દિલ્હીની વાત : હિન્દી-મરાઠી વિવાદ વચ્ચે ફડણવીસનો દાવો
નવીદિલ્હી : મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓને કારણે ભાષા વિવાદ વકર્યો છે. મરાઠીભાષી અને બીન મરાઠીભાષી વચ્ચે વેર-ઝેર કરાવવાના પ્રયત્નો થાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વીધામાં છે કે મરાઠી મતદારોને સાચવવા કે બિન મરાઠીઓને. માથા પર મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી છે. દેવેન્દ્ર ફડણવીસએ આવા વાતાવરણ વચ્ચે એવું કહ્યું છે કે, બીએમસી ચૂંટણી પછી મુંબઈના મેયર તરીકે મહાયુતિની વ્યક્તિ જ હશે. ફડણવીસનું માનવું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને રાજ ઠાકરેની મનસેનો હિન્દી વિરોધ મતદારોને સ્પર્શી શક્યો નથી. સામાન્ય મરાઠી માણસ પર એની કોઈ અસર નથી. મુંબઈ અને મહારાષ્ટ્રના લોકો ઠાકરે બંધુઓના રાજકારણને સારી રીતે સમજે છે. યાદ રહે કે મુંબઈ, થાણે, કલ્યાણ, વસઇ - વિરાર, નવી મુંબઈની કોર્પોરેશનની ચૂંટણીઓ નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં થવાની છે.
શિંદેના થપ્પડમાર ધારાસભ્યનો નવો વિવાદ
વિધાનસભ્યોની કેન્ટીનમાં એક કર્મચારીને તમાચો મારનાર શિવસેના (એકનાથ શિંદે)ના ધારાસભ્ય સંજય ગાયકવાડએ હવે નવો વિવાદ ઉભો કર્યો છે. એમણે દક્ષિણ ભારતના લોકો વિશે અપમાનજનક ટીપ્પણી કરી છે. એમણે એવું કહ્યું હતું કે દક્ષિણ ભારતના લોકોને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ નહીં, કારણ કે તેઓ ડાન્સ બાર અને લેડિસ બારનું સંચાલન કરે છે અને એમને ખબર નથી કે ભોજન કઈ રીતે પીરસાય. એક પત્રકારને એમણે કહ્યું હતું કે, 'શેટ્ટી નામના કોન્ટ્રાક્ટરને શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ કોઈ મરાઠી વ્યક્તિને આપવો જોઈતો હતો. એમને ખબર છે કે અમે શું ખાઈએ છીએ અને અમને કેવું ભોજન પસંદ છે. દક્ષિણ ભારતના લોકો મહારાષ્ટ્રની સંસ્કૃતિ ખરાબ કરી રહ્યા છે. એમણે અમારા બાળકોને ભ્રષ્ટ કર્યા છે.
કર્ણાટકમાં અઢી વર્ષની ફોર્મ્યુલા સ્વિકારવા સિદ્ધારમૈયાનો નનૈયો
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર દિલ્હી જઇને રાહુલ ગાંધીને મળ્યા હતા. ડી કે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી બનવું છે અને સિદ્ધારમૈયા એમને માટે ખુરશી ખાલી કરવા તૈયાર નથી. સુરજેવાલાની મધ્યસ્થી પછી પણ મામલો ઠંડો પડયો નહીં એટલે કોંગ્રેસ હાઇકમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. દિલ્હી હાઇકમાન્ડએ એક એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને નેતાઓએ અઢી - અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવું. આ પ્રસ્તાવ સિદ્ધારમૈયાને પસંદ આવ્યો નથી. એમણે ચોખ્ખુ કહી દીધું છે કે, અઢી વર્ષ પછી તેઓ ડી કે શિવકુમારને ગાદી સોંપવા તૈયાર નથી. બીજી કોઈ વ્યક્તિ માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી નથી. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'હું કર્ણાટકનો મુખ્યમંત્રી છું અને તમારી સામે બેઠો છું. ડી કે શિવકુમાર પોતે કબુલે છે કે મુખ્યમંત્રી પદ ખાલી નથી.'
બે ડઝન નેતાઓએ લાલુ યાદવની લાલટેન પકડી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ વિવિધ શહેરોમાં સંમેલન યોજી રહ્યા છે. નવાદા શહેરમાં એમણે યોજેલા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સંમેલનમાં આવેલા યુવાનોને જોઈને તેજસ્વી યાદવ ઉત્સાહમાં આવી ગયા હતા. આ કાર્યક્રમમાં નવાદાના ભૂતપૂર્વ ધારાસભ્ય કૌશલ યાદવ, ગોવિંદપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય પૂર્ણિમા યાદવ, નવાદાના ભૂતપૂર્વ એમએલસી સલમાન રાગી આરજેડીમાં જોડાઈ ગયા હતા. આ નેતાઓ જ્યારે આરજેડીમાં જોડાયા ત્યારે મંચ પર જિલ્લા અધ્યક્ષ મગનીલાલ મંડલ, ઉદય નારાયણ ચૌધરી, શક્તિસિંહ યાદવ સહિત બીજા સિનિયર નેતાઓ પણ હાજર હતા. આ નેતાઓ સિવાય મોટી સંખ્યામાં બીજા સમર્થકો પણ આરજેડી સાથે જોડાયા હતા.
દિલ્હી હાઇકોર્ટે ગેંગસ્ટર્સ નીરજ બવાનાને પેરોલ આપી
કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. દિલ્હી હાઇકોર્ટે એને ત્રણ દિવસની કસ્ટડી પેરોલ આપી છે. બિમાર પત્નીને મળવા માટે અને બીજી હોસ્પિટલમાં લઈ જવાની જરૂર હોવાથી કોર્ટે ગેંગસ્ટરને રાહત આપી છે. નીરજ બવાનાની પત્ની હોસ્પિટલના આઇસીયુમાં દાખલ છે. જસ્ટીસ સંજીવ નરૂલાએ નીરજ સહરાવર્ત ઉર્ફે નીરજ બવાનાને ત્રણ દિવસની પેરોલ આપવા આદેશ કર્યો હતો. એમણે હુકમ કર્યો છે કે કેન્દ્રીય જેલના સુપ્રીટેન્ડન્ટએ હોસ્પિટલની ફેરબદલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવી. નીરજ બવાના પોતાની પત્ની તેમ જ કુટુંબીઓને પણ મળી શકશે. કોર્ટે પોલીસ અધિકારીઓને સૂચના પણ આપી છે કે કસ્ટડી પેરોલ દરમિયાન બવાનાની સુરક્ષા એવી હોવી જોઈએ કે હોસ્પિટલમાં કોઈને તકલીફ ન પહોંચે.
રાહુલ ગાંધીની ગાડી પર ચઢતા કનૈયાકુમારને કેમ રોકવામાં આવ્યા
છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ બિહારમાં આરજેડીના પડછાયામાં કામ કરી રહી છે. બિહારમાં કોંગ્રેસને કોઈ લોકપ્રિય નેતા મળતો નથી. બિહાર બંધના એલાન વખતે રાહુલ ગાંધી પટણા ગયા હતા. રાહુલ, તેજસ્વી યાદવ સાથે એક ખુલ્લી ગાડીમાં બેસીને વિરોધ પ્રદર્શન કરતા હતા. આ ગાડીમાં બિહાર કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહમદ ખાન, બિહાર કોંગ્રેસ યુનીટના ભૂતપૂર્વ પ્રમુખ અખિલેશ સિંહ અને મદન મોહન ઝા હતા. કનૈયાકુમારને પણ આ ગાડીમાં રાહુલ ગાંધી સાથે રહેવું હતું. સુરક્ષા કર્મચારીઓએ કનૈયાકુમારને ગાડીમાં ચઢવા દીધા નહોતા. જાણકારોનું કહેવું છે કે, આરજેડીના દબાણને કારણે કનૈયાકુમારને રાહુલ ગાંધી સાથે બેસવા દેવામાં આવ્યા નહોતા.