નવીદિલ્હી : કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ક્ષેત્રે કંઈક રંધાઈ રહ્યું છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું માંગીને ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારએ દિલ્હી જઈને પક્ષપ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી સાથે બંધબારણે મીટીંગ કરી હતી. બેંગુલુરૂમાં થયેલી ભાગદોડને કારણે સરકારની ઇમેજ બગડી ગઈ છે. દિલ્હીમાં થયેલી મીટીંગને રાજ્યના નૈતૃત્વમાં પરીવર્તન થવાની શક્યતા સાથે જોવામાં આવે છે. કર્ણાટકમાં ૨૦૨૩ના વર્ષમાં કોંગ્રેસ સત્તા પર આવી ત્યારથી જ મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ ચાલી રહી છે. જોકે હાઇકમાન્ડે અનુભવનું કારણ આપીને ડી કે શિવકુમારને બદલે સિદ્ધારમૈયાને પસંદ કર્યા હતા.
243 બેઠકો પર ચૂંટણી લડવા પાસવાને કરેલી જાહેરાત પછી જેડીયુના પ્રત્યાઘાત
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની ચૂંટણીની તમામ ૨૪૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. પાસવાનની આ જાહેરાત પછી બિહારના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. પાસવાનની આ જાહેરાત પછી જેડીયુએ ૨૦૧૦ વિધાનસભા ચૂંટણી વખતના મોડલનો ઉલ્લેખ કર્યો છે. પક્ષના એમએલસી ખાલિદ અનવરે કહ્યું છે કે ગઠબંધનની મજબૂતી માટે આ જરૂરી છે. જેડીયુના નેતા અન્વરે કહ્યું હતું કે, એનડીએએ જો બિહારમાં સારુ પ્રદર્શન કરવું હશે તો ૨૦૦૦ની ચૂંટણીમાં જે રીતે બેઠકોની વહેંચણી થઈ હતી એ રીતે વહેંચણી કરવી પડશે. અનવરે કહ્યું હતું કે, 'ચિરાગજી હમણા જ એનડીએ સાથે જોડાયા છે. બિહારમાં જેડીયુની પકડ મજબૂત છે. નિતિશકુમારના નેતૃત્વમાં અમે પહેલાથી વધુ બેઠકો પર લડવા માંગીએ છીએ. ૨૦૧૦માં એનડીએના દેખાવને કારણે આરજેડીને ફક્ત ૨૦ બેઠકો મળી હતી.'
મહારાષ્ટ્રમાં એનસીપીના બંને જૂથો હાથ મેળવે એવી શક્યતા નહીંવત
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે એનસીપી (શરદ પવાર) અને એનસીપી (અજીત પવાર) હાથ મેળવે એવી પુરી શક્યતા છે. જોકે અજીત પવારે એનસીપીના ૨૬માં સ્થાપના દિવસે એવું કહ્યું છે કે, બંને જૂથો એક સાથે થઈ જાય એવી શક્યતા નહીંવત છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ આ બાબતે કોઈ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. એનસીપીના સ્થાપના દિવસે બંને જૂથોએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. એનસીપીના સુનિલ તટકરેએ કહ્યું હતું કે, 'એનડીએ સાથે જોડાવાનું કારણ લોકોનું ભલું કરવાનું હતું. આ એક સામૂહિક નિર્ણય હતો. અજીત પવારનો વ્યક્તિગત નિર્ણય નહોતો. ૨૦૧૪ પછી ઘણો વખત એનડીએ સાથે જોડાવાની શક્યતા વધી ગઈ હતી. નજીકના ભવિષ્યમાં શરદ પવાર જૂથ સાથે જોડાવાનું કોઈ આયોજન નથી.'
જસ્ટીસ વર્મા વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ બાબતે સિબ્બલ ભડક્યા
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે એવો આરોપ મૂક્યો છે કે ગયા વર્ષે કોમવાદી ટીપ્પણી કરવા છતાં કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ શેખરકુમાર યાદવને બચાવવાનો પ્રયાસ કર્યો છે. સિબ્બલે સવાલ પૂછયો છે કે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ જસ્ટીસ યાદવ વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ બાબતે અપાયેલી નોટીસ પર હજી સુધી કોઈ પગલા કેમ લીધા નથી. જ્યારે બીજી તરફ જસ્ટીસ યશવંત વર્મા બાબતે એમનું વલણ અલગ છે. સિબલે ધનખડની ટીકા કરતા કહ્યું હતું કે કમનસીબી એ છે કે બંધારણના પદ પર બીજા નંબરે બેઠેલી વ્યક્તિ છેલ્લા છ મહિનાથી બંધારણના મૂલ્યો સાચવી શકી નથી. ૨૦૨૪ની ૧૩મી ડિસેમ્બરે અમે રાજ્યસભાના અધ્યક્ષને જસ્ટીસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટીસ આપી હતી. આ નોટીસ પર ૫૫ સાંસદોની સહી હતી.
સર્મિષ્ઠા પનોલી સામે ફરિયાદ કરનાર વજાહત ખાનની જામીન અરજી નામંજૂર
સોશ્યલ મીડિયા ઇન્ફલ્યુઅન્સર અને લોના વિદ્યાર્થિની સર્મિષ્ઠા પનોલી સામે કોલકત્તાના વજાહત ખાને ફરિયાદ નોંધાવી હતી. સર્મિષ્ઠાએ મુકેલી પોસ્ટ બદલ માફી માંગીને ડિલિટ કરી નાંખી હોવા છતાં બંગાળ પોલીસે એની ધરપકડ કરી હતી. ફરિયાદી વજાહત ખાન પોતે સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર ધાર્મિક તણાવ વધે અને ધર્મનું અપમાન થાય એ પ્રકારની પોસ્ટ મુકી હતી. લગભગ પાંચ રાજ્યોમાં વજાહત ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભવવા બદલ કોલકત્તા પોલીસે વજાહત ખાનની ધરપકડ કર્યા પછી કોર્ટે પણ વજાહત ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. સોશ્યલ મીડિયા પર આ બાબત ટ્રેન્ડ થઈ રહી છે.
મોદી સાથેની મુલાકાત બાબતે વિપક્ષી નેતાઓએ શું કહ્યું
પાકિસ્તાનના આતંકવાદ સામે વિવિધ દેશોની મુલાકાતે ગયેલા ઓલ પાર્ટી ડેલિગેશનના સભ્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. લગભગ દરેક પક્ષના સાંસદો આ ડેલિગેશન સાથે જોડાયા હતા. મોદીને મળીને આ સાંસદોએ એમને થયેલા અનુભવોનું વર્ણન કર્યું હતું. નવાઇની વાત એ છે કે, વિરોધપક્ષના સાંસદોએ મોદી સાથેની મુલાકાત પછી મીડિયા સમક્ષ આડકતરી રીતે મોદીના વખાણ કર્યા હતા. શશી થરૂરે આ મુલાકાતને અનૌપચારીક ગણાવી હતી. જ્યારે કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ વડાપ્રધાન સાથેની મુલાકાતને ખુલ્લી ચર્ચા ગણાવી હતી. થરૂરના કહેવા પ્રમાણે વડાપ્રધાને દરેક ડેલિગેટનો આભાર માન્યો હતો અને લગભગ એક કલાક સુધી ખૂબ જ વિનમ્રતાથી દરેક સભ્યોને મળ્યા હતા. બીજા પક્ષોના સાંસદોએ પણ કહ્યું હતું કે વડાપ્રધાન લોન પર ફરતા ફરતા ટેબલ પર બેઠેલા દરેક સભ્યોને મળ્યા હતા.
ગોવા ભાજપમાં ડખો વધ્યો
ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણે ગયા અઠવાડિયે જાહેરમાં એક વરિષ્ઠ ડોક્ટરને દબડાવતા કેમેરામાં ઝડપાઈ ગયા પછી સીએમ પ્રમોદ સાવંતે રાણેના ડોક્ટરના સસ્પેન્શન આદેશને રદ કરીને ડોક્ટરોની રાજ્યવાપી હડતાળ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બીજી મુદ્દતમાં પદભાર સંભાળ્યા પછી સાવંતની સરકારે ભાજપના રાજ્ય યુનિટમાંથી જ સત્તા સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ સાવંતને નડી ચુકેલા વિશ્વજીત રાણે સાવંત માટે પરેશાની ઊભી કરનાર છેલ્લા ભાજપ નેતા છે. બે અઠવાડિયા અગાઉ કલા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડેએ સાવંતની આગેવાની હેઠળના આદિવાસી કલ્યાણ વિભાગ સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા.
કોંગ્રેસની કર્ણાટકમાં ફરી જ્ઞાતિ સરવેની માગણી
કોંગ્રેસ હાઈ કમાન્ડે મંગળવારે સ્પષ્ટતા કરી કે તેનું કર્ણાટકના ૨૦૧૫ જ્ઞાતિ સરવેને સૈદ્ધાંતિક સમર્થન હોવા છતાં વિવિધ સમુદાય અને જૂથોની શંકાઓ દૂર કરવા સિદ્ધારામૈયા સરકારે ફરી ગણતરી કરાવવી જોઈએ. આગલા દિવસે જ કર્ણાટક સરકારે ૨૦૧૫ના જ્ઞાતિ સરવેના નિષ્કર્ષ પર ચર્ચા કરવા વિશેષ કેબિનેટ બેઠક બોલાવી હતી. સૈદ્ધાંતિક સહમતિ અને ફરી ગણતરી કરવાનો નિર્ણય રિપોર્ટ જાહેર કરવાની માગણી કરતા એક જૂથ તેમજ તેને રદ કરવાની માગણી કરતા બીજા જૂથની અપેક્ષાઓનું સંતુલન કરવા માટે હોઈ શકે. શિવકુમાર, એમ.બી.પાટીલ, એસ.એસ.મલ્લિકાર્જુન, લક્ષ્મી હેબ્બાલકર જેવા વરિષ્ઠ મંત્રીઓએ જ્ઞાતિ સરવે ડાટા જાહેર કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
ટીવી શોમાં અપમાનજનક ટિપ્પણી માટે પત્રકારની ધરપકડ
વરિષ્ઠ પત્રકાર કોમીની શ્રીનિવાસ રાવને અમરાવતી રાજધાનીની મહિલાઓ માટે તેમના ટીવી ડીબેટ શો દરમ્યાન અપમાનજનક શબ્દોનો પ્રયોગ થવા બદલ મંગલગીરી કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જગન મોહન રેડ્ડી પરિવારની માલિકીની ચેનલ સાક્ષી ટીવી પર કોમીનીના શોમાં અપમાનજનક શબ્દપ્રયોગ કરનાર પત્રકાર અને રાજકીય વિશ્લેષક વીવીઆર ક્રિષનમ રાજુ હાલ નાસી ગયા છે અને આંધ્ર પ્રદેશ પોલીસ તેમને શોધી રહી છે. દરમ્યાન રાષ્ટ્રીય મહિલા પંચે ટીવી ડીબેટ દરમ્યાન પત્રકાર રાજુના અપમાનજનક નિવેદનો બદલ સુઓ મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે સાંજે રાજુએ ટીવી શોમાં સીએમ ચંદ્રાબાબુ નાયડુના અમરાવતી માટે દેવીઓની રાજધાની શબ્દપ્રયોગનો વિરોધ કરવા તેને વેશ્યાઓની રાજધાની ગણાવી હતી. મહિલા પંચે તેમની ટિપ્પણીનો સખત વિરોધ કરીને તેમની સામે ઝડપી કાર્યવાહીની માગણી કરી હતી.
- ઈન્દર સાહની


