દિલ્હીની વાત : બિહારમાં ખેડૂત આંદોલન હિંસક, નીતિશ ભીંસમાં

Updated: Jan 12th, 2023


નવીદિલ્હી : બિહારના બક્સર જિલ્લામાં થર્મલ પાવર પ્લાન્ટ સામે ખેડૂતોનો વિરોધ હિંસક બનતાં નીતિશ કુમાર સરકાર ભીંસમાં મૂકાઈ છે. આ ઘટનાના પગલે નીતિશ સરકાર ખેડૂતો પર દમન કરી રહી હોવાના આક્ષેપોનો મારો શરૂ થયો છે.

જમીન સંપાદન મામલે ૮૫ દિવસથી શાંતિપૂર્ણ ધરણાં પર બેઠેલા ખેડૂતોને દબાવવા પોલીસે રાત્રે ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભડકેલા ખેડૂતોએ થર્મલ પાવરના મુખ્ય ગેટ પર જ તાળું મારી દીધું હતું.

પોલીસે તાળું તોડવાનો પ્રયાસ કરતાં  ખેડૂતો સાથે સંઘર્ષ થયો હતો. લોકો પોલીસ અને પાવર પ્લાન્ટના કર્મચારીઓને ફટકાર્યા હતા. પોલીસની ગાડીઓમાં તોડફોડ કરીને આગ ચાંપી ફૂંકી મારી હતી. પ્લાન્ટના ગેટ પર પણ આગ લગાવી દેવામાં આવી હતી. પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકો બેકાબૂ બનતાં પોલીસે લાઠીચાર્જ કરીને માંડ માંડ ભીડને કાબૂમાં લીધી હતી.

ભાજપના વધુ બે ધારાસભ્ય મમતાની પંગતમાં બેસશે

પશ્ચિમ બંગાળમાં લાંબા સમયની શાંતિ પછી ભાજપમાં ફરી ભંગાણનાં એંધાણ છે. ભાજપના બે ધારાસભ્યો મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીને મળતાં બંને ભાજપને રામ રામ કરીને તૃણમૂલમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી રહી છે. બેનરજીએ મમતા સાથે વાત કર્યા પછી તેમને લીલી ઝંડી અપાશે એવું કહ્યું છે.

ભાજપ સત્તાવાર રીતે આ મુદ્દે ચૂપ છે પણ અંદરખાને ભાજપના નેતા સ્વીકારે છે કે, ભાજપના નેતાઓમાં ભારે અસલામતીની લાગણી છે અને ગમે તેટલા ધમપછાડા કરી લો તો પણ તૃણમૂલ સામે સફળ નહીં થવાય એવું મોટા ભાગના નેતા માને છે તેથી તૃણમૂલ તરફ વળી રહ્યા છે.

ભાજપે બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ કરીને સંખ્યાબંધ નેતાઓને ખેંચી લીધા હતા પણ મમતા સામે હારના પગલે બઘું વેરવિખેર થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી આવતાં સુધીમાં તો શુભેન્દુ અધિકારી સિવાય ભાજપમાં બીજું કોઈ નહીં બચે એવી જોક પણ ચાલી રહી છે.

મેટ્રોનો પિલર તૂટતાં ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

બેંગલુરુના નાગવારામાં અંડર કન્સ્ટ્રક્શન મેટ્રો પિલર તૂટી પડતાં એક મહિલા અને તેના અઢી વર્ષના બાળકનું મોત થયું છે. મહિલાનો પતિ અને એક દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે અને  હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. આ દુર્ઘટનાના કારણે ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટ આપવાના આક્ષેપ શરૂ થયા છે.  પરિવાર બાઈક પર જતો હતો ત્યારે પિલર પડતાં  મહિલા અને જોડિયાં બાળકોમાંથી એક બાળકે જીવ ગુમાવ્યો હતો.

કર્ણાટક કોંગ્રેસે આ મુદ્દાને ચગાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમારે આક્ષેપ કર્યો છે કે,  દુર્ઘટના ૪૦ ટકા કમિશનવાળી સરકારના ભ્રષ્ટાચારનું પરિણામ છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ડેમેજ કંટ્રોલ કરવા તપાસના આદેશ આપ્યા છે. બેંગલુરુ  મેટ્રોએ પીડિત પરિવારને ૨૦ લાખનું વળતર આપવા જાહેરાત કરી છે પણ લોકોમાં ભારે આક્રોશ છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટ આપીને લોકોના જીવ સાથે રમી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

રાજ્યપાલ રવિએ બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘ કર્યું

તમિલનાડુના રાજ્યપાલ આર.એન રવિએ  વિધાનસભામાં રાજ્યનું નામ તમિઝગમ કરવાનું કહ્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં તેમણે નવો વિવાદ છેડી દીધો છે. રાજભવન દ્વારા મોકલવામાં આવેલી પોંગલની ઉજવણીની આમંત્રણ પત્રિકામાં આર.એન. રવિનો ઉલ્લેખ તમિઝગમના રાજ્યપાલ તરીકે કરવામાં આવ્યો છે. આ નિમંત્રણ પત્રિકાનો ફોટો વાયરલ થતાં લોકો ભડક્યાં છે. ચેન્નાઈમાં 'ગેટ આઉટ રવિ'ના પોસ્ટર્સ લાગ્યાં છે અને  રાજ્યપાલના વિરોધમાં દેખાવો શરૂ થઈ ગયા છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં ધારાસભ્યોની બેઠક બોલાવીને રાજ્યપાલ વિરોધી પોસ્ટર્સ નહીં લગાવવા તથા રાજ્યપાલ વિરોધી કોઈપણ  ટિપ્પણી નહી કરવા સૂચના આપી છે પણ કાર્યકરો આક્રોશમાં છે તેથી દેખાવો કરી રહ્યા છે.

બંધારણીય નિષ્ણાતો રવિની હરકતને બાલિશ ગણાવી રહ્યા છે. તેમના મતે, રાજ્યપાલે રાજ્યનો બીજા નામે ઉલ્લેખ કરીને બંધારણીય મર્યાદાનો પણ ભંગ કર્યો છે. સત્તાવાર રીતે તમિલનાડુનું નામ ન બદલાય ત્યાં સુધી રાજ્યના બંધારણીય વડા નામ બદલે એ શરમજનક કહેવાય.

રાહુલનો ફોન જતાં જ વીજળી કનેક્શન જોડાઈ ગયું

છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે સામાજિક કાર્યકર સોની સોરીના ઘરની વીજળી કાપી નાંખી એ મુદ્દો રાહુલ સમક્ષ ઉઠાવાયો તેની ત્વરિત અસર થઈ છે. હરિયાણામાં ભારત જોડો યાત્રાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને આ અંગે સવાલ પૂછાયો ત્યારે  રાહુલે કહ્યું હતું કે પોતે  જતે છત્તીસગઢ જઇને આ મુદ્દે તપાસ કરશે પણ રાહુલ પહોંચે એ પહેલાં  સાંજ સુધીમાં સોની સોરીના ઘરની વીજળીનું કનેક્શન ફરીથી જોડી દેવાયું હતું.

સામાજિક કાર્યકર સોની સોરીને સરકારે પોલીસ રક્ષણ આપ્યું છે.  ગયા મહિને બિલ બાકી હોવાના કારણે તેમના ઘરની વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. સોની પોલીસ અત્યાચારના વિરોધમાં બિલ ભરતાં નથી.  

રાજીવનો ઈન્દિરાની હત્યા પછીનો વીડિયો વાયરલ

રાહુલ ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યાં અને કેસરી રંગની પાઘડી પહેરી તેના પગલે રાજકીય આક્ષેપો શરૂ થઈ ગયા છે.  રાહુલની સુવર્ણ મંદિરની મુલાકાતની મિનિટો પછી ભાજપ નેતા અમિત માલવીયે રાજીવ ગાંધીનો એક વીડિયો મૂક્યો હતો.  રાજીવે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલાં રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોઈ મોટું વૃક્ષ પડે ત્યારે આસપાસની ધરતી થોડી તો હલે જ.

માલવિયે સવાલ કર્યો કે,  તમે ક્યારેય શીખોનાં નરસંહારને સાચું ઠહેરાવનાર તમારા પિતા રાજીવ ગાંધીની ટિપ્પણીનું પ્રાયશ્ચિત કર્યું છે ?  ઈન્દિરાની હત્યા પછી વ કોંગ્રેસ રસ્તા  પર ઊતરી હતી, 'ખૂન કા બદલા ખૂન'નાં નારા લગાવ્યાં હતાં, મહિલાઓનો રેપ કર્યો હતો, પુરુષોનાં ગળામાં સળગતાં ટાયર નાખ્યાં હતાં.

કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી તેથી જૂની વાતો યાદ કરે છે. રાહુલે પંજાબમાં મોબ લિંચિંગ અંગે સરકાર પર પ્રહારો કર્યાં હતાં ત્યારે પણ ભાજપે આ જ વીડિયો મૂક્યો હતો.

***

દિલ્હી, દેશનું એક સૌથી વધુ પ્રદૂષિત શહેર : અભ્યાસ

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વિગતો અનુસાર ૨૦૨૨માં દિલ્હી દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું. એ વખતે એનું પીએમ ૨.૫ સ્તર, સુરક્ષિત મર્યાદાથી બમણા કરતાં વધુ હતું. એનું સરેરાશ પીએમ ૧૦ તૃતીય ક્રમાંકે સૌથી વધુ હતું. રાષ્ટ્રીય આ પાટનગરમાં પીએમ ૨.૫ પ્રદૂષણમાં ચાર વર્ષમાં સાત ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯માં એ ૧૦૮ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું, જે ૨૦૨૨માં ઘટીને ૯૯.૭૧ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર થયું, એમ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ટ્રેકરના અહેવાલમાં જણાવાયું છે. જોકે હજી એ અપેક્ષિત સ્તર કરતાં ઘણું નીચે છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ટ્રેકર ૨૦૨૪ સુધીમાં પ્રદૂષણને ૨૦ થી ૩૦ ટકા ઘટાડવા માગે છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ટ્રેકર ન્યુઝ પોર્ટલ કાર્બન કોપી અને મહારાષ્ટ્રસ્થિત સ્ટાર્ટ-અપ રેસ્પિરર લિવિંગ સાયન્સીસનો સંયુક્ત પ્રોજેકટ છે. દેશના વાતાવરણમાં શુધ્ધ હવાની હાજરીનો લક્ષ્યાંક સિધ્ધ કરવો એ એનું ધ્યેય છે.

શ્રી રામ સેના કર્ણાટકમાં ભાજપ સામે ચૂંટણી લડશે

શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે હિંદુત્વના મુદ્દે લડતા પોતાના જેવા લોકોને ભાજપ ટેકો નહિ કરતો હોવાનું જણાવ્યું છે. આથી અમે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, એમ એમણે ઉમેર્યું. કર્ણાટકસ્થિત જમણેરી સંગઠન શ્રી રામ સેનાના આ વિવાદાસ્પદ નેતાએ અગાઉ ભાજપે હિંદુત્વને કોરાણે મૂક્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સેનાએ જાહેર કર્યું છે કે આ વર્ષે યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ૨૨૪ બેઠકો પૈકી ૨૫ બેઠકો પરથી પોતે ઝૂકાવશે. એણે ૧૦ ઉમેદવારો નક્કી પણ કર્યા છે. મુથાલિકે કહ્યું કે સેનાને હિંદુ મતબેન્કનો લાભ મળે એટલા માટે અમે જે બેઠકો પર લડીએ છીએ એ પૈકીની કેટલીક બેઠકો પર ભાજપ ઉમેદવાર નહિ મૂકે એવી અમે અગાઉ આશા રાખી હતી.

વંદે ભારત હલ્લો : કોલકત્તામાં પત્રકારો સામે ગુનો નોંધાયો

હાવરા-ન્યુ જલપાઇગુરિ વચ્ચે દોડતી સેમિ હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૨ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાંથી પસાર થઇ રહી હતી ત્યારે એના પર પહેલીવાર પથ્થરબાજી થઇ હતી. એ જ રીતે, ૩ જાન્યુઆરીએ એના પર બીજી વાર પણ પથ્થર ફેંકાયા હતા. આ બનાવો વિષે ખોટા અહેવાલ આપવા બદલ કોલકત્તા પોલીસે ૧૦ પત્રકારો અને પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષની સામે પ્રથમદર્શી ગુનો નોંધ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ અહેવાલોની ટીકા કરી હતી અને  ફેલાવનાર સામે કાનૂની પગલા લેવાની ધમકી આપી હતી.

આઝમગઢ એરપોર્ટ વિસ્તરણ : વિરોધ ચાલુ

મોટાભાગના ખેડૂતો સહિતના ઉત્તરપ્રદેશના સેંકડો ગ્રામીણો છેલ્લા ત્રણેક માસથી આઝમગઢ એરપોર્ટના વિસ્તરણ સામે વિરોધ-આંદોલન ચલાવી રહ્યા છે. એમને શંકા છે કે સરકાર આ કામ માટે આઠ જિલ્લાના લગભગ ૪૦૦૦ નિવાસસ્થાનો પર બૂલડોઝર ફેરવી દેશે. પરિણામે ૨૫,૦૦૦ લોકો રોજી ગુમાવશે. આ એરપોર્ટ વિષેના અખબારી અહેવાલ અનુસાર, સરકાર મન્ડુરી આઝમગઢ એરપોર્ટને ઊડાન (ઊડે દેશકા આમ નાગરિક) યોજના અંતર્ગત વિસ્તારવા માગે છે. આ માટે હસ્તગત કરાનારી જમીનસંબંધી મોજણી થઇ ચૂકી છે.

વિદ્યાર્થીઓને બે પ્રોગ્રામમાં સાથે ભણવા દેવાય : યુજીસી

યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન)એ  વિદ્યાર્થીઓ બે શૈક્ષણિક પ્રોગ્રામમાં એકસાથે ભણી શકે એ માટે કોઇ કાયદેસર માળખું ગોઠવી કાઢવા માટે યુનિવર્સિટીઓને જણાવ્યું છે. યુજીસીની વર્તમાન માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓ પૂર્ણ સમયના બે શૈક્ષણિક કાર્યક્રમોને એક સાથે પોતે હાજર રહીને (ફિઝિકલ મોડમાં) ભણી શકે. અલબત્ત, બંને કોર્સના સમય (ટાઇમિંગ) એકસરખા હોવા જોઇએ નહિ. યુજીસીએ ૧૦ જાન્યુઆરીએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં વિદ્યાર્થી બે શૈક્ષણિક પ્રોગ્રામમાં એકસાથે ભણી શકે : એક પૂર્ણ સમયનો વર્ગમાં રૂબરૂ હાજર રહીને જ્યારે બીજો ઓપન અથવા ડિસ્ટન્સ લર્નિંગ અથવા ઓનલાઇન પ્રોગ્રામ 'એટેન્ડ' કરીને. યુજીસીએ આ જાહેરનામામાં એ વાતની નોંધ લીધી છે કે યુનિવર્સિટીઓ, બે ડિગ્રી પ્રોગ્રામમાં વિદ્યાર્થીને પ્રવેશ આપતી વેળા માઇગ્રેશન પ્રમાણપત્ર અને શાળા છોડયાના (સ્કૂલ લિવિંગ) પ્રમાણપત્ર માગી રહી છે, જેના લીધે વિદ્યાર્થીને અતિશય મુશ્કેલીઓ પડી રહી છે.

ઓડિશામાં હેલ્થ કાર્ડ કૌભાંડ : પાંચ ઝડપાયા

ઓડિશાની કટક પોલીસે રાજ્ય સરકારની સ્વાસ્થ્યસંબંધી બીએસકેવાય (બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના)નો દુરૂપયોગ કરીને પૈસા બનાવવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાનું જણાતા પાંચ જણને જેલભેગા કર્યા છે, જેમાં એક ખાનગી હોસ્પિટલનો માલિક પણ છે. આ કૌભાંડનો ભોગ કટકના બાયાલિશ મૌઝા વિસ્તારના ભોળા લોકો બન્યા છે. એમને છેતરીને બીએસકેવાય કાર્ડ ફન્ડ ચ્યાઉં કરાયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલી સાઉથ પોઇન્ટ નામની હોસ્પિટલે દલાલો સાથે મળીને દર્દી દવાખાનામાં દાખલ થયો હોય નહિ છતાં એમના નામે ખોટા તથા નકલી બિલો બનાવીને બીએસકેવાય યોજના અંતર્ગત લાખો રૂપિયા ઉપાડી લીધા છે. ભોળા કાર્ડધારકો પાસેથી કાર્ડ રીન્યુ કરાવવાના હોવાનું જણાવીને એમના કાર્ડ લેવાયા હતા. એ પછી આ પ્રત્યેક કાર્ડધારકને ૨૦૦૦ રૂપિયાની નવાજેશ કરાઇ, એમ પોલીસે જણાવ્યું.

- ઇન્દર સાહની

    Sports

    RECENT NEWS