Get The App

દિલ્હીની વાત : મોદી-રાહુલ ગાંધીની ઉષ્માસભર મુલાકાતની ચર્ચા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદી-રાહુલ ગાંધીની ઉષ્માસભર મુલાકાતની ચર્ચા 1 - image

નવીદિલ્હી : સંસદના પરીસરમાં એક એવી ઘટના બની કે જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે આત્મીયતા જોવા મળી હતી. મોદી પોતાની કારમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે એમણે બહાર ઉભેલા રાહુલ ગાંધી સાથે ખુબ ઉષ્માભરી રીતે વાતચીત કરી હતી. સામે પક્ષે રાહુલ ગાંધીએ પણ ઉમળકાપૂર્વક વડાપ્રધાન સાથે વાત કરી હતી. સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કડવાસ જોવા મળે છે. થોડા વર્ષો પહેલા સંસદમાં રાહુલ ગાંધી ઉભા થઈને નરેન્દ્ર મોદીની બેઠક પર ગયા હતા અને ભેટયા હતા. એ વખતે નરેન્દ્ર મોદીએ કોઈ ઉષ્મા બતાવી નહોતી. હવે રાહુલ પ્રત્યે મોદીનું બદલાયેલું વલણ જોતા સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે રાહુલ ગાંધી જે રીતે ભાજપના નેતાઓને ઘેરે છે એને કારણે વડાપ્રધાન થોડા ઠંડા પડયા હોય એમ લાગે છે.

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઇરાનના કયા પ્રતિનિધિઓ આવ્યા

અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ વચ્ચે ઇસ્લામાબાદમાં વાતચીત થઈ હતી. મોહમદ બગર ગાલીબાફના નેતૃત્વમાં ઇરાનનું પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું હતું. અમેરિકા તરફથી વાતચીતમાં ભાગ લેવા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ આવ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ એવું નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રમાણીકતાથી વાતચીત સફળ કરવાની કોશિષ કરશે. મોહમદ બગર ગાલીબાફ ઇરાન સંસદના પ્રમુખ છે જ્યારે અબ્બાસ અરાગચી વિદેશ મંત્રી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પરસ્પર વિશ્વાસનો અભાવ હોવાથી યુદ્ધવિરામ લાંબા સમય સુધી ટકી શકશે કે કેમ એ વિશે ઘણાને શંકા છે. ભૂતકાળમાં પણ અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ મળ્યા હતા અને વાતચીત પણ કરી હતી, પરંતુ એનું પરિણામ શૂન્ય આવ્યું હતું.

અમિત શાહે ટીએમસીને 'મમતા દીદીની ગેંગ' કહી

ચૂંટણી માથા પર હોય છે ત્યારે રાજકીય નેતાઓના માથા પણ ગરમ રહે છે. મોટા ભાગના નેતાઓ ચૂંટણી પ્રચાર વખતે બોલવામાં છૂટછાટ લઈ લે છે. આજકાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે. એક સભામાં એમણે કહ્યું હતું કે, 'અમે મમતા દીદી અને એમની ગેંગને આખા બંગાળમાંથી સાફ કરી નાંખીશું. આ ગેંગ મમતા અને એમના ભત્રીજા માટે શાસન કરવાનું એક હથિયાર બની ગઈ છે. એમણે બંગાળનું લોહી ચૂસ્યું છે. મમતાની સત્તા દુર થયા પછી ભાજપની સરકાર બનશે અને અમે આ ગેંગને પદાર્થપાઠ ભણાવશું. મમતાના અભિમાનને કારણે સ્થાનીક બટાટાની કિંમત ખેડૂતોને એક કીલોના ૨૦ રૂપિયા મળવા જોઈએ એને બદલે ૨ રૂપિયા જ મળે છે. છંછેડાયેલા મમતા બેનર્જીએ ત્યાર પછી એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે એસઆઇઆર અભિયાનને કારણે ૨૫૦ બંગાળીઓના મૃત્યુ થયા છે.

પાકિસ્તાન મધ્યસ્થી કઈ રીતે બન્યું

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કામચલાઉ સીઝફાયર જાહેર થયું છે. પાકિસ્તાને વિશ્વ આખામાં એવો પ્રચાર કર્યો છે કે અમેરિકા અને ઇરાન એની મધ્યસ્થતા ઇચ્છે છે. અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત શરૂ થાય એ પહેલા પાકિસ્તાને રાજધાની ઇસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર કરી દીધી હતી. ઇસ્લામાબાદમાં રસ્તાઓ સૂમસામ છે અને સુરક્ષા માટે ૧૦ હજાર પોલીસ કર્મચારીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને મધ્યસ્થ બનવા માટે એટલે પસંદ કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધ પાકિસ્તાન સાથે સારા છે. અમેરિકા, ઇરાન અને ખાડીના દેશોને પણ પાકિસ્તાન ઉપર ભરોસો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં થતી ચર્ચા પ્રમાણે પાકિસ્તાન સૈન્યના પ્રમુખ આસીમ મુનીરના પ્રયત્નને કારણે યુદ્ધવિરામ શક્ય બન્યો છે. મુનીર હમણા પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે. પાકિસ્તાને ટ્રમ્પને ખુશ કરવા નોબલ શાંતિ પુરસ્કાર માટે પણ એમનું નામ સૂચવ્યું હતું.

કેન્દ્રની નિષ્ફળ કૂટનીતિ પર કોંગ્રેસના પ્રહાર

પશ્ચિમ એશિયામાં તણાવવાળા વાતાવરણ વચ્ચે કોંગ્રેસે ભારત સરકારની કૂટનીતિક નિષ્ફળતા પર સવાલ કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, એક વર્ષ પહેલા પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વિશ્વથી અલગ પાડવાનો જે પ્રયાસ કર્યો હતો એ જ પાકિસ્તાન હવે અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યું છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહાર કરીને કહ્યું હતું કે, પોતાને જાતે જાહેર કરેલા વિશ્વગુરુની આવડત પર શંકા થાય છે. પાકિસ્તાને પહેલગામ પર કરેલા આતંકવાદી હુમલા છતાં કૂતનીતિમાં પાકિસ્તાને ભારતને માત આપી છે. ૨૦૦૮ના મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પછી તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંહે પાકિસ્તાનને એનું સ્થાન બતાવી દીધું હતું.

શિવસેનાના મુખપત્રનો સત્તા પક્ષ પર હુમલો

નાસિકમાં 'કોર્પોરેટ જેહાદ'ના આક્ષેપ પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ ગંભીર પ્રશ્નો કર્યા છે. પક્ષના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી કહેવાતી એક નવી પેઢી જન્મી છે. જે સગવડ અનુસાર હિન્દુત્વવાદી બની જાય છે. ચૂંટણીની મોસમમાં એમનું હિન્દુત્વ ખીલી ઉઠે છે. અશોક ખરાટ કેસ અને નાસિકની ઘટનાની સરખામણી કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈ મુસ્લિમ મુલ્લા - મૌલવીનો હાથ લાગી જાય તો એ બાબતે હિન્દુત્વવાદી ચોંકી જાય છે, પરંતુ આવું ગંદુ કૃત્ય કોઈ હિન્દુ ઢોંગી બાબા કરે છે ત્યારે હિન્દુત્વવાદીઓ ચૂપ બેસે છે. નાસિક જિલ્લામાં આવા ઢોંગી બાબાએ ઘણા લોકોને બરબાદ કર્યા છે.' નાસિકની એક મલ્ટીનેશનલ આઇટી કંપનીના મુસ્લિમ કર્મચારીઓ પર હિન્દુ મહિલાઓનું યૌન શોષણ કરવાનો કેસ થતા સામના વિફર્યું છે.

કોમેડિયન કૃણાલ કામરાનો માફી માંગવા ઇન્કાર

કોમેડિયન કૃણાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બાબતે કરેલી કોમેન્ટનો કેસ વિધાનસભાની કમિટિ પાસે પહોંચ્યો હતો. આ બાબતે કૃણાલ કામરા મહારાષ્ટ્ર વિધાનસભાની કમિટિ સમક્ષ ઉપસ્થિત થયા હતા. કમિટિએ કરેલી પૂછપરછ પછી કામરાએ કહ્યું હતું કે એમના નિવેદન માટે એમને કોઈ પસ્તાવો નથી અને તેઓ માફી નહીં માગે. ત્યાર પછી એમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, તેઓ એમના નિવેદનને વળગી રહે છે અને જૂઠી કે ઔપચારીક માફી નહીં માગે. કામરાને વિશેષ અધિકાર ભંગની નોટીસ આપવામાં આવી હતી. કમિટિના અધ્યક્ષ પ્રસાદ લાળે કહ્યું હતું કે કામરાને ૨૪ સવાલો પૂછવામાં આવ્યા હતા. એમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે એમણે આપેલા નિવેદનથી એમને પશ્ચાતાપ છે કે નહીં.