Get The App

પશ્ચિમ બંગાળમાં સોશ્યલ મીડિયા વોર

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
પશ્ચિમ બંગાળમાં સોશ્યલ મીડિયા વોર 1 - image

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ આવ્યા અને ભાજપે સરકાર બનાવી એ સમયગાળા દરમિયાન સોશ્યલ મીડિયા પર ભારે ઉત્તેજના રહી હતી. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો આક્રમક પોસ્ટ માટે એકબીજાને વખોડતા હતા. એક કિસ્સામાં તો ભાજપના નેતાઓ ટીએમસીના પ્રવક્તા રીજુ દત્તાની સોશ્યલ મીડિયા પોસ્ટ ખુદ વાયરલ કરતા હતા. કારણ એ હતું કે, રીજુ દત્તાએ માફી માંગીને ભાજપના વખાણ કર્યા હતા. વાત એવી હતી કે, રીજુ દત્તા એમના ડ્રાયવર સાથે પરિણામ પછી જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ભાજપના કાર્યકરોએ એમની કાર ઘેરી લીધી હતી. રીજુ અને એમના ડ્રાયવર ડરી ગયા હતા અને એ જ વખતે ભાજપના કેટલા કાર્યકરોએ કહ્યું કે ચિંતા કરશો નહીં તમને કઈ નહીં થાય. રીજુએ આ વાત કહેતો વીડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. ટીએમસીના એક મહિલા કાર્યકર બનાવટી ઇજા સાથે કેમેરા પર આવ્યા હતા, પરંતુ એમના માથા પરનો પાટો નીકળી જતા તેઓ પકડાઈ ગયા હતા. ભાજપે આ વીડિયો વાયરલ કર્યો હતો.

ભારત સરકારે બાંગ્લાદેશ પાસે મદદ માંગી

એક તરફ બાંગ્લાદેશ તિસ્તા નદી મામલે ચીનની મદદ માંગી રહ્યું છે. બીજી તરફ ભારતે હવે બાંગ્લાદેશ પાસે મદદ માંગવાનું નક્કી કર્યું છે. વર્ષોથી ભારતમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યાની ઘૂસણખોરી મોટી સમસ્યા છે. સરહદેથી ભારતમાં ઘૂસ્યા પછી આ બધા ઘૂસણખોરો આખા દેશમાં પહોંચી જાય છે. આ ઘૂસણખોરો પાસે બીજી કોઈ આવડત નહીં હોવાથી મોટા ભાગના ગેરકાયદેસર કામો કરીને દેશને અંદરથી ખોખલો કરે છે. હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, આ બધા ઘૂસણખોરોને ભારતના કાયદા મુજબ પરત મોકલવામાં આવશે. ભારતે બાંગ્લાદેશ સરકાર પાસે પેન્ડીંગ નેશનાલીટી વેરીફિકેશન કેસોમાં ઝડપ લાવવા માંગણી કરી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો પછી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથે આ બાબતે ચર્ચા કરી છે.

મહિલા નેતા અગ્નિમિત્રા પોલ કોણ છે

પશ્ચિમ બંગાળની નવી સરકારમાં મંત્રી બનેલા અગ્નિમિત્રા પોલની ચર્ચા સંપૂર્ણ રાજ્યમાં થઈ રહી છે. અગ્નિમિત્રા પોલ ભાજપના ઉપાધ્યક્ષ છે. પોલે આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડી હતી. એક સમયે એમનું નામ મુખ્યમંત્રી તરીકે પણ રેસમાં હતું. જોકે અમિત શાહ પહેલેથી જ શુભેંદુ અધિકારીને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. અગ્નિમિત્રા પોલે મુખ્યમંત્રી બનવા માટે પીએમ ઓફિસ સાથે પણ લોબિંગ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપને જીતાડવા માટે ૫૧ વર્ષના અગ્નિમિત્રા પોલે ખૂબ મહેનત કરી હતી. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ ફેશન ડિઝાઇનર હતા. એમની સામે ગેરકાયદેસર ટોળી રચવી, હિંસક પ્રદર્શન, કાયદાકીય હુકમોની અવગણના કરવી, સાર્વજનીક વ્યવસ્થાનો ભંગ કરવો જેવા ૨૩  ફોજદારી ગુનાઓ છે. જોકે અત્યાર સુધી એમની સામે કોઈ કેસ પુરવાર થઈ શક્યો નથી.

શુભેંદુ અધિકારીએ કેમ લગ્ન કર્યા નહીં

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને સતત બે ચૂંટણીમાં હરાવીને મુખ્યમંત્રી બનેલા શુભેંદુ અધિકારીની પકડ સગઠન પર મજબૂત છે. તેઓ હિમંત બિશ્વા સરમા અને યોગી આદિત્યનાથ જેવા આક્રમક નેતા ગણાય છે. શુભેંદુ અધિકારીએ લગ્ન કર્યા નથી. એમણે વર્ષો પહેલા આ બાબતે કહ્યું હતું કે, 'હું કુવારો છું અને લગ્ન નહીં કરવાનો સોથી મોટો ફાયદો એ છે કે મને કામ કરવાનો પુરતો સમય મળે છે. મારી કોઈ વ્યક્તિગત જવાબદારી નથી.' શુભેંદુ અધિકારી ૧૯૮૭થી જ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. સ્વતંત્રતા સેનાની સતિષ સામંતા, સુશીલ ધારા અને અજય મુખર્જી એમના આદર્શ છે. યોગાનું યોગ આ ત્રણે પણ અપરણીત હતા અને એમની આત્મકથા વાચીને શુભેંદુએ લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું.

કેન્દ્ર સરકારે કર્યો સેન્યમાં ફેરફાર

ભારત સરકારે દેશની સેન્ય વ્યવસ્થામાં મોટા ફેરફાક કર્યા છે. બે અગત્યની નિમણૂક કરવામાં આવી છે. સરકારે લેફટનેન્ટ જનરલ એન એસ રાજા સુબ્રમણીને દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીબીએસ) નીમ્યા છે. વાયસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને ભારતીય નૌસેનાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. લેફટનેન્ટ જનરલ એન એસ રાજા સુબ્રમણી ૩૦મી મેએ જનરલ અનીલ ચૌહાણની જગ્યા લેશે. આ ઉપરાંત તેઓ મીલીટરી અફેર્સના સચીવ તરીકેની જવાબદારી પણ નિભાવશે. સીડીએસનો હોદ્દો થલસેના, નૌસેના અને વાયુસેના વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપી શકાય એ માટે બનાવવામાં આવ્યો હતો. સીડીએસ રાષ્ટ્રીય સુરક્ષા અને યુદ્ધની રણનીતિમાં સરકારના સલાહકાર તરીકે કામ કરે છે. રાજા સુબ્રમણી પાસે ચાર દાયકાથી વધુનો અનુભવ છે.

ચંદ્રનાથ હત્યાકાંડમાં સોપારી કીલરની સંડોવણી

બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીના પીએસ ચંદ્રનાથ રથની હત્યા પછી એસઆઇટીની રચના કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ એસઆઇટી કરી રહી છે. એસઆઇટીને શંકા છે કે આ હત્યાકાંડ પછાળ સોપારી કીલરોનું સંગઠીત નેટવર્ક જવાબદાર છે. બંગાળની જેલમાં કેદ કેટલાક આરોપીઓથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી લિંક શોધવામાં આવી છે. આ બાબતે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બીજી મોટર સાયકલ બારાસાતના રેલવે ગેટ નંબર ૧૧ પાસેથી જપ્ત કરવામાં આવી છે. આ પહેલા કોલકત્તા એરપોર્ટ નજીકથી મળેલી મોટર સાયકલના નંબર બનાવટી હતા. પોલીસે ઘટના સ્થળ નજીકથી એક કાર પણ જપ્ત કરી છે જેનો નંબર પણ બનાવટી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, સીગીગુડીની એક વ્યક્તિએ પોતાની કાર વેબસાઇટ પર વેચવા માટે જાહેરાત આપી હતી. ત્યાર પછી ઉત્તર પ્રદેશથી કોઈ વ્યક્તિનો આ કાર ખરીદવા માટેનો ફોન આવ્યો હતો. આ કારનો ઉપયોગ હત્યા માટે થયો હતો.

મહારાષ્ટ્રમાં હવે ફેક ન્યુઝ મૂકતા પહેલા ચેતજો

સોશ્યલ મીડિયા પર આજકાલ ફેક ન્યુઝ વધી રહ્યા છે. કેટલીક વેબસાઇટો આવા ફેક ન્યુઝ શોધવાનું કામ કરે છે, પરંતુ ફેક ન્યુઝને કારણે થતું નુકસાન અટકી શક્યું નથી. મહારાષ્ટ્ર સરકારે હવે સોશ્યલ મીડિયા પર કોઈ પુરાવા વગર બદનામી કરવા માટે મુકાતી પોસ્ટ બાબતે કડક થવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્રમાં બદનામ કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. આને કારણે સમાજમાં ઘણાની બદનામી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર હવે કાયદામા ફેરફાર કરીને નવો કાયદો લાવશે. આ માટે એક સમીતિ પણ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી આ કમીટિના અધ્યક્ષ રહેશે. ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કયા કાયદા હેઠળ પગલા લેવા એ નક્કી કરવામાં આવશે. ટેક્નીકલ કારણો આગળ ધરીને બચી જનાર વ્યક્તિઓ સામે હવે ગંભીર કાયદાનો ઉપયોગ થશે.