દિલ્હીની વાત : સત્તાવાળા રાજ્યોએ ભાજપની ચિંતા વધારી
નવી દિલ્હી : ભાજપની સંગઠન ચૂંટણીમાં જે મોડું થઈ રહ્યું છે એની અસર રાજ્યો પર દેખાવા માંડી છે. ખાસ કરીને જે રાજ્યોમાં ભાજપ સત્તાપર છે ત્યાથી આવી રહેલા રીપોર્ટસ ખાસ સારા નથી. જે રાજ્યમાં ભાજપ સત્તા પર છે ત્યાં અલગ અલગ સ્તરે સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત સરકારો અને સંગઠનો વચ્ચે પણ તિરાડ જોવા મળે છે. લોકોની નારાજગી વધી રહી છે. સ્થાનીક નેતાઓ કેન્દ્રીય નેતાઓને મળીને ફીડબેક આપી રહ્યા છે. ભાજપના મુખ્ય રાજ્યોની સંગઠન ચૂંટણી પૂરી થયા પછી પણ રાષ્ટ્રીયસ્તરે ચૂંટણી થઈ શકી નથી. આની અસર રાજ્યો પર પણ થઈ રહી છે. સંગઠનમાં ઢીલાસ જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષ વિવિધ સ્તરોથી રાજ્યોના રીપોર્ટ મેળવે છે. સંગઠનસ્તરે પક્ષના અધ્યક્ષો દર મહિને મહામંત્રીઓની સાથે મીટીંગ કરીને વિચારોની આપલે કરે છે.
કોંગ્રેસને ફટકો, આનંદ શર્માએ રાજીનામું આપ્યું
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા આનંદ શર્માએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી (એઆઇસીસી)ના વિદેશ બાબતોના વિભાગના પ્રમુખ તરીકે રાજીનામુ આપી દીધું છે. જોકે તેઓ કોંગ્રેસ વર્કીંગ કમીટી (સીડબ્લ્યુસી)ના સભ્ય તરીકે ચાલુ રહેશે. ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર પછી વિવિધ દેશોમાં પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું ત્યારે આનંદ શર્મા પણ એનો હિસ્સો હતા. આનંદ શર્મા એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સૂલેની આગેવાની હેઠળ ગયેલા પ્રતિનિધિ મંડળનો ભાગ હતા. કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ આનંદ શર્માના અનુભવ અને કાર્યની પ્રશંસા કરી હતી. આનંદ શર્માના વિદેશ બાબતના જ્ઞાાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. શર્માએ શા માટે રાજીનામું આપ્યું એનું સસ્પેન્સ યથાવત છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કયા પક્ષે એનડીએને ટેકો આપવાનો ઇન્કાર કર્યો
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ સમપત ઉમેદવારને બીજેડી ટેકો નહીં આપે. આ નિવેદન બીજેડીના ભૂતપૂર્વ સાંસદ મહેશ શાહુએ આપ્યું છે. એમણે કહ્યું છે કે, પક્ષ કદી એનડીએના ઉમેદવારને ટેકો નહીં આપે. એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે કોઈને ઉમેદવાર બનાવવામાં આવશે એનો વિરોધ બીજેડી કરશે. મહેશ શાહુએ કહ્યું હતું કે, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના પુત્રી દ્રૌપદી મૂર્મૂને રાષ્ટ્રપતિ માટે ઉમેદવાર બનાવ્યા હતા ત્યારે બીજેડીએ એમનું સમર્થન કર્યું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે. વકફ બોર્ડ બાબતે જે ઘટનાઓ બની છે એની ચર્ચા થવી જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ત્યારે સવાલ પૂછાયા હતા કે આ વખતે બીજેડી કોને ટેકો આપશે. જો બીજેડી એનડીએને ટેકો આપતે તો ભાજપ સાથે નજીકનો સંબંધ હોવાનું પુરવાર થતે.
શરદ પવાર ભત્રીજા સાથે હાથ મેળવે એવી ચર્ચા
દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર ભત્રીજા અજીત પવાર સાથે ફરીથી હાથ મેળવે એવી શક્યતા છે. જોકે શરદ પવારે આ બાબતે હવે પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું છે. શરદ પવારએ જાહેરમાં કહ્યું છે કે તેઓ અજીત પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. એમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના વિરોધ પક્ષ મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા વધુ સાવચેતી રાખવાની જરૂર હતી. એસઆઇઆર મામલે શરદ પવારે રાહુલ ગાંધીને ટેકો આપ્યો હતો. પવારનું માનવું છે કે, ગરીબ મતદાતાઓનો અધિકાર છીનવાવો જોઈએ નહીં. વિરોધ પક્ષોના નેતાઓની ડીનર પાર્ટીમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી લાઇનમાં બેસાડવામાં આવતા થયેલા વિવાદ સંદર્ભે શરદ પવારે કોઈ કોમેન્ટ કરી નહોતી.
ઝારખંડના અધિકારીઓ વિરૂદ્ધ નિશિકાંત દુબેનો મોરચો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, એમણે લોકસભા અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરી છે. ફરિયાદમાં ઝારખંડના મુખ્ય સચીવ અને પોલીસ મહાનિર્દેશક સહિત કેટલાક અધિકારીઓ સામે વિશેષાધિકાર ભંગનો આરોપ છે. નિશિકાંત દુબે સામે ધાર્મિક લાગણી દુભવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઝારખંડ પોલીસએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને અન્યો સામે બાબા વૈદનાથ મંદિરના ગર્ભગૃહમાં જબરજસ્તીથી દાખલ થવાની ફરિયાદ નોંધી હતી. સોશ્યલ મીડિયા એક્સ પર નિશિકાંત દુબેએ લખ્યું હતું કે એમની સામે ૫૧ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. હવે બંધારણના આર્ટીકલ ૧૦૫ હેઠળ જવાબદાર તમામ અધિકારીઓ સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ થઈ છે. મંદિરના પુજારી કાતકનાથ ઠાકુરની ફરિયાદને આધારે ભાજપના નેતાઓ સામે એફઆઇઆર દાખલ થઈ હતી.
કાનપુરમાં વકીલ અખિલેશ દુબેની ચર્ચા
અખિલેશ દુબે કાનપુરના ચર્ચાસ્પદ વકીલ છે. પોલીસે 'ઓપરેશન મહાકાલ' સંદર્ભે એમની ધરપકડ કરી છે. અખિલેશ દુબે સામે દાખલ થયેલી ફરિયાદમાં આરોપ છે કે અખિલેશએ ભાજપના નેતા રવી સતેજા સામે પોક્સો એક્ટ હેઠળ ખોટી એફઆઇઆર દાખલ કરાવી હતી. ધમકી આપીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. પોલીસએ વકીલની પૂછપરછ કર્યા પછી એમની ધરપકડ કરી હતી. અખિલેશના સાથી લવી મિશ્રાની ધરપકડ પણ કરવામાં આવી છે. એમ કહેવાય છે કે, અખિલેશ કાયદાની જાળમાં લોકોને ફસાવીને ખંડણી ઉઘરાવવાનું રેકેટ ચલાવતા હતા. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે. અખિલેશ અને એમના સાથીઓ સામે વધુ બીજા બે કેસો પણ દાખલ કરવામાં આવ્યા છે. બંને કેસો ખંડણીને લગતા છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખડગેની વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત
ઇન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર ઉભો રાખશે. સંભવિત નામો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે વિરોધ પક્ષના નેતાઓના સંપર્કમાં છે. ખડગેએ કહ્યું છે કે, વિરોધ પક્ષોના ગઠબંધનમાં પ્રબળ ભાવના છે કે, વિરોધ પક્ષોએ પરિણામની પરવાહ કર્યા વગર મજબૂત રાજકીય સંદેશો મોકલવો જોઈએ. ઉમેદવારની પસંદગી બાબતે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ સંભવિત ઉમેદવારોના નામો ચર્ચાય રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ વિરોધ પક્ષો એક બાબતે સહમત છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો ઉમેદવાર સંયુક્ત ઉમેદવાર હોવો જોઈએ. કેટલાક વિરોધપક્ષના નેતાઓ માને છે કે ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરે ત્યાર પછી જ ઇન્ડિયા ગઠબંધનએ પોતાનો ઉમેદવાર પસંદ કરવો જોઈએ.