નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં જ્યારે તૃણમુલ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં સીબીઆઇ તપાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જે રાજ્યમાં ભાજપની સરકાર નથી એવા ઘણા ખરા રાજ્યો સીબીઆઇને રાજ્યમાં તપાસ કરવાની પરવાનગી આપતા નથી જે સ્વાભાવીક પણ છે. હવે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે અને મુખ્યમંત્રી ભાજપના છે એટલે સરકારે સીબીઆઇને પશ્ચિમ બંગાળમાં તપાસ કરવાની છૂટ આપી છે. હોમ એન્ડ હીલ અફેર્સ વિભાગ તરફથી બહાર પાડેલા પરિપત્રમાં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઇ) એક્ટ ૧૯૪૬ હેઠળ સીબીઆઇને રાજ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પબ્લિક સેક્ટર યુનિટ અને એમને સાંકળતા કેસોની તપાસ કરવાની પરવાનગી આપી દીધી છે. હવે સીબીઆઇ મમતા સરકારના જૂના કેસો ખોલીને તપાસ કરી શકશે.
અમિત શાહથી મણીપુર કેમ કન્ટ્રોલ થતું નથી
મણીપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો વચ્ચે હિંસા ઓછી થઈ રહી નથી. હમણા જ રાજ્યમાં છ લોકોની થયેલી હત્યાને કારણે પહેલેથી સળગતા મણીપુરમાં ઘી નાખવાનું કામ થયું છે. હત્યાના સમાચાર મળતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ લોકો હત્યા કરાયેલી ૬ વ્યક્તિઓના શબ લેવા ભેગા થયા હતા. આ ૬ વ્યક્તિઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. મણીપુરમાં ભડકેલી હિંસા અચાનક ભડકી નથી, પરંતુ વર્ષો જૂના ભૌગોલિક ભાગલા અને જ્ઞાાતિવાદી કટ્ટરતાને કારણે હિંસા અટકતી નથી. ૨૦૨૩ના મે મહિનામાં શરૂ થયેલી હિંસા ૨૦૨૬માં પણ ચાલુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નક્સલવાદી વિસ્તારોને નક્સલવાદીઓથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું અને વચન પૂરુ પણ કર્યું. ઘણા રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, કદાચ મણીપુર પ્રત્યે પૂરતુ ધ્યાન આપવામાં આવતું નથી.
રાજ્યસભામાં મમતા બેનર્જી સાથે મોટી રમત
એક તરફ તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ સાથે જોડાઈ જવાની અટકળો છે. બીજી તરફ મમતા બેનર્જીને એક પછી એક ફટકા પડી રહ્યા છે. બળવાખોર ધારાસભ્યો અને સાંસદો પછી હવે રાજ્યસભાના સાંસદો પણ એમનો સાથ છોડી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પ્રકાશ ચીક બરેકએ પણ રાજીનામું આપી દીધું છે. છેલ્લા અઠવાડિયામાં ત્રીજા રાજ્યસભાના સાંસદે રાજીનામું આપ્યું છે. એક દિવસ પહેલા જ સુષ્મિતા દેવએ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું હતું. હવે રાજ્યસભામાં ટીએમસીના સાંસદોની સંખ્યા ફક્ત ૧૦ રહી ગઈ છે. એમ કહેવાય છે કે આવનારા દિવસોમાં બીજા ત્રણથી ચાર સાંસદો પણ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દેશે. નવાઈની વાત એ છે કે આ બધા નેતાઓ પક્ષ નથી છોડી રહ્યા, પરંતુ સાંસદપદ પણ છોડી રહ્યા છે. સામાન્ય રીતે પક્ષ છોડયા પછી પણ રાજકારણીઓ પદ પર ચોંટી રહેવાનું પસંદ કરે છે. મમતા માની રહ્યા છે કે, કોઈ મોટી રમત રમાઈ રહી છે.
તેજ પ્રતાપ યાદવનું લાલુ સાથે સમાધાન
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવએ એમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને કુટુંબ અને પક્ષમાંથી દુર કર્યા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ છે. પિતાથી લાંબો સમય નારાજ રહ્યા પછી તેજ પ્રતાપ યાદવ કુણા પડયા છે. લાલુ પ્રસાદ યાદવના ૭૯માં જન્મ દિવસે રાત્રે ૧૨ વાગ્યે લાલુના નાના પુત્ર અને બિહાર વિધાનસભા વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવ, પત્ની રાજશ્રી, રાબડી દેવી અને મિસા ભારતી સહિત કુટુંબના સભ્યોએ કેક કાપી હતી. તેજસ્વીએ સોશ્યલ મીડિયા પર કેક કાપતી તસવીર પણ શેર કરી હતી. તેજ પ્રતાપ યાદવે સોશ્યલ મીડિયા પર એક લાગણીશીલ પોસ્ટ મૂકીને પિતા લાલુ યાદવને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. તેજ પ્રતાપે લખ્યું હતું કે, 'પાપા તમે એક મહાન વ્યક્તિ છો. મારી ઉંમર પણ તમને લાગી જાય.'
ભૂતપૂર્વ સીજેઆઇને વકીલે નોટીસ કેમ આપી
મુંબઈના એક વકીલે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડને નોટીસ મોકલી છે. સામાન્ય રીતે વકીલો ભૂતપૂર્વ સીજેઆઇને નોટીસ મોકલતા નથી. ડીવાય ચંદ્રચુડએ માસિક ધર્મમાં સ્વચ્છતા સપ્તાહ વખતે એક કિસ્સો કહ્યો હતો એ સંદર્ભે આ નોટીસ મોકલવામાં આવી છે. ભૂતપૂર્વ સીજેઆઇએ કહ્યું હતું કે, 'જ્યારે મારા પુત્રના લગ્ન થયા ત્યારે અમારા ઘરમાં પહેલો ગણપતિ ઉત્સવ હતો. મારી વહુ મારી પાસે આવી અને કહ્યું કે, પાપા, હું માસિક ધર્મમાં છું. શું જે રૂમમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં આવીને હું પૂજા કરી શકું? મે એની સામે જોયું અને કહ્યું કે, બેટા કોઈપણ વ્યક્તિ અશુદ્ધ હોતી નથી. અશુદ્ધતા મનની સ્થિતિ છે, શરીરની નહીં. એટલે તું માસિક ધર્મમાં હોય કે નહીં હોય, પૂજા સ્થળે આવીને બેસી શકે છે અને પૂજા પણ કરી શકે છે. એણે મારી વાત માનીને એ પ્રમાણે જ કર્યું. નોટીસ મોકલનાર વકીલ ધનશ્યામ ઉપાધ્યાયએ ભૂતપૂર્વ સીજેઆઇ પાસે શરત વગર માફી માગવાની અને સાર્વજનીક ખુલાસો આપવાની માંગણી કરી છે. વકીલનું કહેવું છે કે ભૂતપૂર્વ સીજેઆઇને સનાતનની પરંપરાઓ વિશે કે પરંપરાઓ બદલવા વિશે સલાહ આપવાનો કોઈ અધિકાર નથી.
શત્રુઘ્ન સિંહાના પુન:ભાજપ પ્રવેશ માટે ગતકડા
ટીએમસીના બળવાખોર ધારાસભ્યોની યાદીમાં શત્રુઘ્ન સિંહાનું નામ પણ છે. શત્રુઘ્ન સિંહા ભૂતકાળમાં ભાજપમાં હતા ત્યાર પછી મહત્વ નહી મળતા ભાજપ સામે બળવો પોકાર્યો હતો. એ વખતે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમને ટીએમસીમાં લઈ રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. હવે શત્રુઘ્ન સિંહાએ પરત ભાજપમાં ફરવા માટે ગતકડા ચાલુ કરી દીધા છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળને બાર વર્ષ પુરા થયા ત્યારે શત્રુઘ્ન સિંહાએ એમને અભિનંદન આપીને ભારોભાર વખાણ કર્યા છે. એમણે લખ્યું છે કે, 'અમારા મિત્ર, સમાજ અને દેશના માર્ગદર્શક માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના કાર્યકાળના બાર વર્ષ પુરા થવા પર ખુબ અભિનંદન. તમારા ઉજ્જ્વળ ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે શુભકામના.'
નિતિશકુમારના 'મોઘા' ટોયલેટ પર તેજસ્વી યાદવ કેમ ભડક્યા
આરટીઆઇથી ખુલાસો થયો છે કે, બિહારના તત્કાલીન મુખ્યમંત્રી નિતિશકુમારની 'પ્રગતિયાત્રા' દરમિયાન લાખો રૂપિયા ખર્ચીને અસ્થાયી ટોયલેટ તૈયાર કરવામાં આવ્યા હતા. અરરીયાના રાણીગંજમાં ૨૦૨૫ની ૨૨મી જાન્યુઆરીએ નિતિશકુમાર 'પ્રગતિયાત્રા' માટે પહોંચ્યા હતા. થોડા સમય માટે ઉપયોગમાં લેવા માટે એક અસ્થાયી વીવીઆઇપી ટોયલેટ અને યુરીનલ બનાવવામાં આવ્યા હતા. એ માટે કુલ ૭.૪૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખુલાસા પછી વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ આ રેડ કારપેટ ટોયલેટ બાબતે સવાલો કર્યા છે. તેજસ્વી યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'બિહારમાં થોડી મીનીટ ઉપયોગમાં લેવા માટે રેડ કારપેટવાળું સૌથી મોંઘુ વીવીવીઆઇપી ટોયલેટ બન્યું. આ કામગીરી મુખ્યમંત્રીએ કરી હતી.'


