નવીદિલ્હી : પશ્ચિમ એશિયાના દેશો પર અમેરિકા - ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે સંકટ ઉભુ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધનું સંકટ ચાલુ રહે ત્યાં સુધી પ્રજાને કેટલીક અપીલ કરી છે. અપીલમાં સોનું નહી ખરીદવાથી માંડીને ડબ્લ્યુએફએચ (વર્ક ફોર્મ હોમ)નો અમલ કરવાની સલાહ છે. પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોએ તો માર્ચ મહિનાથી જ મોદીએ આપેલી સલાહનો અમલ ચાલુ કરી દીધો છે કે જેથી ઇંધણની બચત થાય. ભારતનું સ્ટ્રેટજીક રીઝર્વ ખાસ્સુ મોટુ છે જેને કારણે અત્યાર સુધી દેશમાં કોઈ તકલીફ ઉભી થઈ નથી. વિશ્વના ૭૦ દેશો એવા છે કે જેઓ ઘણા સમય પહેલાથી જ વર્ક ફ્રોર્મ હોમનો અમલ કરી રહ્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા, વિયેટનામ વગેરે દેશો વર્ક ફ્રોમ હોર્મનો કડકાઈથી અમલ કરે છે. ઇન્ડોનેશિયા, ફીલીપીન્સ, ઇટલી, સ્પેન અને જર્મની જેવા દેશોએ પણ આ પોલીસીનો અમલ કરવાનો શરૂ કર્યો છે.
તામિલનાડુમાં સરકાર બનતા જ થઈ ગઈ તકરાર
તામિલનાડુના મુખ્યમંત્રી થલાપતી વિજયની સોગંદવિધીના કાર્યક્રમમાં વિવાદ થયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યગીત 'તમિલ થાઈ વાઝ્થુ'ને રાષ્ટ્રગીત અને વંદે માતરમ પછી ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું હતું. આને કારણે લોકોના ભવા ચઢી ગયા હતા, કારણ કે તામિલનાડુના સરકારી કાર્યક્રમોની શરૂઆત રાજ્યગીતથી થાય છે અને સમાપન રાષ્ટ્રગીત સાથે થાય છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી મંડળએ એક પ્રસ્તાવને મંજૂર કર્યો હતો જેમાં 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત જન ગણ મનની બરાબરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નવા નિયમ પ્રમાણે રાષ્ટ્રગીતના અપમાન માટે જે સજા મળી શકે છે એ જ સજા વંદે માતરમ, રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણના અપમાનને કારણે મળે છે. તામિલનાડુમાં સરકારને ટેકો આપનાર સીપીઆઇએ રાજ્યગીતને બદલે રાષ્ટ્રગીતને અગ્રતા આપવાનો વિરોધ કર્યો હતો. એમણે આગ્રહ રાખ્યો હતો કે સરકારી કાર્યક્રમોમાં તમિલ થાઈ વાઝ્થુને પહેલા ક્રમે રાખવું જોઈએ. સીપીઆઇએ પોતાની નારાજગી બતાવતા એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે.
'દેશ ચલાવવાની આવડત મોદીમાં નથી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઉભા થયેલા સંકટમાંથી બહાર નીકળવા દેશવાસીઓને કેટલીક અપીલ કરી હતી. દેશવાસીઓને એક વર્ષ સુધી સોનુ નહી ખરીદવા... વગેરે વગેરે સલાહો આપવામાં આવી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. એમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીમાં દેશ ચલાવવાની આવડત નથી. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે, 'નરેન્દ્ર મોદીએ લોકો પાસે બલિદાનની માંગણી કરી છે. સોનુ નહીં ખરીદો, વિદેશ નહીં જાઓ, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો, તેલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રોમાં મુસાફરી કરો, ઘરેથી કામ કરો. આ ઉપદેશ નથી, પરંતુ નિષ્ફળતા છે. ૧૨ વર્ષમાં દેશને એવી પરિસ્થિતિમાં મૂક્યો છે કે લોકોને કહેવું પડે છે કે શું ખરીદે અને શું ન ખરીદે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવએ કહ્યું હતું કે, 'ભાજપ સરકાર અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે.'
ભાજપની જીતમાં આરએસએસનો કેટલો ફાળો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત મેળવી છે. આ જીતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ફાળો કેટલો છે એ વિશે ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ઘણા લાંબા સમય પછી સંઘ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય રહ્યો હતો. સંઘના એક પ્રચારકના કહેવા પ્રમાણે ચૂંટણી વખતે સંઘના સેંકડો કાર્યકર્તાઓ એક જ સંદેશ સાથે ગલીગલીમાં પહોંચ્યા હતા કે આ ચૂંટણી બંગાળના હિન્દુ સમાજના અસ્તિત્વનો સવાલ છે. ચૂંટણીને અસ્તિત્વની લડાઈ ગણાવીને ધાર્મિક ધ્રુવીકરણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં સંઘની ૪,૫૦૦ જેટલી શાખાઓ છે. ૧૦ વર્ષ પહેલા શાખાઓની સંખ્યા ૧૦૦૦ જેટલી હતી. સંઘના કાર્યકરોએ મતદારોને એમના મતાધિકાર વિશે જાગૃત કરવાનું કામ પણ કર્યું હતું. ઐતિહાસિક મતદાન થવા પાછળ સંઘનો પ્રચાર પણ જવાબદાર છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએની જીત સહેલી થઈ
લોકસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી ઓછી બેઠકોનું દુ:ખ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સતત જીત પછી ઓછુ થયું છે. રાજ્યસભામાં એનડીએની સંખ્યા વધતી જાય છે. આ જીતનો ફાયદો આવતા વર્ષે થનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને મળી શકે છે. મહારાષ્ટ્ર, બંગાળ અને બિહાર જેવા મોટા રાજ્યોની વિધાનસભાઓ પર એનડીએનો જબરદસ્ત દેખાવ લોકસભામાં થયેલા નુકસાનને ભરપાય કર્યો છે. સંસદ અને વિધાનસભાઓમાં ચૂંટાયેલા સભ્યો મળીને રાષ્ટ્રપતિ માટે મતદાન કરે છે. વોટીંગમાં સંસદ અને વિધાનસભાનો હિસ્સો સરખો હોય છે. દરેક સાંસદના વોટનું મૂલ્ય એક સરખું હોય છે. ધારાસભ્યના વોટનું મૂલ્ય વિધાનસભા હેઠળ કેટલી વસ્તી છે એ આધારે નક્કી થાય છે. ૨૦૨૨માં ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના મતની કિંમત ૨૦૮ હતી. જ્યારે સિક્કીમના એક ધારાસભ્યના મતની કિંમત ૭ હતી.
કાશ્મીરમાં દારૂબંધી બાબતે ઉમર અબ્દુલ્લા નિખાલસ
દેશમાં ગુજરાત અને બિહાર જેવા રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી છે. જોકે રાજ્યમાં દારૂબંધી લાગુ કરવી કે નહીં એનો નિર્ણય જે તે રાજ્ય સરકાર લે છે. સામાન્ય માન્યતાથી વિપરીત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આ બાબતે પોગ્રેસીવ છે. જમ્મુ-કાશ્મીરમાં દારૂબંધી મૂકવાની માંગણી ઉમર અબ્દુલ્લાએ ફગાવી દીધી છે. એમણે કહ્યું છે કે અમારો ધર્મ દારૂ પીવાની મંજૂરી આપતો નથી અને અમે પણ ઇચ્છીએ છીએ કે લોકો દારૂ પીએ નહીં. પરંતુ એનો મતલબ એ નથી કે જેમનો ધર્મ મંજૂરી આપે છે એમને પણ દારૂ પીતા રોકવા. અમે દારૂ પર પ્રતિબંધ નહી મૂકીએ. ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'સોથી પહેલા તો આ દારૂની દુકાનો એ લોકો માટે છે કે જેમને એમનો ધર્મ પરવાનગી આપે છે. જમ્મુ-કાશ્મીરની કોઈપણ સરકારે અત્યાર સુધી આ દુકાનો પર પ્રતિબંધ મૂક્યો નથી. દારૂની દુકાનો બંધ કરવાનો વિચાર અમને આવ્યો નથી.'
સોલીસીટર જનરલ પર સીજેઆઇનો કટાક્ષ
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ હમણા જ પોતાના બે પુસ્તકો લોંચ કર્યા છે. આ પુસ્તકોના વિમોચન પ્રસંગે સીજેઆઇ સૂર્યકાંત હળવા મૂડમાં દેખાયા હતા. એમણે સોલીસીટર જનરલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તુષાર મહેતા આટલા વ્યસ્ત અને કામના દબાણ હેઠળ હોવા છતા એમણે પુસ્તકો લખવાનો સમય કઈ રીતે કાઢયો? સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, મહેતા પોતાની સવાર સુપ્રિમ કોર્ટના કોર્ટરૂમ નંબર ૧માં પસાર કરે છે. બપોરનો સમય બીજી કોર્ટમાં અને સરકારી કામોમાં હોય છે. સાંજે બ્રીફના હજારો પાના વાંચે છે. પછી પોતે જ જવાબ આપતા કહ્યું હતું કે, 'હું જ્યારે આ પુસ્તકો જોઈ રહ્યો હતો ત્યારે મને વિચાર આવ્યો હતો કે, તુષારભાઈ જે રીતે સમય કાઢે છે એ માટે બે થીયરી હોઈ શકે છે. કયાં તો એમણે ભગવાન પાસે દિવસના ૨૫ કલાક માંગ્યા છે અને એની ઉપર સ્ટે લઈ લીધો છે. અથવા તો જ્યારે અમે ન્યાયાધીશો મોટી મોટી ફાઇલો જોવામા વ્યસ્ત હોઈએ છીએ ત્યારે તેઓ સમય ચોરીને નોંધ લેખી લેતા હશે.'


