ટર્મ એન્ટ્રન્સ ટેસ્ટ)નો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેઓ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. સ્ટાલીનની અધ્યક્ષતામાં તામિલનાડુમાં એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડીએમકેના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં તામિલનાડુને નીટની પરીક્ષાથી મુક્ત રાખવા માટે જરૂરી પગલા લેવાય. આ બાબતે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું પણ નક્કી થયું હતું. સ્ટાલીને કહ્યું હતું કે, નીટ કોઈ એવી પરીક્ષા નથી કે કોઈપણ રાજ્ય એનો વિરોધ નહીં કરી શકે. વિધાનસભામાં પસાર થયેલું બીલ રાજ્યપાલે તાત્કાલીક રાષ્ટ્રપતિને મોકલી આપવું જોઈતું હતું. જોકે રાજ્યપાલ તટષ્ઠ ન હોવાને કારણે તામિલનાડુને ન્યાય મળવામાં વિલંબ થાય છે.

વારાણસીના હુક્કાબારો પર પોલીસની કાર્યવાહી

ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની ગણના ધાર્મિક શહેર તરીકે થાય છે. અહીં આવેલા મંદિરોની મુલાકાતે શ્રદ્ધાળુઓ આવતા રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વારાણસીમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબોરોનું પ્રમાણ વધી ગયું છે. પોલીસે સ્ટીંગ ઓપરેશન કરીને આવા હુક્કાબાર શોધી કાઢયા છે. પોલીસ કાર્યવાહીમાં અડચણ ન આવે એ માટે સ્ટીંગ ઓપરેશનના પુરાવા સાથે રખાય છે. પોલીસ ગ્રહક બનીને હુક્કાબારમાં જાય છે અને ગેરકાયદેસર હુક્કાબાર ચલાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે. સત્તાધિશોનું કહેવું છે કે વારાણસી હિન્દુ ધર્મ માટે અગત્યનું શહેર છે. શ્રદ્ધાળુઓની આસ્થા દુભાય નહીં એ માટે ખુલ્લેઆમ ચાલતા હુક્કાબાર બંધ કરાવવામાં આવશે.

સીવાનામાં સમય પર હાજરી ન પૂરતા 242 શિક્ષકોને માથે લટકતી તલવાર

બિહારના સીવાના જિલ્લાના ઇ-શિક્ષા કોર્ષ પર સમયસર ઓનલાઇન હાજરી નહી પૂરવા બાબતે ડીઇઓ રાઘવેન્દ્ર પ્રતાપસિંહે જિલ્લાના ૨૪૨ શિક્ષકોનો ખુલાસો માગ્યો છે. શિક્ષકોએ ૨૪ કલાકમાં નોટીસનો જવાબ આપવો પડશે. ડીઇઓનું કહેવું છે કે જિલ્લાની વિવિધ સ્કૂલોમાં કામ કરતા ૨૪૨ શિક્ષકોએ પોતાની હાજરી ઇ-શિક્ષા કોર્ષ પોર્ટલ પર પૂરી નહોતી. ડીઇઓનું કહેવું છે કે જો શિક્ષકોનો સકારાત્મક જવાબ નહીં મળે તો એમના પર પગાર કાપવા સહિત બીજા શિક્ષાત્મક પગલા લેવાશે. કેટલાક જિલ્લાઓમાં શિક્ષકો હાજરી પૂરીને ગુલ થઈ જાય છે. આવા શિક્ષકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

એમપીમાં દિગ્વિજય સિંહને ગદ્દાર કહેતા પોસ્ટર્સ કોણે લગાવ્યા

ભોપાલમાં ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પોસ્ટર્સ લગાવાયા છે. એમાં દિગ્વિજય સિંહનો ફોટો છે અને સાથે વક્ફ બિલનો વિરોધ કરનારા દિગ્વિજય સિંહ એવું લખ્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસનો પંજો એમાં એવી રીતે લગાવાયો છે કે જાણે એ પોસ્ટર કોંગ્રેસનું હોય, પછી એના ઉપર સિક્કો માર્યો હોય એમ વતન કે, ધર્મ કે પૂર્વજો કે ગદ્દાર એવું લખ્યું છે. આ પોસ્ટર્સને લઈને વિવાદ થયો છે. કોંગ્રેસે ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસના નેતાઓની દલીલ છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનું પોસ્ટર્સ બનાવાયું છે. એમાં એમ લાગે છે કે કોંગ્રેસ કે દિગ્વિજય સિંહે આ પોસ્ટર્સ બનાવ્યું હશે અને એના પર કોઈએ ગદ્દારનો સિક્કો માર્યો છે. પોસ્ટર્સ લગાવનારા પકડીને કાર્યવાહી કરવાની કોંગ્રેસે માગ કરી હતી.

ભાજપ સમર્થકોએ યુએઈના ઈમામનું નિવેદન વાયરલ કર્યું

યુએઈના ઈમામ અને ગ્લોબલ ઈમામ કાઉન્સિલના ગવર્નિંગ મેમ્બર મોહમ્મદ તૌહીદીએ ભારતના નવા વક્ફ બિલના સંદર્ભમાં સૂચન નિવેદન આપતા કહ્યું, વક્ફ બોર્ડ સરકારી દેખરેખમાં હોવું જોઈએ. એટલું જ નહીં, વક્ફ બોર્ડ મુસ્લિમો ઉપરાંત હિન્દુઓ સહિત બધા માનવો માટે સામાજિક કામ કરતું હોવું જોઈએ. સકારાત્મક દૃષ્ટિથી કાયદાનું પાલન કરવું જોઈએ. યુએઈમાં જે રીતે વક્ફ કામ કરે છે એને મોડલ બનાવવું જોઈએ. યુએઈમાં વક્ફ બોર્ડને પ્રાઈવેટ સંસ્થા ગણીને કાયદાનું પાલન કરાવાય છે. ઈમામનું આ નિવેદન ભારતમાં વાયરલ થયું છે. ભાજપ સમર્થકો આ વિડીયોને ફોરવર્ડ કરી રહ્યા છે.

અમેરિકા ભારતમાં વોટિંગ મશીનનો વિવાદ સળગતો રાખે છે

વોટિંગ મશીન હેક થઈ શકે કે નહીં તે મોટા વિવાદનો વિષય છે. એક તરફ કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગણી કરી હતી. બીજી તરફ તુલસી ગેબાર્ડે કહ્યું કે વોટિંગ મશીન હેક થઈ શકે છે. એ પહેલાં ઈલોન મસ્કે પણ દાવો કર્યો હતો કે વોટિંગ મશીન હેક કરી શકાય છે. મસ્કના નિવેદન પછી ભારતમાં હોબાળો થયો હતો. ચૂંટણી પંચે ખુલાસો કર્યો હતો કે એવું શક્ય નથી. ફરીથી ગેબાર્ડના નિવેદન બાદ ચૂંટણી પંચે ખુલાસો કરવો પડયો છે. અમેરિકામાંથી આવતા આવા નિવેદનો ભારતમાં મુદ્દો સળગતો રાખે છે.

કોંગ્રેસે ઓબીસી સેલના પ્રમુખ અજય યાદવને હટાવ્યા

હરિયાણા કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઓબીસી સેલના પ્રમુખ અજય યાદવને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અધિવેશન બાદ પહેલી વખત પાર્ટી એક્શનમાં આવી છે. અજય યાદવ ઓબીસી સેલના પ્રમુખ તરીકે મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા તે વખતે જ તેમના સ્થાને કોંગ્રેસે બિહાર કોંગ્રેસના નેતા અનિલ જયહિંદને ઓબીસી સેલના નવા વડા બનાવ્યા હતા. આ બાબતે નારાજ અજય યાદવે આરોપ લગાવ્યો હતો કે જૂથવાદના કારણે તેમને હટાવાયા છે. તેમને રાજીનામું આપવાનું કહ્યું હોત તો એ માટે પણ તેઓ તૈયાર હતા. ૨૦૨૪માં લોકસભામાં પરાજય પછી તેમણે રાજીનામાની તૈયારી બતાવી હતી, પરંતુ તેમને સક્રિય રહેવાનું રાહુલ ગાંધીની ઓફિસમાંથી કહેવાયું હતું.

ભાજપ સાથે ગઠબંધન થતાં એઆઈએડીએમકેના નેતાઓ નારાજ

૧૯ મહિના પહેલાં એઆઈએડીએમકે અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું ંહતું. લોકસભાની ચૂંટણી બંને પાર્ટી પોત-પોતાની રીતે લડી હતી અને બંનેનું ધોવાણ થયું હતું. ભાજપને તમિલનાડુમાંથી ઘણી આશા હતી, છતાં થોડા ટકા વોટશેર વધ્યો હતો, પરંતુ ખાસ સફળતા મળી ન હતી. આખરે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પાર્ટીએ ગઠબંધન કર્યું છે. જોકે, હવે ગઠબંધનની જાહેરાત પછી એઆઈએડીએમકેમાં અંદરો અંદર ગઠબંધનનો છુપો વિરોધ ઉઠયો છે. ઘણાં નેતાઓ વાતો કરતાં સંભળાય છે કે પલાનીસ્વામીએ આ નિર્ણય લઈ લીધો, પણ એમાં મહત્ત્વના નેતાઓને વિશ્વાસમાં લેવાયા નથી. પાર્ટીના નેતાઓ માને છે કે ભાજપનું હિન્દી તરફી વલણ હોવાથી તમિલનાડુમાં એઆઈએડીએમકે પણ એના છાંટાં ઉડશે.

- ઈન્દર સાહની