For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : રાહુલ ગાંધી કોંગ્રસ પ્રમુખની ચૂંટણી લડશે

Updated: Sep 11th, 2022

દિલ્હીની વાત : રાહુલ ગાંધી કોંગ્રસ પ્રમુખની ચૂંટણી લડશે


નવીદિલ્હી : રાહુલ ગાંધીએ પોતે કોંગ્રેસ પ્રમુખપદ માટે તૈયાર હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીનું કાઉન્ટડાઉ શરૂ થઈ ગયું છે પણ હજુ  પ્રમુખ કોણ બનશે એ મુદ્દે રાજકીય સસ્પેન્સ છે. આ સસ્પેન્સ વચ્ચે શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ચૂંટણી ના લડું તો મારો જવાબ માગજો. રાહુલના નિવેદનનો સ્પષ્ટ અર્થ એ છે કે, રાહુલ માનસિક રીતે ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલને ચૂંટણી લડશે કે નહીં તે અંગે સવાલ પૂછાયો ત્યારે રાહુલે કહ્યું કે, પોતે ચૂંટણી લડશે કે નહીં તેના પર પછીથી  જવાબ આપશે. મેં નિર્ણય કરી લીધો છે અને મનમાં હવે કોઇ ભ્રમ નથી. હું ચૂંટણી ન લડું તો તમને જવાબ આપીશ.

રાહુલ ગાંધી  ૨૦૧૭માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા પણ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ રાહુલે રાજીનામું આપી દીઘું હતું. હવે રાહુલે માનસિક રીતે ફરી જંગ લડવાની તૈયારી કરી લીધી છે. આ વલણ જોતાં તે ફરીથી પ્રમુખ બનવા તૈયાર હોવાનું સ્પષ્ટ છે.

મોદીના સૂટની વાત થતાં ભાજપની બોલતી બંધ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પહેરેલા ટી-શર્ટના વિવાદને ઉછાળવા જતાં ભાજપ ભેરવાઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓએ આપેલા જડબાતોડ જવાબના પગલે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે.

રાહુલ ગાંધી તામિલનાડુમાં હતા ત્યારે તેમણે પહેરેલા ગ્લોબલ બ્રાન્ડના સફેદ રંગના ટીશર્ટ મુદ્દે ભાજપે કટાક્ષ કર્યો હતો. ભાજપે રાહુલનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભારત દેખો, ૪૧ હજાર કી ટીશર્ટ. ભાજપે ટ્વિટમાં કંપનીની વેબસાઈટ પર ઓનલાઈન વેચાણમાં લખાયેલો ભાવ પણ દર્શાવ્યો હતો.

ભાજપના ટ્વિટના જવાબમાં કોંગ્રેસે મોદીના ૧૦ લાખના સૂટ અને દોઢ લાખના ગોગલ્સનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસે લખ્યું કે, ચર્ચા કરવી હોય તો બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી, કપડાં પર ચર્ચા કરવી હોય તો મોદીજીના ૧૦ લાખના સૂટ અને ૧.૫ લાખના ચશ્મા સુધી વાત જશે. બોલો, વાત કરવી છે? કોંગ્રેસે કટાક્ષ પણ કર્યો કે, ભારત જોડો યાત્રામાં ઉમટેલા માનવ મહેરામણને જોઈને - ભારત જોડો યાત્રામાં ઉમટેલા માનવ મહેરામણને જોઈને ગભરાઈ ગયા કે શું ?

ચપ્પલ ખોવાતાં સાંસદે યુવકને થપ્પડ મારી દીધી

રાજસ્થાનમાં આરએલપીના રાષ્ટ્રીય સંયોજક અને નાગૌર લોકસભા મતવિસ્તારના હનુમાન બેનીવાલે પોતાના કાર્યકરને થપ્પડ મારી તેનો વીડિયો વાયરલ થયો છે. બેનીવાલના કાર્યક્રમ દરમિયાન ધક્કા-મુક્કી થઈ હતી. બેનીવાલ બહાર નિકળ્યાં ત્યારે તેમના ચપ્પલ ગાયબ થઈ ગયાં હતાં તેથી બેનીવાલ નારાજ થઈ ગયા હતા. તેમણે ચપ્પલ શોધ્યાં તો ના મળ્યાં તો એક યુવક પર ભડક્યા. યુવકે કંઈક કહેતા તેમણે અકળાઈને યુવકને થપ્પડ મારી દીધી. બેનીવાલના કમનસીબે ટીવી ચેનલોના કેમેરામેન સાથે હતા. બેનીવાલે કેમેરા જોતા જ યુવકને ગળે લગાડીન વાતને વાળવા પ્રયત્ન કર્યો.  ઘટના નાગૌર જિલ્લાના મેળાની હોવાનું કહેવાઈ રહ્યું છે. બેનીવાલ યુવકને પોતાની સાથે હેલિકોપ્ટરમાં પણ લઈ ગયા હતા. બેનીવાલ સાથે હેલિકોપ્ટરમાં બેઠેલા યુવકનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

લોકો વીડિયોની એમ કહીને મજા લઈ રહ્યા છે કે, થપ્પડ મારતાં પહેલાં વિચાર કરજો. બાકી થપ્પડ ખાનારને હેલિકોપ્ટરની સવારી કરીને પસ્તાવો કરવો પડશે. કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે કે, આપણા જનપ્રતિનિધીઓનું અસલી રૂપ જોઈ લો.

પાત્રાને પ્રભારી બનાવાયા તેની લોકોએ મજા લીધી

ભારતીય જનતા પાર્ટી મિશન ૨૦૨૪ની તૈયારીઓમાં લાગી છે ને તેના ભાગરૂપે મહત્વનાં રાજ્યોમાં  ભાજપે નવા પ્રભારી બનાવ્યા છે. ભતપૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને બિપ્લબ કુમાર દેબને પણ જુદાં જુદાં રાજ્યોના પ્રભારી બનાવાયા છે ત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પણ સંગઠનની કામગીરી સોંપાઈ છે. પાત્રાને પૂર્વોત્તરના આઠ રાજ્યોની જવાબદારી સોંપીને  પૂર્વોત્તરના સંયોજક બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મંત્રી તુરાજ સિંહાને સંયુક્ત સંયોજક બનાવવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ અંગે પાત્રાની મજા લઈ રહ્યાં છે. લોકો લખી રહ્યાં છે કે, હાશ, સંબિત પાત્રા પૂર્વોતરનાં રાજ્યોમાં વ્યસ્ત રહેશે તેથી આપણે તેમને સહન નહીં કરવા પડે પણ ભગવાન પૂર્વોતરના રાજ્યોના લોકોને બચાવે, એ પણ આપણ દેશબંધુઓ જ છે.

કેટલાકે લખ્યું છે કે, પાત્રાને શું કામ કરવાનું છે એ સમજાવીને મોકલજો, નહિંતર ચેનલ પર બોલવાનું કંઈ હોય ને ભળતું જ બોલ્યા કરે છે એવું કરીને ના આવે. કેટલાકે લખ્યું છે કે, સંયોજક તરીકે કશું બોલવાનું ના હોય તો સારું, બાકી પૂર્વોેત્તરનાં લોકોનું આવી બનશે.

ભાજપે નડતરરૂપ નેતાઓને પ્રભારી બનાવી દીધા

ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં ૧૫ રાજ્યોમાં નવા ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી એ મુદ્દો ચર્ચામાં છે. ભાજપે કુલ ૨૩ નેતાઓને પ્રભારી કે સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. આ પૈકી થોડાક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના કિસ્સામાં તો રાજ્યની નેતાગીરીને તકલીફ ના આપે એ માટે નેતાઓને બહાર મોકલાયા છે.  

ભાજપે જે નવા પ્રભારી નિયુક્ત કર્યા છે તેમાં બિહાર  માટેના પ્રભારી વિનોદ તાવડે અને સહપ્રભારી હરીશ દ્વિવેદી, છત્તીસગઢના પ્રભારી તરીકે ઓમ માથુર અને  નિતિન નવીન સહ પ્રભારીપદે નિમાયા, તેલંગણામાં તરુણ ચુગ અને રાજસ્થાનમાં અરુણ સિંહ,  એ નિમણૂકો ગંભીર પ્રકારની કહી શકાય એવી છે.  

આ સિવાયની નિમણૂકો વિખવાદ ટાળવા માટેની છે. હરિયાણામાં વિપ્લવ દેવ, ઝારખંડમાં લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલમાં પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશમાં મુરલીધર રાવ, પંજાબમાં વિજય રૂપાણી, ત્રિપુરામાં મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળમાં  મંગલ પાંડેને તેમનાં રાજ્યોમાં કોઈ ડખા ઉભા ના કરે એ માટે પ્રભારી બનાવ્યા છે. ભાજપનો પ્રભવા નથી એવાં રાજ્યોમાં આ નેતાઓનો મોકલાયા છે.

હૈદરાબાદમાં આસામના મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાના હૈદરાબાદના કાર્યક્રમમાં સત્તાધારી પક્ષના એક નેતાએ સરમા બોલતા હતા ત્યારે તેમનું માઈક વાળી દીધું એ ઘટનાએ ચકચાર જગાવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બહારની વ્યક્તિ કઈ રીતે સ્ટેજ પર પહોંચી ગઈ એ સવાલ થઈ રગ્યો છે.

સરમાએ ભાગ્યનગરના ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી.  સરમા મંચ ઉપર ઊભા હતા અને બાજુમાં ભગવાં કપડાંમાં એક વ્યક્તિ ભાષણ કરી રહી હતી ત્યારે ધસી આવેલા ટીઆરએસના નેતા નંદકિશોરે પ્રવચન કરી રહેલા વક્તા પાસેથી માઈક ઝૂંટવી લીધું હતું. આ વ્યક્તિ આસામના મુખ્યમંત્રીની આટલી નજીક પહોંચી ગઈ એ તેમની સુરક્ષામાં મોટી ચૂક ગણાય તેથી ભારે ચકચાર જાગી છે.

નંદકિશોરે સરમાની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેણે માઈકને મરડી નાખ્યું હતું. નંદકિશોર સરમા સાથે જીભાજોડી  કરી રહ્યો હતો ત્યારે હાજર લોકોએ તેને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. ભાજપ આ ઘટનાને સરકારનું કાવતરું ગણાવે છે.  સરમાએ તેમના પ્રવચવનમાં કહ્યું કે, તેલંગણામાં એક જ પરિવારનું ભલુ થઈ રહ્યું છે. રાજ્યના તમામ લોકોનું ભલું થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ. 

***

રાહુલની યાત્રાથી કંઇક સારૂં નીપજશે : સત્યપાલ મલિક

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ખેડૂતોના મુદ્દે અનેક પ્રસંગોએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર ટીકાકાર રહ્યા છે, પરંતુ તેઓ રાહુલ ગાંધીની પ્રશંસા કરે એ અસામાન્ય છે. મલિકે ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના મૂધી બાકાપુર ગામે એક કાર્યક્રમમાં જણાવ્યું કે રાહુલ ગાંધી સારૂં કામ કરી રહ્યા છે. એમના  પ્રયત્નો બદલ શુભકામનાઓ પાઠવતા મલિકે ઉમેર્યું કે કન્યાકુમારીથી કાશ્મિરની ૩૫૭૦ કિલોમીટરની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કંઇક સારા પરિણામો મળશે. બે વર્ષ અગાઉ સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મિરના રાજ્યપાલ હતા ત્યારે જમ્મુ-કાશ્મિરનો કલમ-૩૭૦  અંતર્ગતનો વિશેષ દરજ્જો દૂર કરાયા બાદ કાશ્મિર ખીણની મુલાકાત લેવા માગતા રાજકીય નેતાઓને એ માટે પરવાનગી નહિ આપતા જમ્મુ-કાશ્મિરના વહીવટી તંત્ર પર રાહુલ ગાંધી લાલચોળ થઇ ગયા હતા ત્યારે રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલનો ઉધડો લીધો હતો. મલિકે એ વખતે રાહુલ,  મૃત્યુ અને દળોના અવિચારીપણે કરાયેલા ઉપયોગ વિષે જૂઠું બોલતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિલ્હી, પંજાબ ખેડૂતોને સંયુક્તપણે ચૂકવણું કરશે

જો ડાંગરના ડૂંડાં કાપી લીધા પછી વધતા ઠૂંઠાને પંજાબ અને દિલ્હીના ખેડૂતો બાળે નહિ તો એમને આર્થિક પ્રોત્સાહન આપવાના મુદ્દે પંજાબ અને દિલ્હી સરકારો ગૃહકાર્ય કરી રહી છે. કેન્દ્ર સરકારે આ કામ માટે નાણા ફાળવણીનો ઇન્કાર કરી દીધો છે એ જાણીતું છે. અગાઉ ખેડૂતોને દર એકર જમીને ૨૫૦૦ રૂપિયાનું પ્રોત્સાહન-વળતર ચૂકવવાનું વિચારાયું હતું, જે કેન્દ્રના નકાર પછીની નવી પરિસ્થિતિમાં એકરદીઠ ૧૦૦૦ રૂપિયા જેટલું થાય એવી શક્યતા છે. પાકની લણણી પછી ખેતરોને સાફ કરવા માટે પાકના ઠૂંઠાંને બાળી દેવા એ સહેલો રસ્તો છે, પરંતુ એમ કરવાથી ઉત્તર ભારતના વિશાળ વિસ્તારમાં છવાતા ધૂમાડાના વાદળોથી વિશ્વનું હવાનું સૌથી ખરાબ પ્રદૂષણ આકાર લે છે. આથી ખેડૂતોને આ કામ કરતા રોકવા માટે પ્રયાસો કરી શકાય એવી યોજના મહત્ત્વપૂર્ણ છે. અમે કેન્દ્ર પાસે ૧૮૭૫ના કુલ ખર્ચમાં ૧૧૨૫ કરોડ રૂપિયાની મદદ માગી હતી, જ્યારે ૩૭૩ કરોડ પંજાબ અને દિલ્હી સરકાર ફાળવે એમ વિચારાયું હતું. હવે કેન્દ્રના કૃષિ મંત્રાલય તરફથી પ્રતિભાવ આવી ગયો છે કે એમણે અમારી મદદ માટેની માગણીને નકારી કાઢી છે, એમ પંજાબના મુખ્ય સચિવ વી.કે. જાન્જુઆએ જણાવ્યું.

LG સાથેનો વિવાદ ઝટ ઉકેલાઇ જશે : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાપ્તાહિક સંકલન બેઠક માટે શુક્રવારે લેફટેનન્ટ ગવર્નર વિનયકુમાર સકસેનાને મળ્યા હતા. એમણે કહ્યું કે બેઠક સમજણના સારા વાતાવરણમાં યોજાઇ હતી. એમણે લેફટેનન્ટ ગવર્નર અને એમની સરકાર વચ્ચેનો વિવાદ ટૂંકમાં ઉકલી જશે એવી આશા વ્યક્ત કરી છે. સીબીઆઇએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ત્યાં શહેરની એકસાઇઝ નીતિ : ૨૦૨૧-૨૨ની અનિયમિતતાઓને મુદ્દે ૧૯ ઓગસ્ટે દરોડા કર્યા એ પછી કેજરીવાલ અને  વિનય સકસેના શુક્રવારે પહેલી વાર મળ્યા હતા. અગાઉની ત્રણ બેઠકો કેજરીવાલ બહારગામ હોવાથી રદ કરવી પડી હતી.

- ઇન્દર સાહની

Gujarat