દિલ્હીની વાત : ભાજપ નેતાનો બફાટ, પી.એમ. ગુનેગારોને પોષે છે
ભાજપ નેતાનો બફાટ, પી.એમ. ગુનેગારોને પોષે છે
નવીદિલ્હી, તા.12 જુલાઈ 2020, રવિવાર
ભાજપના મધ્ય પ્રદેશના સાંસદ જનાર્દન મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપીને ભાજપને શરમજનક સ્થિતીમાં મૂક્યો છે. મિશ્રાએ કહ્યું છે કે, વડાપ્રધાનથી માંડીને સરપંચ સુધીના બધા જ અપરાધીઓને સમર્થન આપે છે તેના કારણે ગુના વધી રહ્યા છે. મિશ્રાએ કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી હોય, આજે દરેક વ્યક્તિઓ અપરાધીઓ સાથે સંપર્કમાં હોય છે, તેમને ટિકિટ આપે છે ને સંસદ કે વિધાનસભામાં મોકલે છે. મિશ્રાનો આ વીડિયો વાયરલ થયો છે.
વિકાસ દુબે એન્કાઉન્ટરના કારણે નેતાઓ અને અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે ત્યારે જ મિશ્રાએ આ નિવેદન કર્યું છે.
ભાજપે સત્તાવાર રીતે આ અંગે કશું કહ્યું નથી પણ ભાજપના નેતાઓ એમ કહીને બચાવ કરી રહ્યા છે કે, મિશ્રાએ હાલના વડાપ્રાન મોદી અપરાધીઓ સાથે સંપર્કમાં છે કે તેમને સમર્થન આપે છે એવું કહ્યું નથી પણ ભૂતકાળના વડાપ્રધાનોની વાત કરી છે.
પાયલોટની બગાવત પાછળ રાહુલનો દોરીસંચાર ?
રાજસ્થાનમાં સચિન પાયલોટે બગાવત કરી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ પાયલોટ પોતાના સમર્થક કોંગ્રેસના ૨૩ અને ૩ અપક્ષ મળીને ૨૬ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. પાયલોટે સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. પાયલોટે કોંગ્રેસને અલ્ટિમેટમ પણ આપ્યું હોવાનું કહેવાય છે.
પાયલોટની બગાવતથી રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશની જેમ કોંગ્રેસ સરકાર ગબડશે કે શું એવો સવાલ પૂછાવા માંડયો છે. કોંગ્રેસનાં સૂત્રો આ શક્યતાને નકારી રહ્યાં છે. તેમના મતે, પાયલોટની બગાવત પાછળ રાહુલ ગાંધીનો દોરીસંચાર છે. કોંગ્રેસ પ્રમુખપદે બેસતાં પહેલાં રાહુલ જૂના જોગીઓને ખસેડીને પોતાના માણસોને મહત્વના સ્થાને બેસાડવા માગે છે કે જેથી પોતાની ઈચ્છા પ્રમાણે પક્ષને ચલાવી શકાય. પાયલોટ તેમની અત્યંત નજીક છે તેથી
સૂત્રોના મતે, પાયલોટે સીધો બળવો કરવાના બદલે દિલ્હી આવવાનું પસંદ કર્યું તેના પરથી સ્પષ્ટ છે કે, પાયલોટ ચોક્કસ સ્ક્રીપ્ટ પ્રમાણે વર્તી રહ્યા છે, બાકી તેમણે પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ સીધો બળવો જ કરી દીધો હોત.
શાહની 'વિકાસ દુબે' સાથેની તસવીર વાયરલ
ઉત્તર પ્રદેશ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મરાયેલા ગેંગસ્ટર વિકાસ દુબેને અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથે સંબંધ હતા એવો દાવો કરીને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ કરાઈ છે. ભાજપને ગેંગસ્ટર સાથે ગાઢ સંબંધો હતા એવા આક્ષેપ આ તસવીરો સાથે કરાઈ રહ્યા છે.
આ તસવીરોમાં શાહ, યોગી ઉપરાંત ઉમા ભારતી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિતના ભાજપના નેતાઓ સાથે એક વ્યક્તિ દેખાય છે કે જે ગેંગસ્ટર વિકાસ દુબે હોવાનો દાવો કરાયો છે. જો કે ગેંગસ્ટર વિકાસ દુબે અને આ વ્યક્તિની તસવીર જોતાં જ બંને અલગ વ્યક્તિ છે એ સ્પષ્ટ થઈ જાય.
આ તસવીરોમાં જે વ્યક્તિ દેખાય છે એ 'વિકાસ દુબે' જ છે પણ એ ગેંગસ્ટર નહીં પણ ભાજપના નેતા છે. આ વિકાસ દુબે કાનપુરમાં ભાજપના ક્ષેત્રીય પ્રમુખ છે. સરખાં નામ હોવાનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા પર સનસનાટી ઉભી કરવા આ તસવીરો વાયરલ કરી દેવાઈ છે.
યુપીમાં કોંગ્રેસ પ્રિયંકાને ચહેરો બનાવી ચૂંટણી લડશે
કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે રજૂ કરીને ૨૦૨૨ની ચૂંટણી લડશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
પ્રિયંકા લાંબા સમયથી ઉત્તર પ્રદેશને લગતા મુદ્દા ઉઠાવ્યા કરે છે અને યોગી સરકાર પર આકરા પ્રહારો કરે છે. પ્રિયંકા હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરવા દિલ્હી છોડીને લખનૌ જવાનાં છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, પ્રિયંકા યુપીમાં કોંગ્રેસને મજબૂત કરવાનું એક માત્ર લક્ષ્ય રાખીને મચી પડયાં છે. હવે યુપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુએ પ્રિયંકા કોંગ્રેસનો ચહેરો હશે એવી જાહેરાત કરી છે. લલ્લુએ બીજા કોઈ પક્ષ સાથે જોડાણની શક્યતા પણ નકારી છે.
કોંગ્રેસ સત્તાવાર રીતે પ્રિયંકાને આગળ કરશે તો એક ઈતિહાસ રચાશે. નહેરૂ-ગાંધી ખાનદાન હંમેશાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય રહ્યો છે. કોઈ રાજ્યના રાજકારણમાં નહેરૂ-ગાંધી ખાનદાનની વ્યક્તિ હજુ સુધી આવી નથી. કોંગ્રેસને ફરી બેઠી કરવાના પ્રયત્નરૂપે પ્રિયંકા એ પરંપરા તોડશે એવું લાગે છે.
વિશ્વનાથનને મનાવવામાં મોદી સરકાર નિષ્ફળ
અર્થશાસ્ત્રીઓ મોદી સરકારને છોડીને જતા રહે એ સિલસિલો ચાલુ રહ્યો છે. આ યાદીમાં નવું નામ રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનનું ઉમેરાયું છે. રીઝર્વ બેંક સાથે લગભગ ચાર દાયકાથી જોડાયેલા વિશ્વનાથન ગયા વર્ષે નિવૃત્ત થયા હતા પણ તેમને એક વર્ષનું એક્સટેન્સન અપાયું હતું. વિશ્વનાથનને રીઝર્વ બેંકની રજેરજ માહિતી હોવાથી તે આરબીઆઈ એનસાયક્લોપીડિયા કહેવાતા હતા.
વિશ્વનાથનના અનુભવને જોતાં તેમને ફરી એક્સટેન્સન મળશે એ નક્કી હતું પણ વિશ્વનાથને અનિચ્છા દર્શાવીને ૩૧ માર્ચે રાજીનામું આપીને આવવાનું બંધ કરી દીધું હતું. વિશ્વનાથનની મુદત ૩ જુલાઈએ પૂરી થતી હોવાથી તેમને મનાવવા બહુ પ્રયત્નો કરાયા પણ વિશ્વનાથને મચક ના આપતાં છેવટે તેમનું રાજીનામું મંજૂર કરી દેવાયું છે. વિશ્વનાથનની જગા ભરવા રીઝર્વ બેંકે ૨૩ જુલાઈએ ઈન્ટરવ્યુ રાખ્યા છે. સર્ચ કમિટીએ પસંદ કરેલા ૮ ઉમેદવારોમાંથી ૧ અર્થશાસ્ત્રીની પસંદગી થશે.
વિશ્વનાથનની જેમ ગયા વર્ષે વિરલ આચાર્યે પણ પોતાની ટર્મ પૂરી થાય તેના છ મહિના પહેલાં ડેપ્યુટી ગવર્નરપદેથી રાજીનામું ધરી દીધું હતું.
ભાજપ પાસવાનને કોરાણે મૂકે તેવી અટકળો
બિહારમાં ભાજપ-જેડીયુ રામવિલાસ પાસવાનની એલજેપીને કોરાણે મૂકીને ચૂંટણી લડશે એવી અટકળો તેજ બની છે પણ ભાજપનાં સૂત્રો આ વાતને નકારી રહ્યાં છે.
ભાજપના સંજય પાસવાનના નિવેદનના કારણે આ અટકળો શરૂ થઈ છે. પાસવાને કહ્યું કે, ભાજપ-જેડીયુ બીજા પક્ષને સાથે લીધા વિના વરસોથી સત્તામાં છે ને અમને કોઈની જરૂર નથી.
ભાજપને પાસવાન સામે વાંધો નથી. બલ્કે ચિરાગના નીતિશ સામેના પ્રહારોને ભાજપના નેતા ટેકો આપતા હતા પણ ચિરાગે ગયા અઠવાડિયે આરજેડી-કોંગ્રેસની જેમ જ બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા સામે વિરોધ વ્યક્ત કર્યો તેના કારણે ભાજપ નારાજ છે.
ભાજપે બિહારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રચાર કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ રેલીઓ કરી રહ્યા છે. જેડીયુ પણ મચી પડયો છે ત્યારે પાસવાને આરજેડીના સૂરમાં સૂર પુરાવતાં ભાજપ નારાજ છે. ભાજપનાં સૂત્રોના મતે આ મુદ્દે સીનિયર પાસવાનને બોલાવીને ચેતવણી અપાઈ છે પણ એલજેપી સાથે જોડાણ તોડવાનો સવાલ નથી.
***
ચીની સૈનિકો હજુ પણ ભારતની સરહદની અંદર જ છેઃ નિષ્ણાંતો
ભારતે જેની પર દાવો કર્યો હતો તે પૂર્વ લદ્દાખની અંદર આઠ કિમી સુધી ઘુસી આવેલા ચીની સૈનિકો પાછા જવાનો ઇરાદા ધરાવતો હોય તેવું હજુ સુધી નહીં દેખાતા પાંગોગ તળાવ ખાતેથી સ્થિતિ હજુ પણ તંગદીલી ભરી બની રહી છે. ભારતના પૂર્વ સૈનિક અધિકારીઓ અને સરક્ષણ ક્ષેત્રેના નિષ્ણાંતોને ભય છે કે ચીનાઓ ગલવાન ખીણ અને હોટ સ્પ્રિંગમાથી પાછા જશે નહીં.'મે મહિનાથી જ્યાં ચીની સૈનિકોએ ખાડા ખોદ્યા હતા ભારતીય જમીન પર આવેલા તે ફિંગર-૪ ખાતે આજે પણ ચીનાઓનો કબજો છે. હાલમા તો માત્ર એટલું જ દેખાય છે કે ચીનાઓએ તળાવમાંથી કેટલીક બોટ ખસેડી લીધી હતી.પરંતુ આ તો માત્ર દેખાવ પુરતી પ્રવૃત્તિ છે.હજુ પણ તેઓ ફિંગર-ફોરની અંદર જ છે અને જ્યાં તેમના માણસો અને મશીનો ખડકી દેવાયા હતા તેની પર નિયંત્રણ રાખે છે.તેમણે તળાવની ચારે તરફ કિલ્લાબંધી કરી દીધી છે અને અનેક ચોકીઓ તેમજ નજર રાખી શકાય એવા ટાવર ઊભા કરી દીધા છે, એમ સંરક્ષણના એક નિષ્ણાંતો કહ્યું હતું.સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર, 'ઉત્તરીય લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી પાસે દેપસંગ મેદાનમાં પણ ભારત-ચીન સેનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાંથી પણ તેઓ ખસ્યા હોય એવું લાગતું નથી'.
કોવિડના મુદ્દે સરકાર અનેે નિષ્ણાંતો વચ્ચે અનેક મતભેદ
સરકાર એવા દાવા કરે છે કે અમે મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કરીએ છીએ, પરંતુ સ્વતંત્ર નિષ્ણાંતો કહે છે કે 'ના એવું નથી' તેઓ કહે છે હાલમાં ભારતમાં સ્પેનના એક લાખની વસ્તીના ૧૨૨૬૫૧ લોકોના ટેસ્ટ સામે ભારતમાં દર લાખ પૈકી૮૧૯૧ ટેસ્ટીંગ જ થાય છે.બ્રિટનમાં ૧૬૯૯૪૫ અને ઇટાલીમાં ૯૬૮૩૬ લોકોના ટેસ્ટ થાય છે. ભારતની વસ્તી આ દેશની સરખામણીમાં દસ કે બાર ટકા વઘારે હોવાથી આ સંખ્યા પુરતી નથી.કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આનો ઇનકાર કર્યો હતો. જો કે નિષ્ણાંતો તો કહે છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઇ ચૂકી હતી.
ગયા સપ્તાહે.આઇસીએમઆરના પૂર્વ વડા રમણ ગંગાખેડેકરે કહ્યું હતું કે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જેમ કે દિલ્હી, મુંબઇ અથવા ચેન્નાઇમાં આપણે એના સ્ત્રોતને શોધી શકતા નથી. આ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જ છે. જો કે તેમણે આને સ્થાનિક ટ્રાન્સમિશન ગણાવ્યું હતું. મોત અને સાજા થયેલાઓ અંગે હજુ પણ ચર્ચા ચાલે છે. એક લાખમાં ૧૬ મૃત્ય દર યુકેના ૬૫૮ અને સ્પેનના ૬૦૭ કરતાં સારો છે.પરિમામે સરકારે એવા દાવા કરે છે કે આપણે તેમના કરતાં સારા છીએ.પરંતુ નિષ્ણાંતો તો સવાલ કરે છે કે આપણી ગણતરી કેવી રીતે કરીએ છીએ. શું આપણી પાસે કોઇ ચોક્કસ પધ્ધતી છે જે આપણને ખરી ગણતરી કરીને બતાવે? ભારતમાં જેમની ગણતરી જ કરવામાં આવી નથી તે ંસખ્યા પણ મોટી છે. નિષ્ણાંતો કહે છે કે જ્યારે આપણી પાસે મૃત્યનો ચોક્કસ આંકડો આવી જશે ત્યારે ખરી સ્થિતિની જાણ થશે. દરેક જણનો રિકવરી રેટ ૯૯ ટકા થવો જોઇએ.ેપછી આપણે કહી શકીશું કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
કોવિડ મુદ્દે નીતીશને વિપક્ષોએ ઘેર્યો
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે જદયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને વિપક્ષોએ તેમની ચૂંટણીની વ્યહરચના અંગે બરાબરનો ઘર્યો હતો.તેઓ કુમારને ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવાને બદલે લોકોના આરોગ્ય પર વધારે ધ્યાન આપવા કહી રહ્યા છે. ૨૯ નવેમ્બરે હાલની વિધાનસભાની મુદ્દત પુરી થતી હોઇ ઓકટોબર અથવા નવેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકાય છે. ચૂંટણીના વ્યુહ ઘડનાર અને જદયુના પૂર્વ ઉપ પ્રમુખ પ્રશાંત કિશોર નીતીશની ચૂંટણીની તૈયારી પર વધુ ધ્યાન આપવાના મુદ્દે તેમની ટીકા કરનાર એક વધુ નેતા બન્યા હતા.રાજદના નેતા તેજસ્વી યાદવ તો નીતીશ અને જદયુ પર સતત પ્રહારો કરતા જ આવ્યા છે.કોરોનાવાઇરસની મહામારી પર નિયંત્રણ કરવાને બદલે નીતીશ કુમાર ચૂંટણી કેવી રીતે જીતવી તેની પર વધુ ધ્યાન આપે છે.એનડીએના તેમના સાથી લોકજનશક્તિ પાર્ટીએ પણ જો કોરોનાની મહામારી દરમિયાન ચૂંટણી યોજાય તો મતદારોના આરોગ્ય પર જોખમ વધશે તેની પર ધ્યાન આપવા ચૂંટણી પંચને અપીલ કરી હતી.'ચૂંટણી પંચે ખુબ જ સંભાળપૂર્વ અને વિચારીને કોઇ નિર્ણય લેવો જોઇએ.ચૂંટણીના કારણે વસ્તીનો મોટો ભાગ તેનો ભોગ બની શકે છે, એમ એલજેપીના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું.
દિલ્હીમાં પણ રેમડેસિવિર દવાની અછત
આખા ભારતમાં એન્ટીવાયરલ રેમડેસિવિર દવાની અછત વર્તાય છે. પરંતુ ખાસ કરીને દિલ્હીમાં લોકો અન્ય જગ્યાએથી મંગાવે છે અથવા તો મોંઘા ભાવે ખરીદે છે.ડોકટરો કહે છે કે માગ વધુ છે અને પુરવઠો ઓછો હોવાથી લોકો કાળાબજારમાંથી પણ આ દવાને ખરીદે છે. ૧૩ જૂનના રોજ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું હતું કે કોવિડના દર્દીઓ માટે આ દવા ઉપયોગી છે. આખા દેશમાં કોવિડના કેસ વધતા ડોકટરોએ પણ આ દવાની જ સલાહ આપી હતી. પરંતુ પુરવઠો ઓછો હોવાથી લોકો કાળા બજારમાં તેને ખરીદે છે.
રાજકોટને ગ્લોબલ વન પ્લાનેટ સિટિ ચેલેન્જ એવોર્ડ
ગુજરાતના ચોથા ક્રમના શહેર રાજકોટને ભારતમાં ડબલ્યુ ડબલ્યુએફ ગ્લોબલ વન પ્લાનેટ સિટિ ચેલેન્જ ૨૦૨૦નો પ્રતિષ્ઠીત એવોર્ડ મળ્યો હતો.વર્ષ ૨૦૧૫-૧૬ કરતાં ૨૦૨૨-૨૩માં કુલ વાર્ષીક સીએચજી એમિશન ૧૪ ટકા સુધી ઘટાડવા બદલ સતત ત્રીજા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો. રાજકોટ ઉપરાંત ગંગટોક, ગુવાહાટી, ઇન્દોર, પણજી, નાગપુર, પુણે અને કોચીને પણ આએવોર્ડ મળ્યો હતો.ઓપીસીસી ૨૦૧૯-૨૦ની પસંદગીમાં ૫૩ દેશોના ૨૫૫ શહેરોમાં આ શહેરોનો સમાવેશ થતો હતો. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ભારતના સેક્રેટરી જનરલ રવિ સિંહે કહ્યું હતું કે એમિશનમાં ઘટાડો કરવા તેમજ પર્યાવરણમાં સુધારો કરવાની તૈયારી માટે શહેરોની પસંદગી કરાય છે.
- ઇન્દર સાહની