Get The App

દિલ્હીની વાત : અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને નોએન્ટ્રીથી વિવાદ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને નોએન્ટ્રીથી વિવાદ 1 - image


અફઘાનિસ્તાનમાં તાલિબાની વિદેશી મંત્રી આમિર ખાન મુફ્તી ૭ દિવસની ભારત યાત્રાએ છે. એમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી અફઘાન એમ્બેસીમાં એમને માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીપીકલ તાલીબાની માનસીકતા બતાવીને આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને બોલાવવામાં આવ્યા નહોતા. આ પત્રકાર પરિષદમાં ફક્ત ૨૦ પત્રકારોએ જ ભાગ લીધો હતો. તાલિબાનના આ બહિષ્કારને કારણે પત્રકારો, નેતાઓ અને સોશ્યલ મીડિયા યુઝર્સમાં ગુસ્સો જોવા મળ્યો છે. વિરોધપક્ષના નેતાઓનુ કહેવું છે કે, ભારત જેવા પ્રગતિશીલ દેશમાં આવી માનસીકતા ચલાવી લેવી જોઈએ નહીં. જોકે વિશ્વ આખામાં આફઘાનિસ્તાનના નેતાઓ જાય છે ત્યારે એમના સિદ્ધાંતો સાથે સમજૂતી કરતા નથી.

'આઝમ ખાન'ને બસપામાં જોડાવાની કરી જાહેરાત, થઈ ગઈ બબાલ

લખનૌમાં આયોજીત રેલીમાં જ્યારે બીએસપી સુપ્રિમો માયાવતી સપા અને કોંગ્રેસની આકરી ટીકા કરી રહ્યા હતા ત્યારે સપા નેતા આઝમ ખાનના ફેસબુક આઇડી પરથી એક સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો. આ સંદેશામાં આઝમ ખાન તરફથી બીએસપીમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી. આ પોસ્ટ જોઇને એમના સમર્થકો ગુચવાઈ ગયા હતા. જોકે તરત જ સપા જીલ્લા પ્રમુખે આ ઘટનાને કોઈક વ્યક્તિની બનાવટ હોવાનું જાહેર કરીને કહ્યું હતું કે, આ જાહેરાત આઝમ ખાનએ નથી કરી. ૨૩ મહિના સુધી જેલમાં રહ્યા પછી આઝમ ખાન સીતાપુર જેલમાંથી બહાર નિકળ્યા હતા. એ વખતે સપા નેતા આઝમ ખાન બીએસપી સાથે જોડાઈ એવી વાતો જોરમાં ચાલી હતી. ત્યાર પછી આઝમ ખાને સપાના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી પણ કેટલાકે એવી અફવા ફેલાવી હતી કે, આઝમ ખાન હવે માયાવતીને મળશે.

માયાવતીએ જાહેરમાં ભાજપનો આભાર માનવાથી અનેક શંકા - કુશંકા

બીએસપીના પ્રમુખ માયાવતીએ એક જાહેર કાર્યક્રમમાં ભાજપનો આભાર માન્યો હતો. કાશીરામનું યોગ્ય બહુમાન કરવા માટે માયાવતીએ જાહેરમાં ભાજપનો આભાર માન્યો હતો. એજ રેલીમાં માયાવતીએ દલીતોની અવગણના માટે સપાની આકરી ટીકા કરી હતી. રાજકીય નીરિક્ષકો સવાલ કરી રહ્યા છે કે, માયાવતી શા માટે ભાજપ પ્રત્યે કુણા છે અને સપાની ટીકા કરે છે? શું માયાવતી અને ભાજપ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? આ સવાલ જ્યારે બંને પક્ષના નેતાઓને પૂછાયો ત્યારે તેઓ મૌન રહ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાં બીએસપી સત્તામાં હતી ત્યારે ઘણા બગીચાઓ અને જાહેર સ્થળોને દલીત નેતાઓની ઓળખ આપવામાં આવી હતી. બીએસપી સત્તાપર નહોતી ત્યારે પણ ભાજપએ આવા નામકરણમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. માયાવતીનું માનવું છે કે, અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાંથી દલિત નેતાઓની યાદ ભૂસી નાખવા માંગે છે.

જાતી આધારીત રેલી બાબતે હાઇકોર્ટે યોગી સરકાર પાસે જવાબ માંગ્યો

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે એ બાબતે નારાજગી બતાવી છે કે પૂર્વ આદેશ હોવા છતાં રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો કે. કોઈ રાજકીય પક્ષ જાતી આધારીત રેલીનું આયોજન કરે છે તો તે શું કરશે. જસ્ટિસ રાજેન અને જસ્ટિસ રાજીવ ભારતીની બેન્ચે સ્થાનીક વકીલ મોતીલાલ યાદવની જાહેરહીતની અરજી પર સુનાવણી કરતી વખતે નારાજગી વ્યક્ત કરી હતી. ૨૦૧૩ની ૧૧મી જુલાઈએ હાઇકોર્ટે જાતી આધારીત રેલી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ બાબતે બેન્ચે રાજ્ય સરકારને એફીડેવીટ દાખલ કરવા કહ્યું છે. જો એમ નહીં થાય તો મુખ્ય સચીવને હવે પછીની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવું પડશે. સુનાવણી વખતે સરકારના વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એક પરીપત્ર બહાર પાડીને જાતીય આધારીત રેલીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે સરકારી વકીલને પૂછયું હતું કે, તો પછી આ બાબતે એફીડેવીટ કરવામાં શું વાધો છે.

યોગી આદીત્યનાથના અંગત સચીવ આઇએએસ સુરેન્દ્રસિંહ કોણ છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અંગત સચીવ બનેલા આઇએએસ અધિકારી સુરેન્દ્રસિંહ એમના ખાસ ગણાય છે. સુરેન્દ્રસિંહ ઉત્તર પ્રદેશ કેડરની ૨૦૦૫ બેચના આઇએએસ અધિકારી છે. સુરેન્દ્રસિંહએ ખૂબ જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે. એમણે સ્વબળે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. સુરેન્દ્રસિંહનો જન્મ મથુરા જિલ્લાના જોધપુર ગામમાં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. એમના પિતા હરીસિંહ સામાન્ય ખેડૂત હતા. એમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરમાં ભોજન બનાવવા માટે અનાજ પણ નહોતું. સુરેન્દ્રે પોતે જ જણાવ્યું છે કે, કેટલીક રાતો એવી પસાર થતી હતી કે એમણે ભુખા પેટે સુવુ પડતું હતું. સ્કૂલેથી આવ્યા પછી સુરેન્દ્ર પિતા સાથે ખેત મજુરી કરતા હતા.

કોંગ્રેસ ધારાસભ્યના ઘરેથી 40 કીલો સોનુ મળ્યું, ઇડીની મોટી કાર્યવાહી

ઇડીએ ઓનલાઇન સટ્ટાબાજી સાથે જોડાયેલા રેકેટની થઈ રહેલી તપાસમાં દરોડા પાડીને કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યને ત્યાંથી ૪૦ કીલો સોનુ જપ્ત કર્યું છે. આ સોનાની કીંમત લગભગ ૫૦ કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવે છે. આ કેસમાં સોનું ઉપરાંત બીજી જપ્ત થયેલી મિલકતોની કિંમત ૧૫૦ કરોડ રૂપિયા કરતા વધુ થાય છે. સોના ઉપરાંત આભુષણો, લક્ઝરી વાહનોની જપ્તી પણ થઈ છે. ચિત્રદુર્ગ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કે સી વીરેન્દ્રની ઓગસ્ટ મહિનામાં ધરપકડ થઈ હતી. ઇડીએ આ કેસમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું સટ્ટાબાજી નેટવર્ક પકડી પાડયું છે. વિરેન્દ્ર પોતાના મિત્ર સાથે મળીને સટ્ટાની ગેરકાયદેસર વેબસાઇટો ચલાવતો હતો. ધારાસભ્યએ બે નંબરની કમાણીમાંથી ઘણી વિદેશ યાત્રાઓ કરી હતી.

જાણીતા વકીલે પ્રશાંત ભૂષણ અને હરીશ સાલ્વે સુપ્રીમ કોર્ટમાં બાખડયા

સુપ્રિમ કોર્ટમાં સિનિયર વકીલ હરીશ સાલ્વે અને પ્રશાંત ભૂષણ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. સુપ્રિમ કોર્ટમાં ઇન્ડિયા બુલ્સ હાઇસિંગ ફાઇનાન્સ લિમિટેડ (આઇએચએફએલ)  અને એમના પ્રમોટરોની કહેવાતી નાણાકીય ગરબડ અને મની લોન્ડરીંગની તપાસ કરવાની અરજી પર સુનાવણી થઈ રહી હતી. જસ્ટીસ સૂર્યકાંત, ઉજ્વલ ઉઇયાન અને એન કે સિંહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. સિનિયર વકીલ હરીશ સાલ્વે કંપની વતી કેસ લડતા હતા. હરીશ સાલ્વે વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા સુનાવણીમાં જોડાયા હતા. બીજી તરફ એડવોકેટ પ્રશાંત ભૂષણ અરજી કરનાર એનજીઓ વતી લડતા હતા. આ સીવાય એડવોકેટ મુકુલ રોહતગી પ્રમોટર્સનો પક્ષ રજુ કરતા હતા. ભારત સરકાર તરફથી એડીશનલ સોલીસીટર જનરલ એસ વી રાજુ હાજર રહ્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન પ્રશાંત ભૂષણ અને હરીશ સાલ્વે વચ્ચે એક તબક્કે તૂતૂ મેં મેં પણ થઈ હતી.

Tags :